વૈષ્ણવ ૦૮ - ગદાધરદાસ
કીર્તનના શબ્દો
॥ વાર્તા ૮ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક ગદાધરદાસ, કપિલ, સારસ્વત બ્રાહ્મ કડામાં રહેતા તેમની વાતનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: ગદાધરદાસ મકર સ્નાન માટે તીર્થરાજ પ્રયાગ વર્ષે વર્ષે જતા. એક સમય ગદાધરદાસ જ્યારે પ્રયાગમાં હતા ત્યાં શ્રીઆચાર્યજી પધાર્યા. પંડિત બધા શ્રીઆચાર્યજી સાથે ચર્ચા કરવા આવતા. ગદાધરન કાક પ્રયાગ રહેતા ત્યાં ગદાધરદાસ ઊતરતા. તે ગદાધરદાસન કાક પંડિત હત પરંતુ શેવ હતા. કાકાએ ગદાધરદાસને કહ્યું, શ્રીવલ્લભાચાર્યજી પધાર્યા છે, તેમનાથી મારે કંઈ સંદેહ પૂછવો છે તેથી હું ત્યાં જાઉં છું. ગદાધરદાસે કહ્યુ કે હું પણ ચાલીશ પછી બંને આવ્યા. ગદાધરદાસના કાકાએ શ્રીઆચાર્યજીને પૂછ્યું કે મહારાજ! ઠાકુર તો એક છે પરંતુ વૈષ્ણવ સમ્પ્રદાયમાં અલગ અલગ કેમ છે? કોઈ કૃષ્ણને, કોઈ રામને, કોઈ નૃસિંહને, કોઈ નારાયણ આદિને માને છે, તેમાં નિશ્ચય કયા ઠાકુર છે? શ્રીઆચાર્યજી કહે, ચક્રવર્તી રાજાનું રાજય બધી પૃથ્વી ઉપર છે અને બીજા રાજા દેશના અને ગામ ગામના, તે બધા પણ રાજા કહેવાય, પરંતુ ચક્રવર્તી રાજાના આજ્ઞાકારી. તે પ્રમાણે જ પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે સર્વોપરી બીજા અવતાર અંશકલા કરીને થાય. બધા શ્રીકૃષ્ણના આજ્ઞાકારી, ઠાકુર તો બધાને કહીએ. ત્યારે ગદાધરદાસન કાક ચૂપ કરી રહ્ય. ગદાધરદાસ દેવી જીવ, તેમના મનમાં સિદ્ધ બેસી ગયો કે શ્રીઆચાર્યજીની શરણે જઈએ તો શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થશે. ગદાધરદાસે શ્રીઆચાર્યજીને દંડવત પ્રણામ કરી, વિનંતી કરી, મહારાજ! શરણે લો સંસારમાં બહુ ભટક્યો. શ્રીઆચાર્યજીએ કહ્યું કે તમે તમારા કાકાને પૂછો, એનું ચિત્ત દુઃખ પામે તો સેવક શા માટે થાવ? ગદાધરદાસના કાકાએ કહ્યું મહારાજ! અમારે તો ગાયત્રી મંત્રથી કામ છે, બીજું અમે જાણતા નથી. ગદાધરદાસની એ જાણે, ન અમે હા કહીએ, ન અમે ના કહીએ. ગદાધરદાસએ કહ્યું કે હવે હું આપનો દાસ હતો. હવે સંસારી જીવથી વ્યવહાર મારે નથી, હું આપને શરણે આવ્યો છું કૃપા કરીને મને શરણે લો, અને આ બહિર્મુખ ક્યારે કહેશે કે તું સેવક થા. આ પ્રકારે ગદાધરદાસના વચન સાંભળીને ગદાધરદાસન કાકા ત્યાંથી ઊઠીને બહાર આવીને ઊભા રહ્યા.
શ્રીઆચાર્યજી ગદાધરદાસના ઉપર બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે વિના સેવક આવી ટેક છે તો સેવક થયે ભલો વૈષ્ણવ થશે. આચાર્યજી કહે જા ત્રિવેણીમાં નહાઈ આવ. ત્યારે ગદાધરદાસ ન્હાઈને અપરસમાં આવ્યા. શ્રીઆચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મસંબંધ કરાવ્યું, એટલે ગદાધરદાસે વિનંતી કરી, મહારાજ! હવે મારું શું કર્તવ્ય છે? ગદાધરદાસને શ્રીઆચાર્યજી કહે છે કે તમે ભગવત્સેવા કરો, મને તમારા ઘરમાં ઠાકુર છે તે આપો તો હું ચાલું. તેણે કહ્યું ક લઈ જાવ, મારે ઠાકુરથી શું કામ છે? ગદાધરદાસ કાકાની સાથે ઘરે ગયા અને ઠાકુરજી માગ્યા. તેણે કહ્યું કે ખાનપાન તો કરો, બપોર થયો છે, શ્રીઠાકુરજી પછી લઈ જજો. ગદાધરદાસે કહ્યું, હવે અમારે તમારે જલ-વ્યવહાર નહીં. શ્રીઠાકુરજી દો અમે શૈવમાર્ગીય છીએ. અમારે ઠાકુરથી શું કામ? અમે તો મહાદેવજીને જાણીએ તેથી જલદી લઈ જાવ.
શ્રીઠાકફુરજીએ ગદાધરદાસના કાકાનું મન એથી ફેરવ્યું કે ભગવદીય જેનું ઘર છોડે ત્યાં ઠાકુરજી પણ ન રહે, તેથી જલદી આપ્યા. આચાર્યજીએ તે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને શ્રીમદનમોહનજી નામ ધર્યું ગૌર સ્વરૂપ છે. ત્રણ દિવસ ગદાધરદાસ શ્રીઆચાર્યજી પાસે રહ્યા, સેવાની બધી રીતિ શીખ્યા. શ્રીઆચાર્યજીએ 'ભક્તિવૃદ્ધિની' ગ્રંથ કર્યો, તેનું વ્યાખ્યાન કર્યું છે તેમાં આપે આજ્ઞા કરી છે કે,
“અવ્યાવૃત્તો ભજેત્કૃષ્ણં પૂજ્યા શ્રવણાદિભિઃ । વ્યાવૃત્તોડપિ હરૌ ચિત્તં શ્રવણાદીયતેત્સદા ।।!"
તેમાં સેવા અવ્યાવૃત્ત થઈને કરવી એમ કહ્યું તેથી ઊતરતી કક્ષાએ કે વ્યાવૃત્તિ કરે અને હરિમાં મન રાખે. આ સાંભળતાં જ ગદાધરદાસે સંકલ્પ કર્યો કે વ્યાવૃત્તિ કંઈ ન કરવી. ગદાધરદાસ શ્રીઆચાર્યજી મહાપ્રભુથી વિદાય થઈ ઓડછા ગામે પોતાના ઘરે આવ્યા. એમનું લગન તો થયું ન હતું. મા-બાપ પણ ન હતા, એમની અવસ્થા પણ તીસ વર્ષની હતી. તેથી તેમણે સગાસંબંધીઓને કહ્યું, હવે તમે બીજા ઘરમાં જઈને રહો. હું વૈષ્ણવ થયો છું હવે મારે તમારે જલનો વ્યવહાર નથી રહ્યો. તેઓ બીજા ઘરમાં જઈ રહ્યાં પછી ગદાધરદાસ બધું ઘર કામ કરી સેવા શ્રી મદનમોહનજીની પ્રીતિથી કરવા લાગ્યા.
વાર્તાપ્રસંગ ૧: ગદાધરદાસને શ્રીમદનમોહનજી સાનુભાવ જણાવતા. પહેલાં ગદાધરદાસ યજમાનના ઘરે જતા. જે જોઈએ તે લઈ આવતા વૈષ્ણવ થયા પછી આવ્યા વૃત્ત જેવા રહેતા, બધી જગાએ જવું છોડી દીધું. જે આવે તેમાં નિર્વાહ કરે. એમનું ચિત્ત ફલરૂપ નાનસી સેવામાં લાગ્યું. “ચેતસ્તત્પ્રવણ્ સેવા” એ ભાવમાં મગન રહે તનુજાવિત્તજા જે બને તે કરે. બહુ સંગ્રહ કરે નહીં, જે આવે તેની સામગ્રી શ્રીમદનમોહનજીને ભોગ ધરે. વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવી દેતા, એ પ્રકારે ત્યાગપૂર્વક રહેતા. પછી એવું બન્યું કે એક દિવસ ભગવદિચ્છાથી યજમાનના ઘરેથી કંઇ આવ્યુ નહી.
ભાવપ્રકાશ: તેનું કારણ એ કે શ્રીઠાકુરજીએ પરીક્ષા લીધી કે અવ્યાવૃત્તનો સંકલ્પ થવો સહજ છે, પરંતુ ન મળે ત્યારે ધીરજ રહે એ મહા કઠણ છે. તેથી કંઈ ન આવ્યું.
ત્યારે મંગલામાં જલની લોટીનો ભોગ ધરી શ્રુંગારમાં અને રાજભોગમાં પણ જલ ધર્યું પછ ઉત્થાપન અને સેનપર્યત જલ જ ધર્યું, પરંતુ ઉધાર ન લીધું.
ભાવપ્રકાશ: કેમ કે એવો વ્યવહાર છે કે જે ઉધાર લે તો લેણદારનું જ્યાં સુધી દ્રવ્ય ન દે ત્યાં સુધી તેની સેવા ગણાય, પોતાની નહીં. કાળનું પ્રમાણ નહીં ઉધાર લીધું ને દેહ છૂટી જાય તો ઋણ માથે રહે, પાછો જન્મ લેવો પડે એમ શાસ્ત્રમાં કહે છે. પરંતુ આમને તો કાળનો ડ૨ નથી. અવ્યાવૃત્ત થઈ શ્રીઆચાર્યજી મહાપ્રભુના ગ્રંથનો આશ્રય કર્યો છે.
એમ કરતાં રાત્રિ પ્રહર દોઢ ગઈ. છાતીમાં આગ જેવું લાગ્યું કે આજ મારા ઠાકુર ભૂખ્યા રહ્યા.
ભાવપ્રકાશ: એનો હેતુ એ કે યદ્યપિ જલ ધરીને માનસીમાં બધું આરોગાવ્યું છે અને શ્રીઠાકોરજી આરોગ્યા પણ છે. કેમ કે એ પણ શ્રીરાધા સહચરીની સખી છે, 'ક્લકંઠી' એમનું નામ છે, કુમારિકાના યૂથમાં છે. એમને શ્રીયમુનાજીનો આશ્રય છે. રાધા સહચરીના ગાન સમયે એ સ્વર પૂરે છે. એમનો પણ કંઠ બહુ સુંદર છે, તેથી શ્રીયમુનાજીના ભાવથી બધા ભોગમાં જલ જ ધર્યું. સઘળી સામગ્રી ભાવ વડે સિદ્ધ છે પરંતુ આ સામગ્રીમાં વૈષ્ણવનું સમાધાન નથી, બધી ઈન્દ્રિયોની સેવા નથી. સામગ્રી હાથથી ધરે અને વ્રજભક્તિની માનસી પણ કરે, અને શ્રીઠાકુરજીને અલગ મનોરથ પણ કરે એ પુષ્ટિમાર્ગની રીતિ છે. જો સામગ્રી હાથથી ભોગ ધરવામાં પ્રીતિ ન હોય તો વ્રજભક્તોને ભાવ પણ છૂટી જાય, જ્નાનમાર્ગથી રીત થઈ જાય. પત્ર, પુષ્પ, ફલ તોયે “યોમે ભક્તયા પ્રયચ્છતી'' આ વાક્યમાં ગૂઢ અર્થ છે. મર્યાદા માર્ગીયના ભાવમાં પત્ર, પુષ્પ, ફલ, જલ, જેવું બન્યું તેવું ધર્યું. સામગ્રીનો આગ્રહ નથી. ગીતામાં ક્હે કે ભક્ત (થઈને) ધરે. એમાં એ અર્થ છે કે ભક્ત હોય તે ચારે વસ્તુ વિવેકપૂર્વક ધરે. સ્નેહી હોય તેને ભક્ત કહીએ. તેમાં જે પત્ર તથા પોઈનાં પત્તાં, અરવીનાં પત્તાં, તેનાં પત્રોડાં વગેરે સ્નેહથી સિદ્ધ કરીને ધરે. જ્યારે જ્ઞાનીને સ્નેહ નથી. તે મીઠાં કડવાં પત્તા ધરે અને ફૂલમાં ગુલાબનાં ફૂલને ખાંડમાં મેળવી સામગ્રી કરી પ્રેમથી આરોગાવે. ફલ પણ સુંદર મીઠાં કરડાં ચાખીને ધરે. ભક્ત હોય તો ચાખે. યદ્યપિ મર્યાદામાં ભીલડી 'શબરી' હતી. તે પણ વનમાં ફળને ખાઈને ધરતી કેમ કે ફળ ઝેરી હોય, કોઈ કીડાનુ ખાધેલું હોય તો પહેલાં મને દુઃખ થાય. પરંતુ શ્રીરામચંદ્રજીને ન થાય, આમ સ્નેહપૂર્વક વિચારતી તેથી શ્રીરામચંદ્રજીએ વખાણ કર્યા કે આવાં ફળ દશરથ પિતાને ત્યાં અને જનક વિદહીને ત્યાં લગ્નમાં પણ નથી ખાધાં. કેમકે ત્યાં આવી પ્રીતિ નહીં. ભક્તિ સિદ્ધ કરીને ધરે, જ્ઞાની જેવું મળે તેવું ધરે, અને ગદાધરદાસ તો પુષ્ટિમાર્ગીય લીલા સંબંધી છે. તેથી હૃદયપૂર્વક જલ તો ધર્યું. પરંતુ સ્નેહી છે તેથી છાતીમાં આગ લાગી, કે આજ કંઈ ન આવ્યું. છાતીમાં વિરહ રૂપી આપી કે આજ કંઈ ધર્યું નહીં. કારણ જે વૈષ્ણવને લેવડાવ્યા વિના શ્રીઠાકુરજી ભૂખ્યા જ છે, આ પ્રકારનો ગૂઢ ભાવ, તેમના હૃધ્યનો છે. શ્રીઠાકુરજીને વિરહનું દાન તેમને કરવું છે તેથી કંઈ ન આવ્યું, છાતીમાં વિરહરૂપી અગ્નિ લાગી અને મુખ્ય અધિકારી થયા જેને વિરહ નથી તેને પુષ્ટિ માર્ગનું ફલ નથી. આ પ્રકાર દોઢ પ્રહર રાત્રિ ગઈ.
ત્યારે એક યજમાન આવ્યો. ગદાધરદાસને પોકારીને કમાડ ખોલાવીને રૂપિયા ચાર અને કંઈક વસ્ત્રાદીક આપ્યાં, અને કહ્યું કે આજ અમારે શુદ્ધ શ્રાદ્ધ હતું તેની દક્ષિણા લો, એમ કહી ઘરે ગયો. ગદાધરદાસના હૃદયમાં વિરહ તો બહુ કે જલદી કઈ વસ્તુ ધરું? એ ભાવથી એક રૂપિયો લઈ સામગ્રી લેવાને બજારમાં ગયા. બજારમાં એક હલવાઈ જલેબી કરતો હતો. તે જોતાં જ તેને પૂછ્યું, આમાંથી કોઈને આપી તો નથી? ત્યારે તેણે કહ્યું, હમણાં કરી છે, વેચી નથી. રૂપિયો દઈ કહે, જલદી તોલી દે. તે લઈને ઘેરે આવ્યા. ન્હાઈને શ્રીઠાકુરજીને જલેબી ભોગ ધરી. શ્રીઠાકુરજીને પોઢાવી વૈષ્ણવોને બોલાવી મહાપ્રસાદ બધો લેવડાવી દીધો. પોતે ભૂખ્યા સૂઈ રહ્યા પરંતુ મનમાં સુખ પામ્યા કે શ્રીઠાકુરજી આરોગ્યા અને વૈષ્ણવના સમાધાનનો દિવસ ખાલી ન પડ્યો. ત્રણ રૂપિયાનું સીધું સામાન લાવી, સામગ્રી કરી ભોગ કર્યા. શ્રીઠાકુરજીને પોઢાવી વૈષ્ણવોને બોલાવી મહાપ્રસાદની પાતળ ધરી. વૈષ્ણવો મહાપ્રસાદ લેતાં બોલ્યા, કે ગદાધરદાસ! રાત્રિએ મહાપ્રસાદ દીધો તે સામગ્રી તો અમે પણ કરીએ છીએ પરંતુ એવો સ્વાદ નથી આવતો. માટે એવી ક્રિયા અમને પણ બતાવો. ગદાધરદાસે કહ્યું, કાલ મારા ઘરમાં કંઈ ન હતું, પરંતુ રાત્રિએ રૂપિયા ચાર આવ્યા, તેમાંથી એક રૂપિયાની જલેબી બજારમાંથી લાવ્યો, વગેરે પ્રકાર બધો કહ્યો. બધા વૈષ્ણવો ગદાધરદાસની ઉપર પ્રસન્ન થયા.
ભાવપ્રકાશ : તેનો હેતુ એ છે કે શ્રીઠાકુરજી અને શ્રીઆચાર્યજી એમના ઉપર પ્રસન્ન છે. બધા વૈષ્ણવોના હૃદયમાં તેઓ છે. બુદ્ધિપ્રેરક તો શ્રીકૃષ્ણ છે અને નિષ્કપટ શુદ્ધ ભાવવાળા વૈષ્ણવ પર કોઈ અપ્રસન્ન ન થાય. આ પ્રકારે વૈષ્ણવો પ્રસન્ન થયા ત્યારે ગદાધરદાસજીએ એક કીર્તન ગાયું.
“ગોવિંદ-પદ-પલ્લવ સિર પર બિરાજમાન
તિનકો કહા કહિ આવે, સુખકો પ્રમાન |
બ્રજ-દિનેસ દેળ બૂસત, કાલાનલ હું ન ત્રસત,
બિલસત મન હુલળત, કરી લીલા દસ પાન
ભીંજે નિત નેન રહત, વરિ કે ગુનગાન કહત
જાનત નહિં ત્રિવિધ તાપ, માનત નહિં આન |
તિનકે મુખ-કમલ દરસ, પાવન પદરેનું પરસ.
અધમ જન 'ગદાધર' સે, પાવત સન્માન !”
કહે છે કે હું અધમજન છું, પરંતુ તમે ભગવદીય છો તેથી મારા જેવાનું સન્માન કરો છો. આ પ્રકારે વૈષ્ણવોમાં અને શ્રીઠાકુરજીનાં દઢ પ્રીતિ એક રસ હતી. તેથી શ્રીઠાકુરજી અને વૈષ્ણવો એમને વશ હતા. એવા ગદાધરદાસ ઉત્તમ ભગવદીય હતા.
વાર્તાપ્રસંગ ર: એક દિવસ ગદાધરદાસે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા માટે બોલાવ્યા હતા. બધી સામગ્રી કરી પરંતુ શાક કંઈ ન હતું. ત્યારે ગદાધરદાસે વૈષ્ણવો બેઠા હતા તેમને કહ્યું કે, એવો કોઈ વૈષ્ણવ છે, કે શાક લઈ આવે? ત્યારે માધવદાસ (વેણીદાસના ભાઈ) કે જેમણે વેશ્યા ઘરમાં રાખી હતી તે બોલ્યા, કહો તો હું લઈ આવું.
ભાવપ્રકાશ: એનો આશય એ કે મે વેશ્યા રાખી છે, મારુ લાવ્યું લેશો? ત્યારે ગદાધરદાસ કહે, લઈ આવો, કારણ ગદાધરદાસના હૃદયમાં દોષ દૃષ્ટિ નથી. શ્રીઆચાર્યજીનો સંબંધ જાણે છે, તેથી કહે લઈ આવો.
ત્યારે માધવદાસ બરુવાની ભાજી લઈ આવ્યા. ગદાધરદાસે પ્રસન્ન થઈને કહ્યું, જલદી સુધારી દો.
ભાવપ્રકાશ: એમાં એ સુચવ્યું કે પ્રીતિથી લાવ્યા, ત્યારે સુધારવાની મુખ્ય સેવા પણ આપી. તેમાં જણાવ્યું કે સેવા પ્રીતિથી કરવી પછી કેવો પણ જીવ હોય તો પણ તેના હાથનું શ્રીઠાકુરજી પ્રીતિથી અંગીકાર કરે છે.
સામગ્રી સિદ્ધ કરી શ્રીઠાકુરજીને ભોગ ધર્યો. સમય થયે ભોગ સરાવી અનોસર કરી બધા વૈષ્ણવોને મહાપ્રસાદની પાતળ ધરી. વૈષ્ણવોએ મહાપ્રસાદ લેતાં શાકને વખાણ્યું. ગદાધરદાસ પીરસતાં પીરસતાં જયારે માધવદાસ પાસે આવ્યા ત્યારે પ્રસન્ન થઈને માધવદાસને કહે કે તારું લાવેલું શાક શ્રીઠાકોરજી આરોગ્યા છે તેથી તને હરિભક્તિ દૃશ્ય થશે. એ આશીર્વાદ દીધો.
ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે રંચક સેવા શાકની માધવદાસે દીનતાથી કરી તો ઠાકોરજી પ્રીતિથી આરોગ્યા. શ્રીઠાકુરજી પ્રીતિથી આરોગ્યા એ ત્યારે જાણીએ કે જ્યારે વૈષ્ણવ પ્રસાદ લઈ વખાણ કરે. એટલે બંને સેવા સિદ્ધ થાય. વળી ભગવદીય સમાન ઉદાર કોઈ નથી કે રંચક શાકની સેવા કરી તેમાં જન્મ જન્મનો સંચાર મટાડી હરિ-ભક્ત કરી દીધા. એવા ગદાધરદાસ ભગવદીય છે.
વાર્તાપ્રસંગ ૩: બીજું, કોઈ દિવસ ગામ બહાર વણઝારો આવી ઉતર્યો હતો. તેને બળદ જોઈતા હતા. તે ગામમાં આવ્યો હતો. ગામમાં ગદાધરદાસના સગાં, બ્રાહ્મણ હતા. તેઓ ગદાધરદાસની ઈર્ષા કરતા કે ભગત થયો છે. તે વણઝારાએ આ બ્રાહ્મણને પૂછ્યું કે અમારે બળદ મોલથી (વેચાતા) લેવા છે તે ક્યાં મળશે? બ્રાહ્મણોએ કહ્યું, ગદાધરદાસ ભગત છે, તેમને ત્યાંથી જેટલા બળદ જોઈએ તેટલા લો. આમ તો એ નહીં આપે એમની પાસે પહેલા રૂપિયા આપો અને કહેજો કે જ્યાંથી ઇચ્છા હોય ત્યાંથી મંગાવી દો. બીજા દિવસે જજો, ત્યારે બળદ તમને મળશે. એટલે તે વણઝારો રૂપિયા સો લઈ ગદાધરદાસની પાસે આવ્યો અને કહ્યું, અમને બળદ લેવા છે તે અમને મંગાવી આપો. ગદાધરદાસે કહ્યું ભાઈ! અમારે બળદ ક્યાં? ગામમાં પૂછો. અમે તો જાણતા નથી. વણઝારાએ રૂપિયા સો લઈ ગદાધરદાસની આગળ મૂક્યા, પછી ઊઠીને ચાલ્યો અને કહ્યું કાલે બળદ લેવા આવીશ. મને ગામના લોકોએ આ પ્રકારે બતાવ્યું છે. ગદાધરદાસે જાણ્યું કે અમારી જ્ઞાતિનાએ આને ભરમાવ્યો છે. પછી ગદાધરદાસે કહ્યું, કાલ મધ્યાન્હ સને તો તમો રૂપિયા નહીં જોઈ શકો, તો પણ વણઝારો પ્રસન્ન થઈને કહે કે ભલે, એ રૂપિયા રાખો. ગદાધરદાસજીએ રૂપિયા સોની સામગ્રી મગાવી, બધો પાક સિદ્ધ કરી બીજા દિવસે ભોગ ધર્યો, બધા વૈષ્ણવોને પીરસતા હતા, મધ્યાન્હ થયો ત્યારે વણઝારો આવ્યો. ગદાધરદાસે કહ્યું, ઠીક સમય ઉપર આવ્યો. આ બધા ઠાકુરજીના બળદ છે. આમાં વાછડા પણ છે, તારણ પણ છે, જેવા જોઈએ તેવા જોઈને લો.
ભાવપ્રકાશ: એનો આશય એ કે બળદ ધર્મનું રૂપ છે. તેથી ગદાધરદાસ કહે, આજના કાળમાં ધર્મ આ વૈષ્ણવોમાં છે. ધર્મ લેવો હોય તો જોઈ લે, બળદ ને જે કામમાં લગાડો તે કરે, ના ન કહે, જો ખવડાવો તો જ ખાય, સંતોષ કરે. તેવા આ વૈષ્ણવો, જે બધા કામમાં ચાલે છે અને તેને જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ છે.
તે વણઝારાની સામગ્રી શ્રીઠાકુરજી આરોગ્યા, વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો અને ગદાધરદાસે પ્રસન્ન થઈને ઉપર પ્રમાણે કહ્યું. વણઝારાને જ્ઞાન થઈ ગયું કે આ તો ભગવદ્ભક્ત છે. ગામના લોકોએ મશ્કરી કરી લડાવવાનો ઉપાય કર્યો હતો, પરંતુ મારા તો મોટા ભાગ્ય છે કે આ બહાને મારા સરખા પાપીની સત્તા અંગીકાર કરી. હવે હું એમને શરણે જઈ કૃતાર્થ થઉં. સાષ્ટાંગ દંડવત કરીને ગદાધરદાસને તેણે કહ્યું, હું રાત્રિ દિન સંસાર સમુદ્રમાં ભટકું છું, હવે તમારી શરણે આવ્યો છું, મારો ઉદ્ધાર કરો. ગદાધરદાસે કહ્યું અમે તો સેવક કરતા નથી, પરંતુ આ બધા વૈષ્ણવો અને અમે શ્રીઆચાર્યજીના સેવક છીએ, તેઓ અડેલમાં બિરાજે છે. તેમનો સેવક થા. ગદાધરદાસે તેને દૈવી જીવ જાણીને એને મહાપ્રસાદ આપ્યો. વણઝારો અડેલ આવી શ્રીઆચાર્યજી પાસે નામ પામી કૃતાર્થ થયો.
ભાવપ્રકાશ: એમાં એ જણાવ્યું કે ભગવદીયના એક ક્ષણના સંગથી ઉત્તમ જીવ હોય તો તેનું કાર્ય થઈ જાય. ગદાધરદાસ એવા ભગવદીય હતા, એમના હૃદયનો અગાધ ભાવ છે, તે કેવી રીતે કહી શકાય?
ગદાધરદાસજી શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી એમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. ॥ વાર્તા ૮ ।।