Vaishnav 09 - Madhavdas
Lyrics
The English words are not available yet. Showing the Gujarati text.
॥ વાર્તા ૯ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી સેવક વેણીદાસ માધવદાસ બે ભાઈ ક્ષત્રી હતા, કડામાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: વેણીદાસ વૃષભાનજીના ગાડાનો બળદ છે. તેણે ઋષભ સખાને શિંગડું માર્યું. તેથી ત્રણ દિવસ સુધી ઋષભ સખા દુઃખ પામ્યા. તેના શ્રાપથી તે પૃથ્વી પર પડ્યા. માધવદાસ તે રત્નપ્રભા લલિતાજીની સખી છે. અહીં ભગવદિચ્છાથી બંને ભાઈ થયા. પરંતુ મન મળે નહીં. માધવદાસે વેશ્યા ઘરમાં રાખી હતી. તેથી વૈષ્ણવો બધા નિંદા કરતા. પરંતુ તે વેશ્યા પણ દૈવીવૈષ્ણવ હતી. ચંદ્રાવલીની સખી, ચંદ્રલતા લીલામાં એમનું નામ હતું. અલૌકિક સંબંધ વિના દૈવી જીવની આ રીતે દઢ પ્રીતિ બંધાય નહીં.
વાર્તાપ્રસંગ ૧: એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુજી કડામાં પધાર્યા ત્યારે બધા વૈપ્ણવો દર્શને આવ્યા. માધવદાસે આ સાંભળ્યું એટલે તેમણે પણ આવી શ્રીઆચાર્ચજીને દંડવત કર્યા. સઘળા વૈષ્ણવો જે દર્શને આવ્યા હતા તેમણે શ્રીઆચાર્યજીને કહ્યું મહારાજ! માધવદાસે વેશ્યા રાખી છે. શ્રીઆચાર્યજીએ પૂછયું, કેમ માધવદાસ! તેં વેશ્યા રાખી છે? માધવદાસે કહ્યું મહારાજ! મારું મન એના ઉપર આસક્ત છે તેથી રાખી છે. એ પ્રકારે ત્રણવાર શ્રીઆચાર્યજીએ પૂછયું અને ત્રણેવાર માધવદાસે કહ્યું, મહારાજ! મારું મન તેના ઉપર આસક્ત છે તેથી રાખી છે. શ્રીઆચાર્યજી ચૂપ થઈ ગયા.
ભાવપ્રકાશ: એનો અભિપ્રાય એ કે પ્રથમ વૈષ્ણવો નિંદા કરતા તે પણ માધવદાસને વેશ્યાનો સંગ છોડાવવા માટે, કે નિંદાથી લાજ પામીને છોડી દે તેથી કરતા. પોતાનો ભાઈ જાણીને ઇષદ્વિષભાવ નહીં હતો. જો દોષ હોય તો બધાને બાધક થાય. શ્રીઆચાર્યજીને વૈષ્ણવોએ કહ્યું તે પણ માધવદાસના માટે, શ્રીઆચાર્યજીના કહેવાથી છૂટે તો સારું. લૌકિકમાં વૈષ્ણવોની નિંદા થાય છે તેથી છૂટે તો સારું. પરંતુ શ્રીઆચાર્યજી તો સર્વ લીલાનો પ્રકાર જાણે છે તેથી કહે, કેમ માધવદાસ! તું વેશ્યા રાખે છે? એમ કહ્યું, એમ કહેતા કે વેશ્યાનો સંગ છોડી દે. તને બાધક છે, તો માધવદાસ તેને છોડી દેત. પરંતુ ગર્ભિત રીતે પોતે વખાણ કર્યા, કેમ માધવદાસ! વેશ્યા જેવી હીનને અંગીકાર કરી? સંસારમાં વહી જતી હતી તેને રાખી? લૌકિકથી યે ન ડર્યો? ત્યારે માધવદાસે કહ્યું, મન એની ઉપર આશક્ત થઈ ગયું છે એટલે રાખી છે. એનું ક્યાંય ઠેકાણું નથી તેથી સંસારની લાજ શરણ તથા વૈષ્ણવની કા'નિ છોડીને પણ રાખી છે. તે મેં નથી રાખી, મનના પ્રેરક આપ છો, આપે જ તેના ઉપર મન આસક્ત કર્યું, આ પ્રકારે ત્રણવાર કહ્યું. તે એથી કે જો સાચી પ્રીતિ હશે તો એક દઢવચન સાચાં નીકળશે અને સાચે જ ત્રણ વાર એ જ પ્રમાણે માધવદાસે કહ્યું. પોતે પ્રસન્ન થયા કે આવા ટેકના વૈષ્ણવ દુર્લભ છે, (બીજી કાંઈ જ આજ્ઞા ન કરી.)
સઘળા વૈષ્ણવો શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને કહે, મહારાજ! હજુ સુધી આપની મર્યાદા હતી, હવે આપને પણ કહી છૂટ્યો, આપે એને કંઈ ન કહ્યું?
ભાવપ્રકાશ: એનો આશય એ કે વૈષ્ણવોને મોટી ચિંતા થઈ કે આપ આગળ સ્પષ્ટ કહી દીધું. હવે એનું કલ્યાણ કેમ થશે? એ ચિંતા કરી ફરી વૈષ્ણવોએ કહ્યું. આપે એને કંઈ ન કહ્યું? તેમને કહો એમ જણાવ્યું.
શ્રીઆચાર્યજીએ વૈષ્ણવોનું સમાધાન કર્યું. તમે ચિંતા ન કરો, એનું મન એના ઉપર આસક્ત છે તે શ્રીઠાકુરજીને ફેરવતાં કેટલી વાર લાગશે. ગદાધરદાસે એને આશીર્વાદ આપ્યો છે કે “હરી ભક્તી દઢ થશે” તે જ આ માધવદાસ છે.
ભાવપ્રકાશ: એમ કહી એ જણાવ્યું કે આની ચિંતા તમે ન કરો. આ પોતે સંસારમાં પડવાવાળો નથી. વેશ્યા વગેરેને બીજાને પણ તે સંસારમાંથી કાઢવાવાળો છે. ગદાધરદાસે દૃઢ ભક્તિ આપી તે મે આપી છે. હવે જો હું હઠ કરીને છોડાવું તો ગદાધરદાસ ભગવદીયની કૃપા કેમ જાણી જાય? તે ગદાધરદાસે હરિભક્તિ આપી તે દઢ થશે, તમે આની ચિંતા ન કરો. બધા વૈષ્ણવો પ્રસન્ન થઈને ચૂપ રહ્યા. પછી માધવદાસતું મન ફર્યું અને વેશ્યાને દૂર કરી. વૈષ્ણવની રીતે મર્યાદામાં ચાલવા લાગ્યા, સારા વૈષ્ણવ થયા.
ભાવપ્રકાશ: આમાં આ જણાવ્યું કે, વેશ્યાને દૂર કરી તેનો એ અર્થ એ કે વેશ્યાને એ બતાવ્યું કે તું શ્રીગુસાંઈજીની સખી છે, જ્યારે શ્રીગુસાંઈજી પધારશે ત્યારે કાર્ય થશે. તેથી હવે મારે તારે ન બને, એમ કહીને કાઢી. તે વેશ્યાએ પંદર વરસ વિના ઘીની લુખી અંગાખરી ખાઈને નિર્વાહ કર્યો. શ્રીગુસાંઈજી કડાપાં પધાર્યા ત્યારે વેશ્યાએ સાંભળ્યું. એટલે શ્રીગુસાંઈજીને આવીને વિનંતી કરી, મહારાજ! મને અંગીકાર કરો. શ્રીગુસાંઈજી કહે અમે વેશ્યાને સેવક નથી કરતા, ત્યારે ધરે આવીને પડી રહી. અન્નજલ છોડી દીધું. આઠ દિવસ શ્રીગુસાંઈજી કડામાં રહ્યા, દૂરથી વેશ્યા દર્શન કરી જાય. નવમા દિવસે શ્રીગુસાંઈજી પધારવા લાગ્યા ત્યારે વેશ્યા બે મનુષ્યોના હાથ પકડીને આવી અને કહ્યું મહારાજ! આજે નવમો દિવસ અન્ન અને જલ વિનાછે. જલ વિના હવે મારા પ્રાણ છૂટશે, જો આપ અંગીકાર નહીં કરો તો. શ્રીગુસાંઈજીએ જાણ્યું કે હવે આનો દોષ દૂર થયો છે, શુદ્ધ થઈ છે. એટલે તે વેશ્યાને નામ સંભળાવ્યું. તેણીએ બ્રહ્મસંબંધની વિનંતી કરી, મહારાજ માધવદાસ કહી ગયા છે કે તું શ્રીગુસાંઈજીની દાસી છે. આપની માટે પંદર વરસ સુધી સુકી અંગાખરી ખાઈને દેહ રાખી છે. હવે જે આજ્ઞા કરો તે હું કરું. હુંતો દુષ્ટ છું, પરંતુ માધવદાસના સંબંધથી મને શ્રીઆચાર્યજી મહાપ્રભુજીનાં દર્શન થયાં છે અને આપનાં દર્શન પણ થયાં. તેથી મને બ્રહ્મસંબંધ કરાવી મારા માથે ભગવત્સેવા પધરાવો તો મારા પ્રાણ રહેશે. શ્રીગુસાંઈજીએ તેનો શુદ્ધ ભાવ જોઈને તેને બ્રહ્મસંબંધ કરાવ્યું. લાલજી પધરાવી દીધા, પછી વૈષ્ણવોને આપે કહ્યું આને સેવાની રીતિ ભાંતિ બધી બતાવી દેજો, તે પ્રકારે એ સેવા કરે.
એ પ્રમાણે સેવા કરતાં વેશ્યાને અટકાવ થયો, ત્યારે વૈષ્ણવો રોકે કે ચાર દિવસ સુધી જલાદિ કોઈ વસ્તુને ન અડો. પરંતુ એને પ્રેમ ઘણો તેથી રહેવાય નહિ, અટકાવમાં પણ સેવા કરે. પાંચમાં દિવસે અપરસ કાઢે, શ્રીઠાકુરજીને પંચામૃત સ્નાન કરાવે. તેથી વૈષ્ણવોએ તેનાથી વ્યવહાર છોડી દીધો. થોડા દિવસમાં શ્રીગુસાંઈજી કડા પધાર્યા ત્યારે બધાએ શ્રીગુસાંઈજીને કહ્યું. મહારાજ! એ વેશ્યા અટકાવમાં પણ ઘણું રોકવા છતાં માનતી નથી, સેવા કરે છે. એવું સાંભળી શ્રીગુસાંઈજીએ વેશ્યાને પાસે બોલાવી પૂછયું, અટકાવમાં લોટી (ઝારી) કેમ ભરો છો? વેશ્યાએ કહ્યું મહારાજ! મારા જેટલા રૂંવાડાં છે તેટલા ધણી લૌકિકમાં કર્યા છે. હવે અલૌકિક ધણી આપે કહી દીધા. તેના વિના ચાર દિવસ કેમ રહી શકાય? આપ તો અંતર્યામી છો, એક ક્ષણનો અંતરાય સહ્યો જતો નથી. પાંચમા દિવસે અપરસ કાઢી પંચામૃતથી શ્રીઠાકુરજીને સ્નાન કરાવું છું. આ મર્યાદા પણ રાખું છું. હવે આપ બધાના અંતરની જાણો છો, જેમ આજ્ઞા કરો તેમ કરું. આ સાંભળીને શ્રીગુસાંઈજીએ કહ્યું જેમ કરે છે તેમ જ કરજે. એ પ્રકારે એનું સમાધાન કરી ઘરે મોકલી અને કહ્યું, જા જલદી, તારા માટે શ્રીઠાકુરજી બેસી રહ્યા છે. ત્યારે દંડવત કરીને ગઈ.
શ્રીગુસાંઈજી વૈષ્ણવોને કહે કે એ વેશ્યા જે કરે તે કરવા દો. એને કંઈ કહેતા નહીં, અને દેખાદેખી બીજા કોઈ ન કરતા. એના ઉપર શ્રીઠાકુરજી એ જ પ્રકારે પ્રસન્ન છે. તમારા ઉપર મર્યાદાથી જ પ્રસન્ન થશે. આ પ્રકારે તે વેશ્યાને માધવદાસના સંગથી પ્રેમ થયો.
વાર્તાપ્રસંગ ર: માધવદાસ વેણીદાસને મળીને રહેતા. એક દિવસ મોતીની માળા બહુ મૂલ્યની વેચવા આવી. તે જોઈને માધવદાસે વેણીદાસને કહ્યું, આ માળા શ્રીનવનીતપ્રિયાજીને લાયક છે, તે લો, ત્યારે વેણીદાસે કહ્યું, માળાની શી વાત છે? અમારે જે કંઈ વસ્તુ છે તે બધી શ્રીઠાકુરજીની જ છે. એમ કહી વાતને ટાળી દીધી.
ત્યારે માધવદાસે કહ્યું કે બધું ઠાકુરજીનું છે ત્યારે શ્રીઠાકુરજીને માટે માલા કેમ નથી લેતા? વેણીદાસે કહ્યું કે અમારાથી કેવી રીતે લીધી જાય? (કેમ કે અમે ગૃહસ્થ છીએ,) માધવદાસે કહ્યું, મારું દ્રવ્ય વાટી દો, હું તમારાથી અલગ રહીશ.
ભાવપ્રકાશ: એમાં એમ જણાવ્યું કે સંસારમાં આસક્ત હોય તે લોકોને દેખાડવાને માટે બધું શ્રીઠાકુરજીનું છે એમ કહે પરંતુ શ્રીઠાકુરજીના માટે ખર્ચ ન કરે.
ભાવપ્રકાશ: એમાં એ કહ્યું તમે બળદ છો તેથી ગૃહસ્થાશ્રમનો વ્યવહાર રૂપી બોજ ઉઠાવો. હું તો અલગ રહી મનોરથ કરીશ. દ્રવ્ય અડધું વાટીને અલગ થયા. દ્રવ્ય થોડું તેથી માલા લેવાઈ નહીં. પરંતુ મનમાં એવું કે એવી માલા શ્રીનવનીતપ્રિયાજીને અંગીકાર થાય તો સારું. દ્રવ્ય લઈને દક્ષિણ તરફ કમાવા ગયા અહીં આ માલાનો માધવદાસે અલૌકિક રીતે અંગીકાર વિચાર્યો છે તેથી તે લૌકિકમાં જાય નહીં. તેમ માલા પ્રયાગમાં વેચવા આવી ત્યારે પ્રયાગના વૈષ્ણવોએ વેચાતી લઈ તે શ્રીઆચાર્યજીને આપી. શ્રીઆચાર્યજીએ શ્રીનવનીતપ્રિયાજીને પહેરાવી. દક્ષિણમાં માધવદાસ દ્રવ્ય બહુ કમાણા તેથી પહેલી માળાથી પણ ઉત્તમ માળા લઈને ચાલ્યા. માર્ગમાં એક મોટી નદી આવી, ત્યાં નાવ ઉપર બેઠાં બીજા પણ ઘણા લોકો બેઠા. નાવ મધ્યધારામાં જ્યો આવી ત્યારે શ્રીનવનીતપ્રિયાજી લાલ છડી લઈને આવ્યા. એક માધવદાસને આ દર્શન થયા. શ્રીમુખે કહ્યું, નાવ ડુબાડુ? ત્યારે માધવદાસે કહે, 'નિજેચ્છાત કરિષ્યતિ' ત્યારે શ્રીનવનીતપ્રિયાજી કહે તું ક્યાં ગયો હતો? માધવદાસ કહે માળા લેવા ગયો હતો. શ્રીનવનીતપ્રિયાજી કહે શું અમારે માળા નથી? જો એ જ માળા શ્રીઆચાર્યજીએ ધરાવી છે; બીજી પણ મારે ઘણી છે. માધવદાસે કહ્યું મહારાજ! આપને ઘણી છે પરંતુ સેવકોનો એ ધર્મ નથી કે બેસી રહે, ઉધમ કરવો જોઈએ. ત્યારે નાવ ડુબવાથી રહી.
ભાવપ્રકાશ: શ્રીઠાકુરજીએ નાવ ઉપર આવીને એટલા માટે કહ્યું કે તારી પાછળ મારે પણ દક્ષિણ જવું પડ્યું, તું કેમ ગયો? મારે શું માળા નથી? તેથી નાવ ડુબડું તો શું કરે? મનોરથ તારો ધર્યો રહે. માધવદાસ કહે નિજેચ્છાત: કરિષ્યતિ એટલે “નિજાનાં સેવકોનાં ઇચ્છાત કરિષ્યતિ” ભક્તોની જે ઇચ્છા હોય તે પ્રમાણે જ આપ સદા કરતા આવ્યા છો. ભક્ત મનોરથ પુરકાય નઃ આપનું નામ છે. માળાનો અંગીકાર શ્રીઆચાર્યજી મહાપ્રભુજી દ્વારા થશે, તે પછી શરીરરૂપી નાવ ડુબે તેની મને કંઈ ચિંતા નથી. જયારે આપની ઇચ્છામાં આવે ત્યારે ડુબાડજો અને તમારે માળા ઘણી છે તેમાં સેવકનો ઉદ્યમ શો? આપના વિશે જે કંઈ મનોરથ મારાથી બની આવે તે કરું તો ઉઘમ સફળ છે. નહીં તો ગૃહસ્થાશ્રમમાં તો વૃથા પછી મરવું છે જ. તેથી સેવકોનો ધર્મ એ કે સદા અંગીકાર સંબંધી મનોરથ કરતા રહે. શ્રીઠાકુરજીએ નાવ ડુંબવાથી રાખી, નહીં તો જેમ શ્રીઠાકુરજી નાવ ડુબાવવાનું કહે તેમ માધવદાસ પણ ભગવદ્ ઇચ્છા કહેતા. ભક્તની આજ્ઞા હોય તો ડુબે જ. પરંતુ 'નિજેચ્છાત' કહ્યું, નિજ્જે ભક્ત તેમની ઇચ્છા માળા અંગીકાર કરાવવાથી છે. એ પ્રકારે કહયું અને માધવદાસને તો નાવ ડુબવાની ચિંતા નથી પરંતુ બીજા પણ નાવ ઉપર જે છે તે ભક્તના સંગથી બચવા જોઈએ. એમને માધવદાસ કેમ ડુબવા દે? ભગવદીય બેઠા વાણી ગૂઢ હોય છે. ભગવાન સમજે કે કૃપા હોય તે સમજે. નાવ ડોલવા લાગી હતી ત્યારે બધાનું મુખ સુકાઈ ગયું હતું. નાવિકે કહ્યું નાવ અમારે હાથ નથી. તે સમયે એક માધવદાસનું મન પ્રસન્ન હતું તેથી નાવ ડુબવાથી રહી. બધાએ કહ્યું કે એ મહાપુરુષ બેઠા છે તેથી નાવ બચી, નહીં તો બધા ડુબત. પાર ઊર્તાયા ત્યારે કેટલાક દિવસોમાં શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની પાસે માધવદાસ આવ્યા. માધવદાસને શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું નાવ ડુબવાથી કેવી રીતે રહી? માધવદાસે શ્રીઆચાર્યજીને બધા સમાચાર કહ્યા. શ્રીઆચાર્યજી બધા વૈષ્ણવોને કહે કે જુઓ, આ એ જ માધવદાસ છે, કેવો ટેકનો વૈષ્ણવ થયો? તે દિવસથી માળાનું નામ માધવદાસ કહે છે. આજે પણ બધા તે પ્રમાણે કહે છે.
ભાવપ્રકાશ: એ કહી બતાવ્યું કે જેમ લીલામાં એમનું નામ રત્નપ્રભા છે તેવો જ રત્ન જેવો પ્રકાશ માધવદાસની વાતનો છે. અ વાર્તામાં ભગવદીય આશીર્વદનો ઉત્કર્ષ પ્રકટ કર્યો. તે માધવદાસ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી એમની વાર્તાનો પાર નહીં. તે ક્યાં સુધી કહીએ || વાર્તા ૯ ||