મટુકી મારી ફોડી
કીર્તનના શબ્દો
સખી નટખટ નંદનો લાલ, મહિડા મારા ઢોળી રે ગયો
મહી ઢોળી ગયો નંદલાલ, મટુકી મારી ફોડી રે ગયો
સખી સાહેલીની સાથ
ગઇતી જમુનાજીને ઘાટ
હારે કાંઈ જલ ભરાવાને કાજ
હારે મારા ઘરમાં ઘુસી ગયો કાન – મટુકી મારી
ઘરમાં છાનો માનો આવે
સૂતા બાળક જગાવે
કરે મન ચાહ્યું રે ઘરમાં
હારે મારા વાછડાં છોડી ગયો કાન – મટુકી મારી
ખાંડણિયું લઇ વચમાં મેલે
લકુટી લઈને મટુકી ફોડે
ઘેર કરે મને ચાળા રે ચાળા
હારે મારી ચૂંદડી ચોરી ગયો કાન – મટુકી મારી
યમુના કાંઠે પાછળ આવે
સાથે ગ્વાલબાલ બહુ લાવે
કરે મન માન્યું અમ સાથે
હારે મારો તોડી ગયો નવસેરો હાર – મટુકી મારી
જાઉં જશોદાજીને કહેવા
લક્ષણ કાનના છે એવા
હારે એને મન હરવાના હેવા
હારે મારું ચિતડું ચોરી ગયો કાન – મટુકી મારી