← બધા કીર્તન

વૈષ્ણવ ૧૨ - અમ્મા ક્ષત્રાણી

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

॥ વાર્તા ૧૨ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની સેવક અમ્મા ક્ષત્રાણી, કડામાં રહેતી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: એ લીલામાં રોહિણી હતી. તે શ્રનંદરાયજીને ત્યાં રહી પછી મથુરા ગઈ. પરંતુ વ્રજમાં એમનું મન રહ્યું, તેથી હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુનો સંબંધ પ્રાપ્ત કરીને વ્રજલીલામાં અંગીકાર થયો. તેથી એમને પુત્રભાવ જ રહ્યો છે. અમ્મા ક્ષત્રાણી કડામાં રહેતી કુટુંબ બહુ હતું, તે અમ્માને બે બેટા થયા. એક વર્ષ બેનો અને એક વર્ષ ચારનો પછી અમ્માનો પતિ, સાસુ, સસરા, મા-બાપ બધા મરી ગયા. અમ્મા અને બે બેટા જ રહ્યા. એક સમય ગદાધરદાસ કડામાં રહેતા ત્યાં શ્રીઆચાર્યજી પધાર્યા હતા. આ અમ્માને એક રાત્રિએ શ્રીઠાકુરજીનુ સ્વપ્ન આપ્યું કે તું શ્રીઆચાર્યજી મહાપ્રભુની શરણે સવારે જજે. હું શ્રીઆચાર્યજી મહાપ્રભુની પાસે છું. ત્યાંથી મને પધરાવી સેવા કરજે. એવામાં અમ્માની નિદ્રા ખુલી ને વિરહ ઘણો થયો કે ક્યારે સવાર થતાં જ ન્હાઈને શ્રીઆચાર્યજી મહાપ્રભુ પાસે આવી અને દંડવત કરીને કહ્યું.

મહારાજ! મને શરણે લો, અને આપની પાસે શ્રીબાલકૃષ્ણજી છે તે કૃપા કરીને પધરાવી આપો. મને રાત્રિએ સ્વપ્નમાં આ પ્રકારે આજ્ઞા કરી છે. ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુ અમ્માનો શુદ્ધ ભાવ જોઈએ પોતે તેને નિવેદન કરાવ્યું. વળી એક બ્રાહ્મણ દક્ષિણથી આવ્યો હતો એની પાસે નાના સરખા લાલજી હતા. તે શ્રીઆચાર્યજી મહાપ્રભુને દઈ બ્રાહ્મણે બદ્રીકાશ્રમમાં જઈ થોડા દિવસ તપસ્યા કરી દેહ છોડેલો તે ઠાકુરજી આપની પાસે હતા તે અમ્માને માથે પધરાવી દીધા. આજ્ઞા કરી કે એમનું નામ શ્રીબાલકૃષ્ણજી છે. તેમની બાલભાવથી પુત્રની માફક સેવા કરજે. એ પ્રકારે કૃપા કરી, બીજું અમ્માના બે બેટા તે શ્રીઠાકુરજીના અંતરંગ સખા છે. મોટો અર્જુન અને નાનો ભોજ તેમને પણ નિવેદન કરાવી અમ્માને આજ્ઞા કરી કે આ બે બેટાને કોઈનાં હાથનું ખાવા દઈશ નહીં. આ ઠાકુરની મહાપ્રસાદી તેમને આપજે. એ પણ લીલા સંબંધી છે, મહાપ્રસાદ વિના બીજું ખાશે તો તેને અંતરાય પડશે. એ પ્રકારે અમ્માનો અંગીકાર કરી શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આપ કાશી પધાર્યા પછી સંન્યાસ ગ્રહણ કરી આસુરવ્યામોહ લીલા કરી.

વાર્તાપ્રસંગ ૧: આ અમ્મા ક્ષત્રાણી શ્રીઠાકુરજીની સેવા બાલભાવથી પ્રીતિપૂર્વક કરે, એના બે બેટા તેને અમ્મા (માતા) કહેતા શ્રીઠાકુરજી પણ સાનુભાવ જણાવીને તેને અમ્મા કહેતા. એમ કરતા શ્રીઠાકુરજી પણ બંનેની સાથે ખેલતા, ઇંટ ઘસીને પરસ્પર લગાડતા, ઉડાવતા. તે જોઈને અમ્મા મનમાં બહુ સુખ પામતી પુત્રભાવથી રોકતી કે આ શી રમત? કંઈ આંખોમાં પણ પડશે. એમ કરતાં થોડા દિવસોમાં એનો મોટો પુત્ર મરી ગયો, ત્યારે અમ્મા શ્રીઠાકુરજીની સેવાથી પરવારીને રોવા બેસતી. ક્ષત્રીઓમાં બહું રુએ છે.

અમ્માને રોતી જોઈ શ્રીઠાકુરજી કહેતા, અમ્મા! તું રોઈશ નહીં. આ પ્રકારે રોકતા, ખેદ કરતા પરંતુ અમ્મા માનતી નહીં એમ કરતાં અમ્માનો બીજો નાનો પુત્ર પણ મરી ગયો. ત્યારે અમ્મા બહુ રોવા લાગી. ત્યારે પણ શ્રીઠાકુરજી રોકતા, પરંતુ રોયા વિના ન રહેતી. એટલે શ્રીઠાકુરજીએ અડેલમાં શ્રીગુસાંઈજીને કહ્યું કે અમ્મા રૂવે છે તેથી હું બહુ દુઃખ પામું છૈ. તેથી તમે આવીને સમજાવો.

ભાવપ્રકાશ: એ બંને બેટાની દેહ એથી છૂટી કે મોટા થાય તો સંસારના કાર્યમાં લાગે, અને અમ્માનું મન એમના લગન આદિમાં લાગે. તે બંને શ્રીઠાકુરજીના અંતરંગ સખા છે તેથી જલદી બોલાવી લીધા. પરંતુ અમ્મા ભગવદીય થઈને કેમ રોઈ? તેનો આશય એ છે કે લોકમાં પુત્ર શોક બહુ હોય છે પરંતુ તે તો અમ્મામાં નથી. પરંતુ શ્રીઠાકુરજી બંને પુત્રોની સંગે રમતા ઈંટ ઘસીને પરસ્પર દેહથી લગાડતા, ઉડાવતા, આવી ક્રીડા અનેક પ્રકારની કરતા તેના અમ્મા દર્શન કરતી તે ક્રીડાનું સુખ ગયું. બંને પુત્ર શ્રીઠાકુરજીનાં રમકડાં હતાં, તે હવે કોની સાથે રમશે? એ ભાવથી અમ્મા રોતી. તેથી શ્રીઠાકુરજી અમ્મા ઉપર પ્રસન્ન થઈને રોકતા. અમ્માનું દુઃખ સહન કરી શકતા નહીં અને જો પુત્રનું મમત્વ હોત તો શ્રીઠાકુરજી ન બોલતા.

ત્યારે શ્રીગુસાંઈજી અડેલથી કડા પધારીને અમ્માને ઘેર જઈ અમ્માને કહે તું રોઈશ નહીં, શ્રીઠાકુરજી ક્લેશ પામે છે.

ભાવપ્રકાશ: આ પ્રકારે કહી અમ્માના પુત્રોનું સ્વરૂપ દેખાડ્યું કે બંને અંતરંગ સખા છે. મોટા થાય તો સંસારમાં ઠીક ન પડે, તેથી તું રોઈશ નહીં.

ત્યારે અમ્મા રોતી બંધ થઈ. તે અમ્માનો એવો સ્નેહ હતો કે જ્યારે શ્રીઠાકુરજીને જગાવે ત્યારે બંને હાથથી સોંધે, અત્તર આદિ લગાવીને શ્રીઅંગનો સ્પર્શ કરતી કેમ કે મારા હાથ કઠણ છે. બાલકનું શ્રીઅંગ કોમલ છે, આ પ્રકારે બધી સેવા પ્રીતિપૂર્વક કરતી.

ભાવપ્રકાશ: સોંઘો છે તે શ્રીસ્વામિનીજીના સ્નેહરૂપ સચિકણ છે. તેથી એ જણાવ્યું કે અમ્મા વ્રજભક્તોના અર્થાત યશોદા રોહિણીજીના ભાવથી સેવા કરતી તેથી શ્રીઠાકુરજી અમ્માના ઉપર પ્રસન્ન રહેતા.

વાર્તાપ્રસંગ ૨: વળી એક સમય અમ્માએ શ્રીઠાફુરજીની આગળ દૂધનો કટોરો ભરીને ધર્યો ટેરો લગાડીને અમ્મા બહાર આવી. એટલામાં શ્રીગુસાંઈજી અમ્માના ઘેર આવી પધાર્યા ત્યારે અમ્માને પૂછ્યું કે શ્રીઠાકુરજીનો શો સમય છે? ત્યારે અમ્માએ કહ્યું બાવા! પધારો આપને સદા સમય છે. એટલે ગુસાંઈજી ટેરો (પડદો) ખસેડીને અંદર પધાર્યા, જુવે તો શ્રીઠાકુરજી કટોરો હાથમાં લઈને દૂધપાન કરે છે. તેથી શ્રીગુસાંઈજી ટેરો લગાડીને એમ જ પાછા પધાર્યા. ત્યારે અમ્માએ કહ્યું, કે બાવા! પાછા કેમ ફરી આવ્યા? શ્રીગુસાંઈજીએ કહ્યું, કે શ્રીઠાકુરજી પોતે દુધ પીવે છે. એટલે અમ્માએ કહ્યું એ તો બાલક છે, શું તમે નથી જાણતા? શ્રીગુસાંઈજીએ કહ્યું, એ દૂધ અમારા મુકામે પહોંચાડી દેજો. અમ્માએ કહ્યું, તમે જ આરોગવાવાળા છો, ચાહે અહીં આરોગો. ચાહે ત્યાં આરોગો, અમ્માના આવા સ્નેહાળ વચનો સાંભળીને શ્રીગુસાંઈજી ઘણા પ્રસન્ન થયા. પછી પોતે મુકામે પધાર્યા. અમ્મા પણ દૂધ લઈને મુકામે આવી અને શ્રીગુસાંઈજીને પાન કરાવ્યું.

ભાવપ્રકાશ: તેનું કારણ એ કે અમ્મા રોહિણીજીનું સ્વરૂપ છે અને શ્રીબાલકૃષ્ણજી પણ રોહિણીજીના ભાવથી છે. તેથી શ્રીબાલકૃષ્ણજી દૂધ આરોગતા હતા ત્યારે શ્રીગુસાંઈજી પાછા ફર્યા. તે એ માટે કે શ્રીનવનીતપ્રિયાજી શ્રીગુસાંઈજીના ઠાકુર છે. તે હોત તો આપ પાન કરાવતા, પરંતુ રોહિણીજી અને શ્રીચંદ્રાવલીજીને સ્નેહ ઘણો છે. રોહિણીજી ચંદ્રાવલીનો ભાવ જાણે છે. તેથી શ્રીગુસાંઈજીએ પ્રસન્ન થઈને કહ્યું જે આ પ્રસાદી દૂધ અમને મોકલજે. એ પાછલો લીલાનો સ્નેહ જણાવ્યો. ત્યારે અમ્માએ કહ્યું, ચાહે અહીં આરોગો, અગર ત્યાં આરોગો તેનું કારણ એ કે તમે જ આરોગવાળા છો. એટલે કે શ્રીઠાકુરજીને તમે જ રાખવાવાળા છો, એ ઠાકુરજી તમારા છે.

પછી શ્રીગુસાંઈજીએ અમ્માની દેહ છૂટ્યા પછી તેના ઠાકોરજીને શ્રીનવનીતપ્રિયાજીની પાસે પધરાવ્યા.

ભાવપ્રકાશ: કેમકે રોહિણીજીનો અને શ્રીગુસાંઈજીનો ભાવ મળે છે. રોહિણીજી પણ લીલાની સાધક છે તેથી અમ્માની કા'નિ શ્રીગુસાંઈજી ઘણી રાખતા.

આ વાતમાં એ સિદ્ધાંત જણાવ્યો, કે ભક્તોનો ક્લેશ શ્રીઠાકુરજીથી સહેવાય નહીં. તેથી લૌકિક વૈદિક દુઃખ આવી પડે તો વૈષ્ણવે ધીરજ રાખવી અને કલેશ ન કરવો. જો ક્લેશ પણ કરે તો તે શ્રીઠાકુરજી સંબંધી કરે. (વિપ્રયોગ કરે.)

તે અમ્મા શ્રીઆચાર્યજીની એવી કૃપાપાત્ર ભગવદીય હતી, એની વાર્તા ક્યાં સુધી કહીએ ॥ વાર્તા ૧૨ ॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.