વૈષ્ણવ ૦૫ - રજો ક્ષત્રાણી
કીર્તનના શબ્દો
॥ વાર્તા પ (૧) ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુની સેવક રજો ક્ષત્રાણી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: તે રજો ક્ષત્રાણી લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ રતિકલા છે. રતિ જે પ્રીતિ તેની ક્લા, અથવા રતિ જે વિહાર તેની કલા કે જેમને શ્રીસ્વામીજીનો વિહાર સિદ્ધ કરતો હતો. આ પ્રકારની સામગ્રી છે. બીજું જાણતા જ નથી. શ્રીસ્વામિનીજીને માટે નાના પ્રકારની સામગ્રી કરવી, નિકુંજાદિકમા રાત્રિએ દૂધાધિક આરોગાવવું એ લલિતાજીની સેવા છે. તેથી અહીં પણ રજોને એ નેમ કે રાત્રીની સામગ્રી નિત્ય નેમથી શ્રીઆચાર્યજીને આરોગાવવી. લીલામાં રતિકલાને બહુ તાપ હતો જે શ્રીસ્વામિનીજીને પીરસું એવું ભાગ્ય મારું ક્યારે થશે? કેમ કે આરોગાવવું એ લલિતાનીજી સેવા છે તે કેમ મળે? લલિતાજી તો અત્યંત પ્રિય મધ્યાજી છે, સઘળી લીલાની સિદ્ધિકર્તા છે. અને આ તાપ રતિકલાના હૃદયનો છે તેથી શ્રીઆચાર્યજી (શ્રીસ્વામિનીજી સ્વરૂપ) એમણે એ મનોરથ પૂર્ણ કર્યો. તાપ મટાડ્યો. કેમ કે નારાયણદાસ બ્રહ્મચારી બ્રાહ્મણ હતા. તેમની કરેલી ખીર આરોગવા માટે શ્રીગોકુલચન્દ્રમાજીએ શ્રીઆચાર્યજીને કહ્યું, ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું, પાક કેમ લઈ શકાય? પછી શ્રીગોકુલચન્દ્રમાજીની આજ્ઞાથી લીધો.
અને અહીં રજો તો ક્ષત્રાણી હતાં છતાં તેની અનસખડી પોતે નિત્યનેમથી લેતા. તે લીલા સંબંધનો ભાવ વિચારીને તથા રજો એકાંગી, અનન્ય ભક્તના ભાવને વશ થઈને આરોગ્યા. પ્રેમના ભારથી મર્યાદા છૂટી જાય. એમાં રજોને પ્રેમ બતાવ્યો. રજોના પ્રેમથી મર્યાદા સ્વરૂપનું નિરોધાન થઈ જતું. લીલા રસમાં મગ્ન થઈ સામગ્રી અંગીકાર કરતા.
વાર્તાપ્રસંગ ૧: તે રજો નિત્ય પકવાન સામગ્રી કરી રાત્રીએ લઈ આવતી. તે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આરોગતા, એને એવો નેમ હતો. એક દિવસ લક્ષ્મણ ભટ્ટજીનો શ્રાદ્ધનો દિવસ હતો. તેથી શ્રીઆચાર્યજીએ બ્રાહ્મણોને ભોજન અર્થે બોલાવ્યા હતા. ત્યાં ઘી થોડુંક જોઈતું હતું, ત્યારે શ્રીઆચાર્યજીએ એક વૈષ્ણવન કહ્યું કે રજોને ત્યાંથી ઘી લઈ આવો. તે એક વૈષ્ણવે જઈને રજોને કહ્યું કે શ્રીઆચાર્યજીએ ઘી મંગાવ્યુ છે, ત્યારે રજોએ તે વૈષ્ણવને કહ્યું, કે ઘી શા માટે મંગાવ્યું છે? વૈષ્ણવે કહ્યું કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિન આજે છે અને બ્રાહ્મણને ભોજન અર્થે બોલાવ્યા છે ત્યાં ઘી ઘટ્યું છે. તેથી આવ્યો છું. ત્યારે રજોએ કહ્યું કે ઘી મારે ત્યાં નથી, જઈને કહેજો તેથી વૈષ્ણવ પાછો આવ્યો. અને શ્રીઆચાર્યજીને કહ્યું મહારાજ! રજોને ત્યાં ઘી નથી, શ્રીઆચાર્યજી કહે કે એકવાર ફરી જા, ખીજીને કહેજે નકે ઘી દે. વૈષ્ણવ ફરીને આવ્યો, રજોને કહ્યું કે શ્રીઆચાર્યજી ખીજે છે તેથી ઘી દે. તો પણ રજોએ ઘી દીધું નહીં અને કહ્યું, મારે ઘી નથી, ક્યાંથી દઉં? વૈષ્ણવે પાછા આવીને શ્રીઆચાર્યજીને કહયું કે મહારાજ! રજો ઘી નથી આપતી. પછી બીજી જગ્યાએથી ઘી મંગાવી કામ ચલાવ્યું.
રાત્રિ થઈ ત્યારે રજો સામગ્રી સિદ્ધ કરી શ્રીઆચાર્યજીની પાસે આવી ત્યારે શ્રીઆચાર્યજી પીઠ દઈ બેઠા. રજોએ કહ્યું મહારાજ જીવ તો દોષથી ભર્યો છે. અપરાધ શો કે આપ દર્શન નથી દેતા? ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું, કે આજ લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું, તેં ઘી કેમ ન આપ્યું? રજોએ કહ્યું, મહારાજ! આપના ઘરમાં પણ ઘી હતું તે કેમ નહીં લીધું! શ્રીઆચાર્યજી કહે, તે તો શ્રીઠાકુરજીનું હતું, તેમાંથી કેમ લેવાય? ત્યારે રજોએ કહ્યું, મારા ઘરમાં કોણ છે? શ્રીઠાકુરજીથી અધિક આપનું સ્વરૂપ બિરાજે છે, તે આપની લાલા સંબંધી સામગ્રીમાંથી શ્રાદ્ધમાં કેમ દઉં? અને હું લક્ષ્મણ ભટ્ટજીની લુંડી નથી, હું તો આપની લુંડી છું. આપે મારી પરીક્ષા લેવા માટે ઘી મંગાવેલું. પહેલાં વૈષ્ણવ જ્યારે મોકલ્યો ત્યારે તો લૌકિક આવેશથી ઘી ઘટ્યું એટલે આપ કહે, રજો પાસેથી લઈ આવો. આ લૌકિક પ્રવાહ આજ્ઞા જાણીને મેં ઘીની ના કહી. પછી આપે મનમાં વિચાર્યું કે શ્રાદ્ધને માટે બ્રાહ્મણ ભોજનમાં જલદી જોઈએ તેથી ફરી તે વૈષ્ણવને આપે મોકલ્યા તેણે આવીને કહ્યું કે આપે ખીજીને કહ્યું છે કે ઘી દે, ત્યારે મેં મર્યાદા જાણી. કેમ જે પુષ્ટિકાર્યમાં ક્રોધ પ્રયોજન નહીં, ભાવથી જ બધી વસ્તુ સિદ્ધ છે, અને મર્યાદામાં તો તે વસ્તુ વિના કર્મ નાશ થાય. વસ્તુથી પૂર્ણતા જે, તેથી વસ્તુને માટે ક્રોધ કેમ? અને આવશ્યક વસ્તુ તો જોઈએ.
તેથી મર્યાદાની આજ્ઞા પણ ન માની, અને મર્યાદા કાર્યને અર્થે ઘી પણ ન આપ્યું. ત્રીજી વખત પુષ્ટિના આવેશથી માગતાતો હું ઘી દેતી અને આપને ઘી મંગાવવું હતું તો એટલું જ તે વૈષ્ણવને કહ્યું હોત કે રજોને કહેજે તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી, ઘી આપજે તો હું શું કામ કહેતી અને મહારાજ જાણી જોઈને કૂવામાં કેમ પડું? આપની કૃપાથી આટલું જ્ઞાન થયું તેથી મે ઘી ન આપ્યું. આપ તો બુદ્ધિપ્રેરક છો મારા હૃદયમાં બેસીને ઘી દેવાની ના કહી, હું તો વિના મોલની દાસી છું, માટે આપ કૃપા કરો.
ભાવપ્રકાશ: તેથી જ શિક્ષાપત્રમાં કહ્યું છે જે શ્રીઠાકુરજીની આજ્ઞા ત્રણ પ્રકારની છે. લૌકિક આજ્ઞા પ્રવાહ જેવું કરવાને માટે. શ્રી ભાગવતમાં પણ લૌકિક આદિ કાર્ય ત્રણ પ્રકારના વર્ણન કર્યા છે. અલૌકિક કાર્યમાં શ્રીઠાકુરજીનો પણ આશ્રય અને ભગવદીયનો સંગ. વૈદિક કાર્યમાં તીર્થ દેવ-પૂજા કર્માદિ. લૌકિક કુટુંબ પાળવું, ખાનપાન, શરીરનું સુખ, તે ત્રણેના વલ પણ અલગ અલગ કહ્યાં છે. લૌકિકથી સંસાર વૈદિકથી સ્વર્ગાદિક અને અલૌકિકથી ભગવદપ્રાપ્તિ, એ પ્રકારના ભેદથી ઘી નહીં દીધું.
ત્યારે શ્રીઆચાર્યજીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યાં, પછી રજોએ સામગ્રી શ્રીઆચાર્યજીના આગળ રાખી અને કહ્યું કે આરોગો. ત્યારે શ્રીઆચાર્યજીએ રજોને કહ્યું કે આજ શ્રાદ્ધનો દિવસ છે. તેથી બીજીવાર લેવું નહીં ત્યારે રજોએ કહ્યું કે મહારાજ! ઘરની હોઈ તો લોકોની મર્યાદા માટે ન લો, આ તો લેવી જોઈએ.
ભાવપ્રકાશ: તેનો અર્થ એ કે લીલાના ભાવથી પોતાના નિજ સ્વરૂપથી આરોગો હવે આ મર્યાદાનો આવેશ ક્યાં સુધી રાખશો? લીલાના આવેશનાં મન દો. ભક્તોનો મનોરથ પૂર્ણ કરો, આટલું સાંભળતાં જ આપમાં પુષ્ટિલીલાનો આવેશ થઈ ગયો. મર્યાદાની આજ્ઞા બધી જતી રહી. સામગ્રી આરોગ્યા. જેમ પરમાનંદદાસજીએ ગાયું કે હરિ તેરી લીલાકી સુધી આવે, એટલું સાંભળતાં જ ત્રણ દિવસ સુધી શરીરનું અનુસંધાન આપને ન રહ્યું. એ પ્રકારે લીલામાં આવેશ થઈ રજોનો મનોરથ પૂર્ણ કર્યો. તેથી રજો એકાંગી ભવદીય છે.
પછી રજોના આગ્રહથી શ્રીઆચાર્યજી તે દિવસે પણ સામગ્રી આરોગ્યા તે રજો ક્ષત્રાણી શ્રીઆચાર્યજી મહાપ્રભુની એવી કૃપા પાત્ર ભગવદીય હતી તેથી એની વાર્તાનો પાર નહીં. તે ક્યાં સુધી કહીએ ॥ વાર્તા ૫।।
॥ વાર્તા પ (૨) ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક, શેઠ પુરુષોત્તમ કાશીમાં રહેતા હતા તેમની વાતનો ભાવ કહીએ છીએ.
ભાવપ્રકાશ: શેઠ પુરુષોત્તમદાસ અને દામોદરદાસ સંભલવાળાને સંગ છે. જયારે તાંબાનો પત્ર વંચાવવા દામોદરદાસ કાશી ગયા તે દિવસથી શેઠને શ્રીઆચાર્યજીના દર્શનની આરતી થઈ શ્રીઆચાર્યજી પહેલી પૃથ્વી પરિક્રમા કરી કાશી પધાર્યા ત્યારે શેઠને મણિકણિકા ઘાટ ઉપર શ્રીઆચાર્યજીનાં દર્શન થયાં. અને કૃષ્ણદાસને પુછ્યું કે શ્રીઆચાર્યજીએ દક્ષિણ દેશમાં કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદ ખંડન કર્યો છે, તે જ આ છે? ત્યારે કૃપ્ણદાસ મેઘને કહ્યું, એ જ છે ત્યારે શેઠ પુરુષોત્તમદાસે શ્રીઆચાર્યજીના સન્મુખ જઈને દંડવત કયા. વિનંતી કરી, મહારાજ ! કૃપા કરીને શરણે લો. કૃપા કરી ધર પાવન કરો ત્યારે શ્રીઆચાર્યજી તેમની દીનતા જોઈ શેઠ પુરુપોત્તમદાસના ધરે પર્ધાયા. શેઠ, શેઠની બેટી રૂકમણી, શેઠના બેટા ગોપાલદાસ હવે એમનું શું કર્તવ્ય છે? ત્યારે શ્રીઆચાર્યજી કહે, ભગવત્સેવા પુષ્ટિમાર્ગથી રીતિથી કરો. તે શેઠના ઘેર શ્રી મદનમોહનજી ઠાકુર હતા, પાસે દશ-પંદર હજાર રૂપિયા હતા, ઘર બનાવ્યું તેના નીમમાંથી (મકાનના પાયામાંથી) શ્રીમદનમોહનજી ઠાકુરજી નીકળ્યા અને દ્રવ્ય પણ ઘણું નીકળ્યું. કરોડધ્વજી કહેવાયા. સાઠ કરોડ રૂપિયા દ્રવ્ય મળ્યું. તેમના પિતાએ થોડાક દિવસ સુધી શ્રીમદનમોહનજીની પૂજા કરી દેહ છોડ્યો. પૂછી શેઠે પુજા બહુ દિવસ સુધી કરી, દ્રવ્ય ઘણું કમાયો તે શ્રીમદનમોહનજી શ્રીઆચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી પાટ બેસાડ્યા અને શેઠના માથે પધરાવ્યા.
તે શેઠ પુરુષોત્તમદાસ લીલામાં શ્રીસ્વામિનીજી સખી છે. ઇન્દુલેખા એમનું નામ છે. અને શેઠની બેટી રૂકમણી ઇન્દુલેખાની સખી, મોદિની નામ છે, અને ગોપાલદાસ શેઠના બેટા તે ઇન્દુલેખાની સખી ગાનકલા છે. તે શેઠ પુરુષોત્તમદાસ શ્રીમદનમોહનજીની રાજસેવા કરતા બાવન બીડાના નેગ હતો. એનું કારણ એ છે કે લીલામાં બીડાં આરોગાવવાની સેવા ઇન્દુલેખાની છે. તેથી પુરુષોત્તમદાસે બાવન બીડાં રાખ્યાં, તેમાં શ્રીઠાકુરજીના ભાવથી વીસ અને બત્રીસ બીડાં શ્રીસ્વામીજીના ભાવથી એનો આશય એ કે શ્રીઠાકુરજીને વિશ્વાસ પ્રિય છે. તેથી વીસો એટલે વિશ્વાસ અને નિશ્ચયાત્મક એટલે દ્રઢ વિશ્વાસ દેખાડવાને વીસ બીડાં શ્રીઠાકુરજીના ભાવથી. અને શ્રીસ્વામિનીજીને શ્રુંગાર પ્રિય છે, તેથી જુગલ રૂપનો શ્રુંગાર સોલ દુના બત્રીસ થયા. એ પ્રકારે શ્રીસ્વામિનીજીને પ્રસન્ન કર્યા. આ પ્રકાર કહી એ સૂચવ્યું કે જેટલી સેવા શેઠ પુરુષોત્તમદાસ કરતા તે બધી ભાવપૂર્વક કરતા, સામગ્રી વસ્ર આભૂષણમાં પણ.
અને શ્રીમદનમોહનજીની સેવા ઠાકુરજીના ભાવથી અધિક શ્રીઆચાર્યજી મહાપ્રભુના ભાવથી કરતા. શ્રીઆચાર્યજીએ પ્રસન્ન થઈને શ્રીમદનમોહનજીના બંને ચરણ શ્યામ દર્શન કરાવ્યાં. તેનો આશય એ કે બધું અંગ ગૌર, એ તો શ્રીઆચાર્યજી મહાપ્રભુનું નિજ સ્વરૂપ સ્વામીજીના શ્રીઅંગનો વર્ણ, અને ચરણ બંને શ્યામ તે શ્રીકૃષ્ણના શ્રીઅંગનો વર્ણ. તેમાં ચરણ શ્યામનો અભિપ્રાય નિકુંજાદિક લીલામાં શ્રીઠાકુરજી બીજા સ્વરૂપે (શ્રીસ્વામિનીજી)ના ચરણ આશ્રિત છે. તેથી ઠાકુરજીના ભાવથી શ્રીઆચાર્યજીની સેવા દેખાડી. એ પ્રકારે શેઠ પુરુષોત્તમ ઉપર અનુગ્રહ શ્રીઆચાર્યજીએ કર્યો. આ શ્રીમદનમોહનજીને શ્રીઆચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી પાટ બેસાડ્યા અને શેઠને માથે પધરાવ્યા.
વાર્તાપ્રસંગ ૧: કાશીમાં મુખ્ય વિશ્વેશ્વર મહાદેવ કે જે કાશીના રાજા છે, તેમના દર્શને કદીયે જતા ન હતા. એક દિવસ વિશ્વેશ્વર મહાદેવે સ્વપ્નમાં શેઠ પુરુષોત્તમદાસને કહ્યું કે ગામનો નાતો તમે નથી રાખતા, તો વૈષ્ણવનો નાતો તો રાંખો. કોઈવાર અમને મહાપ્રસાદ તો આપ્યા કરો! ત્યારે સવારે શેઠ પુરુષોત્તમદાસ સેવાથી પહોંચીને મહાપ્રસાદનો ડબરો અને બીડાં લઈ વિશ્વેશ્વર મહાદેવનાં દેવાલયે ચાલ્યા. ત્યારે ગામના લોકો બધા આશ્ચર્યવંત થઈ રહ્યા કે શેઠ કોઈ દિવસ નથી આવતા તે આજે કેમ આવ્યા? કેટલાક લોકો તો શેઠ સાથે ગયા, શેઠ તો મહાપ્રસાદનો ડબરો અને બીડાં ચાર ધરી શ્રીકૃષ્ણ સ્મરણ કરી ઊઠી ચાલ્યા. ત્યારે મોટા મોટા શૈવ બ્રાહ્મણ હતા તે શેઠ પુરુષોત્તમદાસને કહે તમે દંડવત નમસ્કાર કેમ ન કર્યા? શ્રીકૃષ્ણસ્મરણ કરી ઊઠી ચાલ્યા આ પ્રમાણે ઉચિત નહીં. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે કહ્યું મારે અને તેમને ભગવત્સ્મરણનો વ્યવહાર છે. તમે પૂછી લેજો, તમને વિશ્વેશ્વર મહાદેવ કહેશે.
પછી તે બ્રાહ્મણોમાં એક કૃપાપાત્ર હતો. તે બ્રાહ્મણને મહાદેવજીએ કહ્યું કે અમે શેઠ પાસે મહાપ્રસાર્દ માગ્યો હતો. અમારે અને એમને ભગત્વસ્મરણનો વ્યવહાર છે. તેથી એમને બીજું કંઈ કહેતો નહીં. તે પછી શેઠ મોટા ઉત્સવની પાછળ મહાપ્રસાદ વિવેશ્વર મહાદેવને માટે લઈ જતા.
ભાવપ્રકાશ: એ કહેવાનો અભિપ્રાય એ કે શેઠ પુરુષોત્તમદાસ હવે શ્રમહાપ્રભુજીના સેવક થયા એમની આજ્ઞામાં બધા લોકો દ્રવ્ય માટે રહે. તેથી મહાદેવજીએ વિચાર્યું કે હવે બધા જો અનન્ય થશે તો અમારું માહાત્મ્ય ઘટી જશે અને ભગવદાજ્ઞા તો કવિકાલ આવ્યો છે તેથી જીવોને બહિર્મુખ કરવાની છે તેનું શું? અને શેઠ પુરુષોત્તમદાસે તો ભક્તિ ફેલાવી છે. અને એમની ઉપર તો અમારું કાંઈ ચાલે નહીં. ત્યારે મહાદેવજીએ આ પ્રમાણેનો ઉપવાસ કર્યો. શેઠજી તો મહાપ્રસાદ દેવા જાય પણ તેથી સઘળા લોકો મહાદેવજીના દેવાલયે જવા લાગ્યા. જો કોઈ ટોકે તો ઉત્તર આપે કે શેઠજી સરખા જાય છે તો અમારી શી વાત? તો મહાદેવજી મોટા ભગવદીય છે. એ પ્રકારે જીવ બહિર્મુખ થયા પરંતુ એ ન જાણે કે શેઠને તો આજ્ઞા થઈ તેથી ગયા પરંતુ રુકમણી અને ગોપાલદાસ ક્યારેય ગયા નહીં તો અમે કેમ જઈએ? એમ ન જાણ્યું બધાએ ઉત્તમ ફળ દેવું નથી તેથી શેઠ પુરુષોત્તમદાંસ પણ મહાપ્રસાદ નિમિત્તે ગયા.
વાર્તાપ્રસંગ ર: પછી એક દિવસે વિશ્વેશ્વર મહાદેવજીએ કાલભૈરવ જે કાશીના કોતવાલ હતા. એમને કહ્યું, કે શેઠ પુરુષોત્તમદાસના વૈષ્ણવોની ઘેરથી મોડા વહેલા અડધી રાત્રે આવે છે. તેથી શેઠ પુરુષોત્તમદાસના ઘરની ચોકી દેજે. કોઈ છળીઓ ચોર વિગેરે ન આવે. ત્યારથી કાલભૈરવ નિત્ય શેઠ પુરુષોત્તમદાસના ઘરની ચોકી પહેરો દેતા.
એક દિવસ વૈષ્ણવના ઘરેથી અર્ધ રાત્રિ સમયે શેઠ પુરુષોત્તમદાસ આવતા હતા તે વખતે ઘરના દ્વાર ઉપર કોઈને જોયો. પાછું ફરીને જોયું અને પૂછ્યું તું કોણ ત્યારે કાલભૈરવે કહ્યું, કે મને મહાદેવજીએ તમારા ઘરનો પહેરો દેવાનું કહ્યું છે, તે નિત્ય પહેરો દઉં છું. ત્યારે શેઠ પુરુષોત્તમદાસ બોલ્યા નહીં, કમાડ દઈને ઘરમાં આવ્યા.
ભાવપ્રકાશ: આ કહીને એમ જણાવ્યું કે શેઠ એવા કૃપાપાત્ર ભગવદીય હોવા છતાં વૈષ્ણવના સંગ અર્થે પોતે ચાલીને જતા. તેથી વૈષ્ણવનો સંગ અવશ્ય કરવો કેમ કે શ્રીઆચાર્યજી લખે છે કે 'પોષકભાવે તું શૈથિલ્યમ' અર્થાત પોષકનો અભાવ હોય તો મન શિથિલ થઈ જાય, ભક્તિ ઘટી જાય અને પોષણ તો સત્સંગથી થાય. અને કાલભૈરવને મહાદેવજીએ રાખ્યા તે એથી કે કાશીમાં ભૂત, છળીઓ, ચોર, આદિ ઘણા. તેથી મહાદેવજી વિચારે છે કે મને ભગવાને કાશીનું રાજ આપ્યું છે, તેથી આ ગામમાં અન્યાય થાય તો મારા માથે દોષ આવે, અને ભગવદીયનો કંઈ બિગાડ થાય તો ભગવાન મારા ઉપર અપ્રસન્ન થઈ જાય. અને શેઠજીએ અમને મહાપ્રસાદ પણ કૃપા કરીને આપ્યો છે અને અમારું તો કંઈ લેતા નથી. તેથી એટલી ચોકી તો કરવી જોઈએ. કાલભૈરવને ચોકી પહેરાનું કહ્યું તે એથી કે કદાચિત કંઈ બગાડ પણ થાય તો દંડ કાલભૈરવના માથે આવે.
વાર્તાપ્રસંગ ૩: વળી એક દક્ષિણ દેશનો બ્રાહ્મણ કાશીમાં આવ્યો. તે શૈલી મહાદેવજીનો કૃપા પાત્ર હતો જ્યારે તેને મહાદેવજી દર્શન દે ત્યારે તે બ્રાહ્મણ ખાનપાન કરે. એમ કરતાં જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. શેઠ પુરુષોત્તમદાસ મોટા મંડાણ એટલે બંધારણથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા. તેથી મહાદેવજી જન્માષ્ટમીના દિવસે શેઠ પુરુષોત્તમદાસના ઘરે આવ્યા. તે નવમીના નંદ મહોત્સવ પછી બપોરના દેવાલયમાં જ્યારે ગયા ત્યારે બ્રાહ્મણને દર્શન થયા. ત્યારે તે બ્રાહ્મણે વિશ્વેશ્વર મહાદેવજીને પૂછ્યું કે કાલ તમારા દર્શન ન થયાં, આજે બપોરે થયાં તેનું કારણ શું? ત્યારે મહાદેવજીએ કહ્યું કે જન્માષ્ટમીનો ઉત્સવ જોવાને શેઠના ધેર ગયો હતો. કાલ સવારથી, તે આજે આવ્યો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે એવા શેઠ કોણ છે જેમના ઘરે તમે ઉત્સવ જોવા જાવ છો? ત્યારે વિશ્વેશ્વર મહાદેવજીએ કહ્યું કે એ મોટા ભગવદ્ભક્ત છે, અમારાથી શ્રેષ્ઠ છે.
ભાવપ્રકાશ: તેનો અર્થ એ કે શેઠ પુષ્ટિમાર્ગીય ભગવદ્ભક્ત છે. અમે મર્યદામાર્ગીય છીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે એવા ભગવદ્ભક્ત અમને પણ કરો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે શેઠ પુરુષોત્તમદાસના સેવક ત્યાં જઈને થાય તે નામ સંભળાવશે. એમને શ્રીઆચાર્યજીની આજ્ઞા છે ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે તમે જ નામ સંભળાવો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે અમારું દીધેલું નામ ફલશે નહીં
ભાવપ્રકાશ: તેનો અર્થ એ કે અમારું નામ દીધે મર્યાદા ભક્તિનો ઉપરી અધિકારી થઈશ. પુષ્ટિમાર્ગનો અધિકાર તો એમનો જ છે. ત્યારે એ બ્રાહ્મણે પુરુષોત્તમદાસના દ્વાર ઉપર આવીને શેઠને ખબર કરાવી ત્યારે મનુષ્યોને કહ્યુ, એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે. ત્યારે શેઠે કહ્યું કે માથું ખાલી કરવા આવ્યો હશે.
ભાવપ્રકાશ: એનો અર્થ એ કે મહાદેવજીનો ભક્ત છે, નામ સાંભળશે પરંતુ દ્રઢ ભક્તિ તો બહુ દિવસ સુધી મહેનત કરીશું ત્યારે થશે. શેઠ સેવાથી પહોંચીને બહાર આવ્યા. ત્યારે બ્રાહ્મણે દંડવત કર્યા. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું કે તમે આ અનુચિત કેમ કરો છો? અમે ક્ષત્રિય છીએ, તમે બ્રાહ્મણ થઈને દંડવત કરો છો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે અમને નામ આપો. સેવક કરો ત્યારે શેઠે કહ્યું, અમે તો કોઈને નામ આપતા નથી. સેવક પણ કરતા નથી.
ભાવપ્રકાશ: તેનો અર્થ એ કે નામ આપવાવાળા અને સેવક કરવાવાળા તો શ્રીઆચાર્યજી મહાપ્રભુ છે. આ વાત તે બ્રાહ્મણ સમજયો નહીં. ત્યારે બહુ આગ્રહ કર્યો, પરંતુ શેઠે નામ ન દીધું એટલે મહાદેવજી પાસે પાછો આવ્યો અને કહ્યું શેઠ તો નામ નથી આપતા. ત્યારે વિશ્વેશ્વર મહાદેવે કહ્યું કે તું ફરી જઈને શેઠને કહેજે કે મને મહાદેવજીએ મોકલ્યો છે, તેથી તને પાછો નહીં મોકલે. તે બ્રાહ્મણે ફરી આવીને શેઠજીને કહ્યું કે મને મહાદેવજીએ મોકલ્યો છે, તેથી નામ આપો.
ભાવપ્રકાશ: તેનો અર્થ એ કે જીવ પુષ્ટિમાર્ગનો છે, તેથી નામ દો. ત્યારે શેઠે તે બ્રાહ્મણને નામ સંભળાવી હાથ જોડીને જયશ્રીકૃષ્ણ કર્યા. ત્યારે તે શેઠ બ્રાહ્મણે કહ્યું તમે મને નામ સંભળાવ્યું. હવે હાથ જોડીને નમસ્કાર કેમ કરો છો? શેઠે કહ્યું, અમે શ્રીઆચાર્યજીની આજ્ઞાથી નામ આપીએ છીએ. અમારા તમારા ગુરુ તો શ્રીઆચાર્યજી મહાપ્રભુજી જ છે. જ્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુ પધારે ત્યારે તેમની પાસે ફરી નામ સાંભળજો. અમારે તમારે ભગવદ્સ્મરણનો વ્યવહાર થયો. પછી તો બ્રાહ્મણ અડેલમાં જઈ શ્રીઆચાર્યજીની પાસે નામ નિવેદન પામ્યો. તે થોડા દિવસ રહી દક્ષિણ દેશ ગયો, વૈષ્ણવ થયો.
ભાવપ્રકાશ: આ વાર્તામાં એ સંદેહ છે કે મહાદેવજી જન્માષ્ટમીનો ઉત્સવ જોવા શેઠ પાસે આવ્યા. તે જન્માષ્ટમી શ્રીઆચાર્યજી સંબંધી પુષ્ટિ લીલા છે અને મહાદેવજી તો મર્યાદા છે તેનું કેમ? ગોપાલદાસ ગાય છે કે - “આવો મારગ શ્રીવલ્લભ વરનો રે, જહાં નહીં પ્રવેશ વિધિ હરનો રે.” અહીં એ ભાવ જાણવો, કે શેઠના ઘરે સારસ્વત કલ્પની પૂર્ણાવતારની લીલા છે, એટલે તેમાં બધી લીલા છે, અને મહાદેવજીને કલ્પાંતરની લીલા જે અંશકલાની છે, તેનો અનુભવ થયો. એ અહીં જણાવ્યું છે કે જ્યાં શ્રીઆચાર્યજીના ઠાકુરજી છે ત્યાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનાં દર્શન થાય. અન્ય માર્ગીયને એવાં દર્શન ન થાય. તેથી મહાદેવજી તે બ્રાહ્મણને કહે તું શેઠનો સેવક થા. ત્યારે તારો પુષ્ટમાર્ગમાં અંગીકાર થશે.
વાર્તાપ્રસંગ ૪: વળી શેઠ પુરુષોત્તમદાસ એક દિવસ મંદિરમાં બેઠા હતા. મંદિર વસ્ત કરતા હતા. તે દૂરથી ગોપાલદાસે જોઈને મનમાં વિચાર કર્યો કે હવે શેઠજી વૃદ્ધ થયા છે. તેથી હવે હું સેવામાં તત્પર થાઉ. પછી ગોપાલદાસ જયારે ન્હાઈને બહાર આવ્યા ત્યારે શેઠ ગોપાલદાસના મનની વાત જાણીને તેમને બોલાવ્યા, અને કહ્યું. બેટા! આગળ આવ. ગોપાળદાસ પાસે આવીને જુએ તો વીસ-પચીસ વર્ષના શેઠ છે ત્યારે પુરુષોત્તમદાસે કહ્યું, કે ભગવદીય સદા તરુણ છે, પરંતુ જે અવસ્થા હોય તેને માન આપવું જોઈએ. તેથી જ પછી મનમાં એવું ન લાવીશ.
ભાવપ્રકાશ: એનો અર્થ એ કે ગોપાલદાસના મનમાં એ આવ્યું કે હું તરુણ છું, શેઠજી વૃદ્ધ છે. હવે હું સેવામાં તત્પર થાઉં. તે વાતમાં ગોપાલદાસનો શેઠજીએ બગાડ જાણ્યો કે તું અગર હું શું સેવા કરીશ? શ્રીઆચાર્યજી જેના ઉપર કૃપા કરશે તેનાથી શ્રીઠાકુરજીની સેવા કરાવશે. તે તરુણ શું કે વૃદ્ધ શું? આજ પછી મનમાં એવું કદી ન લાવીશ. આ પ્રકારે માન-મર્દન કરી તુર્ત જ સમજાવ્યા કેમ કે ગોપાલદાસ લીલામા શેઠની સખી છે તેથી એ ન સમજાવે તો કોણ સમજાવે?
વાર્તાપ્રસંગ પ: વળી એક સમય શેઠ દક્ષિણમાં ગયા. ત્યાં ઝારખંડમાં 'મંદાર' પર્વત છે તેના ઉપર 'મંદાર મધુસૂદન' ઠાકુર છે. તે પર્વતથી મનુષ્ય પડે તો ચોટ ન લાગે, અનજાણે પડે તો અને જાણીને બધા પાપ કહીને ઉપરથી પડે તો દેહ છૂટે, પછી બીજા જન્મમાં કામની સિદ્ધિ થાય. એવું તે પર્વતનું માહાત્મ્ય લોકમાં પ્રસિદ્ધ છે.
ત્યાં એકવાર શ્રીઆચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા હતા. ત્યાં એક સમયે શેઠ પુરુષોત્તમ અને એક બ્રાહ્મણ વૈષ્ણવ વિરક્ત બંને જણ સાથે ગયા. રાત્રિ થઈ ગઈ તેથી પર્વત ઉપર સૂઈ ગયા. પછી અર્ધ રાત્રિના સમયે શ્રીઠાકુરજી બ્રાહ્મણ-સિદ્ધિનું રૂપ ધરી પોતે ત્યાં પધાર્યા. ત્યારે શેઠ તો બોલ્યા નહીં. પણ તે વૈષ્ણવ જે શેઠની સાથે હતા તેણે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું કે હું બ્રાહ્મણ છું. આ પર્વત ઉપર રહું છું. તમે કોણ છો? ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું અમે શ્રીવલ્લભાચાર્ય સેવક છીએ ત્યારે તે બ્રાહ્મણે (શ્રીઠાકુરજીએ) કહ્યું. અમારી પાસે મણિ છે. તમે લેશો? ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું, મણિમાં શું ગુણ છે? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, જેટલું દ્રવ્વ જોઈએ તેટલું તે મણિથી મળે, ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું, કે હું મણિનુ શું કરીશ? જગદીશ શેર ચૂન આપશે. અને આ શેઠ પુરુષોત્તમદાસ ગૃહસ્થ છે, એમને બહુ ખર્ચ છે, એમને આપો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શેઠજીને જગાડો ત્યારે તે વૈષ્ણવે શેઠને જગાડીને કહ્યું કે, આ મણિ લો, એનાથી જેટલું દ્રવ્વ જોઈએ તેટલું મળશે. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે કહ્યું, અમારે તો મણિ જોઈતો નથી. તે સિદ્ધ બ્રાહ્મણ મણિ લઈને પાછો ગયો. પછી વિરક્ત વૈષ્ણવે શેઠજીને કહ્યું. તમે મણિ કેમ ન લીધો? ત્યારે શેઠે કહ્યું, તે કેમ ન લીધો? પહેલાં તો તને એ આપતો હતો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હું વિરક્ત છું. મણિ લઈને શું કરું? જગદીશ શેર ચૂન જયાં ત્યાંથી આપે છે. ત્યારે શેઠે કહ્યું તને શેર ચૂન દે છે તો મને દસ શેર ચૂન પણ દેશે. શું જગદીશને ઘેર ટોટો છે! તેથી હે બ્રાહ્મણ બાવરા! શ્રીઠાકુરજીનો આશ્રય છોડી મણિનો આશ્રય કરું? પછી શેઠ પોતાના ઘરે આવ્યા.
ભાવપ્રકાશ: આ વાતમાં બહુ સંદેહ છે કે શેઠ સેવા છોડીને દક્ષિણ કેમ ગયા? એમને કંઈ કામના તો હતી નહીં? તો પછી દક્ષિણમાં મધુસૂદન ઠાકુરને ત્યાં કેમ ગયા? ત્યાં કહે છે કે શેઠના મનમાં એમ આવ્યું કે દક્ષિણમાં શ્રીઆચાર્યજીનું પ્રાગટ્ય છે. તે જન્મસ્થળમાં દર્શન કરી આવું તે માટે દક્ષિણ ગયા. ત્યારે મંદાર મધુસૂદન ઠાકુરે શેઠજીને કહ્યું કે તમે કૃપા કરીને આ પર્વતમાં મારી પાસે આવો તો આ સ્થળના પાપ દૂર થાય. કેમ કે મારે ત્યાં અનેક પાપી આવે છે તે કોઈ પર્વતથી માહાત્મ્ય સાંભળીને પડે છે. તેથી એમના પાપ ઘણા ભેગા થયાં છે, બધાં તીર્થ ગંગાજી આદિ ભવદીયના આવવાની રાહ જુએ છે. તેથી તમે આ દેશમાં આવ્યા છો તો પવિત્ર કરો. તમે આવશો તો આ તીર્થનું માહાત્મ્ય પણ વધશે. તમારું તો કંઈ બગડતું નથી. કારણ તેમને પ્રભુનો દ્રઢ આશ્રય છે. એ પ્રકારે મંદાર મધુસૂદને કહ્યું ત્યારે શેઠજી તે પર્વત પર ગયા. પછી મણિ લઈને લાભ દેખાડ્યો, પરંતુ શેઠજી નિષ્કામ છે, એમને કાં ડર અગર અપેક્ષા નથી. જે એવા નિષ્કામ હોય એમનામાં તીર્થોને પવિત્ર કરવાનું સામર્થ્ય હો. તેમને કંઈ બાધક ન થાય અને સકામીને તો તીર્થ પણ બાધક છે, એથી જેઓ સ્થળના માહાત્મ્યથી પર્વત ઉપરથી પડે. તેઓ મનોરથનું ફળ પામે. એ કહી એમ જણાવ્યું કે કોઈ વસ્તુની કામના થઈ ત્યારે પુષ્ટિમાર્ગથી પડ્યો જાણવું. અને દ।ઢમાંથી મણિ ન લીધો તેનો અભિપ્રાય એ જણાવ્યો કે વિના માર્ગે અન્ય ફળ મળે તો પણ તેના લેવાથી અન્ય સંબંધ થાય. તો કામનાથી તો નિશ્ચય અન્યાશ્રય થાય તેથી શેઠે એ વિરક્ત્ વૈષ્ણવને કહ્યું કે 'બાવરા.' તેનું કારણ એ કે મણિ આદિ કંઈ ફલ દેવા કોઈ આવે તેનાથી બોધવું નહીં. એની મેળે ચાલ્યો જાય, આ પ્રકારે શેઠને દ્રઢાશ્રય હતો.
વાર્તાપ્રસંગ ૬: વળી એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ કાશી પધાર્યા. ત્યાં શેઠ પુરુષોત્તમદાસને ઘેર આપ ઊતર્યા. પછી શેઠ પુરુષોત્તમદાસના ઠાકુરજી શ્રીમદનમોહનજીને સ્નાન કરાવી પોતે ભોગ ધરી ભોજન કર્યું. ત્યારે દામોદરદાસ હરસાનીએ શ્રીઆચાર્યજીને વિનંતી કરી, કે મહારાજ! આ શું? અહીં પંચામૃતથી ઠાકુરજીને નવરાવ્યા ત્યારે શ્રીઆચાર્યજી કહે, યદ્યપિ એ અમારી આજ્ઞાથી નામ આપે છે, તો પણ એટલી મર્યાદા રાખવી જોઈએ.
ભાવપ્રકાશ: એનો આશય છે કે સેવક કરે તેના સન્મુખ શિષ્યના પાપ આવે છે, તે જો ગુરુ સામર્થ્યવાન હોય તો પાપને બાળે. શેઠ યદ્યપિ શ્રીઆચાર્યજીની આજ્ઞાથી નામ દે છે, ભવદીય છે, તેથી એમને પાપ શું કરે? તો પણ મર્યાદા દ્રષ્ટિથી સેવ્ય સ્વરૂપને પંચામૃત વડે ન્હવાયાથી શેઠનું પંચતત્વનું શરીર શુદ્ધ થાય. એક આ ગૌણભાવ અને ઉત્તમભાવ એ કે શેઠ શ્રી મદનમોહનજીની શ્રીઆચાર્યજી મહાપ્રભુના ભાવથી સેવા કરે છે. તેથી શ્રીઆચાર્યજી પંચામૃત સ્નાન કરાવી તે સ્વરૂપને શ્રીગોવર્ધનધર રૂપ કરીને ભોગ ધરે છે. એ મુખ્ય ભાવ જાણવો.
વાર્તાપ્રસંગ ૭: ફરી એક દિવસ કાશીના રાજાના મનમાં આવ્યું કે શેઠ પુરુષોત્તમદાસને અમે મળીએ. તે રાજા ગંગાપાર રહેતો હતો. ત્યાંથી પ્રાતઃકાલ આવ્યો તે સમયે શેઠજી નાની પરદની (પોતડી) પહેરીને છાણ એકઠું કરતા હતા. ત્યારે એ શેઠના માણસોએ શેઠને કહ્યું કે તમને મળવા રાજા આવે તો સારાં વસ્ત્ર પહેરીને ગાદી ઉપર બેસો ત્યારે શેઠ કહે કે, આવવા દે. રાજાનો શું ડર છે? પછી રાજા આવ્યા ત્યારે શેઠ છાણ ભરેલા હાથથી રાજાની આગળ આવ્યા. રાજા ચતુર હતો તે કહે શેઠજી! તમે ધન્ય છો આ સંસારમાં મોટાઈ એક તમારી છૂટી છે. ત્યારે શેઠે કહ્યું અમે ગૃહસ્થ છીએ ઘરનું કરવું જોઈએ. ત્યારે રાજા પ્રસન્ન થઈને ઘરે ગયો, આ પ્રકારે પ્રતિઠાની ચાહના રંચક પણ ન હતી. ગાયની ટહલને પોતાના ઘરનું કામ કહ્યું.
ભાવપ્રકાશ: એનો આશય એ છે કે જેમ શ્રીઠાકુરજીની સેવા એમ જ ગાયની સેવા એ જ ઘરનું કામ છે. લૌકિક વૈદિક કામ છે, એ બહારનું કામ છે. એ પ્રકારે શેઠે કહ્યું,
વાર્તાપ્રસંગ ૮: એમ સેવા કરતાં જન્માષ્ટમી આવી ત્યારે શ્રીઆચાર્યજીએ, નંદરાયજીના, ઘરે જન્મ ઉત્સવ થયો હતો તે લીલાના ભાવથી પલના નંદ-મહોત્સવ કર્યો. ત્યારે નંદલાલજી, યશોદાજી, ગોપી ગ્વાલથી રહેવાયું નહીં. સાક્ષાત બધા પધાર્યા. તેથી નંદમહોત્સવ અનિર્વચનિય તે દર્શન શેઠ પુરુષોત્તમદાસને, રૂકમણીને, અને ગોપાલદાસને થયાં કારણ કે તેઓ લીલા સંબંધી પાત્રો હતાં.
પછી શ્રીઆચાર્યજીએ યશોદાજી અને ગોપીગ્વાલને કહ્યું કે આ કાળમાં તમે સાક્ષાત પધાર્યા તે ઉચિત નહીં. ત્યારે બધાએ કહ્યું જયાં આપ સાક્ષાત સ્વામિનીરૂપ થઈ ઉત્સવ કરો ત્યાં અમારાથી કેમ રહેવાય? ત્યારે શ્રીઆચાર્યજીએ કહ્યું કે, હવેથી અમે બધાને વેષ ધરાવીશું. તેમનામાં ભાવરૂપથી પધારજો, ત્યારે કહે કે સારું તે રીતે વિચારીશું તે દિવસથી શ્રીઆચાર્યજીએ વેષની રીતિ જન્માષ્ટમી ઉપર કરી. આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમદાસના ઘરે કર્યો. તે પછી શેઠ પુરુષોત્તમદાસ નિત્ય શ્રી મદનમોહનજીને પાલને ઝુલાવતા જન્મમહોત્સવના ભાવમાં સદા મગ્ન રહેતા.
વાર્તાપ્રસંગ ૯: વળી શ્રીઆચાર્યજીની પાસે વાદી શાસ્ત્રાર્થ કરવા ઘણા આવે અને વાત કરતાં સાંજ થઈ જાય. તેથી આપના ભોજન કર્યા વિના વૈષ્ણવો મહાપ્રસાદ લે નહીં. ત્યારે શ્રીઆચાર્યજીએ 'પત્રાવલંબન' ગ્રંથ કરીને એક કાગળ ઉપર તેને લખ્યો. પછી એક વૈષ્ણવને આપ્યો, કે વિશ્વેશ્વર મહાદેવજીના દેવાલયમાં ભીંત ઉપર લગાડી એમ કહેજે કે જેટલા પંડિતો, બ્રાહ્મણો, શૈવ, વાદી આવે તેમને જો સંદેહ હોય તો આમાં જોઈ લેવું. જો ઉત્તર ન મળે તો શ્રીઆચાર્યજી પાસે આવજો. એટલે તે વૈષ્ણવે 'પત્રાવલંબન' ગ્રંથ લઈ જઈ મહાદેવજીની પાસે ભીંતમાં લગાડ્યો. બધા માયાવાદી ત્યાં આવતા હતા તેમને વૈષ્ણવે કહ્યું કે, કાંઈ સંદેહ શ્રીઆચાર્યજીને પૂછવો હોય તો આને વાંચી લો. તેમાં બધાનો ઉત્તર મળ્યો, તેથી બધા ચૂપ થઈ ગયા. અને કહે કે શ્રીઆચાર્યજી ઈશ્વર છે. આટલા નાના ગ્રંથમાં હજારો માયાદવાદીઓ નિરુત્તર કર્યા.
ભાવપ્રકાશ: મહાદેવજીની પાસે લગાડવાનો આશય એ છે કે અમારું કર્યું તમારા ઇષ્ટ મહાદેવજીને પ્રમાણ છે તો તેમને જીતવા તે કેટલી વાત છે? અને એટલા માટે આ કાશીના રાજા વિશ્વેશ્વર છે તેમની પાસે આ ઝઘડો નાખ્યો છે. ખોટા-ખરાના મહાદેવ સાક્ષી છે. હવે જો નહીં માનો તો તમને મહાદેવ દંડ દેશે. એ પ્રકારે મહાદેવથી કહેવડાવીને બધા પંડિતોને જીત્યા. જેમ પુષ્ટિમાર્ગીયનાં ઇષ્ટ વ્રજભૂમિ અને શ્રીકૃષ્ણ તેમ શૈવીના ઇષ્ટ કાશીને મહાદેવ અને કાશીમાં મહાત્મ્ય દઢ જણાવ્યા વિના જગતમાં ભક્તિમાર્ગનો વિસ્તાર ન થાય. વૈષ્ણવોને પાછળથી શૈવ દોષ કરી દુ:ખ દે. તેથી શ્રીઆચાર્યજીએ કાશીમાં આ પ્રકારનું મહાત્મ્ય 'પત્રાવલંબન' દ્વારા બધાને જણાવ્યું તે એથી કે કોઈ પંડિત વાદી કોઈ વૈષ્ણવથી બોલી ન શકે.
વાર્તાપ્રસંગ ૧૦: અને શેઠના સગા સબંધીમાં શેઠના એક મામા હતા. તે શેઠજીને નિત્ય કહે કે ગયાંજી ચાલો તો હું તમારી સાથે આવું ત્યારે શેઠ કહે નવરાશે ચાલીશું. પછી ચૈત્ર મહિનો આવ્યો ત્યારે મામાએ આગ્રહ કર્યો કે ગયાંજી ચાલો. ત્યારે શેઠે બે ગાડી તૈયાર કરાવી. એક ગાડી ઉપર રાજભોગ પછી શેઠ ચાલ્યા તે પાંચ-છ કોશ ચાલ્યા ત્યારે એક રીંગણનું ખેતર આવ્યું તેમાંથી ખેતરવાળાએ સુંદર રીંગણાં વીણીને મોટો ટોકરો ભરીને ધર્યો. શેઠની દષ્ટિ તેના ઉપર પડી, ત્યારે શેઠજીએ ગાડી ઊભી રખાવી અને વિચાર્યું કે, શ્રી મદમનમોહજીના સેનભોગ લાયક શાક થશે. તેને કહ્યું કે આ રીંગણાંનું શું લઈશ? ત્યારે તે બોલ્યો, એક રૂપિયો લાગશે. ત્યારે શેઠે રૂપિયો આપી રીંગણા બધા ગાડીમાં ધરી ગાડીવાનને કહે જલદી ગાડી ઘર તરફ પાછી હાંક. તને એક રૂપિયો આપીશ. અહીં શ્રીમદનમોહનજી રૂકમણીને કહે, તું વહેલી ઊઠીને સ્નાન કરીને પૂરી કર, શેઠ શાક લઈને આવે છે. ત્યારે રૂકમણીએ કહ્યું મહારાજ એમ? શેઠ તો ગયાજી ગયા છે. ત્યારે શ્રી ઠાકુરજીને કહ્યું, શેઠ 'ગયા' કરી આવ્યો એમની 'ગયા' પૂરણ થઈ તું ઊઠીને પૂરી જલદી કર. ત્યારે રૂકમણી ન્હાઈને મેદો જે ઘરમાં સિદ્ધ હતો તેની પૂરી કરવા લાગી. પ્રહર એક રાત્રિ ગઈ હતી. થોડીક પૂરી બાકી રહી ત્યારે શેઠે ઘરે આવીને અવાજ કર્યો ત્યારે ગોપાળદાસે કમા ખોલ્યા. શેઠે રૂકમણીને પૂછ્યું કે શો સમય છે? ત્યારે રૂકમણીએ કહ્યું, જલદી સુધારી દો, થોડી પૂરી કરવી બાકી છે. એટલે શેઠજી અને ગોપાલદાસે રીંગણાં સુધારી દીધાં, રૂકમણીએ સામગ્રી સિદ્ધ કરી. શેઠે પણ ન્હાઈને ભોગ ધર્યા. ત્યારે શેઠ ગોપાલદાસને કહે જે પાંચ-દસ વૈષ્ણવો જલદી મળે તેને બોલાવી લાવો. ગોપાલદાસ વૈષ્ણવોને બોલાવી લાવ્યા, એટલામાં સમય થયો. ભોગ સરાવ્યા સેન આરતી કરી શ્રીઠાકુરજીને પોઢાડ્યા. અનોસર કરાવી વૈષ્ણવો સાથે મળીને મહાપ્રસાદ લીધો. તે મામો કેટલાક દિવસમાં ગયાજી જઈને આવ્યો ત્યારે તેણે શેઠને કહ્યું તમે કેમ પાછા આવ્યા? ત્યારે શેઠે કહ્યું, મારા ઘરમાં જરૂરી કામ હતું તેથી પાછો આવ્યો.
ભાવપ્રકાશ: આ વાર્તાથી એ સિદ્ધાંત થયો કે સામગ્રી ઉત્તમ જોઈએ. તેમાં પોતાના પ્રભુનું સ્મરણ કરવું. તે ઘણા મૂલ્યથી ખરીદવું ઝઘડો ન કરવો. પોતાની સામર્થ્ય પ્રમાણે લઈએ. અને ભગવત્સેવારૂપ આ ધર્મની આગળ બધા વૈદિક ધર્મો તુચ્છ જાણીએ. તો શ્રીઠાકુરજી પ્રસન્ન થાય. શેઠની પ્રીતિ માટે ફરી બીજી વખત સેનભોગ શ્રીઠાકુરજી આરોગ્યા. તેથી સ્નેહ છે તે જ પ્રભુનું પ્રસન્નતાનું કારણ છે.
તે શેઠ પુરુષોત્તમદાસ શ્રીઆચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદીય હતા.