કાનુડો દાણ માંગે
કીર્તનના શબ્દો
હાં રે દાણ માંગે, કાનુડો દાણ માંગે
તારી મીઠી બોલીના બાણ વાગે - કાનુડો દાણ માંગે
હાં રે કાન કયા મુલકનો સુબો
હાં રે મારા મારગ વચ્ચે આવી ઉભો - કાનુડો દાણ માંગે
હાં રે કાન કીયા મુલકનો રસિયો
મારાં મારગ વચ્ચે આવી વસીયો - કાનુડો દાણ માંગે
હાં રે કાન કીયા મુલકનો ધણી
હાં રે મારી નવરંગ ચુંદડી તાણી - કાનુડો દાણ માંગે
હાં રે કાન કીયા મુલક નો મહેતો
હાં રે મારા મારગ વચ્ચે આવી રહેતો - કાનુડો દાણ માંગે
હાં રે કાન જળ જમનાજીના આરે
હાં રે એમા કોણ જીતે કોણ હારે - કાનુડો દાણ માંગે
હાં રે કાન નથી સાકર નથી મેવા
હાં રે ખાટી છાશમાં શુ આવ્યો લેવા - કાનુડો દાણ માંગે
હાં રે દાસ માધવ ના સ્વામી
હાં રે હુ તો તમ પર જાઉં વારી - કાનુડો દાણ માંગે