Vaishnav 24 - Pooranmal
Lyrics
The English words are not available yet. Showing the Gujarati text.
॥ વાર્તા ર૪ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક, પૂરણમલ જેમલ ક્ષત્રી, અંબાલયમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ
ભાવપ્રકાશ: એ લીલામાં લલીતાજીની સખી છે, એમત્તું નામ 'ચિત્રલેખા' છે. શ્રીસ્વામિનીજીની કુંજ રચનામાં નાના પ્રકારનાં ચિત્રો કરે છે. તે અંબાલયમાં એક ક્ષત્રીના ઘરે જન્મ્યા. તે પૂરણમલના પિતા હથિયાર બાંધીને ચાકરી કરતા. પૂરણમલને એક ઝવેરીનો સંગ થયો. તેઓ ઝવેરાતનો ધંધો શીખ્યા, પછી વીસ વરસના થયા ત્યારે માતા-પિતાનો દેહ છૂટ્યો. પૂરણમલનું લગ્ન થયું, પણ સ્ત્રી સાધારણ મળી. પૂરણમલનું મન ભગવાનમાં બાલપણથી જ હતું. જયાં ત્યાં કથાવાર્તા સાંભળે, મર્યાદાની રીતે ચાલે. સ્ત્રીનું મન ઠાકુરજીમાં ન જોયું ત્યારે પોતાના ઘરમાં અલગ જગા કરી દીધી. ચાર રૂપિયાનો મહિનો કરી દીધો. દ્રવ્ય ઘણું હતું તેથી મનુષ્યના હાથે સ્ત્રીનો ખર્ચ મોકલી આપતા. પોતે તેની સાથે બોલતા પણ નહીં. વૈરાગ્ય પણ એવો દઢ હતો.
વાર્તાપ્રસંગ: એ પૂરણમલની ગાંઠમાં ઘણું દ્રવ્ય હતું. એક સમય રાત્રિએ પૂરણમલને દૈવી જાણી શ્રી ગોવર્ધનધરે સ્વપ્નમાં કહ્યું કે વ્રજમાં ગોવર્ધન પર્વત છે ત્યાં અમે પ્રકટ થયા છીએ. તો તું ત્યાં આવીને અમારું મંદિર સિદ્ધ કર અને શ્રીઆચાર્યજીનો સેવક થા. સવાર થયું ત્યારે પૂરણમલે બધું દ્રવ્ય ભેગું કરી વ્રજમાં આવી શ્રીગોવર્ધનધરનાં દર્શન કર્યા પછી રામદાસ ભીતરિયાને પૂછ્યું કે મને શ્રીનાથજીએ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી છે તેથી હું આવ્યો છું. રામદાસ, સદુપાંડે બધાં કે કે શ્રીનાથજી તો શ્રીઆચાર્યજીના ઠાકુર છે, હમણાં બે ચાર દિવસમાં શ્રીઆચાર્યજી પધારવાના છે, ત્યારે એમને પૂછીને એમની આજ્ઞા હોય તો મંદિર સિદ્ધ કરવું. શ્રીઆચાર્યજી પધાર્યા ત્યારે પૂરણમલે દંડવત કરી વિનંતી કરી કે મહારાજ! મને સેવક કરો, અને શ્રીનાથજીએ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી છે તેથી આપ આજ્ઞા દો, તો હું સિદ્ધ કરાવું. શ્રીઆચાર્યજીએ પૂરણમલે નામ-નિવેદન કરાવીને કહ્યું આગ્રાથી કારીગરને બોલાવો. એટલે પૂરણમલે કારીગર બોલાવ્યા. શ્રીઆચાર્યજી એમને કહે, મંદિરનો નકશો કરી લાવો. એટલે કારીગરે મંદિરનો નકશો શિખરબંધ કર્યો ધજા-કલશ સહિત. શ્રીઆચાર્યજી કારીગરને કહે કે અમારા શ્રીઠાકુરજીનું મંદિર શિખરબંધ, ધ્વજા કલશનું નહીં પણ નંદરાયજીના ઘરની રીતે કરો. કારીગરો બીજી વાર ઘરની માફક નકશો કર્યો. શ્રીઆચાર્યજીના હસ્તમાં જયારે નકશાનો કાગળ આવ્યો ત્યારે તે જ શિખરબંધ ધ્વજા-કલશ બની ગયા. શ્રીઆચાર્યજી કહે, નકશો શિખરબંધ કેમ કર્યો! કારીગરે કહ્યું, મહારાજ! અમે તો ઘરની માફક કર્યો હતો અને હવે શિખરબંધ ધ્વજા કલશવાળો થયો, તેનું કારણ અમે જાણતા નથી. શ્રીઆચાર્યજી કહે અમે બેઠા છીએ, અમારી આગળ નકશો તૈયાર થયો ત્યારે શિખરબંધ ધ્વજા-કલશ ચકવાળો થઈ ગયો. શ્રીઆચાર્યજીએ જાણ્યું કે શ્રીઠાકુરજીની ઇચ્છા એ છે જે જગતમાં પૂજાઈ ઘણા જીવોનો ઉદ્ધાર કરવો. તેથી દેવાલયની રીતિ અહીં રાખવી ઉચિત છે. પછી શ્રીઆચાર્યજીએ શ્રીગિરિરાજને પૂછયું કે પ્રભુ-ઇચ્છા તમામ ઉપર મંદિર બંધાવવાની છે, અને મંદિર બનશે ત્યારે લૌકિક રીતિથી તમને શ્રમ ઘણો થશે. શ્રીગોવર્ધનજી કહે, અમને પરમ સુખ છે. અમારા પ્રભુને માટે જે કરો તેમાં હું પ્રસન્ન છું. તેથી સુખેથી મંદિરના માટે લૌકિક રીતિ બધી કરો, મને કંઈ દુઃખ નથી.
ભાવપ્રકાશ: તેથી જ પછી શ્રીગુસાંઈજી પણ વૈષ્ણવોને સેવા-દર્શનાર્થે ગોવર્ધન ઉપર ચઢવા દેતા પરંતુ જ્યાં ત્યાં સામગ્રી સેવા વગેરે ચઢાવાની આજ્ઞા નથી.
શ્રીઆચાર્યજીએ પૂરણમલને આજ્ઞા આપી કે જલદી મંદિર સિદ્ધ કરાવો. પછી મંદિરની નીમ ખોદી, તે નીમ ભરાઈ ગઈ એટલામાં પૂરણમલનું દ્રવ્ય ઘટી ગયું ત્યારે પૂરણમલ કમાવાને ગયા.
ભાવપ્રકાશ: દ્રવ્ય ઘટ્યું તેનો અભિપ્રાય એ છે કે પૂરણમલના પિતાનું કમાવેલું દ્રવ્ય હતું. પિતાના મરે પુત્રની સત્તા થાય તેથી પૂરણમલની સત્તા જાણીને શ્રીનાથજીએ અંગીકાર કર્યું, પરંતુ લૌકિક મનોરથ કરી પિતા દ્રવ્ય કમાયા હતા તેથી કાર્ય સિદ્ધ ન થયું. અને જો આ દ્રવ્યથી જ મંદિર બને તો પૂરણમલની વિત્તજા સેવા સિદ્ધ ન થાય. તેથી દ્રવ્ય ઘટ્યું. પછી દૂર પૂરણમલ મંદિરની સેવા નિમિત કમાવા ગયા. એમાં એ જણાવ્યું કે વૈષ્ણવને વેપાર કરવો તે ભગવદ્સેવા, ગુરુસેવા અને વૈષ્ણવ સેવા મનોરથ કરીને કરવો. ત્યારે જ દ્રવ્યથી સેવા સિદ્ધ થાય અને વિત્તજા સેવા થઈ કહેવાય.
પછી પૂરણમલ ગયા ત્યારે બીજા વૈષ્ણવો રાજસી કેટલાક હતા તેમણે આપને કહ્યું કે આજ્ઞા હો, તો અમે મંદિર સિદ્ધ કરાવીએ. શ્રીઆચાર્યજી કહે પૂરણમલ આવીને સિદ્ધ કરાવશે.
ભાવપ્રકાશ: તે એથી કે પ્રભુએ પૂરણમલને મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા દીધી છે, અને પૂરણમલનો મનોરથ સિદ્ધ કરાવવો છે.
તે પછી પૂરણમલ ઝવેરાતનો ધંધો કરી થોડા દિવસમાં ઘણું દ્રવ્ય કમાઈને આવ્યા.
ભાવપ્રકાશ: એમાં વૈષ્ણવોને એ જણાવ્યું કે કંઈ સેવા સંબંધી મનોરથ કરી વેપાર કરીએ અને કાર્ય સિદ્ધ થવાનું ન હોય તો વેપાર પણ સિદ્ધ ન થાય. ત્યારે વૈષ્ણવ બધું ભગવદિચ્છા માને, હરખશોક ન કરે. પ્રભુને જેટલું કરાવવું, હોય તેટલું સહજમાં સિદ્ધ થાય.
તે દ્રવ્ય લઈને પૂરણમલ આવ્યા, મંદિર સિદ્ધ કરાવ્યું. શ્રીઆચાર્યજીએ સુંદર મુહૂર્ત જોઈને શ્રીગોવર્ધનધરને મંદિરમાં પધરાવ્યા. અક્ષયતૃતિયાનો દિવસ હતો ત્યારે પૂરણમલે બહુ દ્રવ્ય ખર્ચ કર્યું. આભૂષણ, વસ્ત્ર, સામગ્રી, ભેટ આદિમાં ઘણું દ્રવ્ય ખર્ચ્યું. શ્રીઆચાર્યજી પ્રસન્ન થઈને પૂરણમલતે કહે કે તારો મનોરથ હોય તે બાકી રાખીશ નહીં, બધું કરજે. પૂરણમલે શ્રીઆચાર્યજીને વિનંતી કરી, મહારાજાધિરાજ! મારો એ મનોરથ છે કે પોતાના હાથથી શ્રીજીને બહુ સુગંધીવાળો અરગજા શ્રીઅંગમાં સમર્પુ. શ્રીઆચાર્યજી કહે, સુખેથી મનોરથ કરો. એટલે પૂરણમલે અત્યંત સુગંધ અરગજા સિદ્ધ કરીને શ્રીજીના સર્વાગંમા લગાડ્યો, બહુ જ આનંદ પામ્યા. શ્રીઆચાર્યજીએ પોતાના શ્રીઅંગનો પ્રસાદી ઉપરણો પૂરણમલને ઓઢાવ્યો. પછી દ્રવ્ય ઘણું બચ્યું, તે પૂરણમલે શ્રીઆચાર્યજીને ભેટ કર્યું.
ભાવપ્રકાશ: પૂરણમલનો મનોરથ એથી થયો કે પૂરણમલને પોતે લીલામાં ચિત્રલેખા સખી છે એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. શ્રીઆચાર્યજીને પ્રસન્ન જાણીને મનમાં વિચાર કર્યો કે મેં મંદિર સિદ્ધ કરાવ્યું તે સેવા તો લીલામાં યે મળે છે, કુંજ સમ્હારરવાની; પરંતુ શ્રીઆચાર્યજી મુખ્ય શ્રીસ્વામિનીજી રૂપ છે. તેમની કૃપાથી કંઈ શ્રીઅંગની સેવા કરી લઉં એમ વિચાર્યું કારણ અરગજા લેપનની સેવા સંયોગ સમયે શ્રીસ્વામિનીજી પોતાના શ્રીહસ્તથી પ્રભુને સમર્પે છે. અને વિપ્રયોગ સમયે લલિતાજી શ્રી ઠાકુરજીને સમર્પે છે. કેમકે અરગજા સમર્પવાની સેવા શ્રીસ્વામિનીજીની કૃપા વિના ક્યાંથી મળે? તેથી શ્રીઆચાર્યજીની કૃપાથી પૂરણમલનો મનોરથ સિદ્ધ થયો. શ્રીઆચાર્યજીએ પોતાનો પ્રસાદી ઉપરણો ઓઢાવ્યો, તેથી પૂરણમલનું બધું શરીર માનસી સેવા યોગ્ય અલૌકિક થઈ ગયું, તેથી પૂરણમલે ભગવદસેવા ન પધરાવી. માનસીમાં મગ્ન થયા. મંદિર કરાવ્યું તેમાં વિત્તજા સેવા સિદ્ધ થઈ. એમાં એ જણાવ્યું કે ભાવ કરીને એક સેવા કરી તેમાં અરગજા લગાવવાનું ફલ પ્રાપ્ત થયું. અને શરીરથી અને ધનથી મંદિર સિદ્ધ કરાવ્યું. તેટલામાં જ તનુજા-વિત્તજા સેવા સિદ્ધ થઈ ગઈ. તેથી ભાવ વિના જન્મભર તનુજા-વિત્તજા સેવા કર પરંતુ ફલ રૂપ માનસી મળતી નથી. જ્યારે પ્રીતિથી એક જ વારમાં ફળ મળ્યું. તેથી પ્રીતિ સર્વોપરી ફળને સિદ્ધ કરે છે, એ જણાવ્યું.
પછી વર્ષના વર્ષ શ્રીગુસાંઈજી પૂરણમલને પ્રસાદી ડગલો મોકલતા.
ભાવપ્રકાશ: તે ડગલો શ્રી ગોવર્ધનધરનું સ્વરૂપ છે. તે દ્વારા પૂરણમલ પાસે આપ જ પધારતા. તે પૂરણમલના હૃદયમાં અગાધ ભાવ છે. અષ્ટ પ્રહર લીલામાં મગ્ન રહે છે. તેથી એમની વાર્તાનો ભાવ ક્યા સુધી કહીએ? એવા ભગવદીય પૂરણમલ છે કે જેમને શ્રીનાથજીએ પોતે જ પ્રમેય બલથી ધરમાં દર્શન દઈને મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી. ।। વાર્તા ર૪ ॥