← બધા કીર્તન

વૈષ્ણવ ૨૭ - માધવભટ્ટ

૮૪ વૈષ્ણવની વાર્તા

કીર્તનના શબ્દો

॥ વાર્તા ૨૭ ॥

હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક, માધવભટ્ટ કાશ્મીરી કાશ્મીરમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -

ભાવપ્રકાશ: એ માધવભટ્ટ લીલામાં જશોદાજીની દાસી છે. તે પરમ ચતુર છે. શ્રીઠાકુરજીની શય્યા બિછાવવી, જલ લઈ આવવું વગેરે તેની સેવા છે. કુમારી રાધા સહચરીના સંગમાં છે, રત્ની એત્તું નામ છે.

વાર્તાપ્રસંગ ૧: એ માધવભટ્ટ કાશ્મીરમાં એક બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા. પ્રથમ તે માધવભટ્ટ કેશવભટ્ટના સેવક થયા, તે કેશવભટ્ટ કાશ્મીરમાં કથા કહેતા. કેશવભટ્ટ જયારે શ્રીઆચાર્યજીની પાસે મળવાને આવ્યા ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુ શ્રીસુબોધિનીજી કહેતા તે કેશવભટ્ટ સાંભળવાને આવતા. માધવભટ્ટ મન લગાડીને દાસભાવનાથી સાંભળતાને પછી જ્યારે શ્રીઆચાર્યજી કથા કહી ચૂકતા ત્યારે માધવભટ્ટ શ્રીઆચાર્યજીના વૈષ્ણવોની પાસે જઈ બેસતા અને વૈષ્ણવોના મુખથી વાર્તા સાંભળતા. એક દિવસે કેશવભટ્ટે માધવભટ્ટને કહ્યું કે હું કથા કહું છું તે તું સાંભળવા નથી આવતો અને હાંસી મશ્કરીની વાર્તા કેમ સાંભળે છે? માધવભટ્ટે કહ્યું, તમારી કથા કરતાં શ્રીઆચાર્યજીના સેવકોની હાંસી મશ્કરીની વાર્તા મને સારી લાગે છે, તેથી ત્યાં જાઉં છું. માધવભટ્ટની વાત સાંભળીને કેશવભટ્ટે મનમાં વિચાર કર્યો કે હવે આ મારા કામનો નથી, તેથી શ્રીઆચાર્યજીને ભેટ કરીશ પછી કેટલાક દિવસમાં કેશવભટ્ટ ઘરે જવા લાગ્યા. શ્રીઆચાર્યજીને કહે, મેં આપની કથા સાંભળી છે તેથી આ માધવભટ્ટને આપની ભેટ કરું છું. આ મારા કામનો નથી. માધવભટ્ટ શ્રીઆચાર્યજી મહાપ્રભુની પાસે રહ્યા. કેશવભટ્ટ વિદાય થઈ ચાલ્યા ગયા. ત્યારે એક વૈષ્ણવે શ્રીઆચાર્યજીને પ્રશ્ન કર્યો કે મહારાજ! આપના શ્રીમુખથી કથા માધવભટ્ટે પણ સાંભળી અને કેશવભટ્ટે પણ સાંભળી, તેમા માધવભટ્ટને જ્ઞાન થયું અને કેશવભટ્ટને કેમ નહીં થયું? તેનું કારણ શું? શ્રીઆચાર્યજી કહે કે કેશવભટ્ટે બરાબરી બેસીને કથા ન સાંભળી તેથી બોધ ન થયો, અને માધવભટ્ટે દાસભાવથી મન લગાડીને સાંભળ્યું તેથી તેને જ્ઞાન થયું.

ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે કથા શ્રવણમાં દાસભાવ હોય તો જ ફલરૂપ થાય. અને અહંકારી; કહે તો પણ સાંભળ્યાનું ફલ ન થાય એમ જણાવ્યું. મૂળમાં માધવભટ્ટ લીલા સંબંધી છે તેથી શ્રીઆચાર્યજીની વાણી ફલિત થઈ અને કેશવભટ્ટ લીલા સંબંધી નથી, મર્યદામાર્ગીય છે. સ્વર્ગ તથા મુક્તિના અધિકારી છે તેથી શ્રીઆચાર્યજીતી વાણી પલિત ન થઈ. પછી કેશવભટ્ટ વિદાય થઈને દેશમાં ગયા.

માધવભટ્ટને શ્રીઆચાર્યજીએ નામ-નિવેદન કરાવ્યું. માધવભટ્ટે વિનંતી કરી, મહારાજ! હવે અમને શું કર્તવ્ય છે? શ્રીઆચાર્યજીએ કહ્યું, તમે ભગવદ્સેવા કરો. માધવભટ્ટે કહ્યુ, એ લાલજીનું સ્વરૂપ મારા બાપ-દાદાના વખતથી સદા રહે છે તે સ્વરૂપને સદા મારી પાસે રાખું છુ. હૂં તુલસી, ચંદન ચઢાવી ધૂપ-દીપ કરી નૈવેધ ધરી, આહવાહન-વિસર્જન કરું છું. પૂજા માર્ગની રીતથી સેવા કરું છું. હવે આપ આજ્ઞા દો તે પ્રકારે સેવા કરું. શ્રીઆચાર્યજી કહે, જા, સ્વરૂપ લઈ આવ. માધવભટ્ટ જઈને સ્વરૂપ લઈ આવ્યા. પ શ્રીઆચાર્યજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી માધવભટ્ટને માથે પધરાવ્યું. માધવભટ્ટ કેટલાક દિવસમાં પુષ્ટિમાર્ગની રીતિ શીખીને આજ્ઞા માંગી કાશ્મીર પોતાના ઘરે આવ્યા, અને પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા.

કેટલાક દિવસમાં શ્રીઠાકુરજી તેમને સાનુભાવ જણાવવા લાગ્યા.

વાર્તાપ્રસંગ ૨: જે ગામમાં માધવભટ્ટ રહેતા તે ગામમાં એક મોટો ગૃહસ્થ રહેતો. તેને એક પુત્ર હતો તે મરી ગયો ત્યારે તે બહુ જ દુઃખથી વિલાપ કરવા લાગ્યો એને કહ્યું કે આને કોઈ જીવાડે તો હું જીવું, નહીં તો સાથે હું પણ મરીશ. એ પ્રકારે કહે, પડી જાય અને ધરતી ઉપર આળોટે ત્યાં એક વૈષ્ણવ આવી નીકળ્યા. તેણે તે ગૃહસ્થની આવી દશા જોઈને કહ્યું જે ગામમાં માધવભટ્ટ સરખા ભગવદીય છે ત્યાં આવું દુઃખ કેમ હોય? આ વાત સાંભળીને તે ગૃહસ્થ માધવભટ્ટ પાસે દોડી આવ્યો. દંડવત કરીને બહુ વિલાપ કરવા લાગ્યો અને કહ્યું, તમે મોટા મહાપુરુષ છો મારો પુત્ર મરી ગયો છે તેને જીવાડી દો નહીં તો હું પણ એની સાથે મરીશ. એ પ્રકારે તેને બહુ દુઃખી જોઈને માધવભટ્ટને દયા આવી તેથી માધવભટ્ટે એક શ્લોક કરીને શ્રીઠાકુરજીના આગળ ધર્યો, તે શ્લોક -

દયાલોરસમર્થસ્ય દુઃખાયૈવ દયાલુતા |

વિશ્વોદ્વારણદક્ષશ્ચ શાસ્ત્રેષ્વેકસ્ય શોભના |

ભાવપ્રકાશ: એનો અર્થ એ કે આપ દયાલુ છો. તે કેવા દયાલુ છો કે અસમર્થ ઉપર દયાલુતા આપ જ કરો છો. અને દયાલુતાત્તું લક્ષણ એ છે કે દુઃખી ઉપર દયા પ્રકટ થાય તે જ દયાલુતા છે. એવા એક આપ જ છો અને વિશ્વોધરણમાં એવા આપ જ ચતુર છો, બધાં શાસ્રોમાં આપને જ ગાયા છે, આ દયાલુતા આપને જ શોભે છે, તેથી દુઃખનો નાશ કરો.

આ શ્લોક સાંભળીને શ્રીઠાકુરજી કહે, આ કેટલીક વાત છે? તમને દયા આવી છે તો એને જઈને કહો. ત્યારે પુત્ર જીવ્યો, માધવભટ્ટ બહાર આવીને કહે કે જા તારો પુત્ર જીવ્યો. ગૃહસ્થના, મનમાં થયું જે કંઈ ઔષધિ તો આપી નહીં. માત્ર મુખથી કહી દીધું છે. એટલામાં તે ગૃહસ્થના ઘરના મનુષ્ષે આવીને કહ્યું, તમારો પુત્ર જીવ્યો, વધામણી આપો. તે દોડીને ઘરમાં જઈ જુએ તો પુત્ર જીવ્યો છે. પછી વધામણી કરી અને કહ્યું, માધવભટ્ટ મોટા ભગવદીય છે, જેનાં વચન આવાં છે કે જીવ્યો કહેતાં માત્ર જીવ્યો. પછી રાત્રિએ માધવભટ્ટે પોતાના મનમાં વિચાર કર્યો કે આ કામ મેં બહુ જ અનુચિત કર્યું. સંસારમાં અનેક લોકો દુઃખી છે, તેથી હવે આ ગામમાં રહેવાનો ધર્મ નથી. તેથી અડધી રાત્રિના સમયે શ્રીઠાકુરજીને ઝાંપીમાં પધારવીને ચાલ્યા. તે અડેલમાં શ્રીઆચાર્યજીની પાસે આવી રહ્યા. તેથી વૈષ્ણાવે દયા પણ વિચારીને કરવી. લૌકિકમાં મહાત્મ્ય પ્રકટ કર્યાથી ગામ છોડ્યું, ત્યારે ધર્મ રહ્યો નહીં. તો પછી ઘણું દુઃખ થતું. તેથી લૌકિકની માફક રહે તો ધર્મ કહે. શ્રીઠાકુરજીને પરિશ્રમ ન થાય અને વૈષ્ણવને પણ દુઃખ ન થાય માધવભટ્ટ સર્વ સામર્થ્યવાન હતા તોયે ભાગવું પડ્યું. તેથી વૈષ્ણવે વિચારીને કામ કરવું.

વાર્તાપ્રસંગ ૩: બીજું, માધવભટ્ટને લખવાનો બહુ અભ્યાસ હતો. શ્રીઆચાર્યજી મહાપ્રભુએ શ્રીભાગવતની ટીકા, શ્રીસુબોધિનીજી કરી, તે માધવભટ્ટ લખતા જાય. જ્યાં માધવભટ્ટ ન સમજતા ત્યાં કલમ છોડી બેસી રહેતા. પછી શ્રીઆચાર્યજી માધવભટ્ટને સમજાવતા ત્યારે લખતા વળી માધવભટ્ટ શ્રીઆચાર્યજીની આગળ આવી એવી રીતે બેસતા કે પગ ન દેખાય.

ભાવપ્રકાશ: કેમ કે શાસ્રમાં છે કે મોટાની આગળ સિદ્ધ આસન પણ ન બેસવું અને પગ ન દેખાય એમ બેસવું. તેથી તેઓ દાસભાવથી બેસતા.

વાર્તાપ્રસંગ ૪: વળી એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુ જ્યારે પરદેશ પધારતા ત્યારે માધવભટ્ટ સાથે જતા, શ્રીસુબોધિની લખતા. એક દિવસ પાછલી સાત્રિના માધવભટ્ટ લઘુશંકા માટે ઊઠ્યા, ત્યાં ચોરોએ તીર માર્યું, તે માધવભટ્ટને લાગ્યું. શ્રીઆચાર્યજી મહાપ્રભુજીનું નામ લીધું, અને નામ લેતાં જ માધવભટ્ટનો દેહ છૂટ્યો. ત્યારે વૈષ્ણવોએ એમના દેહનો સંસ્કાર કર્યો. પછી એક વૈષ્ણવે શ્રીઆચાર્યજીને વિનંતી કરી, મહારાજ! માધવભટ્ટ સરખા ભગવદીયની આ પ્રકારે અવસ્થા કેમ થઈ? શ્રીઆચાર્યજી શ્રીમુખથી કહે, માધવભટ્ટને પરલોકમાં તો કંઈ હાનિ નથી, પરંતુ એને એક ભગવદ્‌ અપરાધ પડ્યો હતો. તેની શિક્ષા મળી ત્યારે વૈષ્ણવોએ પૂછયું, કે મહારાજ! એવો શો અપરાધ પડ્યો હતો? શ્રીઆચાર્યજીએ આજ્ઞા કરી કે એ પહેલા પોતાના સેવ્ય શ્રીઠાકુરજીની શય્યા ફૂલોની બિછાવતા ત્યારે એક દિવસ ફૂલોમાં અજાણે સૂઈ રહી ગઈ. માધવભટ્ટે તે જાણ્યું નહીં. તે સુઈ શ્રીઠાકુરજીના શ્રીઅંગમાં સ્પર્શ થઈ. તે અપરાધથી આમ થયું છે. પરંતુ એની દેહ સાવધાનીથી ભગવદ્‌ નામ લેતા છૂટી છે તેથી એને કંઈ બાધક નથી. એણે શ્રીનાથજીના ચરણારવિંદને પ્રાપ્ત કર્યા છે, હવે એને કંઈ કર્તવ્ય બાકી રહેલ નથી.

ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે પુષ્ટિમાર્ગમાં શય્યા ઉપર ફૂલ બિછાવવાની રીતિ શ્રીઆચાર્યજીએ પ્રકટ કરી નથી. કારણ જે એ લૌકિક ફૂલ છે અને દાંડી કઠણ છે. વળી તે એક ક્ષણમાં કરમાઈ જાય, વસ્ત્રોમાં ફૂલોના ડાઘા પડે તેથી ફૂલ અલગ ધરાય, પ્રભુને સુગંધી માત્ર આવે. અને લીલામાં તો ફૂલ સ્વરૂપાત્મક છે તે પરમ કોમલ છે, તેથી ફૂલોની શય્યા બને છે. માધવભટ્ટે શ્રીઆચાર્યજીની આ રીતિ છોડી. લીલામાં ફૂલોની શય્યાનું વર્ણન જાણી માધવભટ્ટે શય્યા કરી તે પ્રભુને ઠીક ન લાગ્યું, તેથી માધવભટ્ટને દંડ દઈને બધા વૈષ્ણવોને શિક્ષા આપી કે શ્રીઆચાર્યજીએ આ પુષ્ટિમાર્ગમાં જે રીતિ પ્રકટ કરી છે અને ગ્રંથોમાં જે પ્રકારે આજ્ઞા કરી છે, તે જ પ્રકારે સેવા કરવી અને ચાલવું. અને જો મનથી કલ્પિત પ્રકારે સેવા કરે તો શ્રીગોવર્ધનધરને રૂચે નહીં યદ્યપિ લીલામાં વર્ણન પણ હોય તો પણ પોતના માર્ગમાં જેટલી આજ્ઞા શ્રીઆચાર્યજી શ્રીગુસાંઈજીની હોય તેટલું જ કાર્ય કરે તો પ્રભુ વહેલા પ્રસન્ન થાય. અથવા માધવભટ્ટ પ્રથમ મર્યાદા રીતિથી શ્રીઠાકુરજીની પૂજા કરતા. મર્યાદામાં ફૂલોની શય્યા કરતા હતા ત્યારથી અપરાધ છે, તેનો દંડ થયો. પછી લીલામાં અંગીકાર થયો, એમ જણાવ્યું. શ્રીઆચાર્યજીના શરણથી જન્મ જન્મનો અપરાધ હોય તે આજ જન્મમાં ભોગવી લે, પછી બાધક ન રહે. એવો શ્રીઆચાર્યજીનો શરણનો પ્રતાપ છે, જે સર્વ અપરાધ ભોગવી લીલામાં પ્રાપ્ત થાય. અહીં જ ભોગ છૂટે.

પછી માધવભટ્ટની દેહ છૂટી ત્યારે શ્રીઆચાર્યજી કહે, હવે સુબોધિનીજી રહ્યાં, ભગવદ્‌ ઇચ્છા એટલી જ પ્રકટ કરવાની હતી.

ભાવપ્રકાશ: એમાં જે જણાવ્યું કે શ્રીઠાકુરજીને પાસે બોલાવતા હતા. પહેલા આજ્ઞા આગળ થઇ તે શ્રીઆચાર્યજી મહાપ્રભુએ ન માની, ત્યારે માધવભટ્ટને આ અપરાધના મિષથી લીલામાં બોલાવી ત્રીજી આજ્ઞા કરી. પછી શ્રીઆચાર્યજીએ 'અંતઃકરણ પ્રબોધ' ગ્રંથ કરી અંતરધ્યાન લીલા કરી. તે માધવભટ્ટની વાર્તા ક્યાં સુધી કહીએ. ॥ વાર્તા ૨૭ ||

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.