← બધા કીર્તન

વૈષ્ણવ ૧૧ - ગોવિંદદાસ ભલ્લા

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોવિંદદાસ ભલ્લા ક્ષત્રી, થાનેશ્વરમાં રહેતાં, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: તે ગોવિંદદાસ થાનેશ્વરમાં સિપાઈગીરી કરતા, હથિયાર બાંધતા અને થાનેશ્વરના હકીમ પાસે રહેતા. પાંચ-સાત રૂપિયાનો પગાર મળતો. થાનેશ્વરમાં જયારે શ્રીઆચાર્યજી પધાર્યા ત્યારે ઘણા જીવો શરણે આવ્યા. ત્યારે ગોવિંદદાસ ભલ્લાએ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ મારે દ્રવ્ય ઘણું છે, શું કરું? શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, ભગવત્સેવા કરો. ગોવિંદદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ સ્ત્રી અનુકૂલ નથી. તેનો આશય એ કે દેવી નથી. શ્રીઆચાર્યજી કહે સ્ત્રીનો ત્યાગ કર. એટલે ગોવિંદદાસે સ્ત્રીનો ત્યાગ કરી બધું દ્રવ્ય લાવી શ્રીઆચાર્યજી શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી મહારાજ! આ દ્રવ્યનું હવે હું શું કરું? સ્ત્રીનો તો ત્યાગ કર્યો. શ્રીઆચાર્યજીએ કહ્યું આ દ્રવ્યના ચાર ભાગ કર. એક ભાગ શ્રીનાથજીને ભેટ કર, એક ભાગ સ્ત્રીને દે, તે એથી કે લગન થયું તેને છોડ્યાનો દોષ પૂંજી આપ્યાથી મટે. બે ભાગ લઈને તું ભગવત્સેવા કર ત્યારે ગોવિંદદાસ ભલ્લાએ કહ્યું મહારાજ! કંઈક આપ અંગીકાર કરો. શ્રીઆચાર્યજીએ કહ્યું ભલે કર્યો, એક ભાગ શ્રીઆચાર્યજી મહાપ્રભુને ભેટ કર્યો એક ભાગ સ્ત્રીનો દીધો અને એક ભાગનું દ્રવ્ય લઈ મહાવનમાં આવી રહ્યા. તે એ માટે કે ગામમાં સ્ત્રીનો પ્રતિબંધ પડે તેથી મહાવન આવી શ્રીમથુરાનાથજીની સેવા કરવા લાગ્યા.

વાર્તાપ્રસંગ ૧: તે ગોવિંદદાસ મહાવનમાં નિત્ય ચોવીસ ટકાની સામગ્રી કરે અને ભોગ ધરે. પછી ત્યાં જ મર્યાદા માર્ગીય વૈષ્ણવોને લેવડાવી દે. બચે તે ગાયને ખવડાવી દે, તેમાંથી પોતે કંઈ ન લે. પોતે અલગ લીટી (પીળી રોટી) કરી ભોગ ધરીને ખાય.

ભાવપ્રકાશ: એનો આશય એ કે મહાવનમાં નંદરાયજીએ દેવાલય કરાવી બ્રાહ્મણોને પૂજા સોંપી હતી. તે પૂજા મર્યાદા રીતિથી કરતા, ખર્ચ નંદરાયજી દેતા, તે ઠાકુર બ્રાહ્મણ પૂજા કરતા. તેથી દેવાલયનું પોતે કેમ લે? અલગ લીટી કરી મનથી જ ભોગ ધરી લેતા.

એમ કરતાં દ્રવ્ય બધું ઘટ્યું ત્યારે શ્રીનાથજી દ્વાર આવી શ્રીગોવર્ધનધરની પરચારગી કરવા લાગ્યા. બંને સમયના વાસણો માંજે રાત્રિ પ્રહર દોઢ રહે ત્યારે ઊઠી દેહકૃત્ય કરી, ન્હાઈને ગાગર લઈ મથુરા આવી શ્રીયમુનાજીની ગાગર ભરી રાજભોગ પહેલાં પાછા આવતા. પછી વાસણો બધા માંજી રસોઈ પોતે પોતાની બધી સેવાથી પહોંચીને પર્વતથી નીચે આવી, તિલક ધોઈ, માલા ઉતારી ગાંઠ બાંધી ગોવર્ધનના આસપાસથી કોરી ભિક્ષા માંગી લાવતા. શેર પાંચ-સાતનો તેમનો આહાર હતો. આહાર પૂરતું અનાજ આવે ત્યારે પોતાના હાથથી પીસીને રોટી કરી શ્રીગોવર્ધનધરની ધ્વજાને દેખાડી ચરણામૃત મેળવીને લેતા. સેનભોગનાં પાત્ર માંજતા અને રસોઈ પોતે સેવાથી પહોંચી સેન કરતા. આ પ્રકારે સેવા કરતા પરંતુ શ્રીગોવર્ધનનાથજીને આ રીત સારી ન લાગતી.

ભાવપ્રકાશ: તેનું કારણ એ કે પ્રીતિથી એવી સેવા કરે તો શ્રીગોવર્ધનતધર એની પાછળ ડોલવા લાગતા, પરંતુ ગોવિંદદાસ ભલ્લા તામસી હતા, અહંકારથી સેવા કરતા સ્ત્રીનો ત્યાગ પણ અહંકારથી કર્યો. મહાવનમાં પણ ચોવીસ ટકાની સામગ્રી નિત્ય કરતા તે અંહાકરાથી કરતા. અહીં પણ બધી સેવા અહંકારથી કરતા, કષ્ટ પામતા પરંતુ સેવકોને નીચે કરી દીધા કે મારી બરોબર સેવા કોણ કરશે? તેથી શ્રીગોવર્ધનધરને સારું ન લાગતું. શ્રીગોવર્ધનધરે અડેલમાં શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે તમારો સેવક મને બહુ ખિજાવે છે.

ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે અહંકારથી બહુ સેવા કરે છે, મને ખિજાવે છે અને અપ્રસન્ન કરે છે. તમારો સેવક એમ કહ્યું તેમાં એ જણાવ્યું કે હું તો એને દંડ દેતો, પરંતુ તમારો સેવક છે તેથી તમે જ સમજાવો. શ્રીઆચાર્યજી મહાપ્રભુએ અડેલથી આગ્રા પધારી બધા વૈષ્ણવોને પૂછયું, શ્રીઠાકુરજીને કોણે અપ્રસન્ન કર્યા છે? બધા વૈષ્ણવોએ કહ્યું કે મહારાજ! અમે તો કંઈ જાણતા નથી. અહંકાર કઈ વાતનો કરીએ છે? અમારાથી તો કંઈ બનતું નથી. પ્રસન્ન થઈ આગ્રાથી આપ મથુરા પધાર્યા અહીં પણ બધા કહે મહારાજ! અમે તો કંઈ જાણતા નથી. ત્યાંથી આપ શ્રીનાથજી પધાર્યા અને સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. શ્રીગોવર્ધનધરના બંને કપોલો ઉપર હાથ ફેરવીને પૂછયું બાવા! અસન્ન કેમ છો? ગોવર્ધનધરે કહ્યું તમારો સેવક મને બહુ ખિજાવે છે. શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ બધા સેવકોને બોલાવી તેમને સેવા ટહેલ, મહાપ્રસાદ, વગેરે બાબત પૂછયું. અર્થાત બધાને શિક્ષા દીધી કે અહંકાર ન કરતા. ગોવિંદદાસને પૂછયું ત્યારે તેમણે બધું કહ્યું. શ્રીઆચાર્યજી મહાપ્રભુજી કહે, શ્રીનાથજીની રસોઈમાં બધા સેવકો પ્રસાદ લે છે. ત્યાં તમે પણ લીધા કરો. આપ તો જાણો છો કે ગોવિંદદાસ ભલ્લાએ શ્રીજીને અપ્રસન્ન કર્યા છે. પરંતુ બધાને પૂછયું તેનું તાત્પર્ય એ કે અહંકાર સહિત બીજો પણ કોઈ સેવા કરે તો શ્રીઠાકુરજી અપ્રસન્ન થશે એમ જણાવ્યું.

ભાવપ્રકાશ: આ કહીને એમ જણાવ્યું કે બધા સેવકોની રીતિએ ચાલો, અહંકાર છોડો, વળી પ્રભુ તો અક્લિષ્ટકર્મા છે. દુઃખ પામી અહંકારથી કરીએ તે પ્રભુ રુચે નહીં. ગોવિદદાસે કહ્યું મહારાજ! દેવઅંશ કેવી રીતે લઉં?

ભાવપ્રકાશ: એમાં એ ભાવથી કહ્યું કે બધા દેવઅંશ લે છે, હું કેવી રીતે લઉં? શ્રીઆચાર્યજી મહાપ્રભુજી કહે કે અમારી રસોઈમાં મહાપ્રસાદ લો.

ભાવપ્રકાશ: તેનો આશય એ કે શ્રીગોવર્ધનધરની સેવા ને બદલે અમારી સેવા કરો. અહીં રહો બધા સેવકોને મળીને ચાલો તો સારું કહેવાય નહીં તો અમારી પાસે રહો અને મહાપ્રસાદ લો. ગોવિંદદાસે ફરી અહંકાર કરીને કહ્યું કે દેવઅંશ કેમ લઉં? શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે સેવા છોડી દો.

ભાવપ્રકાશ: એમાં એમ જણાવ્યું કે શ્રીનાથજીને ત્યાં અહંકાર કર્યો તેથી સહજમાં સેવા છૂટી ગઈ. તેમણે સેવા છોડી દીધી. પરંતુ આજ્ઞા ન માની તેથી શ્રીગોકુલનાથજીએ કહ્યું કે ક્ષત્રી અહંકારીએ સેવા છોડી દીધી. એનો આશય એ કે શ્રીઠાકુરજીને અહંકાર પ્રિય નથી. “તામસાનાં અધોગતિ” અહંકાર દાસભાવમાં વેરોધી છે તેથી “ક્ષત્રી અહંકારી” એમ કહ્યું. તેનો આશય એ કે બીજો ક્ષત્રી સેવક ઘણા થયા પરંતુ તેમણે ક્ષત્રીપણાનો અહંકાર છોડી દીધો. અને આમને વૈષ્ણવ ન કહ્યા, ક્ષત્રી અહંકારી કહ્યા, ક્ષત્રીપણું દાસ થયા છતાંયે ન ગયું. તેથી ઉત્તમ કુલ-મદ બાધક દેખાડ્યો. પરિણામે એક દિવસ અહંકારને કારણે સેવા છૂટી, અહંકાર હોય તો સેવા ઠાકુર ન કરાવે એ સિદ્ધાંત દેખાડ્યો. તેથી શિક્ષાપાત્રમાં લખ્યું છે કે:

અસાધતનઃ સાધનો વા ન સાધુઃ સાધુરેવ વા!

શરણાદેવ નિખિલં ફલં પાપ્નોત્યસંયયઃ ||

આ માર્ગમાં કેટલાક અસાધન છે, જેમનાથી ભગવત્ધર્મ નથી બનતો. કેટલાક સાધન બહુ કરે છે સેવા-સ્મરણ, જપ-પાઠ વગેરે તેમાં વળી કોઈ સાધુ એટલે સાત્ત્વિક છે અને કોઈ અસાધુ એટલે રાજસી-તામસી છે. પરંતુ જેમને પ્રભુનું શરણ રાત્રિ-દિવસ દઢ છે તેમને જ ફલ પ્રાપ્તિ નિશ્ચર્યપૂર્વક છે એ જણાવ્યું,

વાર્તાપ્રસંગ ૨: ક્ષત્રી અહંકારીએ સેવા છોડી દીધી અને મથુરા આવ્યો, પરંતુ વિના સેવાપૂજા રહેવાય નહીં. કારણ કે દૈવી છે તેથી કેશવરાયજીની સેવા ઈજારો લીધી. તે કાર્ય પણ વિપરીત કર્યું.

ભાવપ્રકાશ: કેમ કે પહેલાં મહાવનમાં શ્રીમથુરાજીની સેવા છોડી દીધી અને શ્રીગોવર્ધનધરની સેવા કરી તે તો ઠીક કર્યું. પરંતુ, ગોવર્ધનનાથજીની સેવા છોડીને ફરી મર્યાદામાં ગયા તેથી વિપરીત થયું એમ કહે છે.

એક દિવસ ગોવિંદદાસે કેશવરાયજીની શૈયાની પાટી ભરાવી તે ભરવાળાને મેવો ખવડાવી ભરાવી. જે બહુ સુંદર થઈ તે પ્રમાણે મથુરાના હાકેમે પણ ખાટલામાં પાટી ભરાવી. કોઈએ કહ્યું જે કેશવરાયજીની શૈયા થઈ છે તેવી થઈ એ સાંભળીને તે હાકેમ કેશવરાયજીના મંદિરમાં આવ્યો અને તિબારીમાં કેશવરાયજીની શૈયા હતી તેના ઉપર બેઠો. ગોવિંદદાસે આ જોયું ત્યારે ગુપ્તી લઈને આવ્યા અને હાકેમને માર્યો પછી હાકેમના મનુષ્યોએ ગોવિંદદાસનો અપરાધ કયો (પહોંચાડી દીધા). આ વાત મથુરાના વૈષ્ણવોએ સાંભળી એટલે ગોવિંદદાસના દેહનો અગ્નિ-સંસ્કાર કર્યો.

એક વૈષ્ણવે આ વાત શ્રીઆચાર્યજી કહીને પૂછ્યું કે મહારાજ, આવા વૈષ્ણવની આવી ગતિ. કેમ થઈ ? શ્રીઆચાર્યજી મહાપ્રભુએ ત્યારે કહ્યું કે એના પરલોકમાં તો કંઈ હાનિ નથી. પરંતુ મારી આજ્ઞા ન માની તેથી આવું થયું. એ જન્મમાં નંદરાયજીનો પાડો હતો, એની ઉપર શ્રીઠાકુરજી ચઢતા. તેણે એક દિવસ શ્રીઠાકુરજીને પૂંછડી મારી, તેનો આ દંડ થયો. શ્રીનંદરાયજીને ત્યાં શ્રીઠાકુરજીનું મંદિર ત્યારે એની પીઠ ઉપર લાદીને પાણી-માટી બહુ જ લાવ્યા છે.

ભાવપ્રકાશ: એ કહીને એમ જણાવ્યું કે ત્યાં પણ ભારો ઉઠાવ્યો અને અહીં પણ ભાર ઉઠાવ્યો પરંતુ પ્રીતિથી સેવા ન કરી. જેવો અધિકાર પૂર્વનો હોય તેવું જ કાર્ય બને.

બીજું ગોવિંદદાસ સારસ્વત કલ્પમાં નંદરાયજીની પાસે હથિયાર બાંધીને રહેતા. મથુરામાં કંસને નંદરાયજી કર આપતા. તે આમના હાથથી દેતા લીલામાં આમનું નામ મનસુખ ગોપ છે. શ્રીઠાકુરજીએ જ્યારે ધોબીના વસ્ત્ર લુંટ્યાં, તેમને માર્યા, ત્યારે મનસુખાએ કંસના પૈસા ટકા જે રાખતો તેને લૂંટીને બહુ જણાને માર્યા હતા. તે બધા અધમરા દશ-પાંચ થયા. તે વેર-ભાવ એમનો ચાલ્યો આવ્યો. પછી શ્વેત વારાહકલ્પ આવ્યો ત્યારે શ્રીનંદરાયજીને ઘેર ભેંસ થયા. એ વાતને પાંચ હજાર વર્ષ થયા ત્યાં શ્રીઠાકુરજીને પૂંછ મારી, તે અપરાધ પડ્યો, અને મથુરાનો હાકેમ મ્લેમ્છ હતો તે કંસનું તોષા-ખાનું (બહુમૂલ્ય વસ્ત્ર આભારણનો ભંડાર) એની રખવાલી કરતો, તેને ગોવિંદદાસે માર્યો. તે એથી કે તેણે નંદરાયજી પાસેથી પૈસો બહુ લીધો છે અને હવે શ્રીઠાકુરજીની શૈયા ઉપર બેઠો છે તેથી મારવા લાયક છે. તેથી માર્યો અને દશ પાંચ અધમૂવા પહેલા કર્યા, તે બધાએ મળીને ગોવિંદદાસને માર્યા, બધાનું વેર છૂટ્યું. હવે એ નંદરાયજી પાસે ફરી ગોપ થયા. આ પ્રકારે કહી એ જણાવ્યું કે પાછલા વેરથી વેર થાય, પાછલા સ્નેહથી સ્નેહ થાય. તે ગોવિંદદાસ એવા ભગવદીય હતા, એમની વાર્તામાં આ સિદ્ધાંત બતાવ્યો કે અહંકાર ન કરવો. પોતે હઠ કરીને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું વળી પુષ્ટિમાર્ગીય શ્રીઠાકુરજીની સેવા છોડીને મર્યાદામાર્ગીય શ્રીઠાકુરજીની સેવા ન કરવી.

તે ગોવિંદદાસ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી એમની વાત ક્યાં સુધી કઠીએ || વાર્તા ૧૧ ॥।

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.