વૈષ્ણવ ૦૭ - રામદાસજી ji
કીર્તનના શબ્દો
॥ વાર્તા ૭ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક રામદાસજી સારસ્વત બ્રાહ્મણ પૂર્વમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહે છે -
ભાવપ્રકાશ: એ રામદાસ લીલામાં રાધા સહચરીની સખી છે. પ્રેમમંજરી એમનું નામ છે એ કુમારિકાના યુથમાં છે. રામદાસના પિતાની પાસે દ્રવ્ય ઘણું હતું. પરંતુ પુત્ર ન હતો તેમણે સૂર્યની ઉપાસના બહુ કરી તેથી સૂર્યપ્રસન્ન થઈને એક પુત્ર આપ્યો. તે રામદાસજી આઠના વર્ષના થયા ત્યારે પિતાએ રામદાસનો વિવાહ કર્યો, પછી દેહ છોડી. રામદાસને એક મર્યાદામાર્ગીય વૈપ્ણવનો સંગ થયો. મર્યાદામાર્ગીય વૈષ્ણવે કહ્યું, કોઈ તીર્થ કર્યું છે? રામદાસજ કહ્યું, પિતાનો દેહ છૂટ્યો હવે ઘર છોડીને કેવી રીતે જવાય? તે મર્યાદામાર્ગીય વૈષ્ણવે કહ્યું, ભલે ગંગાસાગર તો તારી પાસે છે. ત્યાં તો નાહી આવો. ચાલો હું સાથે આવું, ત્યારે રામદાસ ચાલ્યા પછી તે વૈષ્ણવ સાથે ગંગાસાગર જઈ ન્હાયા, ત્રણ દિવસ ત્યાં રહ્યા. ચોથા દિવસે ત્યાં ન્હાઈને ગંગાસાગરના કિનારે રસોઈ કરવા માટે થોડીક રેતી ખોદી તો લાલજીનું સ્વરૂપ ત્યાંથી નીકળ્યું. તે સ્વરૂપને રામદાસજી એ ગંગાસાગરના જલથી ન્હવડાવી તે મર્યાદામાર્ગીય વૈષ્ણવને કહ્યું, કે મને ભગવત્સ્વરૂપ પ્રાપ્ત થયું છે. મર્યાદામાર્ગીય વૈષ્ણવે કહ્યું, તારાં મોટાં ભાગ્ય છે તમે એની પૂજા કરજો, પરંતુ તમે સેવક કોઈના છો? રામદાસજી સોળના વર્ષ હતા, તે કહે, હું સેવક તો હજુ નથી થયો. મર્યાદામાર્ગીય વૈષ્ણવે કહ્યું, હું તને સેવક કરું. જો તમારું મન હોય તો. રામદાસજી કહે, ઘેર જઈને સ્ત્રી સહિત સેવક થઈશ. પછી તે મયદિામાર્ગીય વૈષ્ણવે કહ્યું, શ્રીવલ્લભાચાર્યજી કે જેમણે દક્ષિણમાં અને કાશીમાં માયાવાદ ખંડન કર્યો છે તેઓ પુરુષોત્તમપુરીમાં પધાર્યા છે. એનું શરણઃ તને મળે તો તારાં મોટાં ભાગ્ય.
ત્યારે આ સાંભળતાં રામદાસજી શ્રીઠાકુરજીને લઈને ઘરે વહેલા ચાલ્યા ને મર્યાદામાર્ગીય તો ગંગાસાગર ઉપર રહ્યો. રામદાસ ચોથી મજલ (મુકામ) કરી પોતાના ગામની બહાર એક બગીચો છે ત્યાં મધ્યાન્હ સમે આવ્યા તે સમયે આચાર્યજી પણ પુરુષોત્તમપુરી (જગન્નાથજી) એક દિવસ પહેલાં ત્યાં આવીને ઊતર્યા હતા. શ્રીઆચાર્યજી રામદાસને કહે, તમને ગંગાસાગરમાં ભગવત્સ્વરૂપ પ્રાપ્ત કેવું થયું છે? તે અમને દેખાડ, ત્યારે રામદાસ ચકિત થઈ રહ્યા. મનમાં કહે હું હમણાં જ ચાલ્યો આવું છુ, કોઈને ભગવત્સ્વરૂપ દેખાડ્યું પણ નથી. તેથી એ મહાપુરુષ છે. પાસે જે વૈષ્ણવો હતા તેમને પૂછયું કે આ મહાપુરુષનું નામ શું છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, શ્રીવલ્લભાચાર્યજી સઘવે પ્રસિદ્ધ છે. માયાવાદ ખંડન કરી ભક્તિમાર્ગને સ્થાપન કર્યો છે. રામદાસે ત્યારે સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી! મહારાજ મ્હારા ઘરે પધારો અને મને શરણે લ્યો. શ્રીઆચાર્યજી કહે, તમે સારસ્વત બ્રાહ્મણ છો, તમારે ક્ષત્રીથી ખાનપાનનો વ્યવહાર કેમ છૂટશે. રામદાસ કહે આપની કૃપાથી મ્હારે દ્રવ્ય ઘણું છે. હું તો કોઈથી જલનો વ્યવહાર પણ નહીં રાખું. આપ આજ્ઞા કરશો તેમ કરીશ, પછી શ્રીઆચાર્યજી પ્રસન્ન થઈને રામદાસના ઘરે પધાર્યા અને સ્રી સહિત રામદાસને નામ સમર્પણ કરાવ્યું. શ્રીઠાકુરજીને પંચામૃતથી સ્નાન કરાવી પાટ બેસાડ્યા. શ્રીઠાકુરજીનું નામ શ્રીનવનીતપ્રિયાજી ધર્યું. પાંચ રાત્રિ રામદાસના ઘરે રહીને બધી રીતિ સેવાની બતાવી, પછી પૃથ્વી પરિક્રમા કરેવા પધાર્યા.
વાર્તાપ્રસંગ ૧: તે રામદાસજી આઠે પહોર અપરસમાં રહેતા. જલપાન બીડાં અપરસમાં લેતા.
ભાવપ્રકાશ: એ રહી એમ જણાવ્યું કે લૌકિક કોઈથી બોલતાં નહિ, વ્યવહાર વાણિજ્ય કંઈ ન કરતા. સ્ત્રીવર્ગ પણ છોડ્યો.
આ પ્રકારે ભગવત્સેવા કરતા શ્રીઠાકુરજીનો નેક પણ ઘણો હતો. દ્રવ્ય પણ ઘણું હતું પછી કેટલા, દિવસમાં દ્રવ્ય ઘટ્યું થોડુંક બાકી રહ્યું.
ભાવપ્રકાશ: તેનો અભિપ્રાય એ કે તેમને રેચક દ્રવ્યોનો અહંકાર હતો, તે અન્યાશ્રય છોડાવી શ્રીઠાકોરજીને દીનતા કરાવવી છે તેથી દ્રવ્ય થોડુંક રહ્યું. રામદાસે વિચાર કર્યો કે કંઈ દ્રવ્યનો ઉપાય કરવો જોઈએ. પૂર્વ દેશમાં કપડાં વણાવે છે. તેને તાંતી (વણકરોનો મુખી) કહે છે. તે તાંતી-લોકોને રામદાસે વ્યાજે દ્રવ્ય આપ્યું. તેનું વ્યાજ ઘણું આવવા લાગ્યું ત્યારે રામદાસજીના મનમાં કંઈક હર્ષ થયો. ઠાકુરજીએ આજ્ઞા કરી કે મને તાંતી લોકો ઉપર રાખ્યો?
ભાવપ્રકાશ: તેનો આશય એ કે હું તો ભાવ-પ્રીતિથી પ્રસન્ન છું. તે પહેલા દ્રવ્ય ઉપર રાખ્યો, દ્રવ્ય ઘટ્યું ત્યારે વ્યાજ ઉપર રાખ્યો. તાતીનું વ્યાજ આવે તેનાથી મારી સેવા કરી વ્યાજનું દ્રવ્ય મહાહીન, દ્રવ્યનો મેલ, તેનાથી સેવા કરે તેના ઉપર હું કેમ રહીશ?
ભાવપ્રકાશ: તે એથી કે મેં મોટું કામ કર્યું. હવે ભગવદીચ્છા હશે તે થશે. પરંતુ એવું કામ ન કરવું. પછી તાંતી લોકો પાસે ગયા અને કહે. મારું બધું દ્રવ્ય દો. ત્યારે તાંતી લોકોએ કહ્યું, તમને વ્યાજ આપી જઈએ છીએ તો દ્રવ્ય કેમ દઈએ? શું થોડા દિવસોમાં જ માગવા લાગ્યા? રામદાસજી કહે, મારે બાલક સાથે કામ પડ્યું છે બાલક કહે તેમ કરવું જોઈએ.
ભાવપ્રકાશ: ઓ કહી એમ જણાવ્યું કે બાલકના વિચાર પરસ્પર વિરુદ્ધ હોય તે હોય છે. રમકડાંને ઊંચે બેસાડે, કોઈને નીચે બેસાડે, કોઈને તોડી નાખે તેવો જ પ્રભુનો સ્વભાવ,મ. કર્તું, અકર્તું, અન્યથા કર્તુમ સર્વસામર્થ્ય વાન જે મનમાં આવે તે કરે, એ સિદ્ધાંત કહ્યો. પરંતુ તાંતીએ જાણ્યું કે કોઈ બાલક ઘરમાં હશે. બધું દ્રવ્ય ભેગું કરીને રામદાસજીને આપ્યું તે ઘરે લાવ્યા, પછી સેવા કરવા લાગ્યા. થોડા દિવસમાં બધું દ્રવ્ય ખૂટી ગયું.
ભાવપ્રકાશ: હવે દ્રવ્યનો આશ્રય છૂટ્યો. પરંતુ પહેલાનો ગર્વ છે. તેનું બીજ છે તે શ્રીઠાકુરજી હવે દૂર કરશે.
પછી રામદાસજી એક વાણિયાને ત્યાંથી ઉધાર લાવવા લાગ્યા. ત્યારે માથે ૠણ થયું. તેથી વાણિયો એમને ટોકે, તે વાણિયાને ત્યાંથી ઉપાડવું છોડીને બીજા વાણિયાને ત્યાં ઉપાડવા લાગ્યા. એક દિવસે એ વાણિયાએ બહુ તકાદો કર્યો અને કહ્યું કે હવે મારે ત્યાંથી ઉપાડ નથી કરતા તો મારા પૈસા ચુકાવી દો. વાણિયાને બહુ કહી-સંભળાવીને વિદાય કર્યો. પરંતુ લાજને મારે રામદાસને બહુ દુઃખ થયું.
ભાવપ્રકાશ: એમાં પાછળનો અહંકાર દોષ દૂર થયો.
પછી શ્રીઠાકુરજીએ રામદાસનું રૂપ કરીને તે વાણિયાનું કરજ બધું ચુકાવી દીધું. રૂપિયા સો વિશેષ આપી પોતાના શ્રીહસ્તથી રામદાસના ખાતામાં જમા લખી આપ્યા. કેમકે રામદાસજીનું દુ:ખ સહ્યું ન ગયું.
ભાવપ્રકાશ: જાણ્યું કે મારા માટે એટલું દુઃખ થયું છે તેથી શ્રીઠાકુરજીએ કરજ ચુકાવ્યું. પરંતુ સો રૂપિયા વિશેષ ધર્યા તેનું કારણ એ કે વિશેષ ધર્યાથી કદાચિત દ્રવ્ય સબંધી પ્રસન્નતા કે ગર્વ થાય તો પુષ્ટિમાર્ગીય ફલ ન મળે, દાસભાવ જતો રહે. શ્રીઠાકુરજીએ કરજ ચુકાવ્યું. રામદાસ બેસી રહે તેથી સો રૂપિયા વધુ આપ્યા. આ પરીક્ષા માટે અને કંઈક બીજા વાણિયાનું પણ કરજ થયું છે તે માટે અને કંક ખર્ચને માટે.
પછી એક દિવસ રામદાસને વૈષ્ણવો બોલાવવા આવ્યા. તેમની સાથે રામદાસજી ચાલ્યા. તે પેલા વાણિયાની દુકાન આગળ થઈને નીકળ્યા ત્યારે વાણિયાની નજર બચાવી આનાકાની કરીને નીકળ્યા. કેમકે એ માંગશે. તે વાણિયાએ રામદાસને જોયા અને વિચાર્યું, કે એ નજર બચાવીને એથી આગળ નીકળ્યા કે મેં તેમનાથી તકાદો ઘણો કર્યો છે. એટલે વાણિયો રામદાસની આગળ આવી પગે પડ્યો ને કહ્યું, મારું અભાગ્ય કે તમે મારી દુકાનથી ઉપાડ નથી કરતા. પરંતુ સો રૂપિયા વધારે ધર્યા તે તો તમે લઈ જાવ! રામદાસજીએ કહ્યું કે હું આવીશ, હમણાં કામે જાઉ છું. વાણિયો દુકાન પર આવ્યો. રામદાસજીએ વિચાર કર્યો કે મેં તો દ્રવ્ય આપ્યું નથી, તેથી રખેને ઠાકુરજીએ એને આપ્યું હોય! વૈષ્ણવને ત્યાં જઈ કંઈ અડકા અડકીનું કામ હતું તે બતાવી પછી રામદાસજી તે વાણિયાને દુકાન પર આવી કહે, તારો હિસાબ દેખાડ. વાણિયાએ કહ્યું, તમે હિસાબ ચુકાવી રૂપિયા સો અધિક ધરી તમારા હાથથી લખી ગયા છો, છતાં ફરી જોઈ લો ત્યારે ખાતાવહીમાં શ્રીઠાકુરજીના હસ્તાક્ષર જોયા. પણ ચૂપ કરી રહ્યા. ઘરે આવીને વિચાર્યું કે હવે ઘરમાં રહેવું નહિ, ચાકરી કરીશ.
ભાવપ્રકાશ: એનું કારણ એ કે ઘરમાં રહું તો શ્રીઠાકુરજીને શ્રમ થાય. દ્રવ્ય ખાવું પડે, સ્ત્રીની પ્રીતિ સાધારણ છે. તેથી તે ખાશે.
એક ઘોડો લીધો, હથિયાર બાંધી ચાકરી કરવા પ્રયાગમાં આવ્યા. ત્યાં જલપાન, બીડાં, અપરસ વગેરે લેવા લાગ્યા.
ભાવપ્રકાશ: એનું કારણ એ કે કંઈક અપરસનો અહંકારં હતો, કે બીજાથી આવી અપરસ નથી રાખી શકાતી. શ્રીઠાકુરજીએ તે છોડાવી અહંકાર મટાડ્યો. વળી એ જણાવ્યું કે અપરસ શા કામની, જેમાં શ્રીઠાકુરજીને શ્રમ પડે? એક દિવસ રામદાસજી પ્રયાગથી અડેલમાં શ્રીઆચાર્યજી મહાપ્રભુનાં દર્શન કરવા આવ્યા તે પાંચે કપડાં પહેરી, હાથિયાર બાંધી દંડવત કર્યા. શ્રીઆચાર્યજીએ રામદાસને જોઈને કહ્યું ધન્ય છે, વૈષ્ણવ પાસે બેઠા હતા, તે કહેવા લાગ્યા, મહારાજ! હવે એને ધન્ય કેમ કહો છો? એની અપરસ તો છૂટી, સિપાઈઓમાં રહે છે. અને હથિયાર બાંધે છે. શ્રીઆચાર્ય કહે, એ ધન્ય છે, શ્રીઠાકુરજીને શ્રમ કરાવતો નથી. એના સમાન ધીરજ કોઈનો નથી, એમ શ્રીમુખથી કહ્યું.
ભાવપ્રકાશ: તેનું કારણ એ કે શું ઘણી અપરસ રાખવાથી કામ થાય છે? પુષ્ટિમાર્ગીય ધર્મ ઘણો કઠિન છે, દ્રવ્ય બધું ગયું, ૠણ માથે થયું, પરંતુ ધીરજ નહિ છોડી મન શ્રીઠાકુરજીમાં રહ્યું. હૃદયમાં ચિંતારૂપી કષ્ટ નહીં થયું, પછી શ્રીઠાકુરજીએ ૠણ ચુકાવ્યું તેથી મનમાં પ્રસન્ન ન થયા અને ચાકરીનું કામ કર્યું. હવે દેન્યતા થઈ અને મન શ્રીઠાકુરજીમાં છે, તે આશયથી, શ્રીઆચાર્યજીએ (એમને) ધન્ય કહ્યા.
વાર્તાપ્રસંગ ૨: બીજું શ્રીઆચાર્યજીના દ્વાર આગળ એક ખાડો હતો. તે પોતે ન્હાવાને પધાર્યા. ત્યારે કહે આ ખાડો હજુ પૂર્યો નથી? એમ કહીને આપ તો યમનાજી સ્નાન માટે પધાર્યા, બધા વૈષ્ણવો ખાડો પૂરવા લાગ્યા. રામદાસજીએ એક મોટો ટોકરો લઈ ખાડો પૂરવા લાગ્યા. શ્રીઆચાર્યજી પોતે રામદાસને ખાડો ભરતા જોઈ ત્યારે તેમના બધા કપડા ધૂળથી ભર્યા. જોઈને ફરી આપ પ્રસન્ન થઈ કહે, રામદાસ ધન્ય છે.
ભાવપ્રકાશ: તે એથી કે બીજા વૈષ્ણવો સારાં કપડાં ઉતારી એક ધોતી પહેરી ખાડો ભરવા લાગ્યા. રામદાસે શ્રીઆચાર્યજીની આજ્ઞા સાંભળીને પરમભાગ્ય અને સેવા માની ખાડો ભર્યો. સિપાઈપણાની લાજશરમ બધી છોડી. તે ઉપર શ્રીઆચાર્યજી બહુ પ્રસન્ન થયા. આ પ્રકારે ભગવત્સેવામાં પણ પ્રતિષ્ઠા મનમાં ન લાવવી, નાની મોટી સેવા ભાગ્ય માનીને કરવી એ સિદ્ધાંત સૂચવ્યો.
રામદાસજી એક વર્ષમાં દ્રવ્ય બહુ કમાઈ આવ્યા પછી સારી રીતે સેવા કરવા લાગ્યા.
ભાવપ્રકાશ: શ્રીઠાકોરજીને ધીરજ જોવી હતી, દ્રવ્યની તો શી વાત છે? જે જોઈએ તે બધું સિદ્ધ છે.
વાર્તાપ્રસંગ ૩: એક દિવસ સ્તીએ કહ્યું, તમે બીજો વિવાહ કરો તો સંતાન થાય.
ભાવપ્રકાશ: તેનું કારણ એ કે સ્ત્રીને રામદાસના અભિપ્રાયની ખબર નથી. તેથી જાણ્યું કે મારાથી રાજી નથી તો બીજો વિવાહ કરો. વિવાહ કરવાથી એક પુત્ર થાય. ત્યારે રામદાસે કહ્યું કે મને પુત્રની ઇચ્છા નથી. સ્ત્રીએ કહ્યું કે મારે એક પુત્રની ઈચ્છા છે. રામદામે કહ્યું કે તારી ઇચ્છા છે તો શ્રીનવનીતપ્રિયાજીની સેવા બાલ ભાવેથી કર. જેમ ખાનપાનથી પુત્રને લૌકિકમાં પ્યાર કરે છે તેમ ઠાકુરજીને કર, તારો મનોરથ પૂરો થશે. કેટલાક દિવસમાં પુત્ર થયો.
ભાવપ્રકાશ: રામદાસજીએ તો ભાવરૂપ અલૌકિક વાત કહી છે કે શ્રીઠાકુરજીનો બાલભાવથી લાડ કરાવીશ (પ્રેમ કરીશ) તો તે જ બાલરૂપ થશે. (બાલક વત સુખ આપશે) યશોદાજીના સૌભાગ્યને મેળવીશ. પરંતુ સ્ત્રી ઉત્તમ અધિકારી હોય તો સમજે. પુત્રની કામના સહિત શ્રી ઠાકુરજીની બાલભાવથી સેવા કરી એટલે શ્રીઠાકુરજીએ પુત્ર આપ્યો. રામદાસનું કહેલું ફળ ન મળ્યું. રામદાસનું મન કોઈ દિવસ લૌકિક કામમાં ન ગયું તેથી શ્રીઆચાર્યજી પ્રસન્ન રહેતા. રામદાસના ભાવની વાત ક્યાં સુધી કહીએ?
તે રામદાસ શ્રીઆચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાતનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. ॥ વાર્તા ૭ ॥