← બધા કીર્તન

વૈષ્ણવ ૨૫ - યાદવેંદ્રદાસ કુંભાર

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

॥ વાર્તા ર૫ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક, યાદવેંદ્રદાસ કુંભાર, મહાવનમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: એ લીલામાં નંદરાયજીની જે ગાયો હતી તેમાં આખલા છે એનું નામ મદોન્મત્તા. બધા કહેતા કોઈ આખલો એની સાથે આવી ન શકતો. શ્રીઠાકુરજીએ એને બહુ જ ખવડાવ્યું છે, શ્રીજમનાજીમાં ન્હવાયો છે. તે મહાવનમાં એક કુંભારને જન્મ્યા. નારાયણદાસ બ્રહ્મચારીના ઘરે તેઓ માટીનાં પાત્રો લાવતા, તેથી નારાયણદાસે દૈવી જાણી યાદવેન્દ્રદાસને એક દિવસ મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યારે યાદવેંદ્રદાસની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. તેથી નારાયણદાસને કહે, મને શ્રીઆચાર્યજીનો સેવક કરાવો. યાદવેંદ્રદાસે કહ્યું કે એ મેં પહેલાં જ મનમાં ધારણ કરી લીધું છે. જે આજ પછી મા-બાપના હાથનું ન ખાવું, ન જલ લેવું. શ્રીઆચાર્યજીના વૈષ્ણવના હાથનું લઈશ. પરંતુ હવે મારા ઘરનું મોઢુ નહીં જોઉ. આ સાંભળીને નારાયણદાસ પ્રસન્ન થઈને કહે, તું અમારા ઘરમાં રહેજે. શ્રીઆચાર્યજી પધારે ત્યારે સેવક થજે. ત્યારથી તે નારાયણદાસના ઘરમાં જ રહેતા, લાકડાં છાણાં વીણીને લઈ આવતા. શ્રીઆચાર્યજી મહાવન પધાર્યા ત્યારે નારાયણદાસના ઘરે ઉતર્યા. નારાયણદાસે આપને વિનંતી કરીને યાદવેંદ્રદાસને સેવક કરાવ્યા. તેઓ શ્રીઆચાર્યજીના સારા સેવક થયા.

વાર્તાપ્રસંગ ૧: એ યાદવેંદ્રદાસ શ્રીઆચાર્યજીના પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. જયારે શ્રીઆચાર્યજી મહાપ્રભુ તથા શ્રીગુસાંઈજી પોતે પરદેશ પધારતા ત્યારે તે પરદેશ સાથે રહેતા. યાદવેંદ્રદાસ ત્યારે આટલી વસ્તુ લઈ સાથે ચાલતા, એક કનાત, એક હડવાઈ. બે ચાર દિવસનું સીધું, એક નાની રાવટી એટલું લેતા. અને માર્ગમાં વૈષ્ણવ થાકીને ચાલતા ત્યારે મુકામ ઉપર જઈ બધી પરચાગીરી કરતા. રાત્રિના ચોકી પહેરો દેતા, એવી સેવા કરતા.

વાર્તાપ્રસંગ ર: વળી એક વખત શ્રીગુસાંઈજી શ્રીગોકુલ બિરાજતા હતા. ફાગણ વદી ૭નો દિવસ હતો. રાત્રીનો દોઢ વાગ્યો હતો તે સમયે શ્રીગુસાંઈજીએ શ્રીમુખથી કહ્યું કે આ સમય જો મંદિરનો પાયો ખોદ્યો જાય તો સારો દઢ થાય, એવું મુહૂર્ત છે. કહીને પોતે તો પોઢચા.

ત્યારે યાદવેંદ્રદાસે તત્કાલ પાયો ખોદ્યો. બે પ્રહરમાં બધું ખોદીને માટીનો ઢગલો કર્યો. શ્રીગુસાંઈજી જાગ્યા અને જોયું ત્યારે કહ્યું, આ માટી કેવી છે? વૈષ્ણવોએ કહ્યું, યાદવેંદ્રદાસે બધી ખોદી છે! શ્રીગુસાંઈજી યાદવેંદ્રદાસને પૂછે જે આ માટી તમે ખોદી છે? યાદવેંદ્રદાસે કહ્યુ કે આપે શ્રીમુખથી કહ્યું તે જ સમયે મંદિરનો પાયો ખોદ્યો છે. પછી મજાર કારીગરોએ પાયો એક મહિનામા ભર્યો, એટલી માટી ખોદી. તેઓ એવા સામર્થ્યવાલા હતા, પછી મંદિર બન્યું. શ્રીનવનીતપ્રિયાજી આદિ બિરાજ્યા. શ્રીગુસાંઈજી યાદવેંદ્રદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા.

વાર્તાપ્રસંગ ૩: બીજું શ્રીનાથજીદ્વારમાં જલની ખેંચ જાણી યાદવેંદ્રદાસે રૂદ્રકુંડની પાસે એક કૂવો પોતાના હાથથી ખોદ્યો. તેની માટી પકવી કૂવો પાકો બાંધ્યો પરંતુ જલ ખારું નીકળ્યું. ત્યારે યાદવેંદ્રદાસ, ગંગાજી ગયા. ત્યાં જઈ ગંગાજીમાં ઊભા રહી તર્પણ કરવા લાગ્યા, અને વિનંતી કરી કે આવું જલ મીઠું કરો, પછી જ્યારે જલ મીઠુ જાણ્યું ત્યારે નીકળી આવ્યા.

ભાવપ્રકાશ: એનું કારણ એ કે બધા જગતમાં ઉત્તમ ગંગાજલ નિર્દોષ છે. શ્રીનાથજીની સેવામાં નિર્દોષ પદાર્થ વિનિયોગ થાય તેથી ગંગાજી ગયા. આ યાદવેન્દ્રદાસ શ્રીઆચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. || વાર્તા ર૫ ||

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.