← બધા કીર્તન

વૈષ્ણવ ૦૧ - દામોદરદાસ હરસાની

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

એક વખતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતે પૃથ્વી પ્રદિક્ષણા કરતા વ્રજમાં પધાર્યા, ત્યારે આ દામોદરદાસજી સાથે હતા. તેમને તે વહાલપણામાં “દમલા” કહીને બોલાવતા અને વળી કહેતા કે “દમલા તેરે લિયે યહ માર્ગે મૈને પ્રગટ કિયો હૈ” શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટની ઉપર એક ચોતરો છે. તેના ઉપર શ્રી મહાપ્રભુજી વિશ્રામ કરતા હતા. ત્યાં આગળ પોતાની બેઠકની પાસે શ્રી દ્વારિકાનાથજીનું મંદીર છે. ત્યાં એક દિવસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને ચિંતા થઈ કે શ્રી ઠાકોરજીએ તો આજ્ઞા આપી કે જીવને બ્રહ્મ સંબંધ કરાવો. પણ જીવ તે દોષથી ભરેલો છે! અને શ્રી પુરુષોત્તમ તો ગુણ નિધાન છે! તેથી જીવનો અને શ્રી પુરુષોત્તમનો સંબંધ કેવી રીતે થાય! એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અત્યંત ચિંતા યુક્ત થયા તે વખતે સહેજ નિદ્રા આવી, ત્યારે શ્રી ઠાકોરજી તત્કાલ ત્યાં પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને જગાવીને પુછયું કે તમે ચિંતાતુર શા માટે થાઓ છો? શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે જીવનું સ્વરૂપ તો દોષથી ભરેલું છે તેતો આપ જાણો છો. તેથી આપની સાથે જીવનો સંબંધ કેવી રીતે થાય! આપે તો જીવને બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા આપી છે. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે જે જીવને આપ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવશો તેના સેવામાં પ્રતિબંધ કરનાર સઘળા દોષ દૂર થશે, અને તેની સેવા હું અંગીકાર કરીશ.” તેથી તમે જીવને બ્રહ્મ સંબંધ તો અવશ્ય કરાવો. આ વાર્તાલાપ શ્રાવણ સુદી ૧૧ ની મધ્ય રાત્રીમાં થયો. તેને બીજે દિવસે સવારમાં પવિત્રા બારસ હતી. તેથી સુતરનું પવિત્રુ પોતે સિદ્ધ કરી રાખ્યું હતું તે પવિત્રુ તે વખતે શ્રી પુરુષોત્તમ ને ધરાવ્યું અને મિશ્રી ભોગ ધર્યો. તે વખતે શ્રી ઠાકોરજીએ શ્રીમુખથી કહેલો બ્રહ્મસંબંધના મંત્રનો ભાવાર્થ તથા જે વાર્તા થઈ તેને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાન્ત રહસ્ય નામનો ગ્રન્થ પ્રકટ કર્યો છે કે જે ષોડશ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. તેમાં એક શ્લોક -

श्रावण स्यामलेपक्षे एकादश्याम् महानिशि

साक्षाद् भगवता प्रोक्तं तदक्षरश उच्यते ॥ १ ॥

તે વખતે દામોદરદાસ પોતાનાથી થોડેક દુર સૂતા હતા. તેમને જગાવીને શ્રી મહાપ્રભુજીએ પુછયું કે દમલા તે કંઈ સાંભળ્યું. ત્યારે દામોદરદાસ જવાબ આપે છે કે મહારાજ મેં શ્રી ઠાકોરજીનાં વચન સાંભળ્યાં તો ખરાં પણ સમજ્યો નહિ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી છે કે તમે જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો તેનો હું અંગીકાર કરીશ અને તેના સેવામાં પ્રતિબંધ કરનારા સઘળા દોષ દુર થશે. તેથી બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું. વળી તે વખતે શ્રી મહાપ્રભુજીએ એ માગ્યું કે મારા પહેલાં દામોદરદાસનો દેહ ન છૂટે. તેનું કારણ એ છે કે પોતે શ્રી ભાગવતનું અહર્નિશ મનન કરતા, અને કથા કહેતા હતા. પુષ્ટિ માર્ગનું રહસ્ય દામોદરદાસથી કંઈ પણ ગુપ્ત રાખવામાં આવ્યું ન હતું. તેમજ સ્વમાર્ગનો સઘળો સિદ્ધાન્ત (ભગવદ્ લીલા રહસ્ય) દામોદરદાસના હૃદયમાં સ્થાપવામાં આવ્યો હતો.

પ્રસંગ ૨ : એક વખતે દામોદરદાસ અને શ્રી ગુસાંઈજી એકાંતમાં બેઠા હતા ત્યારે શ્રી ગુસાંઈજીએ દામોદરદાસને પુછયું કે તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કેવા સ્વરૂપથી જાણો છો? દામોદરદાસે કહ્યું, હું તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીને સંસારમાં સઘળાથી મોટા જેને જગદીશ કહે છે અગર તો જેને શ્રી ઠાકોરજી કહે છે તેમનાથી એમને અધિક જાણું છું. શ્રી ગુસાંઈજીએ પુછયું તમે એવા શા માટે કહો છો? શ્રી ઠાકોરજી તો મોટા છે. દામોદરદાસે શ્રી ગુસાંઈજીને કહ્યું “કે મહારાજ દાન મોટું કે દાતા મોટો” કોઇની પાસે પુષ્કળ દ્રવ્ય હોય તો તે શા કામનું? જે આપે તેનું ધન જાણીએ. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સર્વસ્વ ધન શ્રીનાથજી છે તેનું તેમણે અમે જીવોને પોતે દાન કર્યું. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને હું સઘળાથી મોટા છે એમ જાણું છું.

(સાર) વૈષ્ણવોએ શ્રી ઠાકોરજી કરતાં શ્રી મહાપ્રભુજીને અધિક જાણવા કારણ કે શ્રી મહાપ્રભુજી દ્વારાજ શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણવાનું છે.

પ્રસંગ 3: એક વખત શ્રી ગુસાંઈજી પોતે બેઠકમાં બેઠા હતા તે વખતે દામોદરદાસ ત્યાં આવ્યા. ત્યારે શ્રી ગુસાંઈજીએ તેમનું બહુ જ આદર સન્માન કર્યું. દામોદરદાસ દંડવત્ પ્રણામ કરીને બેઠા. તે વખતે બે ચાર વૈષ્ણવ શ્રી ગુસાંઈજીની પાસે હસવા ખેલવા માટે બેઠા હતા. આપ તે વૈષ્ણવોની સાથે પુષ્કળ આનંદથી હાંસી ઠઠ્ઠા અને ખેલની વાર્તા કરતા હતા. ત્યારે શ્રી ગુસાંઈજીને દામોદરદાસે કહ્યું મહારાજ! “આપણો માર્ગ નિશ્ચિત્તતાનો નથી. આ માર્ગ તો અતિકષ્ટાતુરતાનો છે.” ત્યારે શ્રી ગુસાંઈજીએ કહ્યું કે તમને ધન્ય છે. તમે સાચી વાત કહો છો. પણ મને તો જ્યારે શ્રી મહાપ્રભુજીની કૃપા થશે ત્યારે કષ્ટાતુરતા થશે. આ માર્ગમાં પ્રવૃત્તિતો શ્રી મહાપ્રભુજીની કૃપા વિના ન હોઈ શકે. દામોદરદાસે દંડવત કરી વિનંતી કરી કહ્યું. મારે તો આપને વિનંતી કરવી હતી તે કરી પછી આપ પ્રભુ છો સારૂં જાણતા હશો તેજ કરશો. પણ આ માર્ગ તે કષ્ટાતુરતાનો છે. ત્યારે શ્રી ગુસાંઈજીએ પ્રસન્ન થઈ કહ્યું કે મને આ વાર્તા શ્રી મહાપ્રભુજીએ તમારા દ્વારા કહી તમે ના કહો તો બીજું કોણ કહેશે. તમને દેખું છું ત્યારે મારું મન ઘણું પ્રસન્ન રહે છે. તમે તો શ્રી આચાર્યજીના સેવકનો ધર્મ જાણીને શિક્ષાની વાર્તા કહો છો. તે દિવસથી શ્રી ગુસાંઈજી દામોદરદારની શિક્ષા માનતા હતા. તેથી મોટા તે મોટા.

(સાર) વૈષ્ણવોએ પોતાનો વખત હાંસી, મશ્કરી, ગમ્મત અને મોજ શોખમાં ન પસાર કરતાં પ્રભુના વિરહાત્મકમાંજ ગાળવો જોઈએ. પ્રભુ કૃપા વિના આ પ્રવૃત્તિ થતી નથી. છતાં પ્રાણેશે જ્યારથી અંગીકાર કર્યા છે ત્યારથી જ તેમની તો કૃપા છે એમ સમજી ભગવદ્ વાર્તામાં અને મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે પણ બહિર્મુખતા, નિંદા વગેરે નો ત્યાગ કરી શ્રી પ્રભુના સ્મરણમાં અને તે કરતાં વધારે વિરહાત્મક સ્મરણમજ ગાળવો.

પ્રસંગ ૪: શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજીની પાસે વચન માગ્યું હતું કે મારા પહેલાં દામોદરદાસની દેહ ન છૂટે. તેનો હેતુ એવો હતો કે શ્રી મહાપ્રભુજીએ પોતે મનમાં સન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો હતો. તે વખતે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાંઈજી બન્ને ભાઈ બાળક હતા. તેથી માર્ગની સઘળી વાર્તા શ્રી આચાર્યજીએ દામોદરદાસને સમજાવીને તેના હૃદયમાં સ્થાપી હતી. અને દામોદરદાસ સઘળા બાળકેને શીખવાડશે. એવું વિચારીને કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજીએ સન્યાસ ગ્રહણ કર્યો. થોડા દિવસ પછી શ્રી ગુસાંઈજીએ શ્રી અક્કાજીને પુછયું કે માતાજી! શ્રી મહાપ્રભુજીએ આ માર્ગ તો પ્રગટ કર્યો પણ તેમાં ઉત્સવનો શો પ્રકાર છે તેતો અમે જાણતા નથી. ત્યારે શ્રી અક્કાજીએ કહ્યું. માર્ગ તથા ઉત્સવનો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યું છે માટે તેમને તમે પુછજો તે તમને કહેશે. તેથી શ્રી ગુસાંઈજી દામોદરદાસને ઘેર પધાર્યા ત્યારે દામોદરદાસે બહુજ સન્માન કરી ભક્તિ ભાવથી ઘરમાં પધરાવ્યા, પછી શ્રી ગુસાંઈજીએ ઉત્સવના પ્રકાર પુછયે તે સઘળું સમજાવીને દામોદરદાસે કહ્યું.

પ્રસંગ ૫: એક વખત દામોદરદાસના પિતાનું શ્રાધ હતું. તેથી તે દિવસે શ્રી ગુસાંઈજી તેમને ઘેર પધાર્યા ને શ્રાધ કરાવી આપ્યું. પછી ઉત્થાપનના સમયે જ્યારે દામોદરદાસ દર્શન કરવા આવ્યા ત્યારે શ્રી ગુસાંઈજીએ શ્રાધ કરાવ્યાની દક્ષિણા માંગી. ત્યારે દામોદરદાસે દક્ષિણમાં સિદ્ધાન્ત રહસ્ય ગ્રન્થના દોઢ શ્લોકની વાર્તા કહી. શ્રી ગુસાંઈજીએ તેથી વધારે કહેવાને કહ્યું. ત્યારે દામોદરદાસે કહ્યું કે મેં તો એટલો જ સંકલ્પ કર્યો હતો. ફરીથી શ્રી ગુસાંઈજી બેલ્યા નહિ. પછી દામોદરદાસે સ્વમાર્ગની પ્રણાલિકા આપના આગળ કહી, અને શ્રી ભાગવતની ટીકા, શ્રી સુબોધિનીજી તથા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ગ્રન્થની ટીકા અને રહસ્ય વાર્તા જેટલી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને કરી હતી તેટલી બધી શ્રી ગુસાંઈજીના આગળ કહી સંભળાવી. ત્યાર પછી શ્રી ગુસાંઈજી દામોદરદાસજીને દંડવત્ કરવા ન દેતા. કારણકે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ સદા સર્વદા દામોદરદાસના હૃદયમાં બીરાજમાન છે. માટે દંડવત્ ન કરવા દેતા; તેમ પિતાનું ચરણોદક પણ આપતા નહિ. પછી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને દર્શન આપીને આજ્ઞા કરી કે શ્રી ગુસાંઈજીનું ચરણોદક નિત્ય લેજે. તેથી દામોદરદાસે પ્રાતઃકાલમાં શ્રી ગુસાંઈજીની પાસે આવી ચરણોદક માગ્યું. ત્યારે શ્રી ગુસાંઈજીએ ના પાડી, પણ જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પ્રત્યક્ષ આજ્ઞા ચરણોદક લેવાની થઈ છે એવું કહ્યું ત્યારે શ્રી ગુસાંઈજીએ ચરણોદક આપ્યું, દામોદરદાસને કૃપા કરી શ્રી મહાપ્રભુજી ત્રીજે દિવસે દર્શન દેતા, અને રહસ્ય વાર્તા કહેતા હતા; કદાચિત ત્રીજે દિવસે આપનાં દર્શન ન થતાં તો દામોદરદાસ અત્યંત કષ્ટાતુર થતા, ને જ્યારે દર્શન થતાં ત્યારે સુખ પામતા હતા. એ પ્રમાણે ઘણા દિવસ સુધી દર્શન થતાં અને જે વાર્તા શ્રી મહાપ્રભુજીની સાથે બનતી તે સઘળી શ્રી ગુસાંઈજીને આગળ નિવેદન કરતા. અહર્નિશ માર્ગના પ્રકાશની વાર્તા કહેતા તેથી દામોદરદાસના ઉપર શ્રી ગુસાંઈજીની બહુજ કૃપા હતી. અને કહેતા કે તમારા હૃદયમાં સદા સર્વદા શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે તેથી પોતે દંડવત્ કરવા ન દેતા. અને વળી કહેતા કે દામોદરદાસ! તમારા ગુણનો પાર નથી.

પ્રસંગ ૬: પહેલાં દામોદરદાસ શ્રી ગુસાંઈજીની અડધી ગાદી ઉપર બેસતા. એક દિવસે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને પુછ્યું કે તમે શ્રી ગુસાંઈજીને શું કરીને જાણો છો? દામોદરદાસે કહ્યું કે હું તો આપના પુત્ર છે એમ જાણું છું ત્યારે શ્રી મુખે કહ્યું કે તું મને જેવા સ્વરૂપથી જાણે છે તેવા જ સ્વરૂપથી શ્રી ગુસાંઈજીને જાણજે. મારા સ્વરૂપમાં અને એમના સ્વરૂપમાં કોઈ પણ જાતને ભેદ નથી.

પ્રસંગ ૭: શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતું કે આ માર્ગ તારા માટે પ્રકટ કર્યો છે તેનો હેતુ એવો છે કે જ્યાં સુધી આ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસનું પ્રાકટય ગુપ્ત રીતે છે. પ્રથમ દામોદરદાસે કહ્યું હતું કે મેં શ્રી ઠાકોરજીનાં વચન સાંભળ્યાં પણ સમજ્યો નહિ તે વખતે શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતુ કે હજુ તમને દશ જન્મનો અંતરાય છે. તેનો હેતુ એવો હતો કે જ્યાં સુધી હમારા માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી તમારું પ્રાકટય ફરી ફરીને થશે. કારણ આ માર્ગના સ્થંભ તમે છો. તેથી શ્રી મહાપ્રભુજીએ સંપુર્ણ સૃષ્ટિનો ઉદ્ધાર કરવાને માટે દામોદરદાસના હૃદયમાં ભગવદ લીલા સ્થાપી. તેથી જ્યાં સુધી આપના માર્ગની સ્થિતિ રહે ત્યાં સુધી દામોદરદાસની સ્થિતિ ગુપ્ત રીતે માર્ગનું રહસ્ય જણાવવા માટે રાખી છે. તેથી તે દામોદરદાસજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પરમ કૃપા પાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાનો પાર નથી.

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.