← બધા કીર્તન

વૈષ્ણવ ૨૦ - પ્રભુદાસ જલોટા

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

॥ વાર્તા ૨૦ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી સેવક, પ્રભુદાસ જલોટા ક્ષત્રી, સિંહનંદના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: એ પ્રભુદાસ જલોટા ક્ષત્રી લીલામાં લલિતાજીની સખી છે. “મન્મથમોદા” એનું નામ છે. કામલીલાની સામગ્રી બધી સિદ્ધ કરે છે, અને વિહારલીલાની વાર્તામાં લલીતાજીથી વાર્તા કરી મગ્ન રહે છે. તેથી એમનું નામ મન્મથમોદા છે. તે સિંહનંદમાં એક ક્ષત્રીના ઘરમાં જન્મ્યા. પછી તેર વર્ષના થયા ત્યારે એમનું લગ્ન થયું. સ્ત્રી મહાકુપાત્ર આવી, બધાને ગાળો દે. જે વસ્તુ મળે તે ચોરીને માબાપને દઈ આવે. એમ કરતાં પ્રભુદાસના મા-બાપે દેહ છોડી. બધાં સંબંધી તે સ્ત્રીના દુઃખથી ઘરમાં આવે નહીં, પછી એક દિવસ તે સ્ત્રીએ પ્રભુદાસને કહ્યું, ક્યાંયથી દ્રવ્ય લાવ. પ્રભુદાસે કહ્યું, દ્રવ્ય ક્યાં છે! મળશે તો લાવીશ. સ્ત્રીએ પ્રભુદાસને માર્યો. પ્રભુદાસને રીસ ચઢી તેને સ્ત્રીને મારી. સ્ત્રીએ ચૂડી ફોડી માથું મુંડાવી ગામના હાકેમને કહી આવી. જે હું આ પ્રભુદાસની હવે સ્ત્રી નથી. જો આ ઘરમાં આવશે તો એના ઉપર હું મરીશ. પ્રભુદાસ પણ આવ્યા અને કહ્યું, હું ઘર છોડીને જાઉ છું, મારે, તારે કોઈ દાવો નહીં. આ પ્રકારે છૂટાછેડા કરીને ગામથી નીકળી ગયા. તે રાજનગર સિકંદરપુરમાં આવ્યા. ત્યાં રામદાસ ક્ષત્રી એમની જ્ઞાતિના હતા ત્યાં ઊતર્યા. તે રામદાસને મર્યાદામાર્ગીય વૈષ્ણવનો સંગ થયો હતો. ત્યાં પ્રભુદાસ થોડાક દિવસ રહ્યા.

એ અરસામાં શ્રીઆચાર્યજી રાજનગર સિકંદરપુરની પાસે બગીચો હતો ત્યાં ઊતર્યા હતા. તે બગીચામાં પ્રભુદાસ આવ્યા, આચાર્યજીના દર્શન કરીને મનમાં આવ્યું કે એમના સેવક થઈએ. શ્રીઆચાર્યજીને વિનંતી કરી મહારાજ! કૃપા કરીને મને સેવક કરો. શ્રીઆચાર્યજીએ કહ્યું, તારે રામદાસ મર્યાદામાર્ગીયનો સંગ છે તેથી અમારો સેવક ન થા. પ્રભુદાસે કહ્યું મહારાજ! આપ કહો તો તે રામદાસને પણ આપનો સેવક કરાવું. તો મને સેવક કરશો? મારું કહ્યું રામદાસ કરશે. શ્રીઆચાર્યજી કહે, શું થયું સેવક કરાવે? તેનો અંગીકાર મર્યાદામાં જ છે. પરંતુ જા, રામદાસને લઈ આવ , બંનેને સંગ સેવક કરીશું. પ્રભુદાસે રામદાસની પાસે આવીને કહ્યું, શ્રીવલ્લભાચાર્યજી સાક્ષાત્‌ પુરુષોત્તમ છે. તેઓ ગામ બહાર બગીચામાં પધાર્યા છે. તો અમે-તમે બંને સેવક થઈએ તો મળીને સેવા કરીએ. રામદાસે કહ્યું મારે તો એક વૈરાગી ગુરુ છે, તેની કંઠી બાંધી છે. હવે બીજો ગુરુ કેવી રીતે કરું? પ્રભુદાસ કહે, હવે અમારે અને તારે નહીં બને, મારાં વાસન, પાત્ર દે. રામદાસે કહ્યું, તમારે લીધે સેવક થઈશ, પરંતુ હું મારી ટેવ નહીં છોડુ. પ્રભુદાસ કહે સેવક તો થા, રીતિ ન કરીશ. પ્રભુદાસ-રામદાસ બંને આવ્યા, શ્રીઆચાર્યજીએ ન્હવડાવીને બંનેને નામ સંભળાવ્યું. પ્રભુદાસને તો શ્રીઆચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું પરંતુ રામદાસને ન થયું. પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ! બંનેને કૃપા કરીને નિવેદન કરાવો. આચાર્યજી કહે, રામદાસને નહીં એટલે પ્રભુદાસ સમજી ગયા. પછી કહે, મને જ કૃપા કરીને કરાવો. શ્રીઆચાર્યજીએ પ્રભુદાસને બ્રહ્મ-સંબંધ કરાવ્યું. ભગવદ્‌સેવાનું પણ પ્રભુદાસ અને રામદાસે મળીને પૂછ્યું, ત્યારે શ્રીઆચાર્યજી કહે હમણાં નહીં, થોડા દિવસ પછી એમ કહીને આપ તો શ્રીગોકુલ પધાર્યા.

મપ્રભુદાસ તો પુષ્ટિમાર્ગીય રીતે બતાવે પરંતુ રામદાસ મર્યાદામાર્ગની રીતિ કરે. એમ કરતાં થોડા દિવસમાં શ્રીઆચાર્યજીના મોટા પુત્ર શ્રીગોપીનાથજી રાજનગર સિકંદરપુરમાં પધાર્યા. રામદાસે વિનંતી કરી, મહારાજ! સેવા પધરાવી આપો. શ્રીગોપીનાથજીએ એક બ્રાહ્મણના ઘરે શ્રીમદનમોહનજી હતા તે બ્રાહ્મણને કંઈ આપીને બંનેના માથે ઠાકોરજી પધરાવ્યા. શ્રીગોપીનાથજી અડેલ પધાર્યા. રામદાસ તો મર્યાદા-માર્ગની રીતિ પ્રમાણે આહવાન-વિસર્જન વગેરે પૂજાની રીતિ કરે. પછી એક દિવસ પ્રભુદાસ અડધી રાત્રિએ પોતાની વસ્તુ લઈને ભાગી ચાલ્યા. કેમ કે રામદાસના સંગે ક્યાં સુધી માથું દુ:ખાવવું! એને તો જ્ઞાન નથી, જેવા રામદાસ તેવા જ મર્યાદામાર્ગીય ઠાકર શ્રીગોપીનાથજીએ પધરાવી આપ્યા. તેથી ત્યાંથી ચાલી શ્રીગોકુલમાં આવીને શ્રીઆચાર્યજીને દંડવત કર્યા. શ્રીઆચાર્યજીએ કહ્યું, પ્રભુદાસ આવ્યા? પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ! માંડ માંડ દુઃસંગથી છૂટ્યો. શ્રીઆચાર્યજીએ કહ્યું, અમે તો તને પહેલાં જ કહ્યું હતું કે તે મર્યાદામાર્ગીયનો અધિકારી છે. તું પુષ્ટિમાર્ગીય છે, સારું કર્યુ જે સંગ છોડીને આવ્યો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ! હવે મને ચરણાવિંદની પાસે રાખો, હું બહુ જ સંસારમાં ભમ્યો. શ્રીઆચાર્યજી કહે, હવે અમારી પાસે સુખેથી રહો. તે દિવસથી પ્રભુદાસ શ્રીઆચાર્યજી મહાપ્રભુ સાથે જ રહ્યા.

વાર્તાપ્રસંગ ૧: એક દિવસ શ્રીઆચાર્યજી મહાપ્રભુ મથુરા પધાર્યા, તે વિશ્રામ ઘાટ પાસે બેઠક છે ત્યાં સંધ્યાવંદન કરતા હતા. પાસે ચાર વૈષ્ણવ ઊભા હતા દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન, પ્રભુદાસ અને એક વૈષ્ણવ મથુરાનો હતો. ત્યારે ત્યાં રૂપ-સનાતન જે કૃષ્ણચૈતન્યના સેવક છે તેમણે શ્રીઆચાર્યજી પાસે આવી દર્શન કરીને દંડવત ક્યા. રૂપ સનાતને શ્રીઆચાર્યજીને પૂછ્યું કે મહારાજ! આ વૈષ્ણવો કોણ છે? શ્રીઆચાર્યજીએ કહ્યું કે એ અમારા સેવક છે. રૂપ સનાતને કહ્યું, મહારાજ! આપનો માર્ગ તો પુષ્ટિ છે અને એ સેવક દુબળા કેમ છે? શ્રીઆચાર્યજીએ કહ્યું, અમે તો એમને રોક્યા કે આ માર્ગમાં ન પડો, પરંતુ એમણે અમારું કહ્યું ન માન્યું, તેનું ફલ ભોગવે છે. આ પ્રકારે ગૂઢ રીતિથી શ્રીઆચાર્યજીએ કહ્યું પરંતુ રૂપ સનાતન કંઈ સમજ્યા નહીં. પછી રૂપસનાતન આજ્ઞા માગી શ્રીજી ન્નાથરાયજીના દર્શને ગયા. ત્યારે કૃષ્ણચૈતન્યને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? રૂપ-સનાતને કહ્યું અમે વ્રજના દર્શન કરીને આવ્યા છીએ. કૃષ્ણચૈતન્યે પૂછયું ત્યાં શ્રીવલ્લભાચાર્યજીનાં દર્શન થયાં? રૂપ-સનાતને કહ્યું, મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર દર્શન ચયાં. એટલે કૃષ્ણચૈતન્યે પૂછ્યું, કઈ વાર્તાનો પ્રસંગ કર્યો? રૂપ સનાતને કહ્યું, અમે પૃછયું કે આપનો માર્ગ પુષ્ટ અને આપના વૈપ્ણવો દુર્બલ બહુ જ! ત્યારે આપે કહ્યું, અમે તો એમને રોક્યા કે આ માર્ગમાં ન પડો પરંતુ એમણે કહ્યું ન માન્યું તેનું ફલ ભોગવે છે. આ સાંભળતાં જ શ્રીઆચર્યજીના ભાવ (હાઈ) કૃષ્ણચૈતન્યને સમજાઈ ગયો. એક મુહૂર્ત સુધી મુર્ચ્છા આવી. રૂપ-સનાતને એમ ત્રણ વાર કહ્યું, અને ત્રણે વાર તેમને મુર્ચ્છા આવી. પછી ચોથી વાર પૂછયું ત્યારે રૂપ-સનાતને કહ્યું, જે હવે મારાથી કહી શકાશે નહિ (કારણ રૂપ-સનાતન પણ થોડો ભાવ સમજય।).

ભાવપ્રકાશ: કેમ કે શ્રીઆચારજીના સ્વરુપનું રૂપ-સનાતનને કંઈક જ્ઞાન હતું તેથી કંઈક સમજયાં બધું જો સમજત તો એમની દેહ છૂટી જતી. શ્રીઆચાર્યજીએ કહ્યું જે આ માર્ગમાં ન પડો, અને સેવકોએ કહ્યું ન માન્યું એટલે વિપ્રયોગ ફ્લદશાને ભોગવે જ એવો આશય છે. જેમ પંચાધ્યાયમાં વ્રજભક્તોને શ્રીઠાકુરજીએ કહ્યું, “ઘરે જાવ” પરંતુ વ્રજભક્તોએ એ વાત ન માની, એટલે રાસલીલાના ફ્લને પામ્યાં. હવે મર્યાદા માર્ગની રીતિ કહે છે જે વેદની મર્યાદા એ છે કે સેવક થવા આવે તો એક વાર ના કહેવી. તે સેવકના ભાવથી દઢતા જોવા માટે પછી તેની પૂર્ણ પ્રીતિ સેવક થવાની હોય તો સેવક કરવાથી તેને ફળ મળે. વૈષ્ણવને ના કહેલી જે આ માર્ગમાં ન પડો. એટલે કે આ માર્ગ વ્રજભક્તોનો છે. જેમ વ્રજભક્તો સર્વ સમર્પણ કરી શરણે થયા ત્યારે ખાનપાન દેહ-સુખ, બધું છૂટ્યું, અને વિપ્રયોગની ફલ દશાને ભોગવે છે. વિપ્રયોગના અનુભવમાં દેહ કુશ થાય. વળી વિરહના શ્વાસ ઊઠે, નેત્રોમાં જલ ભરાય, કંઠ રૂંધાઈ જાય, બધા શરીરમાં પરસેવો થાય, મૂર્ચ્છિત થાય, હસી પડે, રુદન કરે, નૃત્ય કરે, ઇત્યાદિ ભાવો પ્રગટે પ્રેમલક્ષણા ભક્તિનું આ સ્વરૂપ છે. એ પ્રમાણે કહ્યું.

વાર્તાપ્રસંગ ર: પ્રભુદાસ રસોઈ સદા હાથથી કરતા. તેમાં એક દિવસ બગડી ગઈ. દાળ કાચી રહી લોટી બળી ગઈ. ત્યારે પ્રભુદાસના મનમાં એ આવ્યું એવી બગડી ગયેલી રસોઈ શ્રીઠાકુરજીને શું ધરવી? તેથી ચરણામૃત મેળવીને લીધું.

ભાવપ્રકાશ: કેમકે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે તેમનું મન કોમલ છે. જેમ શ્રીઠાકુરજી અત્યંત કોમલ છે તેમ ભક્તોનું મન કોમલ છે. એમ વિચારે કે હું એવી સામગ્રી કેમ સમર્પું? અને વળી દાઝ્યા અન્નનો દોષ પણ છે. એ પ્રમાણે વિચારીને શ્રીઠાકુરજીને સામગ્રી સમર્પી નહીં. વળી અણપ્રસાદિનો પણ મહાદોષ છે. તેથી ચરણામૃત મેળવી લીધું.

ત્યારે શ્રીઠાકુરજીએ શ્રીઆચાર્યજીને કહ્યું કે મે પ્રભુદાસની રાહ જોઈ. પરંતુ આજ તેણે મને ભોગ ન ધર્યો. અને પોતે લીધું.

ભાવપ્રકાશ: એમાં એ બતાવ્યું કે યદ્યપિ શ્રીઠાકુરજી એક છે પરંતુ ભક્તોના ભાવથી જેટલા ભક્ત છે તેટલા ઠાકર છે. એટલે પ્રભુદાસની ભાવનાના ઠાકુરે કહ્યું કે પ્રભુદાસે ભોગ નથી ધર્યો.

શ્રીઆચાર્યજીએ પ્રભુદાસને કહ્યું, તે આજ શ્રીઠાકુરજીને ભોગ સમ્પર્યા વિના કેમ લીધું? પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ! દાળ કાચી રહી અને અંગાખરી બળી ગઈ, તેથી ચરણામૃત પધરાવીને લીધું. શ્રીઆચાર્યજી કહે એવી રસોઈ કેમ કરી? શ્રીઠાકુરજીએ બહુ વાર સુધી રાહ જોઈ તેથી સાવધાનીથી સુંદર રસોઈ કરી ભોગ ધરીને લેજે. તે દિવસથી પ્રભુદાસ સાવધાનીથી રસોઈ કરતા.

ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે યદ્યપિ ચરણામૃત મેળવીને લીધું તેથી અન્નદોષ મટ્યો. પરંતુ ભગવદ્‌ ભોગ્ય પદાર્થ ન થયો. તેથી વૈષ્ણવે જેવું શ્રીઠાકુરજીને ભોગ ધર્યું હોય તેવું લેવું. દહીં જુદું ધર્યુ હોય તો દહીંમાં ભાત મેળવીને પોતે જ લેવું. કેમકે દૂધભાત, દહીંભાત, અલગ અલગ ભક્તોના ભાવની સામગ્રી છે. તેથી ચરણામૃતની જેમ પ્રસાદી વસ્તુ પધરાવીને લેવી. કોઈ સામગ્રીમાંથી પોતાના સ્વાદ અર્થે ન લેવું. દાસધર્મ એ છે કે, પ્રભુનું ઉચ્છિષ્ટ, જેવું આરોગ્યનું હોય તેજ પ્રકારનું લેવું. પતિવ્રતાનું એ લક્ષણ છે, ઇત્યાદિ ભાવ જણાવ્યો.

વાર્તાપ્રસંગ ૩: વળી એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુ વ્રજમાં રાધાકુંડ ઉપર પર્ધાયા. શીતકાલના દિવસ હતા તેથી તરત જ શ્રીઆચાર્યજીએ રસોઈ કરી ભોગ ધર્યો અને પોતે ભોજન કર્યું. પ્રભુદાસને કહે કે મહાપ્રસાદ લે, ત્યારે પ્રભુદાસે કહ્યું, મહારાજ મેં સ્નાન નથી કર્યું.

ભાવપ્રકાશ: તેનો આશય એ કે શ્રીઆચાર્યજીના બધા સેવકો પોતાની અલગ-અલગ રસોઈ કરતા અને તે લેતા. પરંતુ શ્રીઆચાર્યજીએ શ્રીકુંડમાં સ્નાન કરી રસોઈ કરી ભોગ ધર્યો તે સ્થલ શ્રીસ્વામિનીજીનું છે તેથી પોતાને બહું પ્રિય છે. હવે પ્રભુદાસ ઉપર કૃપા કરવાને માટે શ્રીઆચાર્યજીએ તેમને કહ્યું, મહાપ્રસાદ લો. પ્રભુદાસે મર્યાદાના વચન કહ્યાં, હું ન્હાયો નથી. તે સમયે શ્રીઆચાર્યજી પુષ્ટિલીલામાં મગ્ન છે. 'મહાપ્રસાદ લો' એમ કહીને પ્રભુદાસને વ્રજનું સ્વરૂપ દેખાડ્યું, (જે અહીં મર્યાદાને સ્થાન નહાવાની જરૂર નથી). શ્રીઆચાર્યજી મહાપ્રભુએ પોતે બે શ્લોક કહીને વ્રજનું સ્વરૂપ દેખાડ્યું. તે શ્લોક

“વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજઃ ।

યત્ર, વૃંદાવને તત્ર લક્ષ્યા લક્ષ્યકથા કુત ।। ૧ ।।

જલાદપિ રજઃ પુણ્ય રજસોડપિ જલવરમ્‌ ।

યત્ર વૃંદાવનં તત્ર સ્ત્રાવા સ્ત્રાવા કથા કુતઃ ।। ૨ ।।

वृक्षे वृक्षे वेणु धारी पत्रे पत्रे चतुर्भुजः ।

यत्र वंदावनं तत्र लक्ष्या लक्ष्य कथा कुतः ॥ १ ॥

रजसोऽपि जलं पुण्यं जलादपि रजो वरम्

यत्रा वंदावनं तत्र स्नानास्नान कथा कुतः ॥ २ ॥

આ પ્રમાણે કહ્યું, અને પ્રભુદાસે વ્રજનું અલોકિક સ્વરૂપ જોયું.

ભાવપ્રકાશ: વૃક્ષ વૃક્ષની નીચે વેણુધારી, સાક્ષાત શ્રીગોવર્ધનધર ભક્તોની સાથે લીલા કરે છે. એમાં વૃક્ષ ભગવદીય છે. તેમનાં પત્તાં કેવાં છે? ચતુર્ભુજ રૂપ છે. અથવા વૃંદાવનમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી શ્રીગોવર્ધનધરરૂપ છે ચતુર્ભુજરૂપ નારાયણે પત્તારૂપ થઈ તેવાં વૃક્ષોનો આશ્રય કર્યો છે, એવું વૃંદાવન છે. તે લક્ષ્યાલક્ષ્ય કથા છે. લૌકિક લોકમાં અલક્ષ્ય (ન દેખાય, ન સમજાય તેવી કથા) છે. પરંતુ ભગવદીયોને સ્વરૂપાત્મક છે, તે કથા કહી ન જાય આ વાતને ભક્તજનો જ જાણે. કૃષ્ણરૂપ વૃક્ષ છે તે લોકોને ન દેખાય તેવી જ વૃંદાવનની રજથી જલ શ્રેઠ છે, અને જલથી રજ શ્રેઠ છે. ત્યાં નહાવાની શું વાત કહીએ? ચાહે જલથી ન્હાય, ચાહે રજ લગાવે, રજ ઉડીને લાગે એટલે નહાવાની અપેક્ષા રહે નહીં પરંતુ મર્યાદાને માટે ન્હાવું. એ સાંભળીને પ્રભુદાસને વૃંદાવનના અલૌકિક દર્શન થયાં, ત્યારે વિના ન્હાયે મહાપ્રસાદ લીધો. આ પ્રકારે પ્રભુદાસ પ્રતિ શ્રીઆચાર્યજીએ શ્રીવૃંદાવનના અલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું, જ્યાં વેદ-મર્યાદાની ગમ્ય નથી.

વાર્તાપ્રસંગ ૪: વળી એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુ શ્રીગોવર્ધનધરના મંદિરમાં શ્રીગોવર્ધનધરનો શ્રંગાર કરતા હતા. ત્યારે એવું મનમાં આવ્યું કે આજ દહીં હોય તો સમર્પિએ તેથી પ્રભુદાસને કહે જા, કંઈથી દહીં મળે તો લઈ આવ. પ્રભુદાસ ચાલ્યા, તે એક ભરવાડણી મળી તેને પૂછ્યું, તારી પાસે દહીં છે? એણે કહ્યું દહીં મીઠું સુંદર છે. પરંતુ તું મને શું આપીશ? પ્રભુદાસે કહ્યું મને દે, જે તું માગે તે હું તને આપું. ભરવાડણીએ કહ્યુ એક ટકો દઈશ, બીજું શું તું મને મુક્તિ આપીશ? પ્રભુદાસ કહ્યું જા, તને ટકો અને મુક્તિ બંને આપ્યાં. ભરવાડણીએ કહ્યું, કેમ માનું? એટલે પ્રભુદાસે એક કાગળ ઉપર લખી દીધું કે દહીંના બદલે મુક્તિ આપી. તે કાગળ ભરવાડણીએ પોતાના છેડે બાંધીને પોતાના ઘેર આવી. ત્તેણીએ પડોશમાં કહ્યું, આજે હું દહીંના બદલે મુક્તિ લઈ આવી છું. પડોશણે કહ્યું, અરી જા, તને વેરાગીએ ઠગી લીધી, મુક્તિ શું દેશે? તે ભરવાડણીએ કહ્યું, એમ ન બને એતો મોટા મહાપુરુષ છે, મને સાચે જ મુક્તિ આપી છે. મને કાગળ પણ લખી દીધો છે, મારે છેડે બાંધ્યો છે, તેઓ જૂઠું ન બોલે. તેણીએ કહ્યું હવે ખબર પડશે.

એની દેહ જ્યારે છૂટી ત્યારે યમદૂતો આવ્યા. એટલામાં જ વિષ્ણુદૂતોએ આવીને યમદૂતોને કહ્યું, છોડી દો એને, એની મુક્તિ કરીશું. યમદૂતોએ કહ્યું, મુક્તિનું સાધન તો કંઈ કર્યું નથી, મુક્તિ કેવી રીતે થશે? વિષ્ણુદૂતે કહ્યું, આને શ્રીઆચાર્યજીના સેવક પ્રભુદાસે દહીંને બદલે મુક્તિ આપી છે, તેથી અમે લઈ જઈશું. યમદૂતો પાછા ગયા અને વિષ્ણુદૂતો એને વિમાન ઉપર બેસાડી લઈ ચાલ્યાં. તે ભરવાડણે કહ્યું, મારી પડોશણને આ વાતનો વિશ્વાસ નથી, તેથી તેને કહીને પછી ચાલો. વિષ્ણુદૂત પડોશણને કહે, શ્રીઆચાર્યજીના સેવકે દહીંના બદલે આને મુક્તિ આપી છે તેથી આ ભરવાડણને અમે લઈ જઈએ છીએ. પડોશણ પોતાના ઘરથી દોડીને આવી, જુએ છે તો તે ભરવાડણી ખરી પડી છે. તે પડોશણે વ્રજવાસીઓને કહ્યું કે છેડે એક ચિક્ટી બાંધી છે તે જુઓ ત્યારે તે ભરવાડણના છેડે જુએ તો કાગળમાં દહીંને બદલે મુક્તિ લખી છે. તેને વિશ્વાસ આવ્યો, પછી તે પણ ચાલી. જે હું પણ તે મહાપુરુષ પાસે જઈ મુક્તિ લઉં. તે આચાર્યજીની સેવક થઈ કૃતાર્થ થઈ.

અહીં શ્રીઆચાર્યજીએ દહીં ભોગ ધર્યું. શ્રીનાથજી કહે, દહીં બહુ જ મીઠું સુંદર લાવ્યો, શું આપ્યું? પ્રભુદાસ કહે, મહારાજ! બહુ મોંઘુ આવ્યું છે, દહીંના બદલે મુક્તિ આપી છે. શ્રીઆચાર્યજી કહે, ભક્તિ કેમ ન આપી? શ્રીઠાકુરજી પ્રીતિથી આરોગ્યા છે. મુક્તિ તુચ્છ વસ્તુ શી દીધી? પ્રભુદાસ કહે, મહારાજ! મુક્તિ એણે જ માગી, જો ભક્તિ માંગત તો ભક્તિ આપત.

ભાવપ્રકાશ: એનું કારણ એ કે તે દિવસ દાન એકાદશી હતી. તેથી તે દિવસે દહીં અવશ્ય જોઈએ. તે શ્રીઆચાર્યજી કહે, આજ દહીં અવશ્ય જોઈએ. વળી શ્રીઆચાર્યજીના સેવકનું મહાત્મ્ય દેખાડ્યું કે ભક્તિ મુક્તિ દેવાનું તેમનામાં સામર્થ્ય છે. આ પ્રભુદાસ જલોટા શ્રીઆચાર્યજીના એવા પ્રતાપી ભક્ત હતા. તેમની વાર્તાનો પાર નથી. ।। વાર્તા ૨૦ ॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.