← બધા કીર્તન

વૈષ્ણવ ૦૪ - પદ્મનાભદાસ

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કનોજ પધાર્યા ત્યાં પદ્મનાભદાસ દર્શન કરવા આવ્યા. પદ્મનાભદાસે શ્રી મુખેથી શ્રી ભાગવત્ પ્રસંગ સાંભળ્યો, તેથી જાણ્યું કે આતો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પહેલાં પદ્મનાભદાસ પોતાને ઘેર ઊંચા વ્યાસાસન ઉપર બેસીને કથા કહેતા હતા અને બહુજ શ્રોતાઓ કથા સાંભળવા આવતા હતા. તેથી કોઈને ઘેર જવું પડતું નહિ, અને વૃત્તિ ઘેર બેઠાં ચાલી આવતી હતી. એ પ્રમાણે પદ્મનાભદાસ કાર્યક્રમ કરતા હતા. જ્યારે તેમણે આચાર્યશ્રીને પ્રતાપ બલ દેખ્યો ત્યારે તે શરણે આવ્યા. નામમંત્ર પામ્યા પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપી સમર્પણ કરાવ્યું. પછી ઉથાપન સમયે દામોદરદાસ સંભરવાળાને ઘેર શ્રી મહાપ્રભુજી આપ બિરાજ્યા હતા, ત્યાં પોથી ખોલી. દામોદરદાસ બેઠા હતા એટલામાં પદ્મનાભદાસ આવ્યા ને દંડવત્ પ્રણામ કરીને બેઠા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ નિબંધનો શ્લોક કહ્યો :

अथवा सर्वदा शास्त्रं श्रीभागवतमादरात् ।

पठनीयं प्रयत्नेन सर्वहेतुविवर्जितम् ॥ १ ॥

वृत्त्यर्थ नैव युंजीत प्राणैः कंठगतैरपि ।

तदभावे यथैव स्यात्तथा निर्वाहमाचरेत् ॥ २॥

અર્થ :— અથવા હંમેશ શ્રીમદ્ ભાગવત શાસ્ત્રનો પ્રયત્ન કરીને કોઈ પણ હેતુરહિત (ઈચ્છા વિના) આદરપૂર્વક પાઠ કરવો (૧) કંઠે પ્રાણ આવે તો પણ શ્રીમદ્ ભાગવતનો વૃત્તિ (ઉદરપોષણ) ના અર્થે ઉપયોગ ન કરવો, તેના અભાવમાં જે રીતે બની શકે તે રીતે નિર્વાહ કરી લેવો.

આ શ્લોક પદ્મનાભદાસજીએ સાંભળ્યો, પછી પોતે દશમસ્કંધની કથા કહી તે પણ પદ્મનાભદાસે સાંભળી. જ્યારે શ્રી મહાપ્રભુજી કથા કહી રહ્યા ત્યારે પદ્મનાભદાસે જળની અંજુલી ભરી શ્રી મહાપ્રભુજીના આગળ સંકલ્પ કર્યો કે “આજથી કથા કહી વૃત્તિ નહિ કરું! ”શ્રી મહાપ્રભુજીએ શ્રી મુખથી કહ્યું“ તમારી વૃત્તિ છે, તમે બ્રાહ્મણ છો, તેથી મહાભારત વગેરે તો કહેવાં, પણ શ્રીમદ્ ભાગવત વૃત્તિ અર્થે કહેવું નહિ. પદ્મનાભદાસે કહ્યું હવે તે સંકલ્પ કર્યો તેથી કંઈ પણ નહિ કહું. ત્યારે પોતે કહ્યું તમે તે ગ્રહસ્થ છે તેથી કેવી રીતે નિર્વાહ કરશે? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ યજમાનને ઘેરથી વૃત્તિ કરી લાવીશ તેથી નિર્વાહ કરીશ. પદ્મનાભદાસ યજમાનને ઘેર વૃત્તિ અર્થે ગયા, તેમણે બહુજ આદર કર્યો. તે પણ પદ્મનાભદાસના મનમાં વલાની આવી કે પહેલાં તો મેં કોઈ વખતે ભિક્ષા કરી નહોતી અને હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માગવા નીકળ્યો તે બરાબર નહિ. પહેલાં તે કેવળ ઉપવિતજ ગળામાં હતી, તેથી ભિક્ષા કરવી તેતો ઉચિત હતી પણ હમણાં તો ગળામાં માળા પહેરી છે. તેથી ભિક્ષાવૃત્તિ કરવી તે બરાબર નથી. તેથી ફરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ કરીને પણ નિર્વાહ નહિ કરું. ત્યારે ફરીથી શ્રી આચાર્યજીએ પૂછયું કે હવે નિર્વાહ શી રીતે કરશે? પદ્મનાભદાસે કહ્યું મહારાજ, વૈશ્યવૃત્તિ કરીને નિર્વાહ કરીશ. પછી કેડી વેચતા, લાકડાં લઈ આવતા. પણ બીજી કઈ પણ રીતે પિતાનું ગુજરાન કર્યું નહિ એ પ્રમાણે દેહ રહ્યા ત્યાં સુધી નિર્વાહ કર્યો. એવા ટેકી ભગવદીય હતા.

(સાર) શુદ્ધ કૃપા પાત્ર જીવોને વારંવાર કહેવામાં આવતું નથી. એક વાર શ્રવણ કર્યું કે તરતજ તે કરવા ઉપર ચોટ લાગે છે. દુનિયાનાં સર્વ સુખ એક બાજુએ નષ્ટ થતાં હોય અને બીજી બાજુએ ધર્મ રહેતો હોય તે ધર્મને ગ્રહણ કરી બધાં લૌકિક સુખનું ઉલ્લંધન કરવું એ ઉચ્ચ કોટિ ભગવદીયનાં લક્ષણ છે.

પ્રસંગ ૨: એક સમયે આચાર્યશ્રી પોતે પ્રયાગ પધાર્યા હતા. ત્યારે પદ્મનાભદાસ પણ સાથે હતા. એક પહોર રાત્રી ગઈ હતી, તે વખતે પદ્મનાભદાસને આજ્ઞા આપી, કે શ્રી અક્કાજી પેલે પાર છે તેમને ત્યાંથી અંહી પધરાવી લાવો. એટલું સાંભળતાંમાં પદ્મનાભદાસ ઉઠીને ચાલતા થયા. ત્યાં આગળ પ-૭ વૈષ્ણવો બેઠા હતા. તે મહા માહે કહેવા લાગ્યા કે બ્રાહ્મણ બાવરો થયો છે? આ વખતે ક્યાં જશે? નાવ તો સઘળાં બંધ થઈ ગયાં છે, અને ઘાટવાળા પણ પોત પોતાને ઘેર ગયા છે. તેથી આ વખત પાર જવાનું નથી, પણ એમને તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને વિશ્વાસ છે. તેથી કામ અવશ્ય થશે. એમ ધારીને ગયા હતા પદ્મનાભદાસ ઘાટ ઉપર આવ્યા. આમ તેમ જોવા લાગ્યા એટલામાં એક દસ વરસનો છોકરો નાવ લઈને આવ્યો. તેણે પદ્મનાભદાસને પૂછયું કે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું હા જઈશું. તે છોકરાએ પદ્મનાભદાસને નાવમાં બેસાડી પેલે પાર ઊતાર્યા અને પૂછ્યું ફરીથી ક્યારે આવશો? પદ્મનાભદાસે કહ્યું બે ઘડીમાં આવું છું. પેલા છોકરાએ કહ્યું નાવ રાખું છું તમે વહેલા આવજો. પછી પદ્મનાભદાસે અડેલમાં જઈ શ્રી અક્કાજીને કી મહાપ્રભુજીની આજ્ઞા કહી તેડી લાવ્યા ને હોડીમાં બેસાડી આ પાર ઊતાર્યા. ઊતાર્યા પછી જુએ છે તો તે છોકરો તેમજ હોડી કંઈ પણ દેખાયું નહિ. પદ્મનાભદાસજી તે વખતે શ્રી અક્કાજીને પધરાવી ઘેર લાવ્યા. પછી શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને સૂઈ રહેવાની આજ્ઞા આપતાં, બીજા પ-૭ વૈષ્ણવે સૂતા હતા ત્યાં સૂઈ રહ્યા. પેલા વૈષ્ણવોએ પૂછયું શી રીતે તમે તેડી લાવ્યા? ત્યારે તેમણે બધા સમાચાર તે વૈષ્ણના આગળ કહ્યા. એ સાંભળીને તે વૈષ્ણવોએ કહ્યું તમે આ વખતે શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો. પછી તે વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી મહારાજ, પદ્મનાભદાસે શ્રી ઠાકોરજીને બહુજ શ્રમ કરાવ્યો, ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું જે કંઈ થયું છે તે બધું મારી ઇચ્છાથી થયું છે તેથી પદ્મનાભદાસને કંઈ કહેશો નહિ. શ્રી મહાપ્રભુજીના વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખ્યો ને સઘળું કાર્ય સિદ્ધ થયું.

પ્રસંગ ૩: એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલથી અડેલ જતા હતા ત્યારે એક વેપારી ક્ષત્રી કેટલોક માલ વગેરે વસ્તુ લઈને સાથે જતો હતો. તે વેપારી કનોજની ભાગોળે રહ્યો અને શ્રી મહાપ્રભુજી કનોજમાં પધાર્યા. પછી તે વેપારીના ઉપર ચોરો આવી ચઢયા, ને તેમણે સઘળો માલ લુંટી લીધો, શ્રી આચાર્યજી દામોદરદાસ સંભરવાળા ને ઘેર ઊતર્યા હતા ત્યાં રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો એટલામાં તે વેપારી પાછળથી રોતો રોતો શ્રી મહાપ્રભુજીની તપાસ કરતો દામોદરદાસ ને ઘેર આવ્યો. આવીને પૂછયું કે, શ્રી મહાપ્રભુજી ક્યાં બીરાજે છે? પદ્મનાભદાસે કહ્યું તે તો ભોજન કરતા હશે? તે વેપારીએ કહ્યું મહારાજ હમારો તે સઘળો માલ લુંટાઈ ગયો. અને શ્રી આચાર્યજીતો આપ ભોજન કરે છે. ત્યારે પદ્મનાભદાસે મનમાં વિચાર્યું કે જો આ વાત શ્રી મહાપ્રભુજી સાંભળશે તો ભોજન નહિ કરે, તેટલા માટે પદ્મનાભદાસ તે વેપારીના હાથ પકડી બહાર લઈ આવ્યા અને પૂછયું, સાચું કહે, તમારો માલ કેટલાનો ગયો છે. ત્યારે પદ્મનાભદાસ તેને એક શાહુકારની દુકાને લઈ ગયા. શાહુકારે પદ્મનાભદાસની બહુજ આગતા સ્વાગતા કરી. કહ્યું કે આપનું પધારવું શા કારણથી થયું છે તે કહો? પદ્મનાભદાસે કહ્યું આ વેપારીને આટલું દ્રવ્ય આપો અને તે દ્રવ્યનું ખત પત્ર તથા વ્યાજ હું (તમે કહો તેટલું) લખી આપુ છું. તે શાહુકારે કહ્યું ખત પત્રનું શું કામ છે? દ્રવ્ય જોઈએ તેટલું લઈ જાઓ. પદ્મનાભદાસે કહ્યું પહેલાં તે ખત પત્ર લખો, પછી દ્રવ્ય લઈશ. શાહુકારે કહ્યું જેવી તમારી મરજી પછી પદ્મનાભદાસે ખત પત્ર લખી આપ્યું તેમાં પિતાને ધર્મ ઘરેણે મુકયો. અને દ્રવ્ય લઈ તે વેપારીને આપ્યું. વેપારી દ્રવ્ય લઈ પોતાને ઘેર ગયો, પછી પદ્મનાભદાસજી પણ ઘેર ગયા. શ્રી આચાર્યજીએ પૂછયું તમે ક્યાં ગયા હતા? પદ્મનાભદાસે કહ્યું મહારાજ એક કામ હતું ત્યાં ગયો હતો. પણ શ્રી મહાપ્રભુજી આપતો ઈશ્વર છે તે તત્કાલ સઘળી વાત જાણી ગયા. તેથી પદ્મનાભદાસને કહ્યું કે અમારે ને તે વેપારીને શો સંબંધ હતો? રસ્તામાં તે પાછળ રહી ગયો. તેથી અમે શું કરીએ? દેવું કરીને પૈસા આપ્યા તે, ઘણુંજ ખોટું કામ કર્યું. પદ્મનાભદાસે કહ્યું “મહારાજ, વાત તે સાચી છે પણ એ વેપારી જો પોકાર કરતો તો આપને ભોજન કરવામાં બે ઘડી વિલંબ પડત. તો મારો જન્મ વ્યર્થ જાત, દેવું તે કાલે પાછું આપીશ એમાં શું મોટી વાત છે? શ્રી આચાર્યજીએ કહ્યું તેં ધર્મ ઘરેણે શા માટે લખી આપ્યો? પદ્મનાભદાસે કહ્યું એ પ્રમાણે સખ્ત પ્રતિજ્ઞા લખી આપ્યા વિના તેનું દેવું પાછું આપી શકાય નહિ. પછી શ્રી આચાર્યજી અડેલ પધાર્યા, પદ્મનાભદાસજી એક રાજાની પાસે ગયા. રાજાએ બહુજ આદર સન્માન કરી કહ્યું મને કૃપા કરી કથા સંભળાવો. પદ્મનાભદાસે કહ્યું રાજા, " શ્રી ભાગવત્ " નહિ સંભળાવું, કહોતો મહાભારત સંભળાવું. રાજાએ કહ્યું ભલે મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભદાસ મહાભારત કહેવા લાગ્યા. પદ્મનાભદાસની કથા કહેવામાં એટલે તે વીરરસ હતો કે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો, ત્યારે બધા પાસેથી હથિયાર વેગળાં મૂકાવવાં પડ્યાં. છતાં અંદર અંદર સધળા શ્રોતાઓ મુક્કા, લાત મારવા લાગ્યા. આ પ્રમાણે દરેક નો રસ કથામાં હતો. કેટલાક દિવસ પછી જ્યારે મહાભારત સમાપ્ત થયું, ત્યારે રાજા બહુજ દક્ષિણ આપવા લાગ્યા, પદ્મનાભદાસે કહ્યું હુતો દ્રવ્ય નહિ લઊં પણ શાહુકારનું જેટલું દેવું છે તેટલું વ્યાજ સહિત આપવું છે. તેટલું આપ પરભારૂં આપી ખત ફડાવી મંગાવી લ્યો. તે સાંભળીને રાજાએ એ પ્રમાણે કર્યું. પછી પદ્મનાભદાસ પોતાને ઘેર ગયા.

(સાર) ધર્મ સાચવવામાં ન્યાય કે અન્યાય ન જોતાં એકદમ જેટલા રૂપીઆ તે વેપારીના ગયા હતા તેટલા અપાવી દીધા, દેવું કરીને ધર્મ રાખવો એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નથી; છતાં મુખ્ય ધર્મ સ્નેહના આગળ સામાન્ય ધર્મનું ઉલ્લંધન કર્યું. વૃત્તિ અર્થે પુરાણની કથા નહિ કહેતાં જેટલું દેવું હતું તેટલું જ કથા કરી અપાવ્યું. હજાર રૂપીઆ કથા કહી પેદા કરી શકે એવી શક્તિ હતી, છતાં ધર્મની ખાતર આ વૃત્તિ કદી કરી નથી.

પ્રસંગ ૪ : પદ્મનાભદાસની બેટી કુંવારી હતી. તેનો વિવાહ કોઈ શ્રી મહાપ્રભુજીનો સેવક હોય તેની સાથે કરવા હતા. પદ્મનાભદાસજી વૈષ્ણવોને પૂછવા લાગ્યા, ત્યારે વૈષ્ણવોએ કહ્યું એક સનોડીઆ બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજીના સેવક છે. પદ્મનાભદાસને લૌકિક વ્યવહારની ખબર નહિ તેથી કહ્યું ભલે વૈષ્ણવ હોય તો આપણી કન્યાના વિવાહ ત્યાં કરીએ. પદ્મનાભદાસે તે વૈષ્ણવને તિલક કર્યું, વિવાહ સહી કરી ઘેર આવ્યા. મોટી દીકરી તુલસીને કહ્યું તારી નાની બહેનનો વિવાહ એક વૈષ્ણવની સાથે કરી આવ્યું છું. તુલસીએ કહ્યું એ સનોડીઆ બ્રાહ્મણ છે અને આપણે તો કનોજીઆ બ્રાહ્મણ છીએ. તેથી એમ કેવી રીતે વિવાહ થાય? પદ્મનાભદાસે કહ્યું હવે થયું તે થયું, તે બ્રાહ્મણ છે અને વૈષ્ણવ છે. દેશ જુદો એમાં શું થયું? તેમાં વળી શ્રી મહાપ્રભુજીનો સેવક છે. તુલસીએ કહ્યું સગાઈ ફેરવો, પદ્મનાભદાસે કહ્યું છરી લાવી જે અંગુઠાએ તિલક કર્યું છે તે અંગુઠો કાપો, તુલસીએ કહ્યું અંગુઠો કેવી રીતે કાપ્યો જાય ત્યારે પદ્મનાભદાસે કહ્યું સગાઈ પણ કેવી રીતે ફેરવી જાય! અંગુઠો કપાય તો સગાઈ ફરે. પછી પદ્મનાભદાસે સનોડીઆ બ્રાહ્મણની સાથે લગ્ન કરી દીધું. જ્ઞાતિવાળાનું કંઈ ચાલ્યું નહિ. વૈષ્ણવ ઉપર અને વૈષ્ણવના કહેવા ઉપર પદ્મનાભદાસને એટલો બધો દ્રઢ વિશ્વાસ હતો કે સગાઈ ફેરવી નહિ.

પ્રસંગ ૫ : એક ક્ષત્રાણી પદ્મનાભદાસને ઘેર નિત્ય આવતી હતી. પદ્મનાભદાસની બેટી તુલસીએ તે ક્ષત્રાણિને નિત્ય આવવાનું કારણ પૂછયું. તે ક્ષત્રાણીએ કહ્યું તમારા પિતા મહા પુરૂષ છે, મહાન ભગવદીય છે, તેથી આવું છું, કારણ કે મારે સંતતિ નથી તેથી તમે મારી વિનંતી પદ્મનાભદાસના આગળ કરજો કે મને કોઈ ઉપાય બતાવે. એક દિવસે તુલસીએ પદ્મનાભદાસના આગળ કહ્યું કે પિતાશ્રી, આ ક્ષત્રાણીને સંતતિ થતી નથી, તેથી તમને વિનંતી કરે છે કે, કંઈક ઉપાય બતાવો. પદ્મનાભદાસે તુલસીને જલ લાવવાનું કહેતાં જળ આગળ ધર્યું. ત્યારે પદ્મનાભદાસે જળ લઈને ચરણોદક મિશ્રણ કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જળ પી જાઓ. તેથી પુત્રની પ્રાપ્તિ થશે. તેનું નામ તું મથુરાદાસ રાખજે. ત્યાર પછી તેને એક પુત્ર થયો.

પ્રસંગ ૬: એક વખત મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પદ્મનાભદાસને ત્યાં પધરાવી શ્રી નાથજીની સેવા કરવા લાગ્યા. અને શ્રી નાથજીના ભીતરીયા થયા. તેથી પદ્મનાભદાસ તેમના શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી ત્યાં મોગલની ફોજે આવી. ગામ લૂટયું, તેમાં પદ્મનાભદાસનું ઘર પણ લૂટયું, તેમાં શ્રી ઠાકોરજીને એક મોગલ લઈ ગયા. પદ્મનાભદાસે પોતાની બેટી તુલસીને કહ્યું તું ઘરમાં રહેજે અને હું જઉં છું. શ્રી ઠાકોરજી મળશે તો આવીશ. એમ કહીને મોગલની પાછળ પાછળ ગયા. સાત દિવસ મોગલની સાથે રહ્યા. જળપાન પણ ન કર્યું. ત્યારે આઠમે દિવસે તે મોગલને મેગલાણીએ કહ્યું. આ બ્રાહ્મણે સાત દિવસ થયાં અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. એ મરશે તો તમારે માથે હત્યા ચઢશે. માટે તેના દેવને આપી દો. ત્યારે તે મોગલે પદ્મનાભદાસને શ્રી ઠાકોરજી આપ્યા. તે લઈને પદ્મનાભદાસ પોતાને ઘેર આવ્યા. પછી તુલસીને કહ્યું તું રસોઈ કર. પછી પોતે સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું. અંગવસ્ત્ર કરી શણગાર કર્યા. પછી ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવી શ્રી ઠાકોરજીને અનોસર કરી વૈષ્ણવોને મહા પ્રસાદ લેવડાવી પછી પોતે મહાપ્રસાદ લીધો. કનોજમાંથી શ્રી ઠાકોરજી મોગલને હાથ ગયા તે વાત રામદાસે જાણ થઇ તે દિવસથી રામદાસે પણ સાત દિવસ સુધી મહાપ્રસાદ લીધો નહિ. પણ શ્રીનાથજીની સેવા સાવધાનતાથી કરતા હતા, છતાં મનમાં બહુજ ખેદ પામતા હતા. એ વાત પદ્મનાભદાસે ઘેર બેઠાં જાણી, તેથી શ્રી નાથજીનાં દર્શન કરવા તથા રામદાસને મળવા શ્રી ગિરિરાજ આવ્યા. શ્રી નાથજીનાં દર્શન કર્યા પછી રામદાસજીને મળ્યા. પદ્મનાભદાસે કહ્યું તમે મારા માથે શ્રી ઠાકોરજી પધરાવ્યા હતા તેથી હું તો દુ:ખ પામ્યો તે બરાબર છે પણ તમે સાત દિવસ સુધી મહાપ્રસાદ કેમ ન લીધો? રામદાસજીએ કહ્યું “તમે કહો છો તે સાચું છે, પણ મેં બહુ દિવસ સુધી સેવા કરી છે તેથી એટલો સંબંધ તો જોઈએ! પછી પદ્મનાભદાસ કેટલાક દિવસ સુધી ત્યાં રહી, શ્રીનાથજીથી તથા રામદાસજીથી વિદાય થઈ પોતાને ઘેર કનોજ આવ્યા.

(સાર) વૈષ્ણવોનું તન, મન, ધન કે પ્રાણ પોતાનું જે પ્રિયમાં પ્રિય હોય તેના કરતાં અધિક પ્રિય પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. પ્રાણ કરતાં વધારે સ્નેહ જેમાં છે એવા પ્રભુ ગયા તો પછી પ્રાણ શી રીતે ટકે? બધું જાય પણ પ્રભુ ને જશો એજ શુદ્ધ ભાવિક વૈષ્ણવોની ઈચ્છા હોય છે. શ્રી ગુસાંઈજીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજી જેમના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી મદનમોહનજી (જે હાલ કામવનમાં બીરાજે છે) તે કાંઈક કારણસર ચોરીમાં પધાર્યાથી, પોતે ૭ દીવસ સુધી ભોયરામાં પધાર્યા! અન્ન જળનો ત્યાગ કર્યો! અને મહાન વિપ્રયોગ દશામાં દેહનો ત્યાગ કર્યો હતો; આનું નામ સેવ્ય સ્વરૂપ તરફનો અસાધારણ પ્રેમ.

પ્રસંગ ૭: એક વખત પદ્મનાભદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી મથુરાનાથજી તથા સઘળું કુટુંબ લઈને અડેલ આવી રહ્યા. દ્રવ્યનો સંકોચ બહુ હોવાથી છોલા તળી તળીને સમર્પતા. તે છોલાને બહુ સારી રીતે વણીને ભીંજાવી રાખતા. બીજે દિવસે સારી રીતે તળીને શ્રી ઠાકોરજીને બધી સામગ્રીનું નામ લઇને એક અક મુઠી પીરસતા જાય. એક મુઠ્ઠી ભરીને કહે કે આ દાળ છે, જેટલાં શાક સંધાનાં હોય તેટલી મુઠ્ઠી ભરી નામ દઈશ્રી ઠાકોરજીને છોલા સમર્પતા. શ્રી ઠાકોરજી ઘણી જ પ્રસન્નતાથી અંગીકાર કરતા. પછી એક વૈષ્ણવે પદ્મનાભદાસ આ પ્રમાણે છોલા અંગીકાર કરાવે છે તે શ્રી મહાપ્રભુજીને કહ્યું. તેથી એક દિવસે શ્રી મહાપ્રભુજી ભોગ સમર્પવાની વખતે પદ્મનાભદાસને ઘેર પધાર્યા. શ્રી મહાપ્રભુજીને આસન ઉપર પધરાવી પોતે નિત્ય ભેગ સમર્પતા હતા તે પ્રમાણે સમર્પ્યો. ભોગ સરાવેલો જોઈને શ્રી મહાપ્રભુજીએ પૂછયું આ ઢગલી શેની છે? પદ્મનાભદાસે કહ્યું આ ખીર છે, આ ભાત છે, આ દાળ છે, આ રોટી છે, એ પ્રમાણે કહી બધી સામગ્રીનાં નામ લઈ છોલાની ઢગલીઓ શ્રી મહાપ્રભુજીને બતાવી. દ્રવ્યના સંકોચને લીધે આ પ્રમાણે કરે છે એમ જાણી શ્રી મહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. પછી શ્રી મહાપ્રભુજી ઘેર ગયા અને ઈલ્લામાગારૂજીને કહ્યું કે પદ્મનાભદાસને ત્યાં નિત્ય રસોઈનો સામાન આપણે ત્યાંથી મેકલજો. બીજે દિવસે શ્રી ઈલ્લામાગારૂજીએ સીધુ સામગ્રી પોતાને ત્યાંથી મોકલી. પદ્મનાભદાસને પોતાની બેટી તુલસીએ કહ્યું આજ શ્રી મહાપ્રભુજીને ત્યાંથી સીધુ સામગ્રી આવી છે. પદ્મનાભદાસે કહ્યું, આતો આપણને અહીંઆથી બહાર જવાનો પ્રસંગ આવ્યો. પછી પદ્મનાભદાસે ચાર દિવસની ખરચની વ્યવસ્થા કરી શ્રીઠાકોરજીને પૂછ્યું આપનું મન હોય તો શ્રી મહાપ્રભુજીને ઘેર પધરાવું ત્યાં અનેક પ્રકારની સામગ્રીઓ તૈયાર છે. શ્રી ઠાકોરજીએ કહ્યું મને તે તારૂં જ કરેલ ભાવે છે. હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું માટે તું કોઈ પણ જાતનો સંકોચ કરીશ નહિ. ત્યારે પદ્મનાભદાસે એક નાવ ભાડે કરી શ્રી મથુરાંનાથજીને પધરાવ્યા. પોતાના સઘળા કુટુંબને પણ નાવમાં બેસાડી શ્રી મહાપ્રભુજીની પાસે વિદાયગીરી માગવા આવ્યા. બે ચાર દિવસની સામગ્રી જે મંદિરમાંથી આવી હતી તે પાછી મંદિરમાં પધરાવી શ્રી મહાપ્રભુજીને દંડવત્ કર્યા. અને કહ્યું મહારાજ હું જાઊં છું. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું શ્રી ઠાકોરજી ક્યાં છે? પદ્મનાભદાસે કહ્યું " મહારાજ, શ્રી ઠાકોરજીને નાવમાં પધરાવ્યા છે, અને હું આપનાં દર્શન કરવા તથા વિદાય થવા માટે આવ્યો છું; ઘણાજ સકાચથી શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસને વિદાય કર્યા. ત્યાર પછી ભંડારીએ આવીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસને ત્યાં ૨-૪ દિવસની સામગ્રી મોકલી હતી તે પાછી ભંડારમાં મૂકી ગયા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું સીધુ, સામગ્રી મોકલી તેથી પદ્મનાભદાસ ગયા નહિ તો જાત નહિ. એ પ્રમાણે શ્રી મુખથી કહ્યું. શ્રી સર્વોત્તમજીની ટીકામાં શ્રી ગોકુળનાથજી મહારાજે પદ્મનાભદાસની વાર્તા વિસ્તારપૂર્વક લખી છે. તેમાં જણાવે છે કે પદ્મનાભદાસ સરીખા વિરલા કરોડો વૈષ્ણવોમાં પણ દુર્લભ છે. તે પદ્મનાભદાસ શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો પાર નથી.

પહ્મનાભદાસની દીકરી તુલસીની વાર્તા

પ્રસંગ ૧ : એક સમે એક વૈષ્ણવ (શ્રી મહાપ્રભુજીના સેવક) તુલસીને ઘેર આવ્યા. શ્રી ઠાકોરજીનાં દર્શન કર્યા, રાજભોગ સર્યા હતા. તેથી તુલસીએ વૈષ્ણવને કહ્યું ઊઠો સ્નાન કરી મહાપ્રસાદ લ્યો, તે વૈષ્ણવે કહ્યું ઘેર જઈને સ્નાન કરીશ. ત્યારે તુલસી કંઈ બેલ્યાં નહિ, ચુપ રહ્યાં. પછી તે વૈષ્ણવ ઊઠી પોતાને ઘેર ગયા. તુલસીના મનમાં બહુજ ખેદ થયો કે અરેરે! મારે ઘેરથી વૈષ્ણવ ભુખ્યા ગયા. પણ મનમાં આવ્યું કે જ્ઞાતિ વ્યવહારને લીધે સુખડી મહાપ્રસાદ નહિ લીધો હોય તે ઠીક, પણ કાલ સવારે તેમને અનસખડી પૂરી વગેરે મહાપ્રસાદ લેવડાવીશ. એમ વિચારી રાત્રીએ મેદો છાણી સિદ્ધ કરી રાખ્યો, પછી સૂઈ ગયાં. રાત્રીએ પદ્મનાભદાસના શ્રી ઠાકોરજીએ સ્વપ્નામાં જણાવ્યું કે તે વૈષ્ણવ કાલે પોતાને ઘેર મહાપ્રસાદ લેશે નહિ તો અંહીઆ લેવડાવજે. પ્રાતઃકાલમાં તુલસીએ ઊઠી સ્નાન કરી પુરી સિદ્ધ કરી. પછી શ્રી ઠાકોરજીને જગાવી સેવા કરવા લાગ્યાં. એટલામાં તે વૈષ્ણવ સવારમાં વહેલે આવ્યા. રાત્રીએ શ્રી મથુરાનાથજીએ સ્વપ્નમાં જણાવ્યું હતું કે કાલે તુલસીને ઘેર મહાપ્રસાદ શા માટે ન લીધો? હવે આજ અવશ્ય મહાપ્રસાદ લેજે. તેથી તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને બેસી રહ્યા. તે વખતે તુલસી શ્રી ઠાકોરજીને ભેગ સમર્પી બહાર આવી. અને વૈષ્ણવને કહ્યું ઉઠો સ્નાન કરો, સ્મરણ કરો. તે વૈષ્ણવે કહ્યું બહુ સારૂ. પછી તેમણે સ્નાન કરી, તિલક મુદ્રા કરી શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ કર્યું, પછી ભોગ સર્યા. તુલસી શ્રી ઠાકોરજીને અનોસર કરી બહાર આવ્યાં. તે વૈષ્ણવને અનસખડી, પુરી, સંધાનો વગેરે મહાપ્રસાદ ધર્યો અને કહ્યું મહાપ્રસાદ લ્યો ત્યારે તે વૈષ્ણવે કહ્યું “એતો હું નહિ લઊં, સખડી મહાપ્રસાદ લઈશ. ત્યારે તુલસીએ કહ્યું સંકોચ કરશો નહિ, આતે જ્ઞાતિ વ્યવહાર છે. તે વૈષ્ણવે કહ્યું પહેલાં તે મનમાં જ્ઞાતિ વ્યવહાર આવ્યો હતો પણ હવે તે ભગવદાજ્ઞા થઈ છે તેથી સખડી મહાપ્રસાદ લઈશ પછી તે વૈષ્ણવે સખડી અનસખડી બન્ને મહાપ્રસાદ લીધો તેથી બન્ને જણાં અત્યંત પ્રસન્ન થયાં.

પ્રસંગ ર : એક સમે તુલસીને ઘેર શ્રી ગુસાંઈજી પધાર્યા. તુલસીએ બહુ સારી રીતે સેવા કરી, તેથી આપ પ્રસન્ન થયા. ભોજન કરીને પોઠયા પછી તુલસીની સાથે ભગવદ્ વાર્તા કરતાં અતિ પ્રસન્નતા પૂર્વક આપે કહ્યું કે “પહ્મનાભદાસકી સંતતિ એસીહી ચાહિયે” પદ્મનાભદાસની સંતતિ એવીજ જોઈએ. પછી તુલસીને પૂછયું તને શ્રી ઠાકોરજી સાનુભાવ જતાવે છે? તુલસીએ કહ્યું મહારાજ, પેટ ભરીને ખાઊં છું. અને આખી રાત્રી અધેરીની માફક ઊંઘ્યા કરું છું. અને બને તો શ્રી મહાપ્રભુજીના ગ્રન્થના પાઠ કરૂં છું. તેમાં અનુભવ શો? શ્રી ગુસાંઈજી સાંભળીને તેના ઉપર બહુજ પ્રસન્ન થયા અને ત્યાંથી પધાર્યા. આ તુલસી શ્રી મહાપ્રભુજીના એવાં પરમ કૃપાપાત્ર ભગવદીય હતાં. તુલસી ઉપર શ્રી ગુસાંઈજી સદા પ્રસન્ન રહેતા.

(સાર) મોટા પોતાની મોટાઈ જણાવતા જ નથી. સાનુભાવ જણાવતા હોવા છતાં તુલસીએ પોતાના દોષ વર્ણવ્યા એજ તુલસીની મોટાઈ. વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટે કેટલો બધો પ્રેમ તે પહેલા પ્રસંગમાંથી નીકળી આવે છે.

પહ્મનાભદાસનાં નાની દીકરીની વાર્તા

પદ્મનાભદાસજીની નાની દીકરીનો વર ઘણો સારો વૈષ્ણવ હતાં. શ્રી મહાપ્રભુજીનાં દર્શન કરવા જે વૈષ્ણવો અડેલ જતા તે આ પદ્મનાભદાસજીને ઘેર ઉતરતા, નાની દીકરીનો વર આવેલા વૈષ્ણવો ની સારી રીતે પ્રીતિ પૂર્વક સેવા, સમાધાન કરતા તેમણે કનોજથી એક મજલ ઉપર બે ગાડાં, અને એક માણસ રાખી મુકેલો. જે વૈષ્ણવ આવે તેમને બેસાડી પદ્મનાભદાસજીને ઘેર પધરાવી જાય ને કનોજથી નાવમાં બેસાડી અડેલ વિદાય કરે એવો તે (નાની દીકરીનો વર) વૈષ્ણવ હતો. એક વખત પદ્મનાભદાસના મનમાં આવ્યું કે નાની દીકરીને ઘેર શ્રી ઠાકોરજી બિરાજતા નથી તેથી તે ભોગ શી રીતે ધરતા હશે? (અન્ન પ્રસાદી લેતા હશે?) એમ વિચાર થવાથી અચાનક ત્યાં ગયા જુએ છે તે બેટીએ શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો છે, ટેરો આવ્યો છે. પદ્મનાભદાસે પુછયું બેટા! શું સમય છે? બેટીએ કહ્યું સમય તો આપને ત્યાં હોય, હું તો આપનું ધ્યાન કરી પેટ ભરી લઉછું. ટેરો ખોલી દર્શન કરે છે તો પોતાનાજ સેવ્ય ઠાકોરજી શ્રી મથુરેશજી ભોગ આરોગે છે તે જોઈ ગદ ગદ કંઠ થઈ ગયા, કહે કે બેટી! તારા ઉપર આવી અતુલ કૃપા ક્યાંથી થઈ? બેટીએ વિનંતી કરી કે પહેલી તો આપની કૃપા છે, બીજી વૈષ્ણવોની સેવા, ટહેલથી શ્રી ઠાકોરજી ભલી બુરી, જેવી તેવી માની લે છે. તે વખતે પદ્મનાભદાસે બેટીને ઘેર તે મહાપ્રસાદમાંથી ચાર ગ્રાસ પ્રસાદ લીધો, કહ્યું કે બેટી તું ધન્ય છે! હું તો જાણતો હતા કે તુલસીના ઉપરજ કૃપા છે પણ તેના કરતાં તું વધી. જુઓ! હરિજન (વૈષ્ણવ) ની ટહેલમાં રહે છે તો શ્રી ઠાકોરજી પણ તેને વશ રહે છે. ત્યારથી પદ્મનાભદાસજી નિત્ય તેને ઘેર આવતા, આ નાની દીકરી એવી પરમ વૈષ્ણવ હતી. (ભાવસિંધુ)

(સાર) વૈષ્ણવોની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. માટે પ્રભુ કૃપા મેળવવા અવશ્ય વૈષ્ણવોએ ટહેલ કરવી. એટલે વૈષ્ણવોને પોતાને ઘેર પધરાવવા, અને પ્રસન્ન ચિત્તથી દીનતાયુક્ત તેમનાથી જે બને તે ટહેલ (સેવા) કરી તેમને પ્રસન્ન કરવા.

પહ્મનાભદાસનાં બેટાની વહુ પાર્વતીની વાર્તા

આ પાર્વતી શ્રી ઠાકોરજીની સેવા બહુ સારી રીતે કરતાં હતાં. પુરૂષોત્તમદાસ મેહરા વૈષ્ણવ પાર્વતીને સારી રીતે ભગવદીય જાણતા હતા, તેથી તેઓ જ્યારે કેનોજમાં આવતા ત્યારે પાર્વતીને ઘેર ઊતરતા. કેટલાક દિવસ પછી પાર્વતીના હાથ પગ પર કોડ નીકળવાથી સફેદ થઈ ગયા. તેથી શ્રી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતાં તથા સ્પર્શ કરતાં બહુજ ગ્લાનિ આવતી. ત્યારે પુરૂષોત્તમદાસ મહેરાને પત્ર લખ્યો કે શ્રી ગુસાંઈજીને મારા માટે વિનંતી કરજો કે મારા દેહની આ સ્થિતિ થઈ છે. તેથી સેવા કરતાં તથા સામગ્રી કરતાં બહુજ ગ્લાનિ આવે છે. આ પત્ર જ્યારે પુરૂષોત્તમદાસ મહેરાને પહોંચ્યો ત્યારે શ્રી ગુસાંઈજીના આગળ એક મહોર ભેટ ધરીને વાંચી સંભળાવ્યો. શ્રી ગુસાંઈજીએ પુરૂષોત્તમદાસ મેહરાને પત્ર લખવાની આજ્ઞા કરી કે સેવા સુખેથી કરજો. તમારા મનમાં કઈ પણ વાતની ગ્લાનિ લાવશો નહિ. શ્રી ઠાકોરજીની કૃપાથી તારો રોગ થોડા દીવસમાં દુર થશે. પુરૂષોત્તમદાસ મેહરાએ શ્રી ગુસાંઈજીની આજ્ઞાનુસાર પાર્વતીને પત્ર લખ્યો. તેમાં શ્રીમુખનાં વચનામૃત લખી મોકલ્યાં. પાર્વતીને પત્ર મળ્યો ત્યારથી શ્રી ગુસાંઈજીની આજ્ઞાથી ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યાં, સેવા કરતાં કરતાં ૩-૪ મહિને તેના હાથ પગ સારા થઈ ગયા, એટલે ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યા અને શ્રી ગુસાઈજીને ભેટ મોકલી પત્ર લખી જણાવ્યો કે આપના પ્રતાપથી હું સારી થઈ છું. તે પત્ર વાંચીને શ્રી ગુસાંઈજી બહુજ પ્રસન્ન થયા. પાર્વતી એવાં ભગવદીય હતાં કે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતાં. તેથી શ્રી ગુસાંઈજી તેના ઉપર સદા પ્રસન્ન રહેતા.

(સાર) શ્રી ગુસાંઈજીનાં વચન ઉપરના દ્ઢ વિશ્વાસથી કોડ જેવો મહાન રોગ તે પણ નિવૃત થઈ ગયો. જોકે આવા રોગથી ભગવદીઓએ ચિંતા કરવી જોઈએ નહિ, પણ ભગવત સેવામાં દિનકર્તા હોવાથી જ આ પાર્વતી ચિંતાયુક્ત થયાં હતાં.

પહ્મનાભદાસના પૌત્ર - પાર્વતીના બેટા રઘુનાથદાસની વાર્તા

આ રઘુનાથદાસ બનારસમાં ઘણાં શાસ્ત્ર ભણીને શ્રી ગોકુલ આવ્યા. ત્યારે શ્રી ગુસાંઈજી મોટાઓ (પદ્મનાભદાસ) ની કાનિથી તેમના ઉપર કૃપા કરતા. કથા કહેતા ને રધુનાથદાસ સાંભળતા. એક દિવસ પરમાનંદ સોનીએ પૂછ્યું, તમે બહુ ભણીને પંડિત થયા છો ત્યારે શ્રી ગુસાંઈજીએ શી કથા કહી તે કહો. રઘુનાથદાસે કહ્યું જે તમે સાચુ કહેવડાવતા હો તે મને તો કંઈ સમજ પડતી નથી. તેમ શ્રીમહાપ્રભુજીની પ્રણાલિકા પણ જાણતો નથી. પરમાનંદદાસ સોનીએ શ્રી ગુસાંઈજીને કહ્યું મહારાજ, રઘુનાથદાસ કંઈ કથા સમજતા નથી, તેમ શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા પણ જાણતા નથી. ત્યાર પછી શ્રી ગુસાંઈજીએ રઘુનાથદાસને કૃપા કરી બે ચાર ગ્રન્થ ભણાવ્યા અને માર્ગની પ્રણાલિકા કહી. ત્યાર પછી રઘુનાથદાસ સઘળું સમજવા લાગ્યા અને મોટા પંડિત થયા. કેટલાક દિવસ પછી ત્યાંથી વિદાય થઈ કનોજ પોતાને ઘેર આવ્યા. પોતાની માતા પાર્વતીને કહ્યું હું ન્યારી રસોઈ કરી શ્રી ઠાકોરજીની સેવા કરીશ. પાર્વતીએ કહ્યું ભલે તેમ કરો. પછી તે જુદી રસોઈ કરતા. તેમની માતા પાર્વતી જલ ભરી લાવતાં, પાત્ર માંજતાં, અને શ્રી ઠાકોરજીની સેવાની બધી પ્રચારગી કરતાં જ્યારે રાજભોગ સરે ત્યારે પોતાને ત્યાં આવે એકલી રોટી કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી, ભોગ સરાવ્યા પછી મહાપ્રસાદ લે, એ પ્રમાણે નિત્ય પાર્વતી કરતાં. ૨-૩ દિવસ વીત્યા પછી પાર્વતીના સેવ્ય શ્રીઠાકોરજીએ કહ્યું એકલી રોટી આરોગવાથી મારા ગળામાં ખુંચ્યા કરે છે. તું દાળ તો કર! પાર્વતીએ કહ્યું મહારાજ, તમે તો શાક સલોના આરોગતા હશો? શ્રી ઠાકોરજીએ કહ્યું હું તે તારી કરેલી રોટીજ આરોગું છું. ત્યાર પછી તે નિત્ય દાળ, ભાત, શાક સલોનાં બધું કરવા લાગ્યાં તે પાર્વતી એવાં પરમકૃપાપાત્ર હતાં કે જેમણે શ્રીઠાકોરજીને એવા પ્રસન્ન કર્યા. આ સઘળી વાર્તા પદ્મનાભદાસના કુટુંબની થઈ. તે પદ્મનાભદાસ શ્રી મહાપ્રભુજીના એવા પરમકૃપાપાત્ર ભગવદીય હતા.

(સાર) ગમે તેટલા ગ્રન્થને અભ્યાસ કરી પંડિત બને પણ શ્રી ગુરૂદેવની કૃપા વિના ભકિત માર્ગીય ગ્રન્થનું જ્ઞાન થતું નથી. પદ્મનાભદાસના વંશજ તરીકે રઘુનાથદાસ ઉપર શ્રી ગુસાંઈજીની કૃપા ઊતરી અને મહાન ભગવદીય થયા.

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.