વૈષ્ણવ ૧૩ - ગજ્જનધાવન ક્ષત્રી
કીર્તનના શબ્દો
॥ વાર્તા ૧૩ ।॥
હવે શ્રીઆચાર્યજીના સેવક ગજ્જનધાવન ક્ષત્રી, આગ્રામાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ :
વાર્તાપ્રસંગ ૧: એમના માથે શ્રીનવનીતપ્રિયાજી શ્રીઆચાર્યજીએ પધરાવ્યા. એ પ્રકાર એક ક્ષત્રાણીની વાર્તામાં કહીશું.
ભાવપ્રકાશ: એ ગજ્જન શ્રીચંદ્રાવલીની સખી છે. લીલામાં શુભ આનના એમનું નામ છે. શ્રીઠાકુરજી પ્રકટ્યા ત્યારે તેના બીજા દિવસે એ પ્રકટી છે. શ્રાવણ વદી દસમીએ તે ઠાકુરજીની સાથે બાલલીલાની રમત ઘણી રમીને શ્રીચંદ્રાવલીજીને બધી ક્રીડાના મિલાપનો ભેદ એ બતાવતી. તેથી શ્રીચંદ્રાવલીજીને અતિ પ્રિય છે. શ્રીઆચાર્યજીએ ગજ્જનના માથે શ્રીનવનીતપ્રિયાજી પધરાવ્યા, કેમકે એ શ્રીગુસાંઈજીના ઠાકુર છે. ગજ્જન શ્રીગુસાંઈજીની સખી છે, સદા ખેલે છે, તે સંબંધથી હવે ફરી ખેલશે.
થોડા દિવસમાં ગજ્જનને શ્રીનવનીતપ્રિયાજી સાનુભવતા જણાવવા લાગ્યા. ગજ્જનને ગાય કરતા, ઘોડો કરતા, પોતે ઉપર ચઢતા, તેથી ગજ્જનના ઢીંચણ ઘસાઈ ગયા. પરંતુ દેહનું ભાન નહીં. એક દિવસ ગજ્જનને શ્રીનવનીતપ્રિયાજી કહે, મને શ્રીઆચાર્યજીને ત્યાં પધરાવીને તમે પણ ત્યાં રહો.
ભાવપ્રકાશ: તેનું કારણ એ કે ગજ્જનનો એવો સ્નેહ વધ્યો કે સેવાની રીતિ ભૂલી ગયા. રમતમાં અનોસર આદિ યાદ ન આવે, ત્યારે શ્રીઠાકુરજીએ વિચાર્યું કે આને વ્યસન અવસ્થાની સિદ્ધિ થઈ ચૂકી છે. હવે આ જો પોતાના ગામ-ઘરમાં રહેશે તો બાધક થશે.
ત્યારે ગજ્જન તત્કાલ શ્રીનવનીતપ્રિયાજીને ગોકુલ પધરાવી આવ્યા. શ્રીઆચાર્યજીને દંડવત કરીને કહે કે મહારાજ! શ્રીનવનીતપ્રિયાજી આપના ઘરે પધાર્યા છે. શ્રીઆચાર્યજી મહાપ્રભુ કહે, શય્યા અલગ નથી, કંઈ પાત્ર નવા નથી. આ પ્રકારે અચાનક કેમ પધાર્યા છે? ત્યારે ગજ્જને કહ્યું, શ્રીનવનીતપ્રિયાજીની ઇચ્છા એવી છે. એટલે શ્રીઆચાર્યજીએ જે કંઈ સામગ્રી બની આવી તે સિદ્ધ કરીને આરોગાવી. પોતાત્તા શ્રીઅંગમાં સુગંધી દ્રવ્ય લગાડી પાસે લઈ પોઢ્યા.
ભાવપ્રકાશ: સુગંધી દ્રવ્ય લગાડવાનું કારણ એ કે અત્તર આદિ સુગંધ શ્રી સ્વામિનીજીના શ્રીઅંગનો ગંધ સ્નેહરૂપ છે. તેથી પ્રકટ નહીં કહ્યું. એમાં એ જણાવ્યું કે આપ શ્રીસ્વામિનીજી સ્વરૂપ સાથે પોઢ્યા.
પછી મર્યાદા રાખવાને માટે નાની સરખી પલંગડી બનાવડાવી, તે ઉપર બીજા દિવસે શ્રીનવનીતપ્રિયાજીને પોઢાવ્યા. શ્રીનવનીતપ્રિયાજીએ કહ્યું, શય્યા નાની છે, મારા પગ નીચે લટકે છે. હું તમારી સાથે પોઢીશ.
ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે શું હું તમારા ભાવથી બાલક છું? તમારા ઘરે તો તરુણ છું અને યશોદાના ભાવથી બાલક છું. તમે મારું નાનું સ્વરૂપ જોઈને શય્યા નાની કેમ બનાવડાવી? તેથી હું તમારી સાથે પોઢીશ, મને દુઃખે છે.
શ્રીઆચાર્યજી મહાપ્રભુ ફરી સુગંધિત દ્રવ્ય શ્રીઅંગે લગાડી પાસે પોઢ્યા. સવારે શ્રીઆચાર્યજી મહાપ્રભુએ મોટી શય્યા સિદ્ધ કરાવીને તેમાં પોઢાવ્યા. ત્યારે ફરી શ્રીનવનીતપ્રિયાજી શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને કહે, કે હું તો તમારી પાસે પોઢીશ. શ્રીઆચાર્યજી મહાપ્રભુ કહે કે મહારાજ! લોકોમાં મર્યાદા રાખવી જોઈએ, અને આપની પાસે મૂંડા (શ્રીસ્વામીજીના વસ્ત આભરણ આદિ)નો સાજ બધો રાખીશું. એ શ્રીસ્વામિની સ્વરૂપથી હું પાસે જ છું, એમ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ પોતે કહ્યું.
ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે ઉપરની મર્યાદા છોડવાથી જીવનો બગાડ થાય. દેખાદેખી કોઈ કરે પછી શ્રીનવનીતપ્રિયાજી શય્યામાં પોઢવા લાગ્યા.
વાર્તાપ્રસંગ ૨: તે ગજ્જન મંદિરના દ્વારમાં સન્મુખ સેવા સમય બેસી રહે. અનોસરમાં પણ મંદિરમાં રહે, શ્રીનવનીતપ્રિયાજી સાથે ખેલે, અલગ ન રહે એક દિવસ બીડાં માટે પાન ન હતાં તો અક્કાજીએ ગજ્જનને કહ્યું, આ પૈસા લઈ જાવ, પાન લઈ આવો.
ભાવપ્રકાશ: પાન મંગાવ્યા ત્યારે ગજ્જન અક્કાજીને કહી ન શક્યા કે મારાથી શ્રીનવતીતપ્રિયાજી હળી ગયા છે. તેમાં એ સિદ્ધ જણાયો કે યદ્યપિ શ્રીઠાકુરજી વૈષ્ણવથી બોલે, પાસે રાખે, તો ૫ણ ગુરુ આજ્ઞા કરે તો આજ્ઞા માથે ચડાવીને ગુરુના કાર્યો માટે જાય તો ધર્મ રહે અને ઠાકુર પણ પ્રસન્ન રહે. તેથી ગજ્જન ગયા અને શ્રીનવનીતપ્રિયાજીએ પણ રોક્યા નહીં. વૈષ્ણવનો ભાવ જોવાને માટે ગજ્જન પાન લેવાને ગયા. તે બહાર નીકળતાં જ તેમને વિહરજ્વર એવો ચઢ્યો કે એ દુકાન ઉપર પડી રહ્યા.
ભાવપ્રકાશ: કેમકે એમને વ્યસન અવસ્થા થઈ ચૂકી છે. તેથી શ્રીઆસચાર્યજી અને કોઈ ભગવદી કે જે ભાવમાં મગ્ન છે તેમના સાથે બોલતા મળતા. બીજો બધો દેહ સંબંધ છટી ગયો.
અહીં શ્રીઆચાર્યજીએ શ્રીનવનીતપ્રિયાજીને રાજભોગ ધર્યા; ત્યારે શ્રીનવનીતપ્રિયાજી કહે ગજ્જન આવે ત્યારે આરોગું. શ્રીઆચાર્યજીએ બધાને પૂછ્યું કે ગજ્જન ક્યાં ગયો છે ત્યારે અક્કાજીએ કહ્યું કે મેં પાન લેવા મોકલ્યો છે. શ્રીઆચાર્યજી કહે ગજ્જનને કેમ મોકલ્યો, ગજ્જનથી શ્રીનવનીતપ્રિયાજી હળ્યા છે. આજ પછી એને કંઈ કહેશો નહીં, ક્યાંય મોકલતા નહીં.
ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે તે ફલદશાને પામ્યા છે, એને માનસી સિદ્ધ થઈ ચુકી છે.
શ્રીઅક્કાજીએ કહ્યું કે હવે એને કંઈ ટહલ નહીં કહું. એક વૈષ્ણવને શ્રીઆચાર્યજીએ કહ્યું, ગજ્જનને જલદી મોકલી દેજો, દુકાન ઉપર પડ્યો છે, તમે પાન લાવજો. વૈષ્ણવ જઈ દેખે તો દ્વારની પાસે જ એક દુકાન ઉપર તે પડ્યો છે. તેમને કહે જલદી જાવ, તમને શ્રીઆચાર્યજીએ બોલાવ્યા છે. એ સાંભળતાં જ ગજ્જનને વિરહજ્વર ઉતરી ગયો. દોડીને આવ્યા ત્યારે શ્રીનવનીતપ્રિયાજીને કહે, બાવા! ભોજન કેમ નથી કરતા? શ્રીનવનીતપ્રિયાજી કહે તું આવ્યો? હવે હું ભોજન કરીશ. આ પ્રકારે ગજ્જન અને શ્રીનવનીતપ્રિયાજીને સ્નેહ હતો. તે ગજ્જન એવા ભગવદીય હતા, એમની વાર્તાનો પાર નહીં, તે ક્યાં સુધી કહીએ. || વાર્તા ૧૩ ॥.
ભાવપ્રકાશ: એમની આ વાર્તામાં આ સિદ્ધાંત જણાવ્યો કે વ્યસન અવસ્થા સર્વોપરી છે. જેમાં ઠાકુરજી વશ થાય. કુંભનદાસજીએ ગાયું છે કે “જો પે વિરહ પરસ્પર વ્યાપે, તો કછું જિય બાનિ આવે,” તે ગજ્જનની પરસ્પર પ્રીતિ દેખાડી વૈષ્ણવ ।। ૧૩ ।|