વૈષ્ણવ ૨૬ - શ્રીગુસાંઈદાસ સારસ્વત
કીર્તનના શબ્દો
॥ વાર્તા ર૬ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના સેવક, શ્રીગુસાંઈદાસ સારસ્વત (બ્રાહ્મણ) મથુરામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ.
ભાવપ્રકાશ: એ લીલામાં શ્રી ગિરિરાજજી પાસે ગોવિંદકુંડ છે ત્યાં કદંબનું વૃક્ષ છે ત્યાંના પોપટ છે. શ્રીઠાકુરજી વેણુનાદ કરતા ત્યારે નાદરસ-અધરામૃતનું પાન તેઓ કરતા. તે ગુસાંઈદાસ પૂર્વમાં સારસ્વ બ્રાહ્મણના ઘરે જન્મ્યા. ચૌદ વર્ષના તેઓ થયા ત્યારે એક બ્રાહ્મણના મુખથી શ્રીભાગવતનું પારાયણ અને ભગવદગીતા તેમણે સાંભળી. પછી વિરક્ત થઈ તીર્થ કરવા લાગ્યા. તે તીર્થ કરવામાં ચોવીસ વર્ષ થયાં. મથુરામાં આવ્યા ત્યારે વિશ્રામઘાટ ઉપર શ્રીઆચાર્યજી સંધ્યાવદન કરતા હતા. તે દર્શન કરી ગુસાંઈદાસને મનમાં આવ્યું કે મેં તીર્થ ઘણા કર્યા પરંતુ હવે એમની શરણે જાઉ. તેમણે શ્રીઆચાર્યજીને વિનંત કરી, મહારાજ! મને સેવક કરો. શ્રીઆચાર્યજી કહે, તારું મન તીર્થ કરવામાં છે તો સેવક થઈને શું કરીશ? ગુસાંઈદાસે કહ્યું મહારાજ! આપ જે આજ્ઞા કરશો તે કરીશ. હવે તીર્થ કરતાં કરતા હાર્યો. હવે તો મથુરામાં એક જગ્યા લઈને રહીશ. શ્રીઆચાર્યજીએ ગુસાંઈદાસને નામ-નિવેદન કરાવ્યું. પછી કહે ભગવદસેવા કરો, ત્યારે કહે, મહારાજ! આપ શ્રીઠાકુરજી પધરાવી દો તેમની સેવા કરું. હવે એક વૈરાગી પાસે ચતુર્ભુજ શ્યામ સ્વરૂપ શ્રીઠાકુરજીનું હતું તે વૈરાગી શ્રીઆચાર્યજીને સ્વરૂપ આપી દ્વારકા ચાલ્યો ગયો. શ્રીઆચાર્યજીએ તે ઠાકુરજીને પંચામૃત સ્નાન કરાવી ગુસાંઈદાસને માથે પધરાવ્યા.
વાર્તાપ્રસંગ ૧: તે ગુસાંઈદાસ મથુરામાં એક ધર લઈ ત્યાં સેવા કરવા લાગ્યા. શ્રીઠાકુરજી ગુસાંઈદાસને સાનુભાવ જણાવવા લાગ્યા. એક વૈષ્ણવ ગુસાંઈદાસના ધરે શ્રીઠાકુરજીનાં નિત્ય દર્શન કરવા આવે. તે મનમાં શ્રીઠાકુરજીને પ્રાર્થના કરે કે મહારાજ, મારા માથે પધારો તો હું સેવા કરું. આ પ્રકારે મનમાં નિત્ય વિનંતી કરે, ત્યારે ગુસાંઈદાસ વૈષ્ણવને કહે, કે અમારી પાસે રહો અને સેવા કરો. તે વૈષ્ણવે ના કીધી પછી કેટલાક દિવસમાં શ્રીઠાકુરજીએ ગુસાંઈદાસને પ્રેરણા કરી ત્યારે ગુસાંઈદાસ વૈષ્ણવને કહે, હવે તમે શ્રીઠાકુરજીને પધરાવીને સેવા કરો. તો વૈષ્ણવે કહ્યું, તમે શું કરશો? ગુસાંઈદાસે કહ્યું, હું બદરીકામશ્રમ જઈશ, ત્યાં મારો દેહ છૂટશે. તે વૈષ્ણવે કહ્યું, કદાચિત દેહ ભગવદ ઇચ્છાથી ન છૂટ્યો અને પાછા આવો ત્યારે? પ્રભુની ગતિ જાની ન જાય. ગુસાંઈદાસે કહ્યું, પ્રભુ એવું નહીં કરે અને કદાચિત હું આવીશ તો તમારા દ્વારે પડ્યો રહીશ. શ્રીઠાકુરજી તો તમારા ઉપર પ્રસન્ન છે. હું પાછા પધરાવીશ નહીં. હું ફક્ત દર્શન કરી લઈશ, ત્યારે તે વૈષ્ણવે શ્રીઠાકુરજીને પધરાવી સારી રીતિથી સેવા કરવા લાગ્યા, અને ગુસાંઈદાસ બદરીકાશ્રમ ગયા, ત્યાં વિરહ કરી દેહ છોડ્યો.
ભાવપ્રકાશ: તે દેહ છોડી લીલામાં પોપટ થયા. પછી કેટલાક દિવસમાં ગુસાંઈદાસની દેહ છૂટવાના સમાચાર તે વૈષ્ણવ પાસે આવ્યા. તેણે કહ્યું જે શ્રીઆચાર્યજીના વૈષ્ણવ જૂઠું ન બોલે અવશ્ય દેહ છોડી, મન લગાડીને સેવા કરવા લાગ્યો.
ભાવપ્રકાશ: તે ગુસાંઈદાસે કેટલાક દિવસ જયારે ભગવદસેવા કરી ત્યારે પોતાના સ્વરૂપનું તેમને જ્ઞાન થયું. શ્રીઠાકુરજીએ જણાવ્યું કે હવે તું આ વૈપ્ણવના માથે મને પધરાવીને બદરીકાશ્રમ જા. ત્યાં વિરહ કરીને દેહ છોડી લીલામાં પક્ષી થઈશ. તારું સાધન સિદ્ધ થઈ ચૂક્યું તેથી ગુસાંઈદાસ ગયા. અને તે વૈષ્ણવ શ્રીચંદ્રાવલીજીની સખી લીલામાં હતા. ચતુરા એનું નામ હતું. તે મથુરામાં એક સનોડિયાના ઘરે જન્મ પામ્યા. પછી માતા-પિતા સ્ત્રી બધાં મરી ગયાં, અકેલા રહ્યા. તે શ્રીઆચાર્યજીના સેવક હતા. તેમને ભગવધસેવાનો તાપ ઘણો, પછી એક દિવસ શ્રીઠાકુરજી તેને સ્વપ્નામાં કહે કે તું ગુસાંઈદાસના શ્રીઠાકુરજીનાં નિત્ય દર્શન કરજે. તે શ્રીઠાકુરજી તારે માથે પધારશે. તે વૈષ્ણવ આથી ગુસાંઈદાસના ઘરે નિત્ય દર્શન કરતા. પછી શ્રીઠાકુરજી કૃપા કરીને તેના ઉપર પધાર્યા. તેથી મૂળમાં જેવો જીવ હોય તે જ પ્રકારનું સાધન કર્યાથી ફલ મળે. તે ગુસાંઈદાસ શ્રીઆચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. ।। વાર્તા ર૬ ।।