આજે વધામણાં રે ચંપારણ્ય
કીર્તનના શબ્દો
આજે વધામણાં રે, ચંપારણ્ય ધામમાં,
પ્રગટ્યા શ્રી વલ્લભરાય, વધામણાં રે - ચંપારણ્ય
વૈશાખ માસ ને વદિ એકાદશી,
શુભ નક્ષત્ર શુભ વાર, વધામણાં રે - ચંપારણ્ય
તાત લક્ષ્મણ ભટ્ટ હૈયામાં હરખ્યા,
હરખ્યા શ્રી ઈલ્લમાજી માત, વધામણાં રે - ચંપારણ્ય
સોનાને પારણે લાલ ને ઝુલાવીયા,
નંદ મહોસ્તસવ કીધો, વધામણાં રે - ચંપારણ્ય
ભાંત ભાંતના ભોગ ધરાવીયા,
વૈષ્ણવને પ્રસાદ લેવરાવ્યા, વધામણાં રે - ચંપારણ્ય
નોબત નગારા ને વાજિંત્રો વાગે,
માનિની મંગલ ગાય, વધામણાં રે - ચંપારણ્ય
કદલીના સ્તંભ બેની રોપ્યા છે આંગણે,
તોરણ બાંધ્યા છે દ્વાર, વધામણાં રે - ચંપારણ્ય
દેવના તે દુંદુભિ વાગે આકાશમાં,
પુષ્પની વૃષ્ટિ થાય, વધામણાં રે - ચંપારણ્ય
સગાં કુટુંબીને સ્નેહે તેડાવિયા,
વરત્યો છે જય જયકાર, વધામણાં રે - ચંપારણ્ય
ભાંત ને ભાંતના લાડ લડાવિયાં,
હંસી હંસી ગોદ ખેલાવ્યા, વધામણાં રે - ચંપારણ્ય
વિદ્યા અલૌકિક આપ ભણ્યા છે,
પુષ્ટિસિદ્ધાંત સમજાવ્યા, વધામણાં રે - ચંપારણ્ય
વ્રજમંડલમાં આપ બિરાજિયા,
સેવ્યા શ્રીગોવર્ધનનાથ, વધામણાં રે - ચંપારણ્ય
પરમ ઉદાર આપ દયાના સાગર,
વચનામૃત વરસાવ્યાં, વધામણાં રે - ચંપારણ્ય
વેણુગીત યુગલગીત સુંદર સુબોધિની,
રસભર્યા ગ્રંથ રચાવ્યાં, વધામણાં રે - ચંપારણ્ય
પૃથ્વી પરિક્રમા ત્રણ કરીને,
અનેક જીવ શરણ લીધા, વધામણાં રે - ચંપારણ્ય
નામ-નિવેદન શ્રીજી ને સનમુખ,
આપી સેવાનાં સુખ દીધાં, વધામણાં રે - ચંપારણ્ય
'રસિકપ્રિયા' કર જોડી કહે છે,
આપો શ્રી વ્રજમાં વાસ, વધામણાં રે - ચંપારણ્ય