← All kirtans

Vaishnav 23 - Tripurdas

84 Vaishanav Ni Vaarta

Lyrics

The English words are not available yet. Showing the Gujarati text.

॥ વાર્તા ૨૩ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ્થ, શેરગઢના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: એ લીલામાં શ્રીઠાકુરજીન અંતરંગ સખી છે. જે ભક્તોને વિગતવાર કંઈ સંદેશો કહેવો હોય, દેવો હોય, તો હરણીના હાથે દેતા. એના નેત્ર મોટા અને વિશાલ છે તેથી લીલામાં તેનું નામ હરણી છે. એ શેરગઢમાં એક કાયસ્થને ત્યાં જન્મ્યાં, એક રાજાને ત્યાં તેમનો પિતા બધું કામ કરતો. તે દરમિયાન દિવાન કહેવડાવતો જયારે ત્રિપુરદાસ બાર વર્ષના થયા ત્યારે એને સાથે જ રાખતા, બધું કામ ત્રિપુરદાસને શિખવાડ્યું. હવે રાજા એક વખત આગ્રા દેશાધિપતિની પાસે ગયો. ત્રિપુરદાસને સાથે લઈ તેનો પિતા રાજાની સાથે આગ્રા હતો. થોડા દિવસ આગ્રામાં રહીને રાજા દેશાધિપતિથી વિદાય થઈને દેશમાં ચાલ્યો. તે ગોવર્ધનધરના દર્શને આવ્યો. સાથે ત્રિપુરદાસ પણ પિતા સહિત આવ્યા. ત્રણ દિવસ ગોવર્ધનમાં રહ્યાં. ત્રિપુરદાસનું મન શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું. ચોથે દિવસે રાજાએ જ્યારે વિદાય થઈને ચાલવાની તેયારી કરી ત્યારે તે સાંભળીને ત્રિપુરદાસને વિરહ-જવર ચઢી આવ્યો, વ્યાકુલ થયા. ત્યારે પિતાએ પૂછયું, ત્રિપુરદાસ કેમ છે? ત્રિપુરદાસે કહ્યું મારો દેહ છૂટશે જો તમે મને લઈ ચાલશો તો. તેથી કા તો તમે પણ બે મહિના રહો કે રાજાના સંગે જાવ. હું પછીથી સારી રીતે દર્શન કરીને આવીશ. તો મારા પ્રાણ રહે. ત્રિપુરદાસના પિતાએ રાજાને બધા સમાચાર કહ્યા. જે આ પ્રકારે મારો પુત્ર કહે છે. ત્યારે રાજાએ કહ્યું શી ચિંતા છે અસવારી અને મનુષ્ય અહીં રાખીને ચાલો, પછીથી બેટા આવી રહશે. પિતાએ આવીને કહ્યું, બેટા, તમે અહીં રહો, ચિંતા ન કરો. એ સાંભળતાં જ ત્રિપુરદાસને આનંદ થયો. જવર ઊતરી ગયો, પછી પિતાએ પ્રસન્‍ન થઈ પાલખી મનુપ્ય દીધાં અને કહ્યું કે બેટા જલદી આવજે. હું વૃદ્ધ થયો છું, રાજાનું કામકાજ કરવું છે, ત્યારે ત્રિપુરદાસ કહે, તમે ચાલો, હું જલદી આવીશ, એટલે પિતા રાજાની સાથે ગયો. રસ્તે જતા એક જમીનદારથી રાજાને લડાઈ થઈ, ત્યાં ત્રિપુરદાસના પિતાને ગોળી વાગી તેથી તે મરી ગયો. અને રાજા તે જમીનદારને મારીને આગળ ચાલ્યો. પછી રાજાએ ત્રિપુરદાસ પાસે, એક માણસ મોકલ્યો તેણે બધા સમાચાર ત્રિપુરદાસને કહ્યા. તે સાંભળી ત્રિપુરદાસ પ્રસન્ન થયા કે ભલું થયું, હવે મારે બીજું કોઈ બંધન તો છે નહિ. હવે શ્રીગોવર્ધનધરના દર્શન સદા કરીશ.

પછી પિતાનું કર્મ માનસી ગંગા ઉપર બધું કર્યું. શુદ્ધ થાય પછી નિત્ય બધાં દર્શન કરતાં ત્યારે શ્રીઆચાર્યજી એક દિવસ ત્રિપુરદાસને કહે કે તું કોણ છે? બે મહિના થયા દર્શન કરે છે? હવે તારે ઘેર જા. ત્રિપુરદાસે કહ્યું, મહારાજ! હવે હું ક્યાં જાઉં? માતા તો જન્મથી મરી, પિતા હવે મર્યા, મારું લગ્ન તો થયું નથી, અને મારું મન શ્રીનાથજીના સ્વરૂપમાં અટક્યું છે. તેથી હવે હું ક્યાં જાઉ? શ્રીઆચાર્યજી ત્રિપુરદાસની પ્રીતિ જોઈને કહે, અમે એવું કરી દઈએ કે જયાં તું રહે ત્યાં શ્રીનાથજીના દર્શન થયા કરે. એક ક્ષણનો પણ વિયોગ ન થાય ત્યારે ત્રિપુદાસે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ! મને એ જ જોઈએ છીએ. કેમ કે મારાથી મગાય નહીં. નિત્ય ખર્ચ પણ જોઈએ, અને શ્રીનાથજીના દર્શન વિના મારાથી રહી પણ શકાતું નથી તે ચિંતા હતી. તેથી આપ કૃપા કરીને જેમ આજ્ઞા કરો તેમ્‌ હું કરું. શ્રીઆચાર્યજીએ ત્રિપુરદાસને નવડાવીને નામ-નિવેદન કરાવ્યું અને શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ આપ્યા. નેત્રોની આગળ શ્રીનાથજીના સ્વરૂપમાં દર્શન થવા લાગ્યા. પછી શ્રીઆચાર્યજી કહે હવે તમે અહીંથી જાવ. જ્યાં રહેશૌ ત્યાં પ્રભુ તમને દર્શન આપશે. તું ઠાકુરજીને કદી પણ પીઠ નહીં દે પછી ત્રિપુરદાસ શ્રીઆચાર્યજીને દંડવત કરી વિદાય થઈ ચાલ્યા. ત્યારે એ પણ કહ્યું કે શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ લીધા વિના જલ ન લેવું. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી ઘરે આવ્યા.

વાર્તાપ્રસંગ ૧: તે ત્રિપુરદાસને શ્રીનાથજી વિષે બહુ જ મમત્વ હતું. શ્રીનાથજીને પીઠી કદી પણ ન દેતા. શ્રીનાથજીના ચરણામૃત, મહાપ્રસાદ વિના જલ પણ ન લેતા. તે ત્રિષુરદાસ એક તુરકની ચાકરી કરતા. તે તુર્ક તરફથી તે એક પરગણા ઉપર ગયા. ત્યાં બહુ કમાણા જે વસ્તુ નવીન આવે, અન્ન, શાક, ફલ, વસ્ત્ર, તે પહેલાં શ્રીનાથજીને અંગીકાર થાય તે પછી પોતે કંઈક લે અને ત્રિપુરદાસ બેસતાં, ઊઠતાં ચાલતાં શ્રીનાથજીને પીઠ ન દેતા.

ભાવપ્રકાશ: તે શું કે શ્રીનાથજીના સ્વરૂપને ભૂલવું તે જ પીઠ છે. તે સદા શ્રીનાથજીનાં દર્શન કરતાં જ બધું કામ કરતા.

અને વર્ષોવર્ષ સુંદર ડગલો શ્રીનાથજીને મોકલતા. શ્રીગુસાંઈજી પહેલાં ત્રિપુરદાસનો ડગલો સુંદર જોઈને અંગીકાર કરાવતા. એક સમયે તે મ્લેચ્છે ત્રિપુરદાસ પાસેથી હિસાબ લીધો ત્યારે થોડાક પૈસા ત્રિપુરદાસ પાસે લેણા નીકળ્યા તે એમની પાસે માગ્યાં. ત્રિપુરદાસે કહ્યું મારી પાસે હમણાં તો નથી કમાવીને ભરી દઈશ. તે તુરકે બધું ઘર લૂંટી લીધું અને ત્રિપુરદાસતને બંદીખાનમાં નાખ્યા.

અર્ધરાત્રિ જ્યારે થઈ ત્યારે ચાર જણાએ આવીને તે તુરકને ખાટ ઉપરથી ઊંધો નાખી દીધો અને મુગદળથી મારવા લાગ્યા. તે તુરકે કહ્યું મને કેમ મારો છો? મેં તમારું શું બગાડ્યું? ત્યારે વિષ્ણુદૂતે કહ્યું ત્રિપુરદાસને બંદીખાનામાં કેમ નાખ્યાં? તને મારીને તારાં હાડકાં તોડી નાખીશું. તે તુરકે આજીજી કરી નાક ભૂમિમાં ઘસીને કહ્યું, હું હમણાં જ જઈને છોડી દઈશ. તમે ન મારો, ત્યારે વિષ્ણુદૂત ગયા.

પછી તે તુરકે ત્રિપુરદાસ પાસે જઈને કહ્યું, તમારા ઘેર જાવ. ત્રિપુરદાસે કહ્યું હવે રાત્રિ ઘણી થઈ ગઈ છે તેથી સવારે જઈશ. તે તુરકે કહ્યું કોઈનો જીવ લઈશ! આ જ સમયે જાવ, ત્રિપુરદાસ ઘરે આવ્યા.

એટલામાં ભેટીઆ શ્રીનાથજીના આવ્યા, તેમણે ત્રિપુરદાસને ચરણામૃત મહાપ્રસાદ આપ્યો. ત્રિપુરદાસે વિચાર્યું કે વર્ષોવર્ષ તો શ્રીનાથજીની જડાવર (શિયાળામાં પહેરવાનાં વસ્ત્ર) મોકલતો હતો પરંતુ હવે તો કંઈ પાસે નથી તો શું કરવુંઈ? પછી એક લખવાનો ખડિયો રહ્યો હતો, એનું મહોડું ઉપરનું રૂપાનું હતું. તે વેચી એક રંગીન ખાદીનું થાન લઈ આવી શ્રીજીના ભંડારી (ભેટીઆ) ને આપ્યું અને કહ્યું, શ્રીગુસાંઈજીને કહેશો નહીં શ્રીનાથજીના ભંડારમાં આપજો. શું કરીએ? હવે હું કંઈ લાયક નથી, પછી ભેટીઆએ તે રંગીન થાન શ્રીનાથજીના ભંડારમાં આપ્યું. પ્રબોધિનીના દિવસે શ્રીગુસાંઈજીએ મંડપ કરી દેવ-ઉત્થાપન કરી શ્રીનાથજીને ડગલા ઓઢાવ્યા. ત્યારે શ્રીનાથજી કહે કે મને ઠંડ ધણી લાગે છે એટલે બીજો ડગલો ઓઢાવ્યો. ફરી શ્રીનાથજીએ કહ્યું, મારી ઠંડી ગઈ નહીં, ધણી લાગે છે ત્યારે ગુસાંઈજીએ બીજીઅંગીઠી ધરી. એક આંગી કરીને (રૂનું વસ્ર પહેરાવીને) રજાઈ ઉપરથી ઓઢાવી, તો પણ શ્રીનાથજીએ કહ્યું કે મને ઠંડી ઘણી લાગે છે. ત્યારે શ્રીગુસાંઇજીએ વિચાર્યું કે કોઈ વૈષ્ણવોની જડાવર આવી છે તે અંગીકાર નથી થઈ તે કારણે ઠંડી લાગે છે. એટલે શ્રીગુસાંઈજીએ ભંડારીને બોલાવીને કહ્યું કે જડાવર કોની કોની આવી છે? તે વૈષ્ણવોનાં નામ સંભળાવો. ભંડારીએ નામ સંભળાવ્યાં, ત્યારે શ્રીગુસાંઈજી કહે, ત્રિપુરદાસની વર્ષે ને વર્ષે આવતીતી તે તો સંભળાવી નહીં. ભંડારીએ કહ્યું, મહારાજ! ત્રિપુરદાસને દ્રવ્યનો સંકોચ છે તેથી જડાવર નથી આવી. એક ખાદીનું થાન આવ્યું છે. તે મેલું ચૂંથાયેલુ પડ્યું છે. ગુસાંઈજી કહે તે રંગી ત્રિપુરદાસની જલદી લાવો, ભંડારી તે લઈ આવ્યો. શ્રીગુસાંઈજી દરજીને કહે, જલદી દોરા નાખીને દુલાઈ (રજાઈ) જેવું કરી દે. એટલે દરજીએ દોરા નાખીને દુલાઈ કરી દીધી અને શ્રીગુસાંઈજીએ તે દુલાઈ શ્રીનાથજીને ઓઢાવી ત્યારે શ્રીનાથજીએ કહ્યું, હવે મારી ઠંડી ગઈ છે. ગરમી થઈ! પછી શિયાળામાં દસ-પાંચ વાર તે દુલાઈ શ્રીજીએ અંગીકાર કરી અને ભક્તવશ્યતા દેખાડી. તે વાત જ્યારે ત્રિપુરદાસે જાણી ત્યારે ગદગદ થઈ આ પદ ગાયું, તે પદ - .

રાગ આશાવારી

નવરંગ લલન બિહારી મેરો કહે, જાડો મોહિ અધિક સતાય |

પહેરી કવાઈ, ઓઢિ લઈ ફરગુલ, તોહું સીતસતાવત આય ।।૧।।

અચરજ ભયે સુનિ વલ્લભ-નંદન, કનક અંગીઠી ધરી મંગાય ।

પુનિ જીય સોચિ મંગાઈ ઉઢાઈ, ભજિ ગઈ સીત હંસે જદુરાય ॥ર॥

એસે પરમ કૃપાલદયાનિધિ બિસરત નહીં સુધિ કરત સહાય ।

'ત્રિપુરારી' ગિરિધારી કી બાતેં, કહા જાતે કોઉ દેહુ બતાય ॥૩॥

ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે મારો ભક્ત તેની પ્રીતિની વસ્તુ હોય તે આ પ્રકારે હું અંગીકાર કરું છું, વસ્તુનો વિચાર નથી.

વાર્તાપ્રસંગ ર: વળી એક મસય ત્રિપુરદાસ તેજ તુરકની સાથે 'અટક' ગયા હતા. ત્યારે એક દિવસ સવારે રોસઈયાએ કહ્યું કે આજ શ્રીનાથજીનો મહાપ્રસાદ કે ચરણામૃત નથી. ત્રિપુરદાસે કહ્યું પહેલાથી કેમ ન કહ્યું? વધારે લઈ લેત. પછી રસોઈયાને કહ્યું જે રસોઈ કરી ભોગ ધરીને તમે પહોંચજો, મને ન બોલાવતા. એમ કહીને ત્રિપુરદાસે પોતાના મનમાં એ નિશ્ચય કર્યો જ્યાં સુધી દેહ ચાલશે ત્યાં સુધી કામકાજ કરીશ, પરંતુ ચરણામૃત મહાપ્રસાદ વિના જલ નહીં લઉં. એ નિર્ધાર કરી રાજદ્વાર ગયા ત્યારે શ્રીગોવર્ધનધર દસ વર્ષના બાલકનું રૂપ ધરી ત્રણ થેલીઓ લઈને અ।વ્યા. એક થેલીમાં તો શ્રીનાથજીનો, મહાપ્રસાદ, એક થેલીમાં શ્રીનાથજીનું ચરણામૃત અને એક થેલીમાં શ્રીઆચાર્યજીનું ચરણામૃત. એ લઈને તે રસોઈઆને કહે આ ચરણામૃત મહાપ્રસાદની થેલી ત્રિધુરદાસે મોકલી છે. અને કહ્યું કે જયારે તું શ્રીઠાકુરજી, પહોંચી લે ત્યારે મને બોલાવી લેજે. રસોઈઆએ રસોઈ પહોંચી શ્રીઠાકુરજીને ભોગ કર્યો ત્રિષુરદાસને બોલાવવા મનુષ્ય રાજદ્વાર મોકલ્યો. તેણે ત્રિપુરદાસને જઈને કહ્યું ત્યારે ત્રિપુરદાસે કહું કે જે હું તો કહી આવ્યો છું કે હું નહીં આવું, તમે પહોંચજો. તેથી જઈને કહેજે કે તમે પહોંચો મારી રાહ ન જોતા. એ મનુષ્યે પાછા આવીને ત્રિપુરદાસના સમાચાર કહ્યા કે એ નહીં આવે. તમે પહોંચજો, તે રસોઈઆ એ કહ્યું કે તું એક વાર ફરી વખત જા. ત્રિપુરદાસને કહેજે કે તમે બાલકના હાથે ચરણામૃત મહાપ્રસાદની થેલીઓ મોકલી અને કહ્યું જે મને બોલાવજો અને, હવે ના કેમ કહો છો. ત્યારે ફરી મનુષ્યે જઈને આ વાત કહી એટલે ત્રિપુરદાસે રાજદ્વારથી ઘરે આવીને રસોઈઆને કહ્યું, મને કેમ બોલાવ્યો? હું ચરણામૃત મહાપ્રસાદ વિના જલ પણ લઉં? રસોઈઆ એ કહ્યું, તમે બાલક હાથે ચરણામૃત, મહાપ્રસાદની થેલી મોકલી અને કહેવરાવ્યું કે મને બોલાવજો અને હવે એમ કહો છો? આ ત્રણે થેલી ધરી છે. ત્રિમુરદાસ તે જોઈને કહે, એ બાલક ક્યાં છે? રસોઈયાએ કહ્યું, બાલક તો થેલી દઈ ચાલ્યો ગયો. હું શું જાણું એ ક્યાં છે? ત્રિપુરદાસે વિચાર્યું, મેં ઠાકુરજીને બહુ શ્રમ કરાવ્યો. હવેથી કોઈ વાતનો હઠ ન કરવો. મનમાં બહુ જ ખેદ કર્યો, તે ત્રિધુરદાસ એવા ભગવદીય હતા.

ભાવપ્રકાશ: શ્રીઠાકુરજી રસોઈયાને થેલી દઈ ગયા પરંતુ ત્રિપુરદાસને એથી નહીં જણાવ્યું કે મને બાલક-ભેખમાં જોશે તો બહુ જ ક્લેશ એને થશે. અને ત્રિપુરદાસને તો અષ્ટપ્રહર સ્વરૂપનો અનુભવ છે તેથી જણાવ્યું નહીં, અને રસોઈયો સાધારણ વૈષ્ણવ હતો. તેથી બાલકનો ભેખ કરી પોતાના સ્વરૂપ અનુભવ કરાવ્યો. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ત્રિપુરદાસને સ્વરૂપાશક્તિ છે. સદા શ્રીઠાકુરજીના સન્મુખ છે, છતાં ચરણામૃતનો પણ નેમ-નિશ્ચય વૈષ્ણવ રાખે તો શ્રીઠાકુરજી એના ઉપર પ્રસન્ન થાઇ. વળી પ્રભુને શ્રમ જાણી દુઃખ ન થાય તો મર્યાદા માર્ગીય થઈ જાય. એમ તો જીવોનાં કાર્ય અર્થે પ્રભુ શ્રમ કરે, પરંતુ તેથી પુષ્ટિમાર્ગીય પ્રસન્ન નથી. કેમ કે પુષ્ટિમાર્ગીય પોતાના સુખ અર્થે કંઈ ચાહના પ્રભુથી રાખતા નથી. દુઃખ આવે તો પણ શરીરનો ભોગ વિચારીને ભોગવે. તેથી પોતે બંદીખાને પડયા. ત્યારે પણ ત્રિપુરાદાસે મનમાં શોક ન કર્યો. પછી વિષ્ણુદૂતને તે તુરને દંડ દઈ છોડાવ્યા. તેમાં પ્રભુએ ભક્તવત્સલતા પ્રગટ કરી. અને વર્ષે વર્ષે ત્રિપુરદાસ જ્યારે સુંદર ડગલો મોકલતા તે માગીને શ્રીજીએ અંગીકાર કર્યો નહીં. પરંતુ વિરહપ્રીતિની “રંગી” મોકલી તે પ્રીતિના વશ થઈ અંગીકાર કરી ત્યારે ઠંડી ગઈ. એમા એ જણાવ્યું કે દ્રવ્યનો સંકોચ વૈષ્ણવને થાય તો પણ અનુગ્રહ કરવાને માટે જ છે તેમ સમજવું. કેમ વર્ષે વર્ષે સુંદર ડગલો મોકલતા અને આ વરસે ન મોકલાણો તેથી સંકોચ થવાથી તાપ થયો. તો દ્રવ્ય થયે અને સંકોચમાં પણ સેવા બને તેથી ત્રિપુરદાસની વાર્તાનો પાર નથી. એમણે ભાવ હૃદયમાં રાખ્યો કોઈની આગળ પ્રકાશ નહીં કર્યો તેથી સ્વરૂપ-સેવા નહીં પધરાવી. મનથી જ માનસી કરી અષ્ટ પ્રહર મગ્ન રહેતા સંયોગ રસનો જ અનુભવ કર્યો. લીલામાં પણ એમને સંયોગ રસ છે, શ્રીઠાકુરજીના સંબંધી સખી છે. તે ત્રિપુરદાસની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહીએ? ॥ વાર્તા ર૩ ॥

Take it with you

Keep this kirtan for offline listening in the mobile app.