Vaishnav 14 - Narayndas Brahmchari
Lyrics
The English words are not available yet. Showing the Gujarati text.
॥ વાર્તા ૧૪ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક નારાયણ બ્રહ્મચારી, સારસ્વત બ્રાહ્મણ મહાવનમાં રહેતા તેમની વાતનો ભાવ કહીએ છીએ -
વાર્તાપ્રસંગ ૧: તે નારાયણદાસ બ્રહ્મચારીને માથે શ્રીગોકુલચંદ્રમાજી પધરાવ્યા, તે પ્રકાર એક ક્ષત્રાણીની વાતમાં કહીશું. જયાં ચાર સ્વરૂપો વૈપ્ણવોના માથે પધરાવ્યા છે.
ભાવપ્રકાશ: નારાયણદાસ લીલામાં સોળ હજાર અગ્નિકુમારિકાં છે. તેમાં મુખ્ય જે રાધા સહચરી છે તેમની સખી. મધુરેક્ષણા એમનું નામ છે. મધુર છે ઇક્ષણ એટલે દષ્ટિ જેની તે મધુરેક્ષણા શ્રીઠાકુરજીના મુખની સુંદરતાં જોતાં જ તે દેહનું ભાન ભૂલી જતી. એવી સ્વરૂપાશક્તિ હતી. સ્વરૂપનું ચિત્વન અષ્ટ પ્રહર કરતી.
તે નારાયણદાસ શ્રીગોકુલચંદ્રમાજીની સેવા સારી રીતિથી કરતા, ગાયને ઘાસ ધોઈને ખવડાવતા. કેમ જે રખે દૂધમાં રજ આવે કારણ શ્રીઠાકુરજી અત્યંત સુકુમાર છે.
ભાવપ્રકાશ: એ કરી એમ જણાવ્યું કે દૂધમં રજનો સંદેહ કરતા. શાક સામગ્રી જલ બધામાં સારી રીતિથી ચોકસાઈ રાખતા કે જેથી પ્રભુને કોઈ વસ્તુમાં શ્રમ ન થાય.
નારાયણદાસ ત્યાગ દશામાં રહેતા. ઉત્તમ પ્રકારની ચુટી લેતા. કોરું અન્ન અલગ અલગ તથા વિના માંગે ઘરે આવે તેમાં નિર્વાહ કરતા. નારાયણદાસ જયાં જ્યાં પગ ધોવાને માટી લેતાં ત્યાં ત્યાં દ્રવ્ય જોતા. તેના ઉપર માટી નાખી દેતા પરંતુ દ્રવ્યોનો સ્પર્શ પણ ન કરતા. એક દિવસ રાત્રિએ તેમની ખાટની આસપાસ દ્રવ્ય ઘણું ફેલાયું. તે સવારે જોઈને ભત્રીજીને કહે, ધરમાં બગાડ પડ્યો છે તે ઝાડીને નાખી આવ. ભત્રીજીએ સાવરણીથી ઝાડીને નાખી દીધું. જગ્યા પણ લીપી નાખી.
ભાવપ્રકાશ: એનો આશય એ કે નારાયણદાસે બ્રહ્મચાર્ય બાલ્યકાલથી ધારણ કરી દ્રવ્ય મળવાના ઉપાયો ઘણા કર્યા પણ કંઈ પ્રાપ્ત ન થયું. પછી ચાલીસ વર્ષના થયા ત્યારે શ્રીઆચાર્યજીના સેવક જયારે થયા ત્યારે શ્રીઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન થયું અને દ્રવ્યનું પણ જ્ઞાન થયું.
દ્રવ્યને અગ્નિની વિષ્ટા (બગાડ) પણ કહે છે. તે આ પ્રકારે દ્રવ્યને જાણવા લાગ્યા ત્યારે રિદ્ધિ સિદ્ધિ એમને છળવાને આવી. તેથી જયાં ત્યાં દ્રવ્ય જોયું. પરંતુ વિષ્ટાવત જાણ્યું તેથી તેના ઉપર માટી નાખી. તે એથી કે બીજાનો હાથ આ માયા રૂપ દ્રવ્ય ઉપર પડશે તો તેનું પણ અનિષ્ટ થશે. તેથી ઉપર માટી નાખી દેતા અને જ્યારે ઘરમાં દ્રવ્ય ફેલ્યું દેખે ત્યારે ભત્રીજીને કહે કે બગાડ પડ્યો છે. પરંતુ પોતે જ અડે ન ઝાડે, ભત્રીજી પણ શ્રીઆચાર્યજીની સેવક અને કૃપાપાત્ર હતી અને નારાયમદાસના સ્વરૂપને જાણતી.
નારાયણદાસ તો 'મધુરેક્ષણા' રાધા સહચરીની સખી છે, અને સખી 'ચતુરા' તે ભત્રીજીનું નામ છે. તે નારાયણદાસને બહુ પ્રિય એ કારણ છે કે સામગ્રી કરવામાં બહુ ચતુર છે. બાલ વિધવા થઈ છે તેથી નારાયણદાસને ત્યાં રહેતી. તે લીલાનું નામ અહીં પણ ચતુરા હતું. ચતુરા ભત્રીજીએ નારાયણદાસનો શબ્દ સાંભળતાં જ દ્રવ્ય ઝાડીને બહાર નાખી દીધું. નારાયણદાસે તો ફક્ત ઝાડવાનું કહ્યું હતું પરંતુ એણે જાણ્યું કે નારાયણદાસે બગાડ કહ્યો છે. તેથી જગા પણ લીપવી એવી ઉત્તમ બુદ્ધિ ભત્રીજીની જોઈ શ્રીઠાકુરજી એનાથી બહુ પ્રસન્ન રહેતા. આ પ્રકારે બંને શ્રીગોકુલચંદ્રમાજીની સેવા કરતા.
વાર્તાપ્રસંગ ૨: વળી એક દિવસ શ્રીનારાયણદાસે ન્હાઈને મંદિરમાં જઈ શ્રીઠાકુરજીને મંગલ ભોગ ધરી પછી શ્રૃંગાર કર્યો. તે સમયે શ્રીઠાકુરજીના મુખચંદ્રની શોભા જોઈ ચકિત (વિસ્મિત) થઈ ગયા. ઘણીવાર સુધી જોઈ રહ્યા. પછી પૂછ્યું કે મહારાજ! આ ઘટા ક્યાં વરસશે! ત્યારે શ્રીઠાકુરજી પ્રસન્ન થઈને કહે કે રઘુનાથજીના ઉપર વરસશે. નારાયણદાસ પ્રસન્ન થયા.
ભાવપ્રકાશ: તેનું કારણ એ કે શ્રીરઘુનાથજીનું પ્રાકટ્ય રાધા સહચરીનું છે. એમને દંડકારણ્યમાં શ્રીરામચંદ્રજીનું વરદાન છે કે વ્રજમાં મનોરથ પૂર્ણ થશે. તેથી શ્રીગુસાંઈજીએ પણ પાંચમાં લાલજીનું નામ શ્રીરઘુનાથજી ધર્યું. જે બહુ રમાવે, બધાના મનને હરે તેને “રામ” કહીએ. શ્રીરઘુનાથજી પણ પરમ સુંદર રાધા સહચારી રૂપ અને સેવા સુંદર શ્રીગોકુલચંદ્રમાજી છે. રાધા સહચરી સખી નારાયણદાસ છે. તેથી શ્રીરઘુનાથજીના ઉપર ધટાની વૃષ્ટિ થવાનું સાંભળીને પોતે ઘણા પ્રસન્ન થાય કેમ કે અમારા સ્વામીનો સંબંધ સદા રહેશે.
વાર્તાપ્રસંગ ૩: વળી એક દિવસે નારાયણદાસ શ્રીઠાકુરજીને રાજભોગ ધરીને બહાર આવીને બેઠા, ત્યારે હૃદય ભરી આવ્યું. ભત્રીજીને કહે, શ્રીઠાકુરજી કેવી રીતિથી આરોગતા હશે? એ વિચાર કરવા લાગ્યા, ત્યારે ભત્રીજીએ કહ્યું, તમે આવું કેમ વિચારો છો? શ્રીઆચાર્યજીના સાધારણ સેવક શ્રીઆચાર્યજીની કા'નીથી (મર્યાદાથી) જે ભોગ ધરે છે તે પણ શ્રીઠાકુરજી આરોગે છે. તો તમે તો શ્રીઆચાર્યજીના કૃપાપાત્ર છો, તેથી તમારું સમર્પ્યુ તો આરોગે જ. ત્યારે નારાયણદાસે કહ્યું, બેટી! સાંભળ, શ્રીઠાકુરજી સુંદર રીતિથી આરોગ્યા ત્યારે જાણીએ, કે જ્યારે કોઈ વૈષ્ણવ અચાનક આવી મહાપ્રસાદ લે. ત્યારે જાણીએ કે સુંદર રીતિથી આપ આરોગ્યા છે.
ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે ભોગ ધરીએ તો આરોગે જ. પરંતુ અચાનકનો ભાવ એ છે કે વૈષ્ણવ નોતર્યા હોય ત્યારે તો વૈષ્ણવના ભાવથી અધિક સામગ્રી થાય અને શ્રીઠાકુરજી વૈષ્ણવના ભાવથી આરોગે. પરંતુ નોતર્યા ન હોત તો નિત્ય પોતાના ઘરે જે ખર્ચ થતો હોય તેટલી સામગ્રી થાય અને તેમાંથી વૈષ્ણવને લેવડાવે ત્યારે પોતાના ભાગમાંથી વૈષ્ણવે લીધું જાણીએ. એમ તો શ્રીઠાકુરજી બધાને મહાપ્રસાદ દે છે, એ કહી વૈપ્ણવે લીધું જાણીએ. એ કહી વૈષ્ણવમાં પ્રીતિ દેખાડી કે અચાનક વૈષ્ણવ આવ્યા. વૈષ્ણવ પર પ્રીતિ હોય તો પોતે ભૂખ્યો રહે અને વૈષ્ણવને લેવડાવે તો ઠાકુર આરોગ્યા જાણીએ તેથી શિક્ષાપાત્રમાં પણ કહ્યું છે કે -
“તદીવાશ્રેત્સ્વતસ્તુષ્ટાસ્તુષ્ટઃ કૃષ્ણો ન સંશયઃ”' તદીય સંતુષ્ટ આ રીતે થાય ત્યારે શ્રીઠાકુરજી સંતુષ્ટ (પ્રસન્ન) થયા જાણીએ. આ પ્રકારે નારાયણદાસના હૃદયમાં અનિવચનીય પ્રિતિ વૈષ્ણવ પર પણ હતી.
વાર્તાપ્રસંગ ૪: વળી એક સમય નારાયણદાસે શ્રીગોકુલચંદ્રમાજીનો શ્રૃંગાર કરીને શ્રુંગાર ભોગની ખીર સિદ્ધ કરી થાળમાં પધરાવી. એટલામાં એક વૈપ્ણવે નારાયણદાસને વધાઈ આપી કે શ્રીગોકુલમાં શ્રીઆચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યારે નારાયણદાસ તાતી ખીર ભરેલો થાળ શ્રીગોકુલચંદ્રમાજીને ભોગ ધરીને શ્રીઆચાર્યજીના દર્શને શ્રીગોકુલ ચાલ્યા. તે સમયે શ્રીઆચાર્યજી મહાપ્રભુ મહાવન પધારતા હતા, માર્ગેમાં દર્શન થયું. નારાયણદાસે દંડવત કર્યા. શ્રીઆચાર્યજી મહાપ્રભુ શ્રીમુખથી કહે, નારાયણદાસ શ્રીઠાકુરજીનો શો સમય છે? નારાયણદાસે વિનંતી કરી કે મહારાજ શ્રુંગાર ભોગ ધરી આપના દર્શને આવ્યો છું. શ્રીઆચાર્યજી ઉતાવળે પધાર્યા, તત્કાલ સ્નાન કરી મંદિરમાં પધાર્યા. ઝારી લઈને ત્યાં જુએ તો શ્રીગોકુલચંદ્રમાજી હાથ ખેંચી રહ્યા છે. શ્રીહસ્ત ખીરથી ભર્યા છે. સિંહાસન ઉપર, વસ્રો ઉપર, ખીરના છાંટા પડ્યા છે. શ્રીઆચાર્યજીએ ગોકુલચંદ્રમાજીને પૂછયું, કે બાવા! હાથ કેમ ખેંચી રહ્યા છો? શ્રીગોકુલચંદ્રમાજીએ કહ્યું, નારાયણદાસ ગરમ ખીર સમર્પીને ગયો મેં હસ્તથી ખીર ઉઠાવી તે ગરમ લાગી મેં હાથની આંગળી ચાટી છે. તેથી મારો હોઠ, હસ્ત વગેરે દાઝ્યા છે અને મંદિરમાં જયાં ત્યાં છાંટા પડ્યા છે. શ્રીઆચાર્યજી શ્રીહસ્તથી ઓષ્ટ દેખ્યા તો અત્યંત લાલ છે. પછી ખીર પંખાથી ઠંડી કરીને ભોગ ધર્યો. આપ બહાર આવ્યા ત્યારે નારાયણદાસને ખીજીને કહ્યું, કેમ તેં શ્રીઠાકુરજીને ગરમ ખીર સમર્પી? નારાયણદાસને કહ્યું, મહારાજ! આપની વધાઈ સાંભળી ઉતાવળમાં ખીર સમર્પી. શ્રીઆચાર્યજી કહે આજ પછી એવું કામ ક્યારેય ન કરીશ.
ભાવપ્રકાશ: એનો આશય એ કે નારાયણદાસ શ્રીઆચાર્યજીની વધાઈ સાંભળી પરવશ થઈ ગયા. તે જાણે કે ગરમ હશે તો શ્રીઠાકુરજી ઠંડી કરી લેશે પરંતુ શ્રીઆચાર્યજીના દર્શન માત વિલંબ કરવો એ ધર્મ નથી. આ ભાવી ગયા ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી નારાયણદાસના હાથનું ધર્યું ગરમ પણ હું આરોગું છું એ જણાવવાને માટે આખો હાથ ખીરમાં નાખીને ઝાટક્યો. તેમજ ઉતાવળમાં જો કોઈ ભોગ ધરે, શ્રુંગાર કરે, તો કંઈ અપરાધ પડે એ પણ જણાવ્યું. વળી નારાયણદાસે શ્રીઆચાર્યજીની પાસે જવાનું અલૌકિક મન કર્યું તો પણ સેવામાં આટલો શ્રમ શ્રીઠાકુરજીને થયો. તો પછી જો લૌકિક વૈદિક કાર્ય માટે કોઈ સેવામાં ઉતાવળ કરે તેને તો બહુ જ અપરાધ પડે એમાં કહેવું શું? તેથી સેવા કરતાં મન ઠેકાણે રાખવું. અથવા ખીરની સામગ્રીનું સ્વરૂપ પ્રકટ કર્યું કે ખીર શ્રીસ્વામીજીની ભાવની છે, અને શ્રુંગાર ભોગ પણ એમના જ ભાવનો છે. તેથી ખીરને જોતાં જ શ્રીઠાકુરજી પ્રેમથી પ્રથમ હસ્ત ખીરમાં નાખે છે. ખીર ઠંડી કરીને આંગળી નાખી તપાસી જેઈએ. ખમાય ત્યારે ભોગ ધરવો. એ સિદ્ધાંત દેખાડ્યો.
પછી સમય થયે શ્રીઆચાર્યજીએ આચમન, મુખ-વસ્ત્ર કરાવી બીડી આરોગાવીને ભોગ સરાવ્યા. ત્યારે શ્રીગોકુલચંદ્રમાજી , શ્રીઆચાર્યજીના બંને શ્રીહસ્ત પકડીને કહે આ ખીર-મહાપ્રસાદ આપ લો. શ્રીઆચાર્યજી કહે કે મહારાજ! જ્ઞાતિ-વ્વવહાર કઠણ છે તેથી મર્યાદા રાખવી જોઈએ. શ્રીગોકુલચંદ્રમાજી કહે મારી આજ્ઞા છે તેથી લો. શ્રીઆચાર્યજી મહાપ્રસાદ આરોગ્યા. તે દિવસથી ખીર અનસખડીમાં થાય છે.
ભાવપ્રકાશ: આમાં આ કારણથી શ્રીગોકુલચંદ્રમાજીએ કહ્યું કે ખીર જેવી સામગ્રીમાં જ્ઞાતિની મર્યાદા પોતાના ભક્તોમાં ન રાખો. ત્યારે આપ આરોગ્યા. તે દિવસથી ખીર અનસખડીમાં ગણી તેનુ કારણ એ કે અનસખડી શ્રીઠાકુરજી બધા ભોગમાં આરોગે છે. અને ખીર ઉત્સવના ભોગમાં ન રાખી નિત્યમાં રાખી. તેનું કારણ એ કે ઉત્સવમાં રાખે તો વૈષ્ણવો ઉત્સવમાં જ કરે, તેથી ખીર જે સદા પ્રિય છે એમાં ઋતુનો કે ઉત્સવનો વિચાર નહીં, જયારે બને ત્યારે કરીએ.
વાર્તાપ્રસંગ પ: આ પ્રકારે નારાયણદાસે સેવા બહુ કરી પછી એમની દેહ થાકી ત્યારે એક દિવસ નારાયણદાસને શ્રીઠાકુરજીએ કહ્યું કંઈ માગ! નારાયણદાસે શ્રીગોકુલચંદ્રમાજીને કહ્યું હું તમારી પાસે એ માગું છું કે શ્રીગુસાંઈજીને ઘરે પધારીને સેવા કરાવજો.
ભાવપ્રકાશ: તેનું કારણ એ કે શ્રીગુસાંઈજીના ઘર વિના શ્રીઠાકુરજી સુખ નહીં પામે. શ્રીગોકુલચંદ્રમાજી ઘણા પ્રસન્ન થયા કે તે મારું સુખ માગ્યું. પોતાનું સુખ કંઈ ન માંગ્યું. પછી નારાયણદાસની ભત્રીજીની દેહ છૂટી તેના ત્રીજા દિવસે નારાયણદાસની દેહ પણ છૂટી. એક કૃષ્ણદાસ સવારી મહાવનમાં રહેતા, જે નારાયણદાસની જ્ઞાતિના હતા અને શ્રીગુસાંઈજીના સેવક હતા તેમની પાસે થોડાંક દિવસ શ્રીગોકુલચંદ્રમાજીએ સેવા કરાવી.
ભાવપ્રકાશ: તે એથી કે લીલામાં એ પણ નારાયણદાસની સખી છે. મૂદુબેની એનું નામ છે, તેથી સેવા કરાવી. મથુરામાં શ્રીગુસાંઈજીના ઘરે પધાર્યા. એમની વાર્તામાં આ સિદ્ધાંત થયો કે બ્રહ્મચારીના ધર્મ દેખાડ્યા જે પોતાની મહાપ્રસાદની પાતળ વૈષ્ણવને ધરી પ્રસન્ન થવું. શ્રીઠાકુરજી પાસે પોતાનું સુખ ન માગ્યું, પ્રભુનું સુખ વિચાર્યું. આ પુષ્ટિમાર્ગની રીતિ છે.
તે નારાયણદાસની વાર્તાનો પાર નથી. તે ક્યાં સુધી કહીએ. ॥વાર્તા ૧૪ ॥