← All kirtans

Vaishnav 15 - Mahavan ni ek Kshatrani

84 Vaishanav Ni Vaarta

Lyrics

The English words are not available yet. Showing the Gujarati text.

॥ વાર્તા ૧૫ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુની સેવક ક્ષત્રાણી મહાવનમાં રહેતી, તેની વાતનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: એ ક્ષત્રાણી લીલામાં શ્રીસ્વામીજીની અંતરંગિની સખી છે, ભદ્રા એનું તામ છે. તે એક ક્ષત્રીના ઘરે જન્મી, અગિયાર વર્ષની થઈ ત્યારે માતા-પિતા તેના લગ્ન કરવાનું કહે ત્યારે એ કહે જે દિવસે મારું લગ્ન કરશો તે દિવસે વર મરશે, અને તમે પણ મરશો, ત્યારે ડરીને ચુપ થઈ રહેતા. તેર વર્ષની થઈ ત્યારે જ્ઞાતિમાં મા-બાપની નિંદા થવા લાગી, તેથી એકની સાથે સગાઈ કરી. પછી તે પરણવા આવ્યો, તે ફેરા ફરતાં જ એનાં મા-બાપ અને એનો વર, એ ત્રણે મરી ગયા. એ ઘરમાં એકલી રહે તેનાથી ગામમાં સંબંધી વગેરે કોઈ ન બોલે કેમ જે તેણે લગ્ન થતાં જ મા-બાપ અને વર બધાને માર્યા, તેથી એમાં પ્રીતિ કરશે તે પણ મરશે આવું લોકો કહેતા.

પછી નારાયણદાસના ધરે શ્રીઆચાર્યજી પધાર્યા ત્યારે આ ક્ષત્રાણીને દર્શન થયાં. તે શુદ્ધ જીવ હતી તેથી જાણ્યું કે આમની શરણે જઈએ. શ્રીઆચાર્યજીને દંડવત કરી વિનંતી કરી મહારાજ! મને અંગીકાર કરો. હવે મારે પ્રતિબંધ લૌકિક બધું છૂટ્યું છે. શ્રીઆચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું, પછી આ ક્ષત્રાણીએ કહ્યું મહારાજ! હવે મને શી આજ્ઞા છે? શ્રીઆચાર્યજીએ કહ્યું, ભગવત્સેવા કરો. ક્ષત્રાણીએ કહ્યું, મહારાજ! લીલામાં સદા આપની સેવા કરી છે અને આપે તો ભગવત્સેવા કરવાનું કહ્યું અને ભગવત્સેવા તો ઘણા લોકો કરે છે પરંતુ ચરણારવિંદ મળવા તો બહુ દુર્લભ છે. મને સાધનામાં ન નાખો, મને સદા આપની સેવા દો. જેથી સદા આપની પાસે રહું, અને આપના દર્શન કરું, મને એક આપના ચરણાવિંદનો આશ્રય છે. શ્રીઆચાર્યજી પ્રસન્ન થઈને કહે કે તે સાચું કહ્યું, પરંતુ અમારે પૃથ્વી પરિકમ્મા કરવી છે તેથી સ્નોત્રીજનનો સંગ ઠીક નહીં. શ્રીઆચાર્યજીએ કુમકુમ મંગાવી એક વસ્ત્ર ઉપર બંને ચરણમાં કુમકુમ લગાવી છાપ કરીને ક્ષત્રાણીને વસ્ત્ર આપ્યું અને કહ્યું, આની સેવા કરજે. હું તારી ઉપર પ્રસન્‍ન છું, તારા બધા મનોરથ પૂર્ણ થશે. ક્ષત્રાણી શ્રીઆચાર્યજીને સુંદર રીતથી ઘરમાં પધરાવી, શ્રીઆચાર્યજીની શ્રીસ્વામિનીજીના ભાવથી સેવા કરતી. શ્રીઆચાર્યજી તેને દર્શન આપતાં. બધા રસનો અનુભવ કરાવતા. શ્રીઆચાર્યજી પૃથ્વીપરિક્રમા કરતા કાશીમાં પધાર્યા.

અહીં એક દિવસ તે ક્ષત્રાણી શ્રીયમુના જલ ભરવા અપરસમાં ગાગર લઈને બ્રહ્માંડ ઘાટે ગઈ. તે ગાગર લઈ શ્રીયમુનાજીમાં પેઠી ત્યારે કિનારા ઉપર થોડા જલમાં ચાર સ્વરૂપો જોયાં. ક્ષત્રાણીએ કહ્યું, તમે પરમ સુંદર જલમાં કેમ બિરાજો છો? ચારે સ્વરૂપે કહ્યું કે તું અમને ઘેર પધરાવ. હવે થોડા દિવસોમાં શ્રીઆચાર્યજી પધારશે ત્યારે એમને આપજે. તે ક્ષત્રાણીએ કહ્યું હું ઘરમાં શ્રીઆચાર્યજીને પૂછી આવું, પછી પધરાવું. પછી ગાગર ભરીને જલદી દોડી આવી અને મંદિરમાં જઈ વિનંતી કરીને કહ્યું, મહારાજ! ચાર સ્વરૂપ શ્રીયમુનાજી કિનારે છે, તે કહે છે કે અમને પધારાવો તો શી આજ્ઞા છે! શ્રીઆચાર્યજીએ કહ્યું, જા જલદી પધરાવી લાવ, પછી આવીને ચારે સ્વરૂપને પધરાવીને મંદિરમાં વસ્ત્ર પહેરાવીને ભોગ ધર્યો. તેમાં આ જણાવ્યું કે તે ક્ષત્રાણીનું મમત્વ શ્રીઆચાર્યજીની સેવામાં હતું, ભગવત્સેવા ઉપર ન હતું. છતાં શ્રીઠાકુરજી ચાર સ્વરૂપે થઈ આપ જ પધાર્યા. તેથી શ્રીઆચાર્યજીની સેવા જેને છે તે વૈષ્ણવની પાસે શ્રીઠાકુરજી વિના યત્ન પોતાની મેળે પધારે છે.

એ વાત કાશીમાં શ્રીઆચાર્યજીએ જાણી ત્યારે આપ ત્યાંથી વ્રજમાં પધાર્યા. પ્રથમ અડેલ આવ્યા, પછી કડામાં પધાર્યા. કડામાં દેવાકપુર ક્ષત્રી હતા. ગદાધરના પાસે જ એમનું ઘર હતું. એક દિવસ ગદાધરદાસને ત્યાં વૈષ્ણવો મહાપ્રસાદ લેતા હતા અને ગદાધરદાસ પરોસતા હતા. આ દેવાકપુરનું ઘર કંઈક ઊંચું હતું. ત્યાંથી તેઓ જોતા હતા, ત્યારે એક વૈષ્ણવની પાસે બેસી શ્રીઠાકુરજી ભોજન કરતા હતા તેવા દર્શન થયાં. તે જોઈને દેવાકપુરને મૂર્છા આવી. પછી ઘડી એકમાં સાવધાન થઈ ગદાધરદાસની પાસે આવીને દેવાકપુર કહે. બધા વૈષ્ણવો ક્યાં ગયા? ત્યારે ગદાધરદાસે કહ્યું, મહાપ્રસાદ લઈને ઘરે ગયા. દેવાકપુરે કહ્યું તમારા વૈષ્ણવોની વચમાં શ્રીઠાકુરજીને ભોજન કરતા મેં જોયા અને મને મૂર્છા આવી. તેથી હવે હું દોડ્યો આવ્યો છું. હવે મને શ્રીઠાકુરજીનાં દર્શન કેવી રીતે થાય? ગદાધરદાસે કહ્યું, તારાં બહુ ભાગ્ય છે કે તને દર્શન થયાં. હવે દર્શન ક્યાં? ગદાધરદાસને કહ્યું, કોઈ ઉપાય બતાવો, હું તમારી શરણે છું. બધો જન્મ મેં એમ જ ખોયો. ગદાધરદાસે કહ્યું શ્રીઆચાર્યજીની શરણે જાવ, શ્રીઆચાર્યજીની કૃપાથી વૈષ્ણવોને શ્રીઠાકુરજી મળે છે, એમની કૃપાથી તમને પણ મળશે. હવે કાશીથી પધારે છે તે બે ચાર દિવસમાં અહીં પધારશે. દેવાકપુર ત્યારથી નિત્ય ગદાધરદાસને ત્યાં આવીને પૂછે કેમ? શ્રીઆચાર્યજી પધાર્યા? તેમને એટલી આર્તિ વધી કે ઘરનું કામ ભૂલી ગયા.

પછી બે ચાર દિવસ બાદ શ્રીઆચાર્યજી કડામાં પધાર્યા. દેવાકપુરે આવીને શ્રીઆચાર્યજીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ! કૃપા કરીને શરણે લો, ત્યારે ગદાધરદાસે શ્રીઆચાર્યજીને દેવાકપુરના સમાચાર કહ્યા કે આ પ્રકારે આમને વૈષ્ણવોમાં શ્રીઠાકુરજીનાં દર્શન આર્તિ થઈ છે, દેવી જીવ છે. ત્યારે શ્રીઆચાર્યજીએ પ્રસન્ન થઈ દેવાકપુરને નામ નિવેદન કરાવ્યું. દેવાકપુરે વિનંતી કરી, હવે મને શી આજ્ઞા છે? શ્રીઆચાર્યજી કહે તમે પણ અમારી સાથે વ્રજમાં ચાલો. ત્યાં શ્રીઠાકુરજી તમારા માથે પધરાવી દઈશું, તમે સેવા કરજો. દેવાકપુરની સ્ત્રી ઘરે રહી અને દેવાકપુર સાથે ચાલ્યા.

શ્રીઆચાર્યજી આગ્રા પધાર્યા. ત્યાં ગજ્જનધાવન ક્ષત્રી હતા, એમના પિતા પાસે દ્રવ્ય ઘણું હતું. ચાર બેટા હતા, તેમાં ગજ્જન નાના હતા. અને ઘરમાં ગજ્જનની માતા હતી. સ્ત્રીજનમાં બીજું કોઈ ન હતું. તે ગજ્જનના પિતાએ નાવના ઉપર ભવૈયાનો નાચ કરાવ્યો. તેમાં ગજજન સહિત ચારે બેટા અને ગામના મેળાપી સગાંસંબંધી મળી પચાસ-સાઠ મનુષ્યો હતા. રાત્રી અડધી ગઈ એટલામાં નાવ અકસ્માતે ફાટી એટલે બધા ડૂબ્યા, ગજ્જનના હાથે એક નાવનો ટુકડો પડ્યો, તે ગજ્જને પકડ્યો. તે લાકડાનો ટુકડો વહીને આગ્રાથી કોસ ચાર ઉપર આવ્યો, પછી સવાર થયું. ત્યારે ગજ્જન ઘરે આવ્યા. પોતાની માને બધા સમાચાર કહ્યા, જે ભાઈ-પિતા બધા ડૂબ્યા. ગજ્જનની માતા સતી થઈ, ગજ્જન હવે એકલા રહ્યા. વેપાર કરવો છોડી દીધો. બે ચાર ઘડી શ્રીયમુનાજી ઉપર જઈ બેસે પછી પોતાના ઘરમાં બેસી રહે. બહુ કોઈથી બોલવું નહીં. મનમાં વૈરાગ્ય આવ્યો કે પિતા-ભાઈ બધા મર્યા, અમે પણ મરીશું. શું કરીએ? ભગવાન કૃપા કરે તો સારું છે, આ પ્રકારે બધાથી ઉદાસ રહે.

અને જીયદાસ સૂરી ક્ષત્રી પણ આગ્રામાં રહેતા. તે જીયદાસ સાઠ વર્ષના થયા ત્યારે તેણે આગ્રામાં કોતવાલી લીધી. આખા આગ્રા ગામનો ન્યાય કરતા. એક દિવસ એક બ્રાહ્મણીનો અને એક શુદ્રનો ઝઘડો આવ્યો. તે બ્રાહ્મણીની પાસેથી શુદ્રે કરજ લીધું હતું તે દે નહીં ત્યારે બ્રાહ્મણી પુકારી (કોતવાલીમાં ગઈ) શુદ્રે થોડા રૂપિયા જીયદાસને આપ્યા અને કહ્યું, બ્રાહ્મણીને જૂઠી કરજો, જીયદાસે બ્રાહ્મણીને લોભના વશે જૂઠી કરી અને બળજબરીથી ફારગતી લખાવી લીધી. તે બ્રાહ્મણી કલ્પાંત કરવા લાગી. પછી જીયદાસના શરીરમાં કોઢ થયો, હવે જીયદાસ દેવી છે. તેથી જ્ઞાન થયું કે મેં બ્રાહ્મણીને લોભના વશે જૂઠી કરી છે. આ કોતવાલીનું કામ બહુ ખોટું છે એમ સમજી કોતવાલી છોડી. પછી બ્રાહ્મણીને બોલાવીને કહે, માતા! મેં લોભના વશ થઈને તમને આ પ્રકારે જૂઠી કરી છે. તેથી વ્યાજ સહિત રૂપિયા મારી પાસેથી લઈ જાવ. તમારા અપરાધથી મારી આ ગત થઈ છે. વ્યાજ સહિત એને રૂપિયા આપ્યા અને દશ રૂપિયા બીજા પોતાની તરફથી આપ્યા ત્યારે તે બહુ આશીર્વાદ દેવા લાગી. ત્યારથી જીયદાસ પણ વૈરાગ્ય કરી શ્રીયમુનાજીના કિનારે જઈને બેસે તે ત્રીજા પ્રહરે ઘરે આવી ખાનપાન કરતા. પછી થોડાક દિવસમાં જીયદાસની દેહ સારી થઈ, કોઢ બધો જતો રહ્યો.

એક દિવસ ગજ્જન શ્રીયમુનાજીના તીરે બેઠા હતા ત્યારે જીયદાસ પણ ત્યાં આવી પાસે બેઠા. પરસ્પર વાતો કરી ત્યારે ગજ્જને પોતાની વાત બધી કહી કે અમારે પિતા-ભાઈ બધા ડૂબી મર્યા. માતા સતી થઈ, ત્યારથી વૈરાગ્ય થયો છે. જીયદાસે પોતાની વાત કહી કે મેં બ્રાહ્મણીનું દ્રવ્વ અન્યાય કરીને લીધું તેથી મારી દેહ બગડી, ત્યારે જ્ઞાન થયું. હવે કોઈ પ્રકારથી ભગવાનની પ્રાપ્તિ થાય તો સારું. ગજ્જને કહ્યું, ચાહના તો મારેય છે પરંતુ કેવી રીતે મળે? ભગવાન તો કોઈ મોટા મહાપુરુષની કૃપા થાય તો મળે. જીયદાસે કહ્યું કે તે તો સાચું પરંતુ અમે મહાપાપી અમને મહાપુરુષ ક્યાં મળે? તેથી હવે ભગવાનનો આશ્રય કરી શ્રીયમુનાજીનો આશ્રય કર્યો છે, જે બને તે ખરું. એ પ્રકારે બંને જણા નિત્ય મળે અને વાતો કરે.

એમ કરતાં કડાથી શ્રીઆચાર્યજી આગ્રા પધાર્યા. આપ શ્રીયમુનાજીના તીરે સંધ્યા વંદન કરતા હતા. એટલામાં ગજ્જન અને જીયદાસ આવ્યા. તેમને શ્રીઆચાર્યજીનાં દર્શન થયાં ત્યારે બંનેએ વાતો કરી કહ્યું કે આ મહાપુરુષ છે. એમની શરણે જઈને પછી ગજ્જને કૃષ્ણદાસ મેઘનને પૂછયું કે આ કોણ છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, શ્રીઆચાર્યજી છે. દક્ષિણમાં અને કાશીમાં, માયાવાદ ખંડન કરી ભક્તિમાર્ગ સ્ફૂટ કર્યો છે. ગજ્જને અને જીયદાસે દંડવત કર્યા અને વિનંતી કરી મહારાજ! અમે સંસાર સમુદ્રમાં ડૂબીએ છીએ અમને શરણે લઈ ઉદ્ધાર કરો. શ્રીઆચાર્યજીએ શ્રીયમુનાજીમાં સ્નાન કરાવીને નામ-નિવેદન કરાવ્યું, પછી જીયદાસે કહ્યું, મહારાજ! અમારા ઘરે પધારો. જીયદાસના ઘરે પધારી જીયદાસના બે બેટા હતા, પુરુષોત્તમદાસ અને છબીલદાસ. તેમને નામ-નિવેદન કરાવ્યું. ગજ્જનનું ઘર ખાલી હતું. ત્યાં પધારીને સામગ્રી કરી ભોગ ધરી ભોજન કર્યું. ગજ્જન અને જીયદાસે વિનંતી કરી, મહારાજ! હવે અમને શું આજ્ઞા છે? શ્રીઆચાર્યજી કહે, અમારી સાથે શ્રીગોકુલ ચાલો. બંને જણાને શ્રીઠાકુરજી પધરાવી ઇઈશું, તે સેવા કરજો. ગજ્જન અને જીયદાસ સાથે ચાલ્યા. દેવાકપુર તો કડાથી સંગ આવ્યા જ હતા.

અને નારાયણદાસ બ્રહ્મચારી મહાવનમાં રહેતા. એમનો પિતા, મથુરામાં જઈ ક્ષત્રી પાસેથી જીવિકા લાવતો, તેનાથી નિર્વાહ થતો. એક દિવસ નારાયણદાસને સાથે લઈને તે મથુરા આવ્યો, ત્યાં એક ક્ષત્રીના ઘરે જઈ કંઈ માગ્યું. ક્ષત્રીએ રીસ કરીને કહ્યું કે ધિક્કાર છે બ્રાહ્મણને, નિત્ય સવાર થતાં જ તારો જન્મ માગતાં વીત્યો પરંતુ ક્યારેય પેટ ન ભરાણું. તને ક્યારેય લાજ પણ ન આવી! એ સાંભળતાં જ નારાયણદાસને ખોટું લાગ્યું, તે મહાવન ચાલી આવ્યા. પિતા બીજી જગ્યાએથી માગીને મહાવન આવ્યા ત્યારે નારાયણદાસે કહ્યું, હવે મારું મુખ ન જુઓ હું તારી લાવી ભીખ આદિ કંઈ નહીં ખાઉં. પિતાએ સમજાવ્યા કે આપણા બ્રાહ્મણનું એ જ કર્મ છે, માગવા જઈએ ત્યાં તો અનાદર પણ થાય અને માગીએ નહિ તો કામ કેમ ચાલે? નારાયણદાસે કહ્યું તમારું કર્મ માગવાનું છે તે માંગો, હું તમારે ત્યાં નહીં રહું. એમ કહીને તે તો યમુનાજીના તીરે બ્રહ્માંડ ઘાટે જઈ બેઠા અને જે આવે તેમાં નિર્વાહ કરે. ગાયત્રી જપે કોઈથી બોલે નહીં. એમ કરતાં નારાયણદાસના પિતા-માતાની દેહ છૂટી, તે પછી ઘરમાં રહ્યા. તેમણે દ્રવ્યનો ઉપાય સાધન ઘણાં કર્યા પરંતુ દ્રવ્વ ન મળ્યું. પછી એકાદશ સ્કંધમાં અષ્ટ સિદ્ધિનું વર્ણન છે તેના પણ સાધન ઘણાં કર્યા, પરંતુ સાધન કોઈ સિદ્ધ ન થયું. તેથી હાર માની રહ્યા. એમ કરતા ચાલીસ વર્ષના થયા ત્યારે વૈરાગ્ય આવ્યો જે દ્રવ્યની પાછળ આટલા વૃથા ખોયા. હવે મથુરા જઈ ભગવાનને માટે તપ કરું, જ્યાં ધૃવજીએ તપ કર્યું છે. પછી ત્યાં આવીને આખો દિવસ ગાયત્રી જપે રાત્રીએ પા શેર દૂધ લે. એ પ્રકારે છ દિવસ વીત્યા.

એટલામાં શ્રીઆચાર્યજી આગ્રાથી મથુરા પધાર્યા. આપ ધૃવધાટની ઉપર મધ્યાન્હની સંધ્યા કરતા હતા ત્યારે આપે નારાયણદાસની તરફ જોયું. નારાયણદાસના મનમાં એ આવ્યું કે એમનાં સેવક થઈએ તો શ્રીઠાકુરજી કૃપા કરે. એટલે શ્રીઆચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ! મને કૃપા કરી સેવક કરો. શ્રીઆચાર્યજી કહે, તમે બ્રહ્મચારી છો. પહેલાં તો દ્રવ્યને માટે બહુ ઉપાય કર્યો તે સિદ્ધ ન થયો. હવે તું શ્રીઠાફુરજીને માટે તપ કરે છે, તો પછી સેવક થવાનું કેમ કહે છે? નારાયણદાસે કહ્યું, મહારાજ! આપ પૂર્ણ પુરુષોત્તમ છો. મારા જન્મથી સઘળી વાત કહી દીધી. આપની કૃપા વિના શ્રીઠાકોરજી દુર્લભ છે. હું બહુ ભટક્યો છું, આપે મારા ઉપર કૃપા કરી ત્યારે મારું મન સેવક થવાનું થયું. તેવી જ કૃપા કરીને હવે શરણે લો.

પછી શ્રીઆચાર્યજીએ નારાયણદાસને નામ-નિવેદન કરાવ્યું. નારાયણદાસે વિનંતી કરી, મહારાજ! હવે અમારું શું કર્તવ્ય છે? શ્રીઆચાર્યજી કહે, અમારી સાથે મહાવન ચાલો તમારા માથે શ્રીઠાકુરજી પધરાવી દઈશું, તેમની તમે સેવા કરજો. નારાયણદાસે કહ્યું, મારું ઘર મહાવનમાં છે ત્યાં આપ પધારો અને મારે ભત્રીજી છે તેને સેવક કરો. શ્રીઆચાર્યજી સાંજના શ્રીગોકુલ પધાર્યા. રાત્રિએ રહ્યા પ્રાતઃકાળ નારાયણદાસના ઘરે મહાવન પધારીને નારાયણદાસની ભત્રીજીને નામ-નિવેદન કરાવ્યું. એટલામાં મહાવનમાં તે ક્ષત્રાણીને ચારે સ્વરૂપે કહ્યું, શ્રીઆચાર્યજી નારાયણદાસના ઘરે પધાર્યા છે ત્યાં અમને લઈ ચાલો,

વાર્તાપ્રસંગ ૧: તે એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુ પૃથ્વી પરિકમ્મા કરતાં મહાવન પધાર્યા. ત્યારે તે ક્ષત્રાણીને બ્રહ્માંડ ઘાટ ઉપર શ્રીયમુનાજીમાંથી ચાર સ્વરૂપો પ્રાપ્ત થયાં હતા તે ચારે સ્વરૂપો લાવીને શ્રીઆચાર્યજીની પાસે રાખ્યા. શ્રીઆચાર્યજીએ ચારે સ્વરૂપો ચાર વૈષ્ણવોને માથે પધરાવ્યા. શ્રીનવનીતપ્રિયાજી ગજ્જનધાવનને માથે પધરાવ્યા, શ્રીગોકુલચંદ્રમાજી નારાયણદાસના માથે પધરાવ્યા, લાડિલેશજી જીયદાસ સૂરી ક્ષત્રીના માથે પધરાવ્યા, શ્રીલલિતત્રિભંગીજી દેવાકપુરને માથે પધરાવ્યા. ચારે વૈષ્ણવોને શ્રીઆચાર્યજીએ કહ્યું, જે આ મારું સર્વસ્વ છે, તે તમારા માથે પધરાવ્યા છે, તો સેવા પ્રીતિથી સુંદર રીતિથી કરજો. જયારે તમારી સેવા ન બને ત્યારે અમારા ઘરે પધરાવેજો. તે ચારેયને સેવાની રીતિ આપે બતાવી.

દેવાકપુર અને જીયદાસને કહે, તમે ઠાકોરજીને ઘરે પધરાવી લઈ જાવ, ગજ્જન પછીથી આવશે. જીયદાસ આગ્રા પોતાના ઘરે આવ્યા અને સેવા કરવા લાગ્યા. આ બધો પ્રકાર એમની વાર્તામાં આગળ કહીશું. દેવાકપુર કડામાં આવ્યા તેમની સેવાનો પ્રકાર દેવાકપુરની વાર્તામાં કહીશું. નારાયણદાસને સેવાની રીતિ બતાવી. નારાયણદાસે જે રીતે સેવા કરી તે પ્રકાર નારાયણદાસની વાર્તામા પહેલાં કહી આવ્યા છીએ.

વાર્તાપ્રસંગ ર: હવે શ્રીઆચાર્યજી ગજ્જનને અને શ્રીનવનીતપ્રિયાજીને સાથે લઈને શ્રીગોકુલ પધાર્યા. આપની સાથે દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ વગેરે છે. આપ શ્રીગોકુલ આવ્યા. પ્રાતઃકાલ જન્માષ્ટમી હતી તેથી શ્રીગોકુલમાં ઉત્સવ કર્યો. એક દહેડી (દહીંનું માટીનું વાસણ-મટકી) દહીંથી દધિકાદવ કર્યો. એક ઉપરણામાં શ્રીનવનીતપ્રિયાજીને ઝુલાવ્યા. એક તરફ દામોદરદાસ હરસાની અને એક તરફ કૃષ્ણદાસ મેઘને પકડ્યા. ગજ્જને નૃત્ય કર્યું. શ્રીઆચાર્યજીએ પાલને ઝુલાવ્યા. સાક્ષાત નંદરાય, યશોદાજી વ્રજભક્તો, ગોપ-ગોપી બધી નંદાલયની લીલાને પ્રગટ કરી અને તેનો અનુભવ સેવકોને કરાવ્યો. પછી ગજ્જનને શ્રીનવનીતપ્રિયાજી પધરાવી આગ્રા વિદાય કર્યા. હવે ગજ્જને આગ્રા આવી જે પ્રકારે સેવા કરી તે પ્રકાર ગજ્જનની વાર્તામાં ઉપર કહી આવ્યા છીએ.

શ્રીઆચાર્યજી પૃથ્વી પરિકમ્મા કરવા પધાર્યા. તે ક્ષત્રાણી શ્રીઆચાર્યજીની એવી કૃપાપાત્ર હતી. તેને શ્રીઆચાર્યજીની સેવા ઉપર દ્રઢભાવ હતો. ચાર સ્વરૂપ પ્રથમ જ પધાર્યાં પરંતુ શ્રીઆચાર્યજીની સેવામા મમત્વ રાખ્યું, એની વાર્તા ગૂઢ છે, તેનો બહુ પ્રકાશ કર્યો નથી. ॥ વાર્તા ૧૫ ॥

Take it with you

Keep this kirtan for offline listening in the mobile app.