← All kirtans

Vaishnav 22 - Purushottamdas Kshatri

84 Vaishanav Ni Vaarta

Lyrics

The English words are not available yet. Showing the Gujarati text.

॥ વાર્તા રર ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક, પુરુષોત્તમદાસ, સ્ત્રી-પુરુષ ક્ષત્રી, આગ્રામાં રાજઘાટ ઉપર રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ

ભાવપ્રકાશ: એ પુરુષોત્તમદાસ લીલામાં શ્રીચંદ્રાવલીજી અંતરંગ સખી છે. પુરુષોત્તમદાસનું નામ માધવી. એમની સ્ત્રીનું નામ માલતી છે. આગ્રામાં રાજઘાટ ઉપર બંને ક્ષત્રીના ધર પાસે હતા ત્યાં બંનેએ જન્મ લીધો. તે બંને ક્ષત્રીને પરસ્પર બહુ જ મિત્રતા હતી. તેથી બંને જણાએ કહ્યું, આપણા બેટા-બેટીનો વિવાહ કરીએ તો સારું. એટલે બંનેનો વિવાહ થયો પછી વર્ષ દિવસની અંદર બંનેના પિતાની દેહ છૂટી. હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આગ્રા પધાર્યા તે સમયે પુરુષોત્તમદાસ અને એમની સ્ત્રી બારી ઉપર બેઠા હતાં. શ્રીઆચાર્યજીના દર્શન થતાં જ બંનેએ આપસમાં વાતો કરી કે એમના શરણે જઈએ. પુરુષોત્તમદાસ દોડીને આવ્યા અને વિખરાયેલા વાળ અને ઉઘાડે માથે શ્રીઆચાર્યજીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ અમને કૃપા કરી શરણે લો. મારા ઘરે પધારો, ત્યારે શ્રીઆચાર્યજી કહે, તમે અડેલમાં આવજો. શ્રીગુસાંઈજી પાસે નામ પામજો, પુરુષોત્તમદાસે કહ્યું, મહારાજ! ગુસાંઈજી અને આપમાં શો ભેદ છે? તેથી આપ જ સેવક કરો. શરીરનો શો ભરોસો છે? આપના દર્શન દુર્લભ છે. આ પ્રકારે દેવી જીવ છે તેથી સ્વરૂપનું જ્ઞાન થયું. શ્રીઆચાર્યજી પુરુષોત્તમદાસના ઘરે પધાર્યા અને પુરુષોત્તમદાસને અને એમની સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું. પુરુષોત્તમદાસે અને એમની સ્ત્રીએ વિનંતી કરી, મહારાજ! હવે અમને શી આજ્ઞા છે? શ્રીઆચાર્યજીએ કહ્યું, ભગવદ્‌સેવા કરો. પુરુષોત્તદાસે કહ્યું, મહારાજ! શ્રીઠાકુરજી પધરાવી આપો. સેવા કરીએ ત્યારે શ્રીઆચાર્યજી કહે, તમારા માથે કલંક આવશે, ત્યારે તમે ગંગા ન્હાવાને જજો. તે સમયે અડેલ આવજો. તમારા માથે શ્રીઠાકુરજી પધરાવી દઈશું. કારણ તમારી બંને જણાની માતાઓ છે તે આસુરી જીવ છે, તેથી ક્લેશ કરશે. પુરુષોત્તમદાસ અને તેમની સ્ત્રીએ કહ્યું જે અમારી બંનેની માતા તો અમારા ઉપર ઘણો જ સ્નેહ રાખે છે. તો ક્લેશ કેમ થશે? શ્રીઆચાર્યજી કહે કે હજુ સુધી તમે વૈષ્ણવ ન હતા તેથી પ્રીતિ કરતીતી. વૈષ્ણવ થયા સાંભળશે ત્યારે જોશો. તેથી અમે અહીંથી જલદી પધારીશું. કલેશ અમને ગમતો નથી. પુરુષોત્તમદાસે સ્ત્રી સહિત ડરીને તુર્ત જ ભેટ જે બની આવી તે કરી, પછી શ્રીઆચાર્યજીને વિદાય કર્યા. શ્રીઆચાર્યજી કલેશ જાણી તત્કાલ અડેલ પધાર્યા. પુરુષોત્તમદાસ અને એમની સ્ત્રી ડરીને ત્રણ દિવસ સુધી પોતાની માતાને પોતે વૈષ્ણવ થયા છે તે જણાવ્યું નહીં. કોરું દૂધ લાવીને પીને રહ્યાં. દરમિયાન પુરુષોત્તમદાસની માતાએ ગળામાં માળા દેખી, ત્યારે કહ્યું બેટા! ગળામાં માળા કેવી? આપણે ક્ષત્રી છીએ, તેને તો જનોઈ સર્વોપરી છે. માળા કેવી? પુરુષોત્તમદાસ બોલ્યા નહીં. એટલે તેમણે પુરુષોત્તમદાસની સ્ત્રીનું માથું, ગળું, ઉઘાડીને જોયું તો તેના ગળામાં પણ માળા જોઈને બહુ જ રોઈ, અને કહ્યું, એ સ્ત્રી-પુરુષ બંને વેરાગી થયા. જઈને પુરુષોત્તમદાસની માતાએ પુરુષોત્તમદાસની સ્ત્રીની માતાને કહ્યું, તારી બેટી અને મારો બેટો એ બંનેએ માળા પહેરી છે, બંને વેરાગી થયાં. હવે શું કરવું? તેણે કહ્યું ચાલો, એમની માળા ઊતરાવો, નહીં તો બંને મરીશું. બંનેએ આવીને સ્ત્રી-પુરુષને કહ્યું કે આ જ ક્ષણે માળા ઉતારો, નહીં તો બંનેની હત્યા તમને લાગશે. પુરુષોત્તમદાસે દસ-વીસ ક્ષત્રી સગા-સંબંધીને બોલાવીને બધાની આગળ માતાને કહ્યું કે આ માળા તો અમારા શિરના સાટે છે. માથું જાય તો ચિંતા નહીં, પરંતુ માળા તો નહીં છોડીએ. વળી તમારે માળાથી શું કામ છે? તમારું મન હોય તો અમારા ભેગા રહો, જોઈએ તે લો, અને કહો તો તમને અલગ ઘર કરી દઈએ. મનુષ્ય ચાકર રહેશે, જે તમને જોઈએ તે લો, અમારાથી બનશે તે તમારી ટહેલ અમે પણ કરીશું. ઈચ્છા હોય તો તમે પણ આજ ઘરમાં રહો, અમે અલગ ઘર રાખીને રહીએ. તમે કહો તેમ કરીએ પરંતુ ક્લેશ ન કરો. માળા તો અમે સર્વથા નહીં છોડીએ, અને તમારા હાથનું અડેલું ખાનપાન પણ નહી કરીએ. તમે માળા પહેરો, વૈષ્ણવ થાવ, ત્યારે તમારા હાથનું કામ આવે. એ સાંભળીને બંનેની માતાએ ક્રોધ કરીને કહ્યું કે, તમે બંને વેરાગી થયા અને હવે અમને પણ વેરાગી કરો છો? અમે તમને પાળ્યાં, હવે તમારા મનથી અમે ચમાર, ભંગી ઠર્યા! અમારું અડેલું જલ નહીં લો અમે બંને તમારા ઉપર મરીશું. આ પ્રકારે પાંચ દિવસ સુધી જલ કોઈએ ન લીધું. બધા સગાસંબંધી ગામના હાકેમે પણ આવીને સમજાવ્યાં, પરંતુ બંને ન માન્યા. પછી રાત્રિએ પુરુષોત્તમદાસ સ્ત્રી-પુરુષ સૂઈ ગયા ત્યારે બંનેની માતા ઘરમાં કૂવો હતો તેમાં પડી ને દેહ છૂટી ગયો. સવારે પુરુપોત્તમદાસે બંનેનો સંસ્કાર કર્યો ત્યારે જ્ઞાતિના બધા કહેવા લાગ્યા કે તમે બંને સ્ત્રી-પુરુષને હત્યા લાગી છે. તેથી ગંગાજી નહાઈ આવો એટલે સ્ત્રી-પુરુષે વિચાર કર્યો કે આપણે શ્રીઆચાર્યજી પાસેથી ભગવદસેવા પધરાવી છે તેથી ચાલો. એટલે બંને જણ ત્યાંથી ચાલ્યા પ્રયાગ આવ્યા ત્યાં ન્હાયા પછી અડેલમાં આવીને શ્રીઆચાર્યજી, શ્રીગુસાંઈજીને દંડવત કરી બધી વાત કહી જે મહારાજ! આપે કહ્યું હતું તે જ થયું. બંનેની માતા મરી, હવે ક્લેશ મટ્યો. માટે હવે ભગવદસેવા પધરાવી દો. શ્રીઆચાર્યજી કહે બંને આસુરી જીવ હતી. પરંતુ તમે વૈષ્ણવ થયા તેથી તેમની ગતિ થશે. જે કુલમાં વૈષ્ણવ થાય તેનું સઘળું કુળ કૃતાર્થ થશે (થાય) તમે ભગવદસેવા કરો.

અડેલમાં એક પૂજામાર્ગીય વૃદ્ધ બ્રાહ્મણ હતો તેના ઘરે લાલજી હતા. તેને કહે કે તમારાથી પૂજા ન થતી હોય તો શ્રીઠાકુરજી અમને આપો. તે બ્રાહ્મણે કહ્યું, હું એ વિચારતો હતો કે ઠાકોરજી કોને આપું? હવે મારાથી પૂજા થતી નથી. શ્રીઆચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પુરુષોત્તમદાસના માથે તે ઠાકોરજી પધરાવ્યા. થોડા દિવસ અડેલમાં રહી સેવાની બધી રીતિ શીખીને પછી બંને વિદાય થઈ આગ્રામાં આવ્યાં. બધી જ્ઞાતિની રસોઈ, બ્રાહ્મણ ભોજન વગેરે લૌકિક અપવાદ પણ મટાડી બંને સ્ત્રી-પુરુષ ભગવદસેવા કરવા લાગ્યા.

વાર્તાપ્રસંગ ૧: એક સમય ગુસાંઈજી આગ્રા પધાર્યા, તે પુરુષોત્તમદાસનાં ઘરે ઊતર્યા. પુરુષોત્તમદાસની સ્ત્રી છુપાઈ રહી ત્યારે શ્રીગુસાંઈજીએ પુરુષોત્તમદાસને પૂછ્યું કે તારી સ્ત્રી ક્યાં છે? પુરુષોત્તમદાસે કહ્યું કે મહારાજ! જનોઈ તૂટી જશે. ગુસાંઈજીએ જાણ્યું કે “અલગ બેઠી હશે” એટલે ગુસાંઈજીએ સ્નાન કરીને રસોઈ કરી. દાળભાત, પાંચ સાત શાક, ખીર, બધું કર્યું. રોટી વેલવાના સમયે પુરુષોત્તમદાસની સ્ત્રી ન્હાઈને આવીને બેઠી. શ્રીગુસાંઈજીએ પૂછ્યું, “તું ક્યાં ગઈ હતી? ત્યારે તેણે કહ્યું, મહારાજ કંઈ કામ હતું (તેથી નહોતી આવી).

ભાવપ્રકાશ: હવે અટકાવનો દિવસ પાંચમો હતો, તેથી તે સ્ત્રી છુપાઈ રહી, કેમ કે વિના ન્હાયે શ્રીગુસાંઈજીને મુખ કેમ દેખાડે?

પછી રોટી વેલી દીધી. બધી રસોઈ શ્રીગુસાંઈજીને કરીને શ્રીઠાકુરજીને ભોગ ધર્યા પછી ભોગ સરાવી અનોસર કરાવ્યા. પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ શ્રીગુસાંઈજીને કહે, મહારાજ! આજ થાળ કટોરામાં ભોજન કરો, શ્રીગુસાંઈજી કહે, શ્રીઠાકુરજીના પાત્રમાં કેમ ભોજન કરીએ? અમે તો પાતળમાં ભોજન કરીશું. પુરુષોત્તમદાસ કહે, મહારાજ! દ્રવ્ય ઘટી ગયું નથી, બીજા નવા પાત્રો આવશે આ પ્રકારે તેમણે કહીને શ્રીગુસાંઈજીને શ્રીઠાકુરજીના પાત્રમાં જ ભોજન કરાવ્યું.

ભાવપ્રકાશ: તે એથી કે શ્રીગુસાંઈજીમાં ભાવ છે. અને લીલામાં શ્રીચંદ્રાવલીજી શ્રીઠાકુરજીની સાથે તે જ પાત્રમાં ભોજન કરતા અને પોતે શ્રી ચંદ્રાવલીજીની સખી છે, બધી લીલાની સ્ફૂર્તિ છે. તેથી શ્રીઠાકુરજીના પાત્રમાં ભોજન કરાવ્યું. અને સ્ત્રી -પુરુષને ગુસાંઈજીમાં સ્નેહ બહુ છે. તેથી તેમણે વિચાર્યું કે બીજા પાત્રમાં ઠાલવવાથી સામગ્રીનો સ્વાદ ફરી જશે. સામગ્રી બધી શીતલ થઈ જશે, અને બીજા પાત્રમાં ઠાલવવાથી ભોજન કરવામાં ઢીલ થશે તે પણ ઠીક નહીં, તેથી સ્નેહથી તે જ પાત્રમાં ભોજન કરાવ્યું.

પછી શ્રીગુસાંઈજી ભોજન કરવા બિરાજ્યા ત્યારે પુરુપોત્તમદાસની સ્ત્રી પાસે આવીને બેઠી અને કહ્યું, મહારાજ! આ સામગ્રી આરોગો, ત્યારે શ્રીગુસાંઈજી કહે મને જોઈશે તે હું લઈશ. પુરુપોત્તમદાસની સ્ત્રીએ કહ્યું, મહારાજ! નંદરાયજીના ઘરે જેમ આરોગો છો તે જ પ્રકારે બધા વૈષ્ણવના ઘરે આરોગો.

ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું, કે નંદરાયજીના ઘરે તો ભક્તોનો જેવો મનોરથ તેમ જ આરોગો છો. અને અહીં કહો છો, મને રુચે તેમ લઈશ. તે કેમ બનશે?

આ પ્રકારે શ્રીગુસાંઈજી સાથે પ્રેમસંયુક્ત વાર્તા કરી, વારંવાર બધી સામગ્રી આરોગાવીને શ્રીગુસાંઈજીને પ્રસન્ન કર્યા. પછી ઠાકુરજીની શય્યા, શ્રીઠાકુરજીના બિછાનાં, તકિયાં, ઉપર શ્રીગુસાંઈજીને પોઢાવીને સ્ત્રી-પુરુષ ચરણ સેવા કરવા લાગ્યા. ગુસાંઈજીએ કહ્યું, હવે તમે બંને જણ ઊઠો, જઈને મહાપ્રસાદ લો. પુરુષોત્તમદાસ સ્ત્રી-પુરુષ કહે, મહારાજ! મહાપ્રસાદ તો નિત્ય લઈશું, પરંતુ આ સેવા ક્યાં? આ પ્રકારે શ્રીગુસાંઈજીને નિત્ય નૌતમ પ્રીતિથી હઠ કરીને પાંચ-સાત દિવસ રાખ્યા. નિત્ય નવાં પાત્ર, શય્યાં, વસ્ત્ર, થાય. એવાં સ્ત્રી-પુરુષ કૃપાપાત્ર ભગવદીય હતા.

ભાવપ્રકાશ: આમની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ગુરુમાં શ્રીઠાકુરજીથી અધિક પ્રીતિ એમની છે, તે પ્રમાણે વૈષ્ણવો કરે ત્યારે ફલને પામે. ।। વાર્તા રર ॥

Take it with you

Keep this kirtan for offline listening in the mobile app.