વૈષ્ણવ ૦૬ - પુરુષોત્તમદાસ
કીર્તનના શબ્દો
॥ વાર્તા ૬ (૧) ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક શેઠ પુરુષોત્તમદાસની બેટી રૂકમણી તેમની વાતનો ભાવ કહીએ છીએ.
ભાવપ્રકાશ: એ રૂકમણી લીલામાં શ્રીસ્વામિનીજી સખી ઇંદુલેખા જે છે તેની સખી મોદિની છે. શ્રીઠાકુરજીની સેવામાં તત્પર છે. મોદિની જે આનંદ તેને પ્રકટ કરવાવાળી છે તેથી તેનું નામ મોદિની છે.
વાર્તાપ્રસંગ ૧: એક સમયે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની શરણે રૂકમણી આવી, ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ તેને નામ સંભળાવ્યું, નિવેદન કરાવ્યું. રૂકમણી બહુ કૃપાપાત્ર હતી. એક સમય શ્રીગુસાંઈજી કાસી પધાર્યા હતા ત્યાં સૂર્યગ્રહણ થયું. પછી શ્રીગુસાંઈજી મણિકર્ણિકા માટે સ્નાન કરવા પધાર્યા ત્યારે રૂકમણી પણ શ્રીમદમોહનજીને સ્નાન કરાવીને પોતે મણિકર્ણિકા સ્નાન માટે આવી. શ્રીગુસાંઈજી પધાર્યા છે તે વાત જાણીને આવી. ત્યાં સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા. એક વૈષ્ણવે શ્રીગુસાંઈજીને કહ્યું, મહારાજ! શેઠ પુરુષોત્તમદાસની બેટી ગંગા સ્નાને આવી છે, ત્યારે શ્રીગુસાંઈજી કહે રૂકમણી આગળ આવ. એટલે રૂકમણી આગળ આવી, શ્રીગુસાંઈજીએ પૂછ્યું તું કેટલા દિવસે ગંગાસ્નાને આવી છો? રૂકમણીએ કહ્યું મહારાજ! ચોવીસ વર્ષ પછી ગંગાસ્નાને આવી છું. રૂકમણીના આ વચન સાંભળીને શ્રીગુસાંઈજીનું હૃદય ભરાઈ આવ્યું, કે એવી સેવામાં મગ્ન છે કે ગંગાસ્નાન માટે પણ નવરાશ નથી.
ભાવપ્રકાશ: ત્યાં એ સંદેહ થાય છે કે ચોવીસ વર્ષ પહેલાં તો ગંગાજી સ્નાન માટે આવી હતી, હવે શ્રીગુસાંઈજી પધાર્યા તેથી આવી. પરંતુ ગંગાસ્નાન કરવું એ આગ્રહથી રૂકમણી સેવક થયા પછી આવી નહીં, એવી સેવામાં મગ્ન છે. શ્રીગુસાંઈજી રૂકમણીને જોઈને કહેતા કે “એનાથી શ્રીઠાકુરજી અઋણી કદી પણ નહીં થાય.”
ભાવપ્રકાશ: તેનો અર્થ એ કે રાસપંચાધ્યાયીમાં શ્રીઠાકુરજી વ્રજભક્તોને કહે છે તમારું ભજન એવું છે કે સદા ઋણી રહીશ. તેમ રૂકમણીથી શ્રીઠાકુરજી ઋણી રહેશે. એ ભાવથી શ્રીગુસાંઈજીએ કહ્યું.
વાર્તાપ્રસંગ ૨: વળી ક્ષત્રી લોકોમાં વહુ બેટી કાશીમાં કાર્તિક, મહા, વૈશાખ, મહિનામાં ગંગાસ્નાન કરે છે ત્યારે રૂકમણીએ શેઠ પુરુષોત્તમદાસને કહ્યું કે તમે કહો તો હું કાર્તિક સ્નાન કરું. શેઠે કહ્યું કરો, જે જોઈએ તે લો. રૂકમણીએ કહ્યુ, ઘી, ખાંડ મંગાવી દો, મેંદો તો ઘરમાં છે. શેઠે ઘી-ખાંડ મંગાવી દીધાં. રૂકમણી પ્રહર રાત્રિ પાછલીએ ઊઠી નિત્ય નિયમપૂર્વક અધિક સામગ્રી કરે અને મંગલાથી રાજભોગ પર્યત આરોગાવે પછી ઉત્થાનના એક પ્રહર ગહેલાં ન્હાઈને સામગ્રી કરે. ઉત્થાપનથી શયન પર્યત આરોગાવે. એમ કરતાં કેટલાંક દિવસ વિત્યા ત્યારે શેઠે રૂકમણીને પૂછયું કાર્તિક નહાતાં તો કદીયે જોઈ નહીં! તું ગંગાજી કયા સમયે જાય છે? રૂકમણી કહે મારે કાર્તિક ન્હાવાનું શું કામ? જેને કંઈ કામના હોય તે કાર્તિક ન્હાય હું તો આ પ્રકારે ન્હાઉ છું ત્યારે શેઠ પુરુષોત્તમદાસ બહુ પ્રસન્ન થયા.
ભાવપ્રકાશ: ત્યાં સંદેહ થાય કે રૂકમણી કાર્તિક ન્હાવાનું નામ લઈને શેઠ પાસે સામગ્રી કેમ લીધી? આરોગવાનું નામ લેતી તો શું શેઠ સામગ્રી ન આપત? ત્યાં કહે છે કે જયારે કુમારિકાનું મન શ્રીઠાકુરજીને લાગ્યું ત્યારે અલગ મનોરથ કર્યો. પછી યશોદાજીને કહેવું જોઈએ એટલે યશોદાજીને કહ્યું કે તમે કહો તો અમે કાત્યાયની દેવીનું પૂજન કરીએ. માર્ગશીર્ષ મહિનો શ્રીયમુનાજીનું સ્નાન કરે ત્યારે શ્રીયશોદાજીએ શ્રીનંદરાયજીને કહીને ન્યારી સામગ્રી પૂજાની ઘી-ખાંડ બધું કુમારિકાઓને આપ્યું. એટલે કાત્યાયની દેવીનું મિષ (બહાનું) કરીને શ્રીયમુનાજીનું પૂજન કર્યું. કેમ કે શ્રીઠાકુરજી અને શ્રીયમુનાજી એક જ છે. 'પુરુષોત્તમ સહસ્રનામ'માં શ્રીઆચાર્યજી કહે છે 'કાત્યાયનીવ્રત વ્યાજસર્વભાવાશ્રિતાંગનઃ' કાત્યાયની વ્રતનું વ્યાજ એટલે મિષ કરી સર્વ પ્રકારના ભાવનો બધા અંગમાં આવેશ કરી પ્રભુનો આશ્રય કર્યો. તે જ પ્રકારે રૂકમણીએ પણ કાર્તિક, માર્ગશીર્ષ, મહા, વૈશાખ, ઇત્યાદિનું નામ લઈ વ્રજભક્તોની ભાવપૂર્વક સેવા કરી. એમાં એ બતાવ્યું કે જેમ વ્રજભક્તોના ભાવની ખબર કોઈને ન પડી તેમ રૂકમણીના ભાવની ખબર કોઈને ન પડી. બીજાને તો શું શેઠ પુરુષોત્તમદાસ પણ રૂકમણીના હૃદયના ભાવને પહોચી ન શકતા, એવું અગાધ હૃદય હતું.
વાર્તાપ્રસંગ ૩: પછી એક સમય રૂકમણીનો દેહ અશક્ત થયો ત્યારે રૂકમણીએ કહ્યું, હવે દેહ છૂટે તો સારું. જે દેહથી ભગવાનની સેવા ન થઈ શકે, તે દેહ શું કામનો? પછી ભગવદ્ ઇચ્છાથી દેહ છૂટ્યો. કોઈ વૈષ્ણવે શ્રીગુસાંઈજીને કહ્યું મહારાજ! રૂકમણીએ ગંગા મેળવી, ત્યારે શ્રીગુસાંઈજી કહે એમ કહો કે ગંગાજીએ રૂકમણીને મેળવ્યાં.
ભાવપ્રકાશ: કેમ કે ગંગાજીને કિનારે તો અનેક જીવો દેહ છોડે છે. પરંતુ ગંગાજીને એવી ભગવદીય ક્યાં મળે! એ પ્રકારે શ્રીમુખથી કહ્યું, તેનું કારણ એ કે ભગવદીય ગંગાજી આદિ તીર્થોને પવિત્ર કરે છે, તેથી નંદદાસજીએ પણ પંચધ્યાયીમાં ગાયું છે કે 'ગંગાદિનક પવિત્ર કરન અવની પર ઠોલે.' ભગવદીયનું પ્રાગટ્ય જીવોના ઉદ્ધારાર્થે જ છે જેમ ભગવાનનું પ્રાગટ્ય છે તેમજ ભગવદીયનું પ્રાગટ્ય છે. 'પુષ્ટિપ્રવાહ મર્યાદા' ગ્રંથમાં શ્રીઆચાર્યજી ભગવદીયું સ્વરૂપ લખે છે -
“તસ્માજજીવાઃ પુષ્ટિમાર્ગે ભિન્ના એવ ન સંશય.”
પુષ્ટિમાર્ગના જીવ આ સંસારના જીવોથી ભિન્ન (જુદા) છે, તેમાં સંશય નથી. ભગવાનનું રૂપ જ જે ભગવાનની સેવાને માટે જ, જગતમાં પુષ્ટિધર્મ પ્રકટ કરવાને અર્થે જન્મ્યા છે ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના અવતારમાં, ભગવાનના જેવા ગુણ છે, ભગવાનની જેવી ક્રિયા છે, તેવા જ લક્ષણો ભગવદીયોમાં છે. તેથી ભગવનના અને ભગવદીયમાં તારાતમ્ય નથી આ પ્રકારે શ્રીગુસાંઈજી પણ ભગવદીયના બધા ગુણ રૂકમણીમાં કહે છે. આ રૂકમણી શ્રીઆચાર્યજી મહાપ્રભુની સેવક એવી કૃપાપાત્ર ભગવદીય હતી. તેથી એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહીએ.
॥ વાર્તા ૬ (ર) ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમદાસના બેટા ગોપાલદાસ, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: શેઠ પુરુષોત્તમદાસ લીલામા ઇન્દુલેખા શ્રીસ્વામીજીના સખી છે, તેની સખી ગાયન કલા તે આ છે. વ્રજભક્તોના વિરહ સંયુક્ત ગાયન તેની કળા ગોપાલદાસમાં ઝળકે છે એમ કહી ને જણાવ્યું કે ગોપાલદાસ વિરહમાં સદા મગ્ન રહેતા.
વાર્તાપ્રસંગ ૧: તે ગોપાલદાસને શ્રીમદનમોહનજી સાનુભાવ હતા. જે જોઈએ તે માંગી લેતા, એવા સદૈવ કૃપા કરતા અને ગોપાલદાસ કીર્તન કરતા. એક સમયે હોળીના દિવસોમાં ગોપાલદાસનો વિરહ થયો. હોળીના ભાવરૂપ સંયોગ રૂપની સ્મૃતિ થઈ ગઈ. ત્યારે વ્રજભક્ત જેમ વેણુગીત-યુગલ ગીત ગાય છે તે ભાવથી બે કીર્તન 'લલના' કહીને ગાયાં.
ભાવપ્રકાશ: તે 'લલન!'નો અર્થ એ કે વ્રજની લલના એ પ્રકારે વિરહભાવ કરે છે. તે લલના ગાતા જ શ્રીઠાકુરજીએ લીલા સહિત દર્શન દીધાં ત્યારે ગોપાલદાસે બલિહારી લીધી, (ઓવારી ગયા) તેથી ગાયું છે કે - “મદનમોહનકે વારને બલિબલિદાસ ગોપાલ”
વાર્તાપ્રસંગ ૨: કેટલાક દિવસ પછી ગોપાલદાસનો દેહ અશક્ત થયો. તેઓ ભગવાનના નામનો ઉચ્ચાર કરતા ત્યારે શ્રીમદનમોહનજી આપ હુંકારી દેતા. આવી કૃપા કરતા એમ કરતા રાત્રિએ ગોપાલદાસને નીંદ આવતી, પણ ચોકીને વિરહમાં પુકારતા. “શ્રીમદનમોહનજી” ત્યારે મંદિરમાંથી શ્રીઠાકુરજી કહેતા, કેમ પુકારે છે? હું તો તારી પાસે જ છું. ત્યારે ગોપાલદાસ કહેતા મહારાજ ! આપ જાગો છો? મારો તો પુકારવાનો સ્વભાવ પડ્યો છે. ત્યારે શ્રીમદનમોહનજી કહેતા 'મને તારો વિરહ સહી શકાતો નથી તેથી તારું સમાધાન કરું છું.' એ પ્રકારે ગોપાલદાસ મંદિરનું અને ચોકનું તાળું લગાડી ચોખટ ઉપર માથું ધરીને એક વસ્ત્ર બિછાવી વિરહમાં પડ્યા રહેતા. શરીરના સુખની ખબર જ ન રહેતી. તેમણે વિરહનાં કીર્તન બહુ ગાયાં છે.
અને શ્રીઆચાર્યજીનાં ગ્રંથ સુબોધિની, નિબંધ, શ્રીગુસાંઈજીના રહસ્ય ગ્રંથો, બધા ગ્રંથો ગોપાલદાસ અનોસરમાં જોયાં કરતા. સમય થાય ત્યારે ભગવત્સેવા કરતા. વેપાર, વાણિજ્ય, લૌકિક, વૈદિક બધું ત્યાગ કરી લીલા રસમાં મગ્ન રહેતા. શ્રીગુસાંઈજી ગોપાલદાસ ઉપર બહુ જ પ્રસન્ન રહેતા. કેમકે શેઠ પુરુષોત્તમદાસનો પરિવાર તો એેવો જ જોઈએ એમ કહેતા. વિરહની દશા અનિર્વચનીય છે, તેથી ગોપાલદાસની વાર્તાનો વિસ્તાર નથી કર્યો. શેઠ પુરુષોત્તમદાસના પરિવાર સહિત વાર્તા એક આ પ્રકારે વૈષ્ણવ અગિયાર થાય. પરંતુ પરિવાર સહિત વાર્તા ગણવાથી વૈષ્ણવ છ થયા.