← બધા કીર્તન

યમુનાજીની સ્તુતિ

પાઠ

કીર્તનના શબ્દો

આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.

શ્રીકૃષ્ણના ચરણારવિંદની, રજ થકી શોભી રહ્યા;

સિધ્ધિ અલૌકિક આપનારા, વંદુ શ્રીયમુનાજીને

સુપુષ્પની સુવાસથી, જંગલ બધું મહેકી રહ્યું,

ને મંદ શીતલ પવનથી, જલ પણ સુગંધિત થઇ રહ્યું;

પૂજે સુરાસુર સ્નેહથી, વળી સેવતા દૈવી જીવો,

વંદન કરુ શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૧)

મા! સૂર્ય મંડળ છોડીને, બહુ વેગથી આવી રહ્યાં,

ત્યાં કલિન્દીના શિખર ઉપર, શોભા અતિ સુંદર દીસે;

એ વેગમાં પત્થર ઘણા, હરખાઇને ઉછળી રહ્યાં;

ને આપ પણ ઉલ્લાસ પૂર્વક, ઉછળતા શોભી રહ્યાં,

હરી હેતના ઝૂલા ઉપર, જાણે બિરાજયા આપ હો,

વંદન કરુ શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (ર)

શુક મોર, સારસ હંસ આદિ, પક્ષીથી સેવાયેલા,

ગોપીજનો એ સેવ્યા ભુવન, સ્વજન પાવન રાખતાં;

તરંગ રૂપ શ્રી હસ્તમાં, રેતી રૂપી મોતી તણાં,

કંકણ સરસ શોભી રહ્યા, શ્રીકૃષ્ણને બહુ પ્રિય જે;

નિતંબરૂપ શ્રી તટ તણુ, અદ્ભુત દર્શન થાય જો,

વંદન કરુ શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં, સ્તુતિ દેવ બ્રહ્મા-શિવ કરે,

ઘનશ્યામ જેવું મેઘ સમ છે, સ્વરૂપ સુંદર આપનું;

વિશુધ્ધ મથુરા આપના, સાનિધ્યમા શોભી રહ્યુ,

સહુ ગોપ ગોપી વૃંદને, ઇચ્છિત ફળ આપી રહ્યુ;

મમ કોડ સૌ પૂરા કરો, જયમ ધ્રુવ પરાશરના કર્યા,

વંદન કરુ શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રીકૃષ્ણના ચરણો થકી, શ્રી જાહ્નવી ઉત્પન્ન થયા,

સત્સંગ પામ્યા આપનો ને, સિધ્ધિ દાયક થઇ ગયા;

એવુ મહાત્મ્ય છે આપનુ, સરખામણી કોઇ શુ કરે,

સમ કક્ષામાં આવી શકે, સાગર સુતા એક જ ખરે;

એવા પ્રભુને પ્રિય! મારા, હૃદયમાં આવી વસો,

વંદન કરુ શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરુ પ્રેમથી,

યમ યાતના આવે નહિ મા! આપના પય પાનથી;

કદી દુષ્ટ હોઇ એ તોય પણ, સંતાન છીએ અમે આપના

સ્પર્શે ન અમને કોઇ ભય, છાયા સદા છે આપની,

ગોપીજનો ને પ્રિય બન્યા, એવી કૃપા બસ રાખજો,

વંદન કરું શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રીકૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો,

ભગવદ્ લીલામાં થાય પ્રીતિ, સ્નેહ એવો આપજો;

જયમ આપનાં સંસર્ગથી, ગંગાજી પુષ્ટિમાં વહ્માં,

મમ દેહ મન શ્રીકૃષ્ણ ને, પ્રિય થાય એવાં રાખજો;

વિરહાત્તી મા હે માત, મારા હૃદયમાં બિરાજજો,

વંદન કરું શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે,

શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી, મોક્ષનો અધિકાર છે,

પણ આપની સેવા થકી, અદ્ભુત જલ ક્રીડા તણા,

જલના અણુની પ્રાપ્તી થાયે, ગોપીજનોનાં સ્નેહથી;

એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારુ એમાં સ્થાપજો,

વંદન કરું શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૮)

કોઇ સ્નેહથી કરશે સદા, આ પાઠ યમુનાષ્ટક તણો

નિશ્ચય પ્રભુને પ્રિય થાશે, તે નાશ થશે પાપનો;

સિધ્ધિ સકલ મળશે અને, શ્રીકૃષ્ણમાં વધશે પ્રીતિ,

આનંદ સાગર ઉમટશે ને, સ્વભાવ પણ જાશે જીતી;

જગદીશને વ્હાલા અમારા, વલ્લભાધીશ ઉચ્ચરે,

વંદન કરું શ્રીયમુનાજીને, શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૯)

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.