← બધા કીર્તન

વૈષ્ણવ ૧૭ - દેવાકપુર ક્ષત્રી

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

॥ વાર્તા ૧૭ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક દેવાકપુર ક્ષત્રી કડામાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: દેવાકપુર અને દેવાકપુરની સ્ત્રી બંને શ્રીયશોદાજીની સખી છે. દેવાકપુરનું નામ પ્રવીણા લીલામાં છે અને દેવાકપુરની સ્ત્રીનું નામ લીલામાં રસલીના છે.

વાર્તાપ્રસંગ ૧: તે દેવાકપુરના માથે શ્રીઆચાર્યજીએ શ્રીલલિતત્રિભંગીજીની સેવા પધરાવી. તેમણે સ્ત્રી સહિત બહુ દિવસ પર્યત શ્રીલલિતત્રિભંગીજીની સેવા કરી. પછી દેવાકપુરનો દેહ છૂટ્યો, પછી દેવાકપુરની સ્રીએ બહુ દિવસ સેવા કરી. કેટલાક દિવસ પછી દેવાકપુરની સ્ત્રીનો દેહ છૂટ્યો ત્યારે એનાં સગાંસંબંધીઓ એનો અગ્નિ-સંસ્કાર કર્યો. તે પછી ઘરે આવી મંદિરનાં કમાડ ખોલીને પુત્રોએ જોયુ તો સધળી સામગ્રી જેમની તેમ સ્થિત છે પણ શ્રીઠાકુરજી નથી, શય્યા ખાલી પડી છે. શ્રીઠાકુરજી અંતરધ્યાન થયા તે કોઈથી જાણ્યું ન ગયું. દેવાકપુરના ચાર દીકરા હતા, પરંતુ શ્રીઠાકુરજીએ એમની પાસે સેવા ન કરાવી.

ભાવપ્રકાશ: કેમ કે યદ્યપિ તે સર્વેએ નામ શ્રીગોપીનાથજી, શ્રીગુસાંઈજીના મોટા ભાઈ પાસે પામ્યું હતું, પરંતુ તેઓ લૌકિક વૈદિક કાર્યમાં આસક્ત હતા તેથી શ્રીઠાકુરજીએ સેવા ન કરાવી. વળી શ્રીગોપીનાથજીએ જેમને નામ દીધું તે મર્યાદાર્માગીય થયા એ બલદેવજી મર્યાદા રૂપ છે. અને શ્રીલલિતત્રિભંગીજી શ્રીઆચાર્યજીના સેવ્ય પુષ્ટિ પુરુષોત્તમ છે, તે સંબંધ કેમ બને? અને ચાર પુત્રોની આગળ વૈષ્ણવોને સેવા કેવી રીતે મળે? તેથી શ્રીઠાકુરજી અંતરધ્યાન થઈ ગયા. સિંહનદમાં એક શ્રીગુસાંઈજીની સેવકની બ્રાહ્મણી હતી તેને ઘરે પ્રગટ થઈ બધી વાત તે બ્રાહ્મણીને કહી. ગોપ્ય રીતિથી ઘણા દિવસ સુધી તેની પાસે સેવા કરાવી. તે પ્રકારે શ્રીગુસાંઈજની વાર્તાના ભાવમાં લખેલ છે (જે પ્રકારે શ્રીગુસાંઈજીના કુલમાં પધાર્યા તે પ્રકાર લખ્યો છે).

તે દેવાકપુર અને દેવાકપુરની સ્ત્રી મહાન ભગવદીય હતાં. તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ?

ભાવપ્રકાશ: એમની વાર્તામાં આ સિદ્ધાંત કે દેવી જીવ વિના શ્રીઠાકુરજીમાં સ્નેહ ન હોય અને શ્રીઠાકુરજી સેવા પણ ન કરાવે. ॥ વાર્તા ૧૭ ॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.