Vaishnav 19 - Dinakardas Mukunddas
Lyrics
The English words are not available yet. Showing the Gujarati text.
।। વાર્તા ૧૯ ।।
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક, દિનકરદાસ મુકુન્દદાસ સહનિયા કાયસ્થ, માળવા દેસમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: એ લીલામાં નંદરાયજીના ભાઈ હતા. દિનકરદાસ તો 'ધરાનન્દ' છે અને મુકુન્દરાય 'ધૃવનંદ' છે. તે માળવામાં એક કાયસ્થને ત્યાં જન્મ્યા. એમના પિતા ઉજ્જૈનમાં હાકેમ પાસે રહેતા. એેક દિવસ હાકેમથી બોલાચાલી થઈ ગઈ. ત્યારે દિનકરદાસ મુકન્દદાસનો પિતા ચાકરી છોડી ઘરે ચાલ્યો આવ્યો, અને પાંચ દશ દિવસમા દેહ છોડી બંને ભાઈ દશ બાર વર્ષના થયા. ઘરમાં દ્રવ્યનો સંકોચ થવાથી ઘરેથી નીકળીને કાશી ગયા ત્યાં દ્રવ્ય ઘણું કમાયા. પછી બંને જણ ઘરે આવવા રવાના થયા. તેઓ કાશીથી એક ગાઉ આવ્યા ત્યારે એક સર્પ નીકળ્યો. તે મુકુન્દરાયને કાટીને દરમાં ધસી ગયો. તેનું વિષ ચઢયું, ત્યારે દિનકરદાસ તેને કાશીમાં ઉઠાવી લાવ્યા. ઝાડવાવાળાએ (ઉતારવા વાળાએ) પ્રયત્ન કર્યાં પરંતુ વિષ ઊતરે નર્હિ, ત્યારે દિનક્રદાસે પોકારીને રૂદન કર્યું.
શ્રીઆચાર્યજી ત્યારે કાશીમાં શેઠ પુરુષોત્તમદાસને ઘરે બિરાજતા હતા અને કૃષ્ણદાસ બજારમાં કંઈ કામ માટે આવ્યા હતા. તે કૃષ્ણદાસે દિનકરદાસનું રૂદન સાંભળ્યું. ભગવદીયનું હૃદય કોમળ તેથી પૂછ્યું, આવું દુઃખ તમે કેમ કરો છો? ત્યારે દિનકરદાસે કહ્યું, પહેલાં દ્રવ્યના દુ:ખથી ઘરથી નીકળી અહીં આવ્યા, દ્રવ્ય કમાયા, હવે ઘરે જતા હતા ત્યારે અમારા ભાઈને સર્પ કાટ્યો. બહુ પ્રયત્ન કર્યો પરંતુ વિષ ઊતર્યું નહીં. હવે અમે પણ કાશીમાં ડૂબી મરીશું. ઘરે જઈ શું કરીએ? ત્યારે કૃષ્ણદાસને દયા આવી. વળી દેવી જીવ જાણ્યા, તેથી શ્રીઆચાર્યજીનું ચરણામૃત પાસે હતું તે મુકુંદદાસને પાણીમાં ઘોળીને પીવડાવ્યું. એટલે તત્કાલ વિષ ઊતરી ગયું, મુકુંદદાસ ઊઠીને બેઠા થયા. ચરણામૃતથી બુદ્ધિ નિર્મલ થઈ ગઈ.
પછી મુકુંદદાસે કૃષ્ણદાસને ભગવદ્સ્મરણ કરી દંડવત્ કર્યા અને પૂછ્યું કે શ્રીઆચાર્યજી ક્યાં બિચજે છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તમે અમને દંડવત કેમ કર્યા? મુકુંદદાસે કહ્યું તમારા હૃદયમાં શ્રીઆચાર્યજીએ બિરાજીને મારા ઉપર કૃપા કરી. અમે તો સંસારસમુદ્રમાં પડ્યા હતા તેથી શ્રીઆચાર્યજીને પણ ન જાણ્યા અને તમને પણ ન જાણ્યા. પરંતુ તમે કૃપા કરીને બનાવ્યા તેથી ભગવદીયને દંડવત કરવામાં બાધક નથી. કૃષ્ણદાસે કહ્યું, આ ચરણામૃતની વાત શ્રીઆચાર્યજીને ન કહેતા, નહીં તો મારા ઉપર ખીજશે. અને ગામમાં યે કોઈને નહીં કહેતા, અમને બધા આવીને દુઃખ દેશે, ત્યારે અહીં રહેવું કઠણ પડશે. પછી મુકુંદદાસે કૃષ્ણદાસને પૂછ્યું કે શ્રીઆચાર્યજી ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસે કહ્યું કે શ્રીઆચાર્યજી શેઠ પુરુષોત્તમદાસને ત્યાં બિરાજે છે. એમ કહી કૃષ્ણદાસ તો કાર્ય માટે ગયા.
પછી મુકુંદદાસે કહ્યું, ભાઈ! શ્રીઆચાર્યજીના શરણે ચાલો, ત્યારે દિનકરદાસે કહ્યું, શ્રીઆચાર્યજી કોણે છે? મુકુંદદાસે કહ્યું, સાક્ષાત્ ભગવાન છે. મને એમનાં ચરણામૃત મળવાથી જ્ઞાન થયું, તમે પણ જ્યારે ચરણામૃત લેશો ત્યારે શ્રીઆચાર્યજીના સ્વરૂપને જાણસો. તેથી જલદી ચાલો, ઢીલ ન કરો, બંને ભાઈએ આવી શ્રીઆચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ! અમે મહા અપરાધી છીએ. સંસારના દુઃખસુખમાં પડ્યા છીએ, અમારો ઉદ્ધાર કરો. શ્રીઆચાર્યજી કહે તમે કાયસ્થ છો. તે આ પુષ્ટિમાર્ગ કેવી રીતે સધાશે? મુકુંદદાસે કહ્યું, મહારાજ! આપની કૃપાથી બધું સધાશે. આપની કૃપા શુદ્ર, ચાંડાલ ઉપર હોય તો તેનાથી પણ બધું સધાય, અને આપની કૃપા મોટા બ્રાહ્મણ ઉપર ન હોય તો એનાથી પણ ન સધાય. તેથી આપ અમારા ઉપર કૃપા કરી શરણે લો. શરણના પ્રતાપથી અમારું કલ્યાણ થશે. શ્રીઆચાર્યજી પ્રસન્ન થઈને કહે, અમે જાણ્યું જે આ કૃપ્ણદાસ મેઘનનું કામ છે.
પછી દિનકરદાસ અને મુકુંદદાસને ન્હવડાવીને નામ નિવેદન કરાવ્યું. તેઓ કેટલાક દિવસ શ્રીઆચાર્યજીની પાસે રહીને માર્ગની રીતિ શીખ્યા. વિનંતી કરી, મહારાજ! આજ્ઞા હોય તો ઘેર જઈએ. અમને હવે શું કર્તવ્ય છે? શ્રીઆચાર્યજીએ બ્રહ્મસંબંધની પત્રી લખીને હસ્તાક્ષર દીધા, અને કહ્યું આની સેવા કરજો. જે કંઈ ખાનપાન કરો તે આને ભોગ ધરીને લેજો. બંને ભાઈ વિદાય થઈને માળવામાં પોતાના ઘરે આવ્યા. પોતે રસોઈ કરી ભોગ ધરી સ્ત્રીજનને અલગ ધરી દે, કેમકે દેવી નથી. શ્રીઆચાર્યજીનાં સેવક થવાનું મન નથી. પછી મુકુંદદાસને શ્રીઆચાર્યજીનું ચરણામૃત મળ્યું, તેથી બધાં શાસ્ત્રો, વેદ-પુરાણ વગેરે કંઠગ્ર થયાં.
વાર્તાપ્રસંગ ૧: તે મુકુંદદાસ કવિતા બહુ સુંદર કરતા. શ્રીઆચાર્યજી શ્રીગુસાંઈજી અને શ્રીઠાકુરજીનાં એક સરખા કરતા. વળી મુકુંદદાસે એક મુકુંદસાગર ગ્રંથ વ્રજભાષામાં કર્યો છે. તેમાં શ્રીભાગવત દ્વાદશ સ્કંધ પર્યતનો અર્થ ધરી દીધો છે. પછી મુકુંદદાસ એક સમય ઉજ્જૈનના કારકુન થઈને ગયા. ત્યારે ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિત બધા આવીને તેમને મળ્યા, અને કહ્યું અમે તમને શ્રીભાગવત સંભળાવીએ. મુકુંદદાસે કહ્યું, નવરાશ નથી, નવરાશ હશે ત્યારે સાંભળીશું.
ભાવપ્રકાશ: એનું કારણ એ કે શ્રીઆચાર્યજીના સુબોધિની આદિ જે ગ્રંથો છે તેની આગળ તમારી કથા સાંભળવાની નવરાશ ક્યાં? બ્રાહ્મણનું મન ઉદાસ ન થાય તેથી કહે નવરાશ હશે ત્યારે સાંભળીશું.
પછી તે બ્રાહ્મણ બીજે ચોથે દિવસ મુકુંદદાસને પૂછે કે જ્યારે કહેશો ત્યારે શ્રીભાગવત સંભળાવીશ એમ કરતાં ઘણા દિવસો વીત્યા. પછી એક દિવસ મુકુંદદાસ ચોપડ રમતા હતા તે એ પંડિતે જોયું. ત્યારે વિચાર્યું કે આજે વાત કહેવાનો દાવ મળ્યો છે. એટલામાં ચોપડ રમી ચૂક્યા ત્યારે પંડિતે કહ્યું, તમે કહો તો શ્રીભાગવત તમને સંભળાવ્યું. મુકુંદદાસે કહ્યું નવરાશ હશે ત્યારે સાંભળીશું. ત્યારે પંડિતે કહ્યું, ચોપડ રમવાની નવરાશ છે અને શ્રીભાગવત સાંભળવાને માટે કહો છો કે નવરાશ હશે ત્યારે સાંભળીશું, એનું કારણ શું? મુકુંદદાસે વિચાર્યું, બ્રાહ્મણે તો પ્રતિ ઉત્તર જબરો આપ્યો. હવે આપણે તેને જવાબ દેવો, ત્યારે મુકુંદદાસે કહ્યું, અમારું શ્રીભાગવત જાણે છે? ત્યારે પંડિત કહ્યું, તમારું ભાગવત શું જુદુ છે? એમણે કહ્યું, અમારું શ્રીભાગવત જુદું છે. પંડિતે કહ્યું, તમે જ તમારું ભાગવત સંભળાવો. એટલે મુકુંદદાસે કહ્યું, કોઈ સમય મેળવીને સંભળાવી દઈશ. એ પ્રકારે કહીને ટાળ્યા, પરંતુ તે માર્ગીય બ્રાહ્મણ ન હતો તેથી તેના મુખની કથા ના સાંભળી.
ભાવપ્રકાશ: 'છાસઠ અપરાધ'માં લખ્યું છે કે અવૈષ્ણવોના મુખથી શ્રીભાગવત શ્રવણ, વૃક્ષ જન્મ ત્રયં, ઇત્યાદિ બીજાના મુખથી સાંભળે તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને દોષ લાગે. જીવને આ વાતનો બહુ સંદેહ છે, કેમકે ભગવાના નામમાં તો બધાનો અધિકાર છે. શુદ્રાદિ, ચાંડાલ પર્યત અધિકાર છે. જે કહેસાંભળે તે બધાનું કલ્યાણ થાય. શ્રીભાગવતમાં પણ અજામિલ આદિ પવિત્ર થયા છે એ બધું મહાત્મ્ય જગતમાં પ્રસિદ્ધ છે. અને પુષ્ટિમાર્ગમાં ભગવદ્નામ, કીર્તન અગર શ્રીભાગવત અન્યમાર્ગયિથી સાંભળવાંનુ કેમ નહીં? ભગવદનામ સાંભળવાથી દોષ કેમ? આ સંદેહ બહુ ગૂઢ છે. ત્યાં કહે છે કે મયદિમાર્ગમાં તો મુક્તિ ફલ છે, અને પુષ્ટિમાર્ગમાં એકાંગી પુષ્ટિભક્તિ તે ફળ છે અને ભક્તિ તો શ્રીઆચાર્યજીના આશ્રયથી થાય. તેમાં આશ્રય અને અન્યાશ્રયનો ભેદ બતાવે છે. આપણું હૃદય તે કમલ છે ત્યાં આશ્રય, પ્રેમ વગેરે બધા ધર્મો આવે, અને ભગવાનને બિરાજવાનું પણ તે જ ઠેકાણું છે. હૃદયમાં શ્રીઆચાર્યજી સંબંધી આનંદ સર્વ પ્રકારથી પ્રવેશ કરે તો આશ્રય સિદ્ધ થાય છે. વળી હૃધ્યમાં રસ-આનંદને જવાના આટલા પ્રકાર (દ્વાર) છે. એક તો નેત્ર, તેનાથી સુંદર કોઈ વસ્તુને જોઈને હૃદયમાં આનંદ થાય. તેથી શ્રીઆચાર્યજી સંબંધી ઠાકુરના દર્શન કરીને જ સુખ પામવું. બીજી જગાએ દર્શન તથા લૌકિક વૈદિક કઈ સંસાર સંબંધી સુંદર વસ્તુ જોઈને શ્રીઆચાર્યજીના સંબંધ વિનામાં આંનંદ આવે તો પણ અન્યાશ્રય છે, નેત્રનો આ અન્યાશ્રય મહાદોષરૂપ છે.
બીજું શ્રવણ દ્વારા દુઃખ સુખનો રસ હૃદયમાં જાય છે, તેથી જેના મુખથી સાંભળીને તેના જુઠણનો રસ કર્ણદ્વારા હૃદયમાં જાય. તેથી જ્યાં દાસભાવ રાખીને તેમના જ મુખથી સાંભળવું દાસભાવ તો વલ્લભકુળમાં કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવમાં હોય, તેથી તેમના મુખથી સાંભળવું કે જેથી હૃદયમાં ધર્મ દઢ થાય. બીજાના મુખથી પ્રીતિથી સાંભળે તો અન્યાશ્રય થાય કારણ કે તેનું ઉચ્છિષ્ટ હૃદયમાં જવાથી શ્રીઆચાર્યજીનો આશ્રય દૃઢ ન થાય. કદાચ કોઈનો સંકોચ કરીને સાંભળવું પડે તો તેમાં મન ન લગાડે અષ્ટાક્ષરમાં પોતાનું મન લગાડે તેથી મુખ્ય સિદ્ધાંત તો આ માર્ગમાં એ છે કે બીજાથી વાણી-વિલાસ કરવો નહીં. વાણી દ્વારા પણ મિલાપ થાય છે. તેથી “મૌનં સર્વાર્થ સાધકમ્'' એમ કહ્યું. તેથી અન્યમાર્ગીથી ન ભગવદ્ધર્મની વાત પૂછવી ન પોતાની કહેવી. આ પ્રકારે બધી ઇન્દ્રિયો અને મન શ્રીઆચાર્યજીના સંબંધ વિના સુખ ન પામે. શ્રીઆચાર્યજીના આશ્રયનું આ સાધન છે. મુકુંદદાસે તો શ્રીઆચાર્યજીનો આશ્રય દઢ તેથી એ જો તે પંડિતની કથા સાંભળત તો પણ તેમને બાધક ન થાત. પરંતુ એમની દેખાદેખી બીજા સાધરણ વૈષ્ણવો સાંભળે તો તેમનો બગાડ થાય. તેથી એ જતાવ્યું જે આટલું જ્ઞાન દઢ ન હોય તો અન્યમાર્ગીયથી કથા વગેરે ન સાંભળે. કેમકે મનનો ભરોસો નહિ, એના વચનમાં વિશ્વાસ થઈ જાય તો ધીરે ધીરે આ માર્ગમાંથી તેના બતાવેલા સાધનોમાં મન જાય, તેથી ન સાંભળીએ. કાચી દશાવાળાએ તો એક શ્રીઆચાર્યજીના સંબંધથી જ ભગવદ્ધર્મ કહેવો, સાંભળવો.
મુકુંદદાસજી ચોપડ રમતા હતા તે એથી કે જ્યારે એમ લાગે કે કોઈ અન્યમાર્ગીય અનેક ધર્મની વાત કહેવા સાંભળવા આવે ત્યારે મુકુંદદાસ ચોપડ કાઢીને બેસતા. તેથી બધા અન્યમાર્ગીય ઉદાસ થઈને ઊઠી જતા. ચોપડના મિષથી કોઈને ખોટું ન મનાવવું પડતું લોકો જાણતા હતા કે એમની ચોપડમાં આસક્તિ છે. આ પ્રકારથી પોતાના હૃદયમાં પુષ્ટિમાર્ગીય ધર્મ છુપાવી રાખ્યો હતો.
એક સમય સૂર્યગ્રહણ થયું. ત્યારે મુકુંદદાસ નદીમાં સ્નાન કરી ભગવત્નામ નદીમાં ઊભા ઊભા લેતા હતા. તે સમયે પેલા પંડિતે આવીને કહ્યું કે આ સમયે તો તમારું શ્રીભાગવત કંઈક સંભળાવો. મુકુંદદાસે એક શ્લોક શ્રીભાગવતનો કહીને એનો અર્થ કરવા લાગ્યા. તે આખો દિવસ ને આખી રાત્રિ વીતી ગઈ સવાર થયું. ગામના લોકો નદીએ ન્હાવાને આવ્યા ત્યારે તે પંડિતે કહ્યું, બીજો દિવસ થયો છે, હવે આ શ્લોકનો અર્થ પૂરો કરશો? ત્યારે મુકુંદદાસે કહયું, આ શ્લોકનો ભાવ છ મહિના સુધી થશે. તે પંડિત ચકિત થઈ ગયો અને કહ્યું, તમને ઈશ્વરની આપેલી શક્તિ છે, જીવ શું જાણે? મુકુંદદાસે કહ્યું, અમારું શ્રીભાગવત આપ્યું છે, કંઈ જાણતા હો તો સંભળાવો. તે પંડિત હાર માનીને ઘરે ગયો. અને બીજા કોઈ પંડિતો આવીને કંઈ પૂછતા એમનો પ્રશ્નને બહુ દૂષણ લગાડીને પ્રતિ ઉત્તર આપતા કે જેથી ફરી વખત તે પંડિત ન આવે. એવું શ્રીઆચાર્યજીનું કૃપાબલ તેમને હતું. શ્રીસુબોધિની આદિ બધા શાસ્ત્રોમાં તેમને પ્રવેશ હતો. તે મુકુંદદાસે કેટલાક દિવસ પછી માનસી સેવાની ભાવના કરી અને દેહ છોડીને લીલામાં પ્રાપ્ત થંયા. વૈષ્ણવે આવીને શ્રીઆચાર્યજીને કહ્યું, જે મુકુંદદાસ અવર્તિકા (ઉજ્જેન) પામ્યા. શ્રીઆચાર્યજીએ તે વૈષ્ણવને રોક્યા જે એમ ન કહો. એમ કહો કે અવંતિકાએ મુકુંદદાસને પ્રાપ્ત કર્યા તે મુકુંદદાસ એવા ટેકના ભગવદીય થયા.
ભાવપ્રકાશ: તે શાથી કે સંસારી લોકો છે તેમને તીર્થની ચાહના છે અને તીર્થ છે તે ભગવદીયોને ચાહે છે. કેમ કે ભગવદીય જે તીર્થનો સ્પર્શ કરે, જે તીર્થની પાસે જાય તે તીર્થ બધા પાપોથી મુક્ત થાય. અને દિનકરદાસના મોટા ભાઈની વાર્તાનો વિસ્તાર એથી ન કર્યો કે જે દિવસે તે આચાર્યજીના સેવક થઈ માલવામાં આવ્યા તે દિવસથી શ્રીમહાપ્રભુજીના હસ્તાક્ષર બ્રહ્મસંબંધનો પ્રકાર વાંચી વાંચીને નિત્ય માથું પીટીને રોતા કે અમે લીલામાં નંદરાયજીના ભાઈ થઈને હવે આટલા દિવસથી સંસારમાં ભટકીએ છીએ. તે અમને ધિક્કાર છે. આ પ્રકારે વિરહ કરી ત્રણ મહિનામાં લીલાની પ્રાપ્તિ થઈ. તેથી એમની વાત અનિર્વ્ચનીય વિરહ દશાની છે. તેથી ઘણો પ્રકાશ નથી કર્યો. આ બંને ભાઈ દિનકરદાસ, મુકુંદદાસ મોટા ભગવદીય કૃપાપાત્ર હતા. તેમની વાર્તાનો પાર નથી. ।। વાર્તા ૧૯ ।।