લાલાને લાડ લડાવો
કીર્તનના શબ્દો
લાડ લડાવો લાલાને લાડ લડાવો,
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો - લાલાને
ઉઘડયો છે આજ ભાગ્ય ગોકુળીયા ગામના,
પૂરી છે આજ વાલે જશોદાની ભાવના,
આયરને મળયો આજ અમુલખ લાવો - લાલા ને
વાંકળીયા વાળ ઓળી આંજણ આંજણજો,
ગાલે ટપકું કરીને વારી વારી જો જો,
નાનકડું મોર પીંછું માથે લગાવો - લાલાને
પીળું ઝબલું પહેરાવી કંદોરો બાંધજો,
જો જો ન પડે મારા વાલાને વાંધો,
રીસાઈ જાય તો તાળી પાડી માનવો - લાલાને
નાનકડી બંસી એક આપો એના હાથમાં,
વાલ કરીને વાલાને તેડી લેજો બાથમાં,
મસ્તક ચૂમીને એને નયને નવરાવો - લાલાને
માધવદાસ ના સ્વામી શામળિયા,
માખણને મિસરીનો ભોગ ધરાવો - લાલાને
લાડ લડાવો લાલાને લાડ લડાવો,
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો - લાલાને