વૈષ્ણવ ૦૨ - કૃષ્ણદાસ મેઘન
કીર્તનના શબ્દો
જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પૃથ્વિ પરિક્રમા કરી ત્યારે કૃષ્ણદાસ મેઘન સાથે હતા. એક વખતે બદ્રીનારાયણની પાસે પરલી અને કિરણી નામના પર્વત છે ત્યાં આગળ પોતે પધાર્યા. એટલામાં અકસ્માત્ તે પર્વત ઉપરથી એક મોટી શિલા પડી. કૃષ્ણદાસ મેઘને તે શીલાને પોતાના હાથ ઉપર ઝીલી રાખી. ત્યારે શ્રી મહાપ્રભુજી તેમના ઉપર ઘણાજ પ્રસન્ન થયા અને કહ્યું કે કૃષ્ણદાસ આ વખતે કંઈક માગો ત્યારે તેમણે ત્રણ વસ્તુ માગી. "એકતો મૂર્ખતાનો દોષ જાય." બીજું "આપના માર્ગનો સિદ્ધાન્ત મારા હૃદયમાં આવે,” ત્રીજું " આપ મારા ગુરૂને ત્યાં પધારો " તેમાંથી બે વસ્તુ તો પોતે આપી. પણ ત્રીજું ગુરૂને ત્યાં પધારવાનું તે ના પાડી. ત્યાર પછી પોતે બદરિકાશ્રમથી આગળ પધાર્યા કે જ્યાં જીવની ગતિ પણ પહોચી શકતી નથી. ત્યાં આગળ વેદ વ્યાસનું સ્થળ હતું ત્યાં પધાર્યા. કૃષ્ણદાસને ત્યાં જ ઊભા રહેવાનું કહી પોતે આગળ પધાર્યા. એટલામાં વેદવ્યાસજી સામા આવી શ્રી મહાપ્રભુજી ને પધરાવી ગયા. વેદવ્યાસજીએ કહ્યું તમે શ્રીમદ ભાગવત ઉપર શ્રી સુબોધીનીજીની ટીકા કરી છે તે કહી સંભળાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ યુગલગીતના અધ્યાયનો “વામ બાહુ કૃત વામકપોલો” એ એક બ્લેકનું વ્યાખ્યાન કર્યું જેની ટીકા ત્રણ દિવસ સુધી ચાલી. વેદવ્યાસજી સાંભળીને ઘણા જ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસને કહ્યું કે તમે જે વેદાંતનાં સૂત્ર કહ્યાં છે તેના ઉપર માયાવાદીઓએ માયાઉપર અર્થ લગાવ્યું છે. ત્યારે વેદવ્યાસે કહ્યું કે હું શું કરું, ભગવદાજ્ઞા મને એવી હતી કે તમે સૂત્ર કરો જેના બન્ને અર્થે હોઈ શકે? ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદ ઉપર જે અર્થ કર્યો હતો તે કહી સંભળાવ્યો. તે સાંભળીને તે વેદવ્યાસજી ઘણાજ પ્રસન્ન થયા. આચાર્યશ્રી ત્યાંથી વિદાય થઈને ત્રણ દિવસે કૃષ્ણદાસજીને જ્યાં ઊભા રહેવાની આજ્ઞા આપી હતી ત્યાં પધાર્યા. જોયુ તો કૃષ્ણદાસ ત્યાંજ ઊભા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું. “કૃષ્ણદાસજી કેમ ગયા નથી?” કૃષ્ણદાસે કહ્યું મહારાજ હવે આપના ચરણારવિંદ છોડીને ક્યા સ્થળે જઊં? એ સાંભળીને શ્રી મહાપ્રભુજી ઘણાજ પ્રસન્ન થયા અને કંઈક માગવાનુ કહ્યું. ત્યારે પ્રથમ જે ત્રણ વસ્તુ માગી હતી તેની જ માગણી કરે તેમાંથી બે વસ્તુ આપી પણ ગુરૂને ત્યાં પધારવાની ના પાડી.
(સાર ) સ્વામી પ્રત્યે સેવકનો ધર્મ જુઓ. ત્રણ દીવસ થયા છતાં કૃષ્ણદાસને ઉભા રહેવાની જે આજ્ઞા આપી હતી તે જ આજ્ઞા બરાબર પાળી. પ્રભુએ તેમને તેટલું સામર્થ્ય પણ આપ્યું અને આજ્ઞા પાળી ત્યારે પ્રભુએ પ્રસન્ન થઈ બે અલૌકક સ્તુઓનું દાન પણ કર્યું.
પ્રસંગ ૨: એક વખતે શ્રી મહાપ્રભુજી ગંગાસાગર પધાર્યા હતા ત્યાં એક જગાએ પોતે પોઢયા હતા અને કૃષ્ણદાસ પગ દાબતા હતા. તે વખતે શ્રી મહાપ્રભુજીના મનમાં એવી ઈચ્છા થઈ કે આ વખતે ધાનના મમર (પુવા અથવા ચીડવા) હોય તો આરોગું. શ્રી આચાર્યજીના મનની આ વાત કૃષ્ણદાસ મેઘને જાણી એટલામાં શ્રી મહાપ્રભુજીને નિંદ્રા આવી, ત્યારે કૃષ્ણદાસ ઉઠીને ગંગા સાગર ઉપર આવ્યા. જુએ છે તો સામે પાર એક દીવો બળે છે, તેની અટકળે શ્રી ગંગાજી તરીને તે ત્યાં ગયા અને ખેતરના માલીકને જગાવી બમણી કીમત આપી લીલી ડાંગર લીધી. પછી ભાડભુંજાને જગાવી એક ટકાને બદલે ચાર ટકા આપી તે વખતે મમરા સિદ્ધ કરાવ્યા ને ગંગાજી તરીને આપશ્રી પાસે આવ્યા. ચરણારવિંદ દાબીને શ્રી મહાપ્રભુજીને જગાવ્યા અને સિદ્ધ કરી લાવેલા મમરા આગળ ધરી આરોગવાની વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ પુછયું કે ક્યાંથી લાવ્યા? ત્યારે કૃષ્ણદાસે સઘળી હકીકત કહી સંભળાવી. શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈ વર માગવાને કહ્યું ત્યારે ફરીથી પણ તેજ ત્રણ વસ્તુની માગણી કરી. ત્યારે શ્રી મહાપ્રભુજી બોલ્યા કે જીવ શું માગી જાણે? આ વખતે પ્રભુના સ્વરૂપનાં દર્શન કરાવવાનું માગ્યું હતું તો તે પણ કરાવત. પછી પોતે મમરા અંગીકાર કર્યા. ત્યાંથી બીજે દીવસે પોતે સોરોં ગામ પધાર્યા. ત્યાં, કૃષ્ણદાસ મેઘને ફરી વિનંતી કરી કે કૃપાનાથ મારા ગુરૂને લઈઆવું, પોતે કહ્યું આ વાતમાં તને ખેદ થશે. પછી કૃષ્ણદાસ આજ્ઞા વિના પ્રથમના ગુરૂને ત્યાં છાનામાના ગયા. તે ગુરૂએ કૃષ્ણદાસને દેખીને કહ્યું કે તમે બીજા ગુરૂ કર્યા છે? કૃષ્ણદાસે કહ્યું મહારાજ મેં બીજા ગુરૂ કર્યા નથી, મારા ગુરૂ તો તમેજ છો. પણ તમારી કૃપાથી હું પૂર્ણ પુરુષોત્તમને મેળવી શક્યો છું. ગુરૂએ કહ્યું પુરુષોત્તમ છે એની ખાત્રી શી? તે વખતે ગુરૂની પાસે અગ્નિની સઘડી પડી હતી. તેમાંથી બે હાથ ભરી સળગતિ દેવતા હાથમાં લીધો અને કહ્યું શ્રી આચાર્યજી મહાપ્રભુજી પુર્ણ પુરુષોત્તમ હોય તો મારો હાથ બળી જશે નહિ. અને જો એ પુર્ણ પુરુષોત્તમ ન હોય તો આરે હાથ બળીને ભસ્મ થશે. એ પ્રમાણે એક મુહુર્ત સુધી કૃષ્ણદાસે અગ્નિ પોતાના હાથમાં રાખી. પછીથી ગુરૂએ ત્યાં નંખાવી દીધી કષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને પાછા આવ્યા. આ સઘળો પ્રસંગ શ્રી ગેકુલનાથજીએ વિસ્તાર પુર્વક શ્રી વલ્લભાષ્ટકની ટીકામાં લખે છે.
(સાર) શ્રી મહાપ્રભુજીની આજ્ઞા વિના ગયા તો ખેદ પામવો પડ્યો. બીજું શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે તે કૃષ્ણદાસે પોતાના ગુરૂના આગળ સિદ્ધ કરી બતાવ્યું. શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે તે પણ આ પ્રસંગમાંથી સિદ્ધ થાય છે. આ માર્ગમાં ફક્ત દૈવી સંપત્તિવાળા જીવો શરણે આવે છે. કૃષ્ણદાસના ગુરૂને પ્રત્યક્ષ માલુમ પડ્યું કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે તો પણ શરણે આવ્યા નહિ.
પ્રસંગ ૩: કૃષ્ણદાસ મેઘનને આ માર્ગને સિદ્ધાન્ત હૃદયારૂઢ થયા પછી તે બધાના આગળ ગુપ્ત વાર્તાઓ કહે છે એમ એક વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને આગળ કહી દીધું. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને બોલાવી કહ્યું કે ગુપ્ત વાર્તાઓ તમે સઘળાના આગળ શા માટે પ્રગટ કરો છો? કૃષ્ણદાસે કહ્યું મહારાજ જે વૈષ્ણવે આપને કહ્યું છે તેને બેલાવી મારી કહેલી ગુપ્ત વાર્તા પુછે ત્યારે શ્રી મહાપ્રભુજીએ તે વૈષ્ણવને બોલાવી પુછયું. કૃષ્ણદાસે તમને કઈ ગુપ્ત વાર્તા કહી. ત્યારે વૈષ્ણવે કહ્યું મને તો યાદ નથી, પછી શ્રી મહાપ્રભુજી હસીને ચુપ રહ્યા.
(સાર) ગુપ્ત વાર્તા ગમે તેટલી કહેવામાં આવે પણ અધિકાર વિના સમજણ પડી શકતી નથી. અધિકારી જ ગુમ વાર્તાના ભોકતા હોઈ શકે છે.
પ્રસંગ ૪: એક વખત શ્રી ઠાકોરજીની ઈચ્છાથી કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજા ધિરાજ શ્રી ઠાકોરજીને પ્રિય છે વસ્તુ કઈ છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે, શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોક્તા છે. તેમાં વળી ગોરસ જેના અનેક ભાવ છે, જે અનિર્વચનીય છે, તે અતિશય પ્રિય છે. અને વળી તે સઘળાથી ભક્તોનો સ્નેહ તે ઘણોજ પ્રિય છે. જેથી શ્રી ઠાકોરજી ભક્ત વત્સલ કહેવાય છે. ત્યારે કૃષ્ણદાસે ફેર વિનંતી કરી કે શ્રી ઠાકોરજીને અપ્રિય વસ્તુ કઈ છે? શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે શ્રી ઠાકોરજીને ધુણી (ધુમાડી) બરાબર અપ્રિય વસ્તુ એકે નથી. તેના કરતાં ભકતોના ઉપર દ્વેશ કરનારો વધારે અપ્રિય છે. વળી કૃષ્ણદાસે પુછયું. મહારાજ, શ્રી રઘુનાથજી સંપુર્ણ સૃષ્ટિને લઈને સ્વધામમાં પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ આપ્યું તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી રઘુનાથજી તો પરમ દયાળુ છે અને એમના દયાળુપણાને લીધે એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ?
(સાર) આ પ્રસંગમાં ભકતોનો સ્નેહ શ્રી ઠાકોરજીને પ્રિય છે અને ભક્તનો દ્વેષ કરનાર અપ્રિય છે એ સિદ્ધ થાય છે. શ્રી રઘુનાથજીના દયાળુપણાને લીધેજ રાજા દશરથને સ્વર્ગની પ્રાપ્તિ થઈ કારણકે પરોપકાર, સત્ય, દયા વગેરે મર્યાદા ધર્મ છે, અને પ્રભુ સ્મરણ, પ્રભુપ્રેમ વગેરે પુષ્ટિધર્મો છે. મર્યાદા ધર્મનું ફળ સ્વર્ગલોક, અને પ્રભુપ્રેમનું ફળ નિજધામ છે. મહાન ધર્મો પાળવામાં નાના ધર્મોનું કવચિત ઉલ્લંઘન કરવાનો પ્રસંગ આવે તો તેથી ફળમાં કંઈ પણ હાનિ થતી નથી, જેમકે–પ્રહલાદજીએ પિતાનું વચન ન પાળ્યું તે લૌકિકમાં હાનિ નહિ થતાં ઉલટા તેમના ગુણ ઘેરઘેર ગવાયા અને પ્રભુએ પોતાના નિજધામમાં અંગીકાર કર્યા. તેવી જ રીતે અહીં દશરથ રાજાએ પ્રભુનું સુખ વિચારી પોતાની આજ્ઞાનું, વચનનું, ઉલ્લંઘન કર્યું હોત તો તેમને લૌકિકમાં કંઇ હાની થાત નહિ પણ અલૌકિક ફળનીજ એટલે સ્વધામમાં જવાના જ ફળની પ્રાપ્તિ થાત. તેમ છતાં સ્વર્ગ ગયા એ શ્રી રામચંદ્રજીના કૃપાળુ પણાને લીધે જ.
પ્રસંગ ૫: એક વખત કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણતા નથી તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વિધિ પુર્વક સમર્પણ કરાવ્યું છે તે પ્રમાણે કરતા નથી તે અનુભવ શી રીતે થાય! ભગવદ ભક્તનો સંગ કરે તો શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણે! કોઈનો સંગ કરતા નથી. અને જે કંઈ પણ કરે છે તે અંતઃકરણ પુર્વક કરતા નથી. તેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ તથા લીલાના ભેદ જાણતા નથી. જ્યારે ઉત્તમ ભક્તનો સંગ કરે, શ્રી સુબોધિનીજી ગ્રન્થનું અહર્નિશ અવગાહન કરે, ત્યારે ભગવદ્ ભાવ ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજી તો વ્રજ ભકતોના હૃદયમાં સદા સર્વદા બિરાજમાન છે. તેથી એતન માર્ગીય વૈષ્ણવ જેના હૃદયમાં શ્રી ઠાકોરજી બીરાજતા હોય તેનો સંગ કરવો. અહીંઆ ગજની ધાવન વગેરે વૈષ્ણવોનું દૃષ્ટાંત પોતે આપ્યું છે. વળી જેમણે ભાવ પૂર્વક સેવા કરી તેમના સઘળા મનોરથ પુર્ણ થયા છે. તેથી જે વૈષ્ણવ લીલા સ્થલ અને વ્રજ ભકતેના ભાવનો વિચાર કરે છે તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણે છે. જે આજ્ઞા કરે તે જાણે, અને જે કંઈ કામકાજ કરે તેમાં શ્રી ઠાકોરજી વિષે વિરહ તાપ ભાવ કરે, પોતાના દોષનો વિચાર કરે, પોતાનું સ્વરૂપ જાણે કે હું કોણ છું? પહેલાં ક્યાં હતો? ભગવત્ સંબંધ થવાથી શું થયું? હવે મારુ કર્તવ્ય શું? એ પ્રમાણે રાત્રિ દિવસ વિચાર કરે ત્યારે પોતાનું સ્વરૂપ જાણે! શ્રી ઠાકોરજીનું પ્રાકટયતો વ્રજ ભક્તોના માટે તથા એતન માર્ગીય ભક્તના માટે છે. જેને ઉત્તમ સંગ છે તે એતન માર્ગના ગ્રન્થનું રહસ્ય સમજે છે. શાસ્ત્ર પુરાદિ અનેક ઇતિહાસ છે પરંતુ શ્રી વ્રજરાજ (નંદરાય) ના ઘરમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટય તે જાણી શકાય નહિ. પરંતુ જ્યારે ભગવદ્ ભક્તનો સંગ થાય ત્યારે એ શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણી શકાય, માટે ભગવદીયનો સંગ અવશ્ય કરે. કારણકે સેવાનો પ્રકાર એતનું માર્ગીય વૈષ્ણવ જાણે છે. તેને મળીને ભાવ પૂર્વક પૂછીને સેવા કરવી, ત્યારે ભગવદ ભાવ ઉત્પન થાય. શ્રી ઠાકોરજીની અયુક્ત સેવા કરે તે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણવામાં આવે. [આ પ્રસંગમાં વૈષ્ણવનું શું કર્તવ્ય છે તે યથાર્થ જણાવવામાં આવ્યું છે.]
(સાર) માત્ર શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, વાંચવાથી, પુષ્ટિમાર્ગમાં કયા પ્રભુ સેવ્ય છે તે જાણી શકાતું નથી, પણ પુષ્ટિમાર્ગીય ભગવદ્ ભકતનો પ્રીતિપૂર્વક સંગ કરે તોજ માર્ગના સઘળા સિદ્ધાન્ત જાણવામાં આવે માટે માર્ગના રહસ્યનું, અને પ્રભુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવવું હોય તો ભગવદ્ ભકતોનો જ સંગ કરવો. જેમના સંગથી પ્રભુ અવશ્ય કૃપા કરશે જ.
પ્રસંગ ૬: એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી બદ્રીનારાયણના મંદીરમાં પધાર્યા ત્યાં વેદવ્યાસજી મળ્યા. ત્યારે પરસ્પર નમસ્કાર કરી શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસજીને પુછયું. મહારાજ, ભાગવતના ભ્રમર ગીતના અધ્યાયમાં શ્રી ઠાકોરજીએ ઉદ્ધવજીને વ્રજ ભક્તની પાસે મોકલ્યા તે પ્રસંગમાં અર્ધો શ્લોક ખુટે છે તે કયો? ત્યારે વેદવ્યાસજીએ અર્ધો શ્લોક કહ્યો (આત્મવાત ભક્તવત્સલાત સત્ય વકાત સ્વભાવત:) આ અર્ધા શ્લોકની ટીકા શ્રી મહાપ્રભુજીએ પહેલેથી કરી રાખી હતી તે સાંભળીને વેદવ્યાસજી બહુજ પ્રસન્ન થયા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી બદ્રીનાથના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામન દ્વાદશી હતી તેથી શ્રી મહાપ્રભુજીના મનમાં વ્રત કરવાનો વિચાર હતો. શ્રી બદ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે મેં ફલાહારની સઘળે ઠેકાણે તપાસ કરાવી છે પણ મળી શકતી નથી. તેથી તમે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી મહાપ્રસાદ લ્યો. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી દેખાય છે એટલામાં કૃષ્ણદાસે આવીને કહ્યું કે ફળ કોઈ ઠેકાણે મને મળતાં નથી. પછી તે દિવસે પોતે વામન દ્વાદશીનું વ્રત ન કર્યું. એવું વચન પણ છે કે (ઉત્સ્વાતે ચ પારણમ્) તે ભાવથી પ્રાગટય પછી પારણાં કર્યા, પછી શ્રી મહાપ્રભુજી બદ્રીનારાયણથી વિદાય થયા. કૃષ્ણદાસ મેઘન પણ સાથે જ હતા.
પ્રસંગ ૭: પ્રથમ શ્રી મહાપ્રભુજી વેદવ્યાસને સ્થાનકે પધાર્યા હતા. ત્યારે કૃષ્ણદાસને કહ્યું હતું કે તું અહીજ ઊભો રહેજે તેથી કૃષ્ણદાસ ત્યાં જ ઊભા રહ્યા હતા. પછી જ્યારે આપ ત્રીજે દિવસે પધાર્યા ત્યારે કૃષ્ણદાસને એ પ્રમાણે ઊભેલા જોયા. ત્યારે પોતે કહ્યું તું અહીંથી ગયો નથી? અને બેઠો પણ નથી? ત્યારે કૃષ્ણદાસે કહ્યું મહારાજ આપની આજ્ઞા હતી કે ઊભો રહેજે. સેવકનો ધર્મ તે આજ્ઞા પાળવી એ છે. આજ્ઞા ન માને તે સેવક શેનો? કૃષ્ણદાસ મેઘન એવા કૃપાપાત્ર હતા જેમણે સ્વામી સેવકનો ભાવ દેખાડયો. તેથી શ્રી મહાપ્રભુજી હમેશાં કૃષ્ણદાસ ઉપર પ્રસન્ન રહેતા. અને મૂર્ખતાનો દેષ મનમાં ન લાવતા એવા પ્રભુ ઉદાર છે. કૃષ્ણદાસ મેઘના માર્ગમાં, તથા ઘરમાં, સદા શ્રી મહાપ્રભુજીની પાસે રહેતા. એક ક્ષણવાર પણ જુદા પડતા નહિ. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા જેમની વાર્તાનો પાર નથી.