હે કરુણાના કરનારા
કીર્તનના શબ્દો
હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી;
મેં પાપ કર્યા છે એવાં, હુ ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હુ અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
કંઈ છોરુ કછોરું થાય, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારા સાચા કેવલ હારા, તારી કરુણાનો કોઈ પાર નથી
છે જીવન મારું ઉદાસી, પ્રભુ શરણે લે અવિનાશી;
રાધાનાં દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી